અલબેલા Chetan Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અલબેલા

-: અર્પણ :-

પુજ્ય માતા-પિતાને

સર્વે પ્રેમી-પંખીડાઓને

પ્રિય મિત્રોને

મારી કોલેજને


મળસકે ૪.૦૦

લોબી,

રૂમ નંબર - ૨૦૨,

સમરસ હોસ્ટેલ,

ઉધના-મગદલ્લા રોડ,

સુરત.

પિતાએ મોકલેલ પોકેટમનીથી આ વખતે પ્રતિકે વ્હિસ્કી પી લીધી હતી. હોસ્ટેલની લોબીમાં ધૂળ જામી ગઈ હતી. તેના પર પ્રતિક નાઈટટ્રેકમાં આળોટતો હતો. કારણ કે એક દિવસ પહેલા ગલ્સૅ હોસ્ટેલમાં રહેતી અને અર્થશાસ્ત્ર વિભાગમાં અભ્યાસ કરતી અપેક્ષાએ તેના પ્રેમના પ્રસ્તાવને નકારી દીધો હતો. તેમજ બધાની હાજરીમાં તેને ગાળો ભાંડી દીધી હતી. તેથી કેમ્પસમાં ઘણી બદનામી થઈ ગઈ હતી અને ઘણા દિવસોથી વ્હિસ્કી પીધી ન હતી એટલે એક બહાનું મળી ગયું હતું.

એક હાથમાં અડધી ભરેલી વ્હિસ્કીની બોટલ નીચે ઢોળાય રહી હતી. જ્યારે બીજા હાથમાં ગોળ વાળેલી બોલિવૂડ સેલિબ્રિટીના ફોટાવાળી મેગેઝીન હતી. શરીરમાં ધીમે-ધીમે ધ્રુજારી પેસી રહી હતી અને આલ્કોહોલનું પ્રમાણ વધી જવાથી શરીરમાં હલન-ચલન કરવાની શક્તિ મંદ પડી રહી હતી.

શિથિલ થઈ ગયેલું શરીર આમને આમ પડી રહ્યું. વાતાવરણ સંપૂર્ણપણે શાંત હતું. સમગ્ર આભ જાણે નીંદરમાં હતું.

છેવટે ૨૫ મિનિટ પછી પ્રતિકે લોબીની દિવારના ટેકે ઊભા થવાનો પ્રયત્ન કર્યો. મોઢામાંથી લાળ ટપકતી હતી. તેને મેગેઝીન પકડી હતી તે હાથે થી પોતાનું નાઈટટ્રેક ઉપર ચઢાવવાનો પ્રયત્ન કર્યો.

બે-ત્રણ ઓડકાર વ્હિસ્કીના લીધા અને ઊંડે સુધી કંઈક અટકી ગયું હોય તેમ ખોંખારો ખાઈને મોટેથી રાડ નાખી.

"હેપી બર્થ-ડે સાહિલ...

તુજ મારો દોસ્ત

બાકી દુનિયા બેવફા...."

(સાહિલ પ્રતિકનો મિત્ર હતો. બંનેએ એકસાથે યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જે મિત્રતા પ્રવેશ મેળવતી વખતે એડમિનિસ્ટ્રેશન ઓફિસમાં બંધાઈ હતી.)

આટલું કહ્યા પછી પ્રતિકે અડધી ભરેલી વ્હિસ્કીની બોટલ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ફેંકી.

"ધડામ....."

પ્રતિકની રાડો તેમજ વ્હિસ્કીની બોટલ તૂટવાના અવાજથી હોસ્ટેલના આજુબાજુના રૂમનાં અમુક મિત્રો જાગી ગયા અને બહાર દોડી આવ્યા.

"ટણપા... તે તો સાહિલના બર્થ-ડે નું એકલાંએ જ સેલિબ્રેશન કરી નાંખ્યું, સાલા બેવડા". અનુરાગે પ્રતિકના શિથિલ શરીરને જોઈને કહ્યું.

તેટલીવારમાં વાંદરાઓનું ટોળું વળ્યું હોય તેમ અમુક મિત્રો સાહિલના રૂમનાં દરવાજાને ખખડાવવા માંડ્યા અને મોટેથી રાડો નાખીને સાહિલ માટે જન્મદિવસની શુભેચ્છાઓ આપતું ગીત ગાવા માંડ્યા.

કેટલીક મિનિટો સુધી રૂમનો દરવાજો ખૂલ્યો નહિ. તેથી બધા મિત્રો મળીને દરવાજાને લાતો મારવા લાગ્યા તેમજ વધુ ઘોંઘાટ કરવા લાગ્યા.

હોસ્ટેલની લોબીમાંથી આવતો ઘોંઘાટ પરોઢના સૌંદર્યમાં ચિતરામણ કરવા લાગ્યો હતો.

અંતે, ઊંઘમાંથી ઊઠીને સાહિલે રૂમનો દરવાજો ખોલ્યો.

દરવાજો ખૂલતાં જ બધા મિત્રોએ સાહિલને પકડી લીધો અને અનુરાગે તેને ખભે ચડાવી દીધો. બધા મિત્રો પૈકી મુખ્યત્વે નાઈટટ્રેકમાં હતા તેમજ અન્ય હાફપેન્ટ અને માત્ર ટુવાલ લપેટીને નીકળી પડ્યા હતા.

અનુરાગના ખભાના મજબૂત બાંધાએ સાહિલને જકડી રાખ્યો હતો અને તે લોબીમાં રાઉન્ડ લગાવી રહ્યો હતો. જ્યારે બાકીના મિત્રો તેની પાછળ મોટેથી ગીતો ગાઈ રહ્યા હતા અને મળસકેના વાતાવરણને ખલેલ પહોંચાડી રહ્યા હતા.

વધુ પડતા ઘોંઘાટથી હોસ્ટેલના પ્રવેશદ્વાર પાસે સુતેલા વોચમેનની નીંદર તૂટી ગઈ અને તે ડંડો લઈને ગાળો દેતો દોડી આવ્યો. વોચમેનની ગાળોનો અવાજ સાંભળીને એક-એક કરીને બધા મિત્રો નાસી ગયા. પરંતુ, પ્રતિક વ્હિસ્કીના નશામાં લોબીમાં જ પડ્યો હતો. તેથી સાહિલ અને અનુરાગ પ્રતિકને ટીંગાટોળી કરીને તેના રૂમનાં બેડ પર મૂકી આવ્યા.

છેવટે, તેઓ પોતાના રૂમમાં જઇને સૂઈ ગયા.

*******

સવારના દસ વાગી ગયા હતા. સફર ખેડતો સૂર્ય સાતમા આસમાને આવી પહોંચ્યો હતો. સૂર્યના ક્ષિતિજ કિરણો સાહિલના રૂમની બારીમાંથી સીધા તેની આંખો પર પડતા હતા. તેથી તેની નીંદર ભાંગી ગઈ.

તે વાંચન નો શોખીન હોવાથી પુસ્તકો લઈ પલંગ પર સૂતો હતો.

આજે પોતાનો જન્મદિવસ છે અને ઓગણીસ વર્ષ પુરા કર્યા તે બાબત તેને નકારી જ કાઢી હોય તેમ સામેની દિવાર પર લટકેલા કેલેન્ડરને પવનના વેગથી સતત ઉડતું જોઈ રહ્યો હતો.

જન્મદિવસે આજે તેને પબ્લિક હોલિડે હોવાથી નિરાંત હતી. હોસ્ટેલમાં આવ્યા બાદ આ તેનો પ્રથમ જન્મદિવસ હતો.

જન્મદિવસ આમ તો દરેકના જીવનમાં ખૂબ સ્પેશિયલ દિવસ હોય છે, પરંતુ સાહિલ માટે કોઈ ખુશીનો દિવસ નહતો. કારણ કે જન્મદિવસ તેને વર્તમાનમાંથી પ્રયાણ કરીને ભૂતકાળમાં લઈ જતો હતો.

સાહિલ સ્વભાવે સરળ અને લાગણીશીલ હતો. પરંતુ, પિતાના કઠોર સ્વભાવ અને નાની ઉંમરમાં જ માતાની છત્રછાયા ગુમાવનાર સાહિલ માટે જીવનમાં લાગણીસભર કોઈ વ્યક્તિ હતું જ નહિ જેની સામે તે પોતાના મનની વાતો અને ઊંડાણમાં રહેલી જિજ્ઞાસાઓ રજૂ કરી શકે.

સાહિલના પિતા પ્રમોદ મહેતા વ્યવસાયે એક સફળ બિઝનેસમેન જરૂર હતા. પરંતુ, પારિવારિક ફરજ બજાવતા એક આદર્શ પિતા તેમજ એક પ્રમાણિક પતિ તરીકે તેઓ સદંતર નિષ્ફળ રહ્યા હતા. જેનો સાહિલને હંમેશાથી રંજ રહ્યો હતો.

હોસ્ટેલના સાથીમિત્રોએ સાહિલને વધામણાંમાં સુસવાટાભરી લાતો નહોતી મારી કારણ કે હોસ્ટેલના મિત્રો માટે સાહિલ અન્ય મિત્રોની સરખામણીમાં માસૂમ બાળક જેવો લાગતો હતો. જેથી તેને આવી રીતે નિર્દયતાથી વધામણાં આપવા એ બાબત સારી ન લાગી.

આમ તો સાહિલ બધા સાથે હળીમળી જતો પણ તેના જીવનના અમુક નાટકીય પ્રસંગોને તે બધા સામે ઉજાગર કરતો નહિ. ઘણીવાર પરિવારજનો વિશે પૂછવામાં આવતા પ્રશ્નો પણ ટાળી દેતો.

આવી વિચારધારા હોવા છતાં પ્રતિક, અનુરાગ, ભવ્ય તેના સારા મિત્રો હતા અને તેમની સાથે રહીને પોતાની એકલતાનો રંજ દૂર કરી લેતો હતો.

અહીં હોસ્ટેલમાં દરેક મિત્રો અલગ અલગ વિસ્તારમાંથી ભણવા આવ્યા હતા. પ્રતિક અમદાવાદથી, અનુરાગ ભાવનગરથી, તેમજ ભવ્ય વલસાડ જિલ્લામાંથી આવ્યો હતો. આ બધા મિત્રોએ બી.કોમ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો.

સાહિલને ઘરથી દૂર રહેવું પસંદ હતું પણ અલગ હેતુસર. સાહિલને તેના જીવનની મહત્વાકાંક્ષા વિશે કોઈ સભાનતા ન હતી. કદાચ તે જાણવા પણ નહોતો માંગતો. કારણ કે પિતા દ્વારા યોગ્ય પ્રેમ કે સાથસંગાથ ન મળવાના લીધે તે માત્ર ભણવા ખાતર તેમજ પિતાની જૂઠી શાન માટે બધું કરી રહ્યો હતો.

*******

"તારા આર્ટિકલનું શું થયું ? કંઈ નક્કી કર્યું કે નહિ ?" સાહિલે ધીમા સ્વરે ભવ્યને પૂછ્યું.

"ના ભઇલા, હજુ સુધી કોઈ ટોપિક નથી મળ્યો." ભવ્યએ જવાબ આપ્યો.

(ભવ્ય લેખક બનવા માંગતો હતો તેથી તે અવનવા વિષયો પર આર્ટિકલ લખીને કોલેજની મેગેઝીન માટે મોકલતો.)

સાંજના છ વાગી ગયા હતા. આખો દિવસ નિરસ પસાર થઈ ગયો હતો. સાહિલ સવારથી પોતાની માતા સાથેના બાળપણના પ્રસંગો યાદ કરીને હતાશ થઈ ગયો હતો.

ભવ્યએ આખો દિવસ સાહિલ સાથે પસાર કર્યો હતો, તેમ છતાં તે સાહિલનો ખાલીપો દૂર ના કરી શક્યો.

રૂમમાં સન્નાટો છવાઈ રહ્યો હતો. તેટલી વારમાં અનુરાગ રૂમમાં પ્રવેશ્યો.

"લે, તું આમ જ પડ્યો છે, ચાલ તારે મારી સાથે આવવાનું છે !." અનુરાગ બોલ્યો.

"મારુ મન નથી યાર !." સાહિલે ઉમેર્યું.

ચાલને બાપલ્યા, આજે તારુ નઈ ચાલે. તારે તો આવું જ પડશે." અનુરાગે સ્પષ્ટતા કરી.

(અનુરાગ મૂળ ભાવનગરનો હતો તેથી તેને વારંવાર 'બાપલ્યા' બોલવાની ટેવ હતી.)

થોડીવારમાં સાહિલ તૈયાર થઈ ગયો અને અનુરાગ તથા ભવ્ય તેને યુનિવર્સિટીના ગાર્ડનમાં લઈ ગયા.

હજુ ગાર્ડનમાં પ્રવેશ કર્યો ત્યાં દ્રશ્ય જોઈને સાહિલ અચંબામાં પડી ગયો. ગાર્ડનમાં પંદરથી વીસ મિત્રો સાહિલના બર્થ-ડે સેલિબ્રેશન માટે રાહ જોઈને ઊભા હતા.

આ દ્રશ્ય જોઈને સાહિલનું હૃદય ભરાઈ આવ્યું અને આખા દિવસનો રંજ પલઘડીમાં દૂર થઈ ગયો.

સાહિલે ઘણા વર્ષો પછી ખુશીથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી. જાણે ઘણા વર્ષો પછી તેના જીવનમાં થોડું હાસ્ય રેડાયું હોય.

રાત્રિના સાડા સાત વાગી ગયા હતા. પ્રતિકે ફરીથી વ્હિસ્કીના પેગ લગાવી લીધા હતા. તેથી મિજાજમાં આવીને કહ્યું.

"ચાલ, સાહિલ અમને લોન્ગ ડ્રાઇવ પર લઈ જા, હજુ અમારી પાર્ટી તો બાકી જ છે."

"હા જરૂરથી, બોલ ક્યાં જવું છે ?"

"અમે તને લઈ જશું, બસ તું પ્રોમિસ કર કે ચૂપચાપ આવીશ !."

"હા, હવે બસ !."

તેઓ બે બાઈક લઈને ભવ્ય, અનુરાગ અને પ્રતિક સાહિલને સરપ્રાઈઝ આપવા માટે તેની આંખો પર પટ્ટી બાંધીને લઈ ગયા.

બાઈક થોડે દૂર ચાલ્યા બાદ એક જગ્યાએ પાર્ક કરી અને ત્યાં સાહિલને ઉતાર્યો. એટલે સાહિલે આંખોની પટ્ટી જાતે જ હટાવી દીધી.

આંખોની સામે અલગ જ દ્રશ્ય દેખાઈ આવ્યું. તે એવી જગ્યાએ પહોંચી ગયો હતો જ્યાં આજ સુધી તે ગયો નહોતો. તેના મિત્રો આજે તેને ત્યાં સુધી લઈ આવ્યા હતા.

આ સ્થળ હતું વૈશ્યાખાતું.....

(Second Part Will Be Released Soon)

લેખક :- ચેતન વાઘેલા