Albela - 2 books and stories free download online pdf in Gujarati

અલબેલા - 2


(ભાગ ૨)

"તમે ક્યાં લઈ આવ્યા છો મને ?" - સાહિલને ધ્રાસ્કો પડ્યો.

"અરે ! તારા જન્મદિવસને યાદગાર બનાવવા આવ્યા છીએ." પ્રતિકે રંગીન મિજાજમાં આવીને કહયું.

"પણ કોઈ જોઈ જશે તો શું વિચારશે આપણાં માટે ?" સાહિલે પૂછયું.

"અરે બાપલ્યા ! કોઈ નહિ જોશે, આપણે અહીં બીજા ખાસ કામ માટે આવ્યા છીએ." અનુરાગે અન્ય કારણ બતાવવાનો પ્રયત્ન કર્યો.

"શું ખાસ કામ ?" સાહિલે કટાક્ષમાં પૂછ્યું.

"ભવ્યએ આર્ટિકલ લખવાનો છે અને તેની પાસે કોઈ ટોપિક નહોતો તેથી તેણે આ ટોપિક પર કંઈક લખવાનો વિચાર કર્યો છે." અનુરાગે ચોખવટ કરી.

આટલી વાતો કરીને પ્રતિક અને અનુરાગ છટકી ગયા અને ભવ્ય સાહિલ સાથે જ રહ્યો.

***

બંને એ શેરીમાં થોડું આગળ ચાલવાનું રાખ્યું. તેઓ અજબ જગ્યાની અજાયબીઓ નિહાળી રહ્યાં હતાં.

લાંબી એવી શેરીમાં બધી બાજુ લાલ લેમ્પસ, ચમકતી લાઈટ્સ અને હળવું સંગીત સંભળાય રહ્યું હતું જે વાતાવરણને વધુ માદક બનાવી રહ્યું હતું.

સાહિલને અંદરથી બેચેની થવા માંડી હતી.

તેટલામાં તેઓ શેરીના મધ્યભાગમાં આવી પહોંચ્યા.

**

"સાહિલ, તને નથી લાગતુ આપણે કોઈ સાથે વાત કરવી જોઈએ ?" ભવ્યએ સાહિલને ફોસલાવવાનો પ્રયત્ન કર્યો.

"ના, હું રૂમમાં નહિ આવું, તારે જવું હોય તો જઈ શકે છે,"

"જા ભાડમાં, છોકરીઓ જેવા નાટક છે તારા." ભવ્ય ગુસ્સે થઈને ચાલવા માંડયો.

સાહિલ એકલો ઊભો રહ્યો. તેણે આજુબાજુમાં નજર ફેરવી. હવે તે પહેલાં કરતા વધુ સંકોચ અનુભવી રહ્યો હતો.

વીસ મિનિટ જેટલો સમય વીતી ગયો. તે શેરીના મધ્યભાગમાં બ્લેક જીન્સ, સફેદ ટી-શર્ટ ઉપર બ્લેક જેકેટ પહેરીને સજ્જ થઈને ઊભો હતો. તેથી ત્યાંથી પસાર થતા લોકો તેને સતત જોઈ રહ્યા હતા. તે ઉપરાંત સામેના માળેથી બધી વૈશ્યાઓ તેને બૂમો પાડીને બોલાવી રહી હતી.

તેટલીવારમાં સામે બેસેલી પ્રભાદેવી જે આ વેશ્યાવૃત્તિના કારોબાર ની મુખ્ય દલાલ હતી તેની નજર સાહિલ પર પડી અને તેને બૂમ પાડી.

"ઑય, તારે નથી જવું રૂમમાં ?"

"ના, હું અહીં જ બરાબર છું." સાહિલે ધીમા સ્વરે કહ્યું.

"શરમાય ગયો છોકરો!" પ્રભાદેવી હળવેથી હસવા માંડી.

રાત્રિના સાડા આઠ વાગી ગયા હતા.

વાદળછાયું વાતાવરણને લીધે આકાશમાં વાદળા ગર્જના કરવા માંડ્યા અને કડકડાટ વીજળી સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો. શેરીમાં લોકોની અવર-જવર બંધ થઈ ગઈ. થોડીવારમાં સમગ્ર ટોળું વિખેરાઈ ગયું.

સાહિલ સામેની તરફ એક છત પાસે ઊભો રહી ગયો અને પોતાનું ભીંજાયેલું જેકેટ ઉતારીને ખંખેરી રહ્યો હતો. ત્યાં અચાનક, સાહિલના માથે વરસાદના જાડાં ટીપાઓ પડવા માંડ્યા એટલે તેણે બહાર આવી ઉપર તરફ નજર કરી.

સફેદ કલર ના ડ્રેસમાં, ચેહરા પર ખુલ્લા ભીંજાયેલા વાળ, હાથમાં ગુલાબી રંગની બંગડી, નાકમાં નથણી અને કાનમાં લટકતાં આસમાની વાદળી રંગના ઝૂમકામાં સંપૂર્ણ ભીંજાયેલ એક સુંદર છોકરી વરસાદના ટીપાને પોતાના હાથની હથેળીમાં ઝીલી રહી હતી.

વરસાદ જાણે તેની આ તત્પરતા અને રૂપ ને જોવા માટે આજે મન મૂકીને વરસી રહ્યો હોય તે રીતે થોભવા માંગતો નહોતો.

વરસાદના ટીપા આ અપ્સરા જેવી લાગતી છોકરીના તન પર મન મૂકીને વરસી રહ્યા હતા. આ તરફ આ અપ્સરા પણ વર્ષોથી આ વરસાદની રાહ જોઈ રહી હોય એ રીતે આ વરસાદી વાતાવરણને તન-મનથી જીવી રહી હતી.

નીચે ઊભેલો સાહિલ મોર બનીને નાચી રહેલી આ અપ્સરાને નિહાળી રહ્યો હતો. તેની નજર આ છોકરી પર પડી અને ત્યાં જ થોભી ગઈ. તેના ચહેરા પર હળવી સ્માઇલ હતી.

સાહિલની નજર એ છોકરી પર સ્થિર હતી.

એકાએક, એ છોકરીની નજર વરસાદના ટીપાને તેની હથેળીમાં લેતાં-લેતાં સાહિલ પર પડી. સાહિલ સાથે નજર મળતા સાહિલની નજર ભંગ થઈ ગઈ અને તે ઊંઘમાંથી જાગી ગયો હોય એ રીતે નજર ફેરવી લીધી.

સાહિલને જોતા છોકરીએ હળવી સ્માઈલ આપી.

છોકરીએ સાહિલની હાલત જોઇ. સાહિલ વરસાદમાં પલળીને ધ્રૂજી રહ્યો હતો એટલે તે અંદરથી એક ટુવાલ લઈ આવી અને સાહિલ પર ફેંક્યો.

"ઑય, આ લઈ લે નહિ તો બીમાર પડી જઈશ."

"થેંક્યું."

"અરે!, તું વરસાદમાં ભીંજાય કેમ રહ્યો છે? ઉપર આવી જા."

"ના, હું અહીં જ બરાબર છું. હું અહીં જ મિત્રોની રાહ જોઈ લઈશ. ઉપર ઘણા લોકો હશે." સાહિલે કહ્યું.

"તો મારા રૂમમાં આવી જા, ત્યાં કોઈ નથી." છોકરીએ રોમેન્ટિક મિજાજમાં કહ્યું.

"ના"

"કેમ, હું તને સારી નઈ લાગી ?" છોકરીએ માસૂમ સ્વરે સવાલ કર્યો.

"તમે ખૂબ સુંદર છો પણ હું એવી જગ્યાએ નથી આવતો." સાહિલે ચોખવટ કરી.

"ઓહ હેલ્લો, એ કોઈ એવી તેવી જગ્યા નથી, મારો પર્સનલ રૂમ છે ત્યાં કોઈ નથી આવતું."

તારાથી કોઈ ચાર્જ વસૂલ નહિ કરું, હવે તો આવી જા ડરપોક." છોકરીએ આશ્વાસન આપ્યું.

સાહિલે છોકરીની વાત સ્વીકારી લીધી અને તે પગથિયાં ચઢીને ઉપર પહોંચી ગયો.

**

છોકરીએ રૂમનો દરવાજો ખોલ્યો અને સાહિલને અંદર આવવા માટે કહ્યું. સાહિલ હજુ પણ મનમાં સંકોચ અનુભવી રહ્યો હતો કે પોતે આ રીતે રૂમ સુધી નહોતું પહોંચવું તેમ છતાં આવી પહોંચ્યો.

"મારું નામ રચના છે, તારું નામ ?" છોકરીએ પોતાનો પરિચય આપ્યો.

"સાહિલ."

રચનાએ રૂમમાં રહેલ મંદિરમાં સળગતા દીવાની જ્યોત પર હથેળી ફેરવીને દર્શન કર્યા.

સાહિલે રચના ના રૂમમાં ભગવાનનું નાનકડું મંદિર જોયું એટલે તેને નવાઈ લાગી કે આ લોકો પણ ભગવાનનું મંદિર રાખતા હોય શકે?

સાહિલ અનેક સવાલો લઈ રચના ના રૂમમાં પ્રવેશી ગયો હતો પણ શું બોલવું એ કંઈ ખબર નહોતી પડતી.

રચના કબાટમાંથી ટુવાલ કાઢીને પોતાના વાળ લૂંછી રહી હતી અને સાહિલ ત્રાંસી આંખે તેને જોઈ રહ્યો હતો.

"ગર્લફ્રેન્ડ છે તારી ?" રચનાએ સીધો સવાલ કર્યો.

"હા, કૉલેજમાં." સાહિલથી એકાએક બોલાય ગયું.

"તો અહીં આવવાની શું જરૂર પડી?" રચનાએ સાહિલની મશ્કરી કરતા કહ્યું.

"ના, તમે જેવું વિચારો છો હું એવો નથી." સાહિલે સ્પષ્ટતા કરી.

"ઑય મિસ્ટર, 'તમે' કહીને આટલો આદર નહિ આપ. અમને આટલી ઈજ્જતની આદત નથી હોતી. તું મને 'તું' કહીને બોલાવી શકે છે." રચનાએ વધુ મોકળા અવાજે કહ્યું.

"ઓકે."

"તું કરે છે શું ?" રચનાએ સાહિલનું બેકગ્રાઉન્ડ જાણવાનો પ્રયત્ન કર્યો.

"બી.કોમ કરું છું."

"કૉલેજમાં બહું મજા આવતી હશે ને ?" રચનાએ ઉત્સાહી થઈને પૂછ્યું.

"હા."

"તને ખબર છે, મારું પણ ખૂબ મન હતું કૉલેજ કરવાનું પણ મમ્મી ના અવસાન પછી મારું કોઈ નહોતું એટલે હું અહીં આવી ગઈ." રચનાએ પોતાની આપવીતી જણાવી.

"તું ઘણું બધું કરી શકતી હતી તેમ છતાં તું અહીં આવી ગઈ અને ખુશ પણ છે." સાહિલે વળતાં પૂછી લીધું.

"હું ખુશ છું કે નહિ એ તો ખબર નથી પણ મને હસવું ખૂબ ગમે છે." રચનાએ હસી બતાવ્યું.

"આ રીતે કોઈ ખુશ કેમ રહી શકે ?" સાહિલે નવાઈ પામતા પૂછ્યું.

"હવે રડવાથી કે દુઃખી થવાથી કઈ બદલી ન જતું હોય તો ખુશ રહેવામાં ખોટું શું છે ?" રચનાએ આત્મવિશ્વાસભર્યો જવાબ આપ્યો.

રચના ના આ શબ્દો સાહિલના મનમાં ઊંડે ઊતરી ગયા. થોડા સમય પહેલાં તેને સંકોચ થઈ રહ્યો હતો પણ હવે તે ધીમે-ધીમે મોકળો થવા માંડ્યો હતો.

રચના સાહિલ પાસે આવીને બેસી ગઈ.

"તારી ગર્લફ્રેન્ડનું નામ શું છે ?" રચનાએ ફરીથી સવાલ કર્યો.

"મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, એ તો બસ એમજ કહી દીધું." સાહિલે હકીકત જણાવી દીધી.

"કોઈ પસંદ આવી ?"

"ના હું આજ સુધી કોઈને પસંદ આવ્યો, ના મને કોઈ પસંદ આવી."

"તું તો ખૂબ રહસ્યમય લાગે છે." રચનાએ નેણ ઊંચા કરીને કહ્યું.

સાહિલે હળવી સ્માઇલ કરીને ખભા ઉછાળ્યા.

"તને ખબર છે, તે કોઈ દિવસ મનની આંખો ઉઘાડીને કોઈ તરફ જોયું જ નહિ હોય." રચનાએ સાહિલના સ્વભાવ પરથી અંદાજો લગાવ્યો.

"એવું કંઈ હોતું હશે ખરું ?" સાહિલે સ્થિર અવાજે કહ્યું.

"અરે! તું ઘેરાય ગયો છે તારી હતાશા ની દુનિયામાં, એકલતાના ઓરડામાંથી એકવાર બહાર તો આવી જો, મનની દ્રષ્ટિને ઉજાગર કરીને આ દુનિયામાં જ્યારે તું નજર કરીશ તો ડગલે ને પગલે તને ચાહનારા લોકો જ દેખાશે અને તને પણ આ સૃષ્ટિ ગમવા લાગશે." રચનાએ સાહિલના મનમાં દોડતાં એકલતાના ઘોડાંને લગામ લગાવવા અને તેનું વર્ચસ્વ ફરીથી જીવતું કરવા વાસ્તવિક શબ્દો કહ્યા.

સાહિલ રચનાની વાતો અને તેના હાવભાવ ધ્યાનપૂર્વક નિહાળી રહ્યો હતો.

"તને જ્યારે પણ કોઈ છોકરી પસંદ આવે તો મને કહેજે હું તને કહીશ કે એ તારા માટે યોગ્ય છે કે નહિ." રચનાએ કહ્યું.

"સોરી, પણ હું કદાચ અહીં બીજી વાર નહિ આવું."

"સમજી ગઈ, વેઇટ."

રચના અંદર જઈ એક કાગળમાં પોતાનો કોન્ટેકટ નંબર લખીને આવી અને સાહિલને આપ્યો.

"આ મારો મોબાઈલ નંબર છે, તને જ્યારે કોઈ છોકરી પસંદ આવે એટલે મને જણાવજે, હું તને કહીશ કે શું કરવું એ." રચનાએ સાહિલને કાગળ હાથમાં આપતાં કહ્યું.

"ઠીક છે." સાહિલે સ્વીકાર્યું.

"હવે, વરસાદ થોભી ગયો છે, તારે જવું હોય તો જઈ શકે છે. - કે પછી અહીં જ રોકાશે...?" રચનાએ થોભી ગયેલ વરસાદને જોઈ સાહિલની મશ્કરી કરતા કહ્યું.

"ઓકે, થેંક્યું."

આટલું કહીને સાહિલે રચના સામે દોસ્તી માટે નો હાથ લંબાવ્યો. રચનાએ હળવેથી સ્માઇલ કરીને હાથ મિલાવ્યો.

અંતે, સાહિલ અને રચના છૂટા પડ્યા.

જીવનમાં કોઈપણ પ્રકારની મહત્વાકાંક્ષા ન ધરાવનાર સાહિલ, રચનાને મળ્યા બાદ અલગારી થઈને હોસ્ટેલ પરત ફર્યો....

(Third Part Will Be Released Soon)

લેખક :- ચેતન વાઘેલા


બીજા રસપ્રદ વિકલ્પો