દત્તક માવતર Heenaba Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દત્તક માવતર

૧૦ વર્ષનો રાઘવ, તેના પિતા સાથે શાળાએ જતાં પહેલાં દરરોજ દેવાલય દર્શન કરવા જાય છે. અને ત્યાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોની થોડી વાર સેવા પણ કરે છે. આ રાઘવ અને તેના પિતા કમલેશ નો નિત્યક્રમ છે.

મંદિરની બાજુમાં ખૂબ જ રળિયામણો બગીચો છે. જ્યાં સવારના ભાગમાં બાળકો, વૃધ્ધો તથા યુવાનો અને યુવતીઓ પણ ત્યાં કશરત કરવા આવતા હોય છે. મંદિરના જ આશ્રમમાં વૃધ્ધાશ્રમ પણ છે, તેથી વૃદ્ધાશ્રમનો પરિવાર પોતાના મનની વ્યથાને સ્લથોડા સમય માટે ભૂલી, તાજગીભરી હવા માણવા માટે થોડો સમય ટહેલવા માટે આવતા હોય છે.

વૃદ્ધાશ્રમની એક વૃદ્ધ દંપતિ પણ ત્યાં દરજોજ પોતાનું મન હલકું કરવા તથા તાજગીભરી હવા લેવા માટે આવે છે. આ દંપતિ અને કમલેશ નો તેના પુત્ર રાઘવ સાથે આવવાનો સમય લગભગ સરખો જ હોય છે. એક વખત વૃદ્ધ દંપતિ આશ્રમ બાજુથી મંદિરમાં દર્શન કરવા આવતું હતું કે કોઈની ટક્કર લાગતાં રમેશ ભાઈ નીચે પડી ગયા. ત્યાં હરતા - ફરતા તમામ લોકોએ આ જોયું પણ કોઈના હૈયે રામ વસ્યો નહિ. પણ આ દૃશ્ય ૧૦ વર્ષના રઘવથી ના જોવાનું, એટલે તે તુરંત દોડીને તેમનો સહારો બની તેમને ઉભા કર્યા અને બાજુમાં ઓટલા પર બેસાડ્યા. દૂર થી કમલેશ તેના પુત્રની આ હરકત જોઈને મનોમન ખુશ થયો. આમ, વૃદ્ધ રમેશ ભાઈ અને રાઘવની ઓળખાણ ત્યારથી જ વધી ગઈ. અને હવે તેઓ રોજ મળવા લાગ્યા. ધીમે ધીમે તેઓ ખૂબ નજીક આવી ગયા. હવે દર્શન કર્યા બાદ તેઓ થોડી વાર બગીચામાં બાંકડા પર બેસતા અને દુઃખ દુઃખની વાતો કમલેશ સાથે કરી લેતા, તથા ક્યારેક રાઘવ સાથે રમી પણ લેતા હતા. આવી રીતે રમેશભાઈ અને તેમની પત્ની ગૌરી બહેનને એક પુત્રનો પ્રેમ ઝંખતા હતા તે મળી ગયો અને એક પૌત્રપ્રેમ પણ રાઘવ પાસે થી મળી ગયો.

આમ જ્યારે પેલાં વૃદ્ધ દંપતિને કંઇક નાની મોટી જરૂરિયાત હોય કે હોસ્પિટલ જાઉં હોય કે પછી બીજા અન્ય નાના મોટા કાર્ય હોય તેના માટે રમેશ ભાઈ હવે કમલીશની જ મદદ લઇ લેતા હતા. અને હવે તેમને પણ કમલેશ સાથે ફાવી ગયું હતું. આમ ને આમ ૬મહિના જેવું વીતી ગયું હતું તેમાં વચ્ચે વચ્ચે રવિવારના ભાગમાં ક્યારેક કમલેશ તેની પત્ની માલતીને લઈને પણ આ વૃદ્ધ દંપતિને મળવા આવી જતો હતો. વૃદ્ધ દંપતિને કમલેશના પરિવારનો સાથ હૂફ આપતો હતો. તો ક્યારેક વાતો કરીને કમલેશને પણ જાણવા મળી ગયું હતું કે તેઓ ક્યાં કારણોસર અહીં વૃધ્ધાશ્રમમાં છે.

***********

રમેશભાઈ એ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા સારા કાર્ય કર્યા હતા. અને તેમના એકનાએક પુત્ર માટે ઘણી પુંજી ભેગી કરી હતી. તેમના પુત્રને ભણાવી ને ખૂબ હોશિયાર કર્યો, પણ જ્યારે સમય આવ્યો ત્યારે તે ભણી ગણી તેનું જ્ઞાન ઠાલવવા માટે વિદેશમાં જઈ રહેવા લાગ્યો. થોડા સમય સુધી તો તે પોતાના બા બાપને મળવા આવી જતો પણ, એક વખત તેને વિદેશી જ કોઈ છોકરી સાથે માં બાપની જાણ બહાર લગ્ન કરી લીધા અને ત્યારબાદ ૫ વર્ષ સુધી ના તો કોઈ ફોન કરતો કે ના તો અહી આવી તેમની સંભાળ લેતો. માવતર તો અખીર માવતર જ છે ને! છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. રમેશભાઈ સામે થી ફોન કરીને તેનો કોન્ટેક્ટ કરતા પણ સામે છેડે થી કોઈ જવાબ મળતો નહિ. તેઓ હારી કંટાળીને નિરાશ થઈ જતાં. ખૂબ લાંબા સમયે જ્યારે એક વખત ગૌરી બહેનની તબિયત બગડી ત્યારે રમેશભાઈ એ તેમના પુત્રને ફોન કર્યો. તો કંઇક આવો જવાબ મળ્યો;

" પપ્પા અહી હું બહુ બીઝી છું, મને આવી નાની મોટી મુશ્કેલી માટે તમે ફોન ના કરતા જાવ. તમને પૈસા તો મોકલું છું એટલા પૂરા ન પડતાં હોય તો થોડા વધુ મોકલીશ પણ હવે મને પરેશાન કરવાનું બંધ કરો."

રમેશભાઈ એવું સાંભળીને બહુ જ દુઃખી થયા. અને તેમને આઘાત લાગ્યો. થોડા સમય પછી ફરી તેના પુત્રનો ફોન આવ્યો કે મારે પૈસાની થોડી જરૂર હોવાથી તમે જે મકાનમાં રહો છો તે મકાન વહેચવું પડશે અને તમે ચિંતા ના કરો, તમારી રહેવાની વ્યવસ્થા મે વૃધ્ધાશ્રમમાં કરી દીધી છે. રમેશભાઈ એમાં શું જવાબ આપે તેઓ માત્ર નિરાશ થઈને ઢગલો થઈ ગયા. આગલા ૫ દિવસમાં તની મકાન ખાલી કરાવવામાં આવ્યું અને તેમને વૃધ્ધાશ્રમ ધકેલવામાં આવ્યા. બસ ત્યાર થી જ તેઓ અહી છે. હવે આજ વૃધ્ધાશ્રમ તેમનું પરિવાર હતું.

***********

એક દિવસ કમલેશ, રાઘવ અને તેની પત્ની સાથે મંદિરે આવ્યો. પણ અજુ બાજુ તેને ક્યાંય પેલું વૃધ્ધ દંપતિ નજરે ના પડ્યું. એટલે તેને અડખે પડખે પૂછતાછ કરી, પણ કોઈ યોગ્ય જવાબ ના મળ્યો એટલે તે આશ્રમે જઈ માહિતી મેળવવાનું વિચાર્યું. કમલેશ અને તેનું ફેમિલી આશ્રમે ગયું, ત્યાં સંચાલકને પૂછતા ખબર પડી કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તેમને પાસેની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કમલેશે માલતીને રાઘવને ઘરે લઈ જવા કહ્યું તો રઘવે જીદ પકડી કે માટે પણ રમેશ દાદાને મળવું છે, તેમની તબિયત પૂછવી છે. પણ "હોસ્પિટલ જેવી જગ્યા એ નાના બાળકોને આવવું યોગ્ય ન કહેવાય એટલે તું તારી મમ્મી સાથે ઘરે જા, હું કાકાની તબિયત પૂછીને ઘરે આવું છું." તેમ કહી રાઘવ અને માલતી ને ઘરે જવા કહ્યું અને પોતે હોસ્પિટલ તરફ આગળ વધ્યો.

હોસ્પિટલમાં એન્ટર થતાં જ તેને રમેશભાઈના રૂમની માહિતી લીધી અને ફટાફટ રૂમ તરફ દોડી ગયો. રૂમની બહાર તેમના પત્ની બેઠા બેઠા રડી રહ્યા હતા. એક પુત્રની માફક કમલેશે ગૌરી બહેનને છાતી એ ચાંપ્યા. અને સાંત્વના આપ્યા કહ્યું હું આવી ગયો છું મે હવે બધું ઠીક થઈ જશે, તમે જરાય ચિંતા ના કરો કાકા ને કંઇ જ નહિ થાય.

થોડો જ વારમાં ઓપરેશન પત્યું અને ડોક્ટર બહાર આવ્યા. કમલેશે ડોક્ટરને પૂછ્યું કે હવે રમેશ ભાઈની તબિયત કેમ છે.
ત્યારે ડોક્ટરે કહ્યું: " હવે તે બરાબર છે, ચિંતા જેવું કઈ નથી બસ, તેમને ખૂબ જ આરામની જરૂર છે યોગ્ય સંભાળ લેવાશે એટલે તેઓ ઠીક થઈ જશે.

એવું સંભાળતા જ ગૌરી બહેન જલ્દીથી ઊભા થઈને ડોક્ટર પાસે આવ્યા અને તેમનો ખૂબ આભાર માન્યો.

કમલેશે તેમને શાંત કરી બાંકડા પર બેસવા કહ્યું, અને રાત્રિનો સમય હોવા થી માલતી ને ફોન કરી રાત્રીના જમવાની વ્યવસ્થા કરવા કહ્યું.

પેલી બાજુ મળતી હોંશે હોંશે જમવાનું તૈયાર કરી રાઘવને સાથે લઈ હોસ્પિટલ આવી. બધા સાથે મળીને રમેશ ભાઈને જમાડી રહ્યા હતા. આ દૃશ્ય જોઈ ડોક્ટર થી ચૂપ ના રહેવાયું તેમના થી બોલાઈ જ ગયું કે

" રમેશ ભાઈ તમે ખૂબ સારા કર્મ કર્યા છે જેમના પરિણામ સ્વરૂપ તમને એટલું સરસ પરિવાર પુત્ર અને પુત્રવધુ ના સ્વરૂપમાં મળ્યું"

એવું સંભાળતા જ ગૌરી બહેન અને રમેશભાઈની આંખો નમ થઈ ગઈ. તંગદિલી ભર્યું વાતાવરણ હરવું કરતા રઘાવે કહ્યું:

"મમ્મી મે તમને કહ્યું હતું ને કે રમેશ દાદા એકદમ સજા થઈ જશે, જોવો થઈ ગયાં ને! હવે તે મારી સાથે રમશે પણ ખરા"

ગૌરી બહેન નિ: શબ્દ બની હૈયામાં ઉભરાયેલો હેત હાથ વડે રઘવનું માથું પંપોડવ લાગ્યા.

એક ક્ષણ માટે જોતા કોઈને લાગે જ નહિ કે અહી લોહીની સગાઈ નહિ પણ, હૃદયની સગાઈ છે.

જેટલા દિવસ રમેશ ભાઈ દાખલ રહ્યા એટલા દિવસ ૩ સમય નું જમવાનું માલતી તેના ઘરે થી હોસભેર લાવતી હતી. એમ જ ૫ દિવસ પૂરા થતા રમેશ ભાઈને રાજા મળી એટલે કમલેશે નક્કી કર્યું કે વધુ ૧૫ દિવસના આરામ માટે તે રમેશભાઈને પોતાના ઘરે લઈ જવા ઈચ્છે છે. આવી ઈચ્છા તેને રમેશભાઈ અને તેમના પત્ની ગૌરીબેન સમક્ષ રજૂ કરી. વાત સંભાળતા જ ગૌરી બહેનની આંખ ભરાઈ આવી. અને કહ્યું

"દીકરા તું કેટલો હેરાન થઇ અમારી પાછળ, અમે બંને એક બીજાને સહારો તો છીએ જ ને. પછી તારે ખોટું કષ્ટ લેવાની શું જરૂર છે. અને અમારા કર્યા અમારે જ ભોગવવાના છે."

એટલે કમલેશે કહ્યું કે, "જ્યાં સુધી આ તમારો દીકરો જીવતો છે ત્યાં સુધી તમારે કોઈ પર આધારિત રહેવાનું નથી. અને હા હું તમને ૧૫ દિવસ મારા ઘરે લઈ જવાનો છું એ નક્કી જ છે. મે માલતી ને પણ ફોન કરીને કહી દીધું છે કે તૈયારીઓ કરી રાખજે. કમલેશ ની જીદ સામે વૃદ્ધ દંપત્તિ એ ઢીંચણ માંડવા પડ્યા. અને તેમની સાથે ઘરે જવા તૈયાર થયા. કમલેશ હોસ્પિટલ નું બિલ ચૂકવી તેઓને ઘરે લઈ ગયો.

પેલી બાજુ માલતી અને રાઘવ માટે તો જાણે દિવાળી હતી! ખૂબ જ ઉત્સુકતા પૂર્વક તૈયારીઓ ચાલુ કરી દીધી, ઘરને ફૂલ વડે શણગાર્યું અને તેમના સ્વાગત માટે આરતીની પણ તૈયારી કરવામાં આવી. રાઘવ વારંવાર દરવાજે જઈને જોવા લાગ્યો કે દાદા આવ્યા કે નહિ. થોડી જ વાર માં કમલેશ રમેશભાઇ તથા તેમના પત્ની ને લઈને ઘરે પહોંચ્યો. આરતી ઉતારી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને અંદર પ્રવેશતા જ તેમને એક રૂમ ફાળવવામાં આવ્યો જ્યાં તેમના જરૂરિયાતની તમમી સામગ્રી ઉપલબ્ધ હતી. કમલેશ રમેશભાઈને અંદર લાવ્યો અને આવીને પલંગ પર સુવડતા કહ્યું "તમે આરામ કરો હું તમારી અન્ય જરૂરિયાતની ચીજ વસ્તુ આશ્રમે જઈ લઈ આવું છું.

રમેશભાઈ મનોમન વિચારી રહ્યા હતા, ક્યાં મારો નિર્દયી પુત્ર અને ક્યાં કમલેશ જેવો ગુણવાન પુત્ર. આવા પુત્રને જન્મ આપનાર તેના માં બાપ ને ખરેખર વંદન છે. એક દીકરો જેની ખુશી માટે બધું જ કર્યું અને બદલામાં નફરત જ મળી, અને એક કમલેશનું પરિવાર છે કોઈ જ જાતના સબંધ વગર નિ:સ્વાર્થને અમારી સેવા કરી. અમારી ખુશીનું ધ્યાન રાખ્યું. ભગવાન એવો પુત્ર સહુ ને આપે, ભગવાન તેને ખૂબ વૈભવશાળી બનાવે.

કમલેશ આ બાજુ વૃધ્ધાશ્રમ પહોંચ્યો અને સંચાલક મળી રમેશભાઈની જીવન જરૂરિયાત ની અન્ય ચીઝ વસ્તુઓ ત્યાં થી લઇ આવ્યા. આશ્રમવાસી ઓ પૂછતા હતા કે રમેશભાઈ ની તબિયત કેમ છે તેમને રાજા મળી કે નહિ ત્યારે કમલેશે કહ્યું હા રાજા મળી ગઈ છે અને હવે તબિયત પણ ઠીક છે, પણ વધુ આરામ માટે હું તેમને મારા ઘરે ૧૫ દિવસ લઈ ગયો છું, અને અહી તેમની જ વસ્તુઓ લેવા આવ્યો છું. આ સાંભળીને સૌ એ કહ્યું કે અમારા વતી તેમની ખબર પૂછજો.

એમને એમ એક પછી એક દિવસ નીકળવા લાગ્યા. અને ૪૦% દવા થી તથા ૬૦% કમલેશ ના પરિવારના પ્રેમથી તેમની તબિયત માં ખૂબ સારો સુધારો થવા લાગ્યો. અને હવે ધીમે ધીમે તેઓ હલન ચલન પણ કરવા લાગ્યા હતા. તેઓ રાઘવ સાથે સમય પસાર કરતા તો ક્યારેક તેની સાથે સાથે રમતો રમી લેતા હતા. જે પ્રેમ તેમને પોતાના પુત્ર અને પૌત્ર માંથી મળવો જોઈએ તેથી બમણો પ્રેમ તેમને કમલેશ ઘરે થી મળ્યો હતો. એમ જ દિવસ પસાર થવા લાગ્યા અને ૧૫ દિવસ પૂર્ણ થતાં રમેશભાઈ એ આશ્રમે જવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ આ સાંભળીને કમલેશ અને તેનું ફેમિલી ઉદાસ થઈ ગયું. અને વધુ સમય તેમની સાથે રહેવા માટે આગ્રહ કર્યો.
પણ તેમને જણાવ્યું કે "ગમે એટલા દિવસ રહી લઉં તો પણ છું તો મહેમાન જ ને એક દિવસ તો માટે જવું જ પડશે ને"

એટલે રાઘવે તેમનો હાથ પકડીને કહ્યું કે, "તો અહી જ રહી જવને દાદાજી, મને તમારી સાથે ખૂબ મજા આવે છે." એમ કહી તે રડવા લાગ્યો.

રઘવના આવા શબ્દો સાંભળીને મળતી એ મનોમન વિચાર આવ્યો, અને તે વિચાર તેને પહેલાં કમલેશ સમક્ષ રજૂ કર્યો.

માલતી, "કમલેશ... આપડે રમેશકાકા અને ગૌરી કાકીને દત્તક લઈ લઈએ તો..."
કમલેશ વિચાર માં પડી ગયો, "દત્તક...??"

માલતી,"હા કમલેશ, દત્તક. અનાથ આશ્રમ માંથી કોઈ દંપતિ એક બાળકને દત્તક લઈ શકે તો આપડે વૃધ્ધાશ્રમ માંથી કોઈ વૃદ્ધ દંપતીને દત્તક કેમ ના લઈ શકીએ. અને અપડને પણ તેમની સાથે ફાવે છે અને તેમને પણ એક પુત્ર મળી રેશે, આ ઉમર માં જ્યારે તેમને પરિવારની જરૂર હોય એ પરિવાર આપડે બનીશું. તેમનો સહારો બનીશું. તેમનું પાછળનું જીવન પણ સફળ થઈ જશે. અને આપડે તો માટે આ કાકા અને કાકી ની જ જરૂર છે ને, બાકી ક્યાં આપડે કોઈ આશા છે. બસ તેમને એક પરિવાર મળી જાય અને આપણને એક છત્રછાયા.. અને આપડા રાઘવને પણ એક દાદા દાદીનો પ્રેમ મળી રહે જે તેને નાનપણ માં જ તેના દાદા દાદી ના મૃત્યુ બાદ ગુમાવ્યો હતો.તેના થી વધુ જિંદગી માં શું જોઈએ."

એટલા સરસ વિચાર તેની પત્નીના જોઈને ખરેખર કમલેશ દંગ રહી ગયો. અને કેટલેક અંશે તે પણ આ વૃદ્ધ દંપત્તિ નો સહારો, સાથ ઈચ્છતો હતો, ગમતો હતો.

હાલ પૂરતું તો કમલેશ, રમેશભાઈને આશ્રમે લઈ ગયો. અને સૌ બધા થી મળવ્યા. ત્યાર બાદ સંચાલક સાથે એક નાનકડી મીટીંગ કરી અને તેમાં હંમેશ માટે આ વૃદ્ધ દંપતિને પોતાના ઘરે લઈ જવાનું કહ્યું. ત્યારે સંચાલકે કહ્યું ખરેખર તમારા વિચાર આવકાર્ય છે. જો રમેશભાઈ અને તેમના પત્નીને કોઈ આપત્તિ ના હોય તો હું કાગળિયા કરવા તૈયાર છું. કમલેશે રમેશ ભાઈ સાથે વાત કરી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. રમેશ ભાઈ ભાવવિભોર થઈ ગયા.

" આજના યુગમાં કોઈ સગો દીકરો પણ પોતાના માવતર માટે કઈ ના કરે આજ દીકરા તે એવું કરી બતાવ્યું છે. પણ અમે તારા કેટલાક ઉપકાર રાખીશું"

કમલેશ," બાપુજી હું તમને મારા પિતા અને ગૌરી કાકીને મારા માતા બનાવવા ઈચ્છુ છું, તમને ભલે અમારી જરૂર નથી પણ, અમને તમારી જરૂર છે. અને તમને બંને ને મારી ફેમિલી માં નહિ પણ, અમારું ફેમિલી આપડું ફેમિલી બનાવવા ઈચ્છુ છું. તમે અમને તમારા પુત્ર તરીકે સ્વીકાર કરો)

લાગણી થી ભરપુર દંપત્તિ તેમની ઈચ્છાને આવકારી અને તેમના "દત્તક માવતર" બનવા રજી ખુશી તૈયાર થયા

ફરી થી કમલેશે ઘરે ફોન કર્યો અને કહ્યું કે "હું આપડા મમ્મી પપ્પા ને હમેશા માટે ઘરે લઈને આવું છું"

આ બાજુ આશ્રમવાસી ઓ હર્ષના આંસુ સાથે વિદાય આપી. અને લોકો એ કહ્યું ખરેખર રમેશ ભાઈ અને ગૌરી બહેન ખૂબ નસીબ વાળા છે તેમને આ ઉંમરે વૃધ્ધાશ્રમ નહિ પણ દીકરા વહુનો સાથ મળશે.

કમલેશ તેમને લઈને ઘરે આવ્યો અને આજ ખરા અર્થમાં દિવાળી મનાવી. સૌ કોઈ ખુશ હતા. આજ આનંદનો દિવસ હતો. સૌ કોઈ ખુશી ખુશી સાથે રહેવા લાગ્યા અને દરરોજ તેમના માટે તહેવાર જેવો થવા લાગ્યો.

આજ ૧૦ વર્ષ પછી પણ તેમનું ફેમિલી ખૂબ ખુશ હતું અને સાથે હતું. જે ફરજ તેના સગા પુત્ર એ પૂરી કરવાની હોય તે આજ કમલેશ કરી રહ્યું હતુ. આજ તેઓ પોતાના સગા પુત્રને યાદ સુધ્ધાં કરવા માંગતા નહોતા તેમના માટે તેમનો એક જ પુત્ર હતો.... કમલેશ. એક જ પરિવારના હતો કમલેશ, માલતી અને રાઘવ નો.

સમાપ્ત


-હીનાબા ઝાલા જાડેજા