હસતા નહીં હો! - 19 - વ્હાલા આંતરડાંને પત્ર પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

હસતા નહીં હો! - 19 - વ્હાલા આંતરડાંને પત્ર




મારા વ્હાલા આંતરડાંઓ,

આશા છે કે મેં હમણાં જ ચાવી ચાવીને મોકલાવેલ ગરમા ગરમ ઈડલી સાંભાર તમને મળ્યો હશે અને તમારા તરફથી મોકલાયેલ ઓડકાર પણ મને મળ્યો.તમે બંને આંતરડાં પોતાની પૂરી શક્તિથી પાચનનું કાર્ય કરી રહ્યા છો એ જાણવા છતાં હું તમારા બંનેથી સંતુષ્ટ નથી.હું જાણું છું કે આ પૃથ્વી પર ખાવાનો છેલ્લો જ દિવસ હોય એ રીતે ખાઈ-ખાઈને મેં તમને પજવ્યા છે. પચવામાં કઠણ પડે અથવા તો તમે જેની ત્રાડો પાડીને ના પાડી હોય એવો ખોરાક પણ મેં તમારી પાસે મોકલાવીને તમને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.તમારી રચના ઈશ્વરે એવી રીતે કરી છે કે માત્ર હળવો ખોરાક જ તમે પચાવી શકો છો એ જાણવા છતાં મેં બહાર હોટલવાળાઓને લાભ આપી આપીને તમને અત્યંત કષ્ટ આપ્યા છે.એક વખત તો તમે બંને આંતરડાં પરસ્પર લડેલા ત્યારે તો મારી વેદનાની ચરમ સીમા આવી ગયેલી છતાં તમારા એ વેદના વિસરીને,તમારા પાચનના ઉપકારો ભૂલીને - કૃતઘ્ની બનીને - ફરીથી તમને બંનેને લડવા પ્રેરું છું.

પણ મારા શાશ્વત બંધુજન સમા આંતરડાંઓ,આ બધા દુઃખ જે મેં તમને આપ્યા છે એમાં મારો જરાય દોષ નથી.હું જાણી જોઈને ક્યારેય તમને દુઃખ આપવા માગતો નથી કારણ કે એમાં હાનિ તો આખરે મારી જ છે. હું હેતુપૂર્વક તમને કષ્ટ પડે એવો ખોરાક ખાવા માંગતો જ નથી પરંતુ જ્યારે જ્યારે હું બજારમાં ચક્કર લગાવવા નીકળું છું ત્યારે લારીઓમાં બનતી જાતજાતની વાનગીઓ મને લલચાવે છે.જાણે મને લલચાવવા જ આ લારીવાળાઓ આ વાનગીઓનું પ્રદર્શન ગોઠવે છે એવું પણ મને લાગ્યા કરે છે.એ લારીઓ પર બનતી ગરમાગરમ વસ્તુઓ જોઈને ખબર નહિ પણ મારા શરીરમાં એક ચમત્કાર સર્જાય છે.મારી અન્ય બધી જ ગ્રંથિઓ પોતાનું કાર્ય છોડીને સ્વાદગ્રંથિનું કાર્ય કરવા લાગે છે.મારા શરીરની રોમ રોમમાંથી "આ ખાઈ લે.....અરે,આને છોડે તે તો અભાગિયો કહેવાય....અરે,આને આરોગવામાં જ સ્વર્ગ છે!"એવા આવજો આવવા લાગે છે.

આટલું જ નહીં દોસ્ત આંતરડાં, આ જીભના અત્યાચાર પણ કંઈ ઓછા નથી!વગર હાડકે કેટલાયના હાડકા ભંગાવનારી આ જીભ આવી વસ્તુઓ જોઈને એકદમ કામુક નારીની માફક ઉત્તેજિત થઈ જાય છે.જીભમાંથી અનેક પ્રકારના સ્ત્રાવ થવા લાગે છે અને જીભ મારા મોઢામાં કથક-ભરતનાટ્યમ-કુચિપુડી આ બધાના મિશ્રણ સમુ કોઈ નૃત્ય કરવા લાગે છે.એ આ નૃત્યની સાથે સાથે 'એક પ્લેટ બનાવી દો' એવું કહેવા પણ લાલાયિત થઈ જાય છે.અંદરથી તમે સંદેશ મોકલો કે,"હવે બસ રાખો!" છતાંય આ જીભ તમારો સંદેશ અવગણીને મારા ખિસ્સા ખાલી કરાવી નાખે છે.આમેય જગતમાં તમામ ધનવાનોના ખિસ્સા આ જીભને લીધે તો ખાલી થયા છે.

જ્યારે જ્યારે મને આવા 'ખાવાના ઉભરા' આવે છે ત્યારે ત્યારે હું મારી કોડા જેવી આંખોને ખિસ્સા તરફ દોરી જાઉં છું.પણ આંતરડાં, તું તો જાણે છે કે વૃત્તિઓ હંમેશા વાસ્તવિકતાઓને અતિક્રમી જતી હોય છે.ખિસ્સામાં જ્યારે રૂપિયાનો વજન ઓછો હોય છે ત્યારે મારી સામે એક અર્થશાસ્ત્રીય પ્રશ્ન આવીને ઊભો રહે છે. અર્થશાસ્ત્રમાં જેમાં એક વિકલ્પોમાંથી કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો પ્રશ્ન ઊભો થાય છે એ જ રીતે મારી પાસે રહેલી નાની એવી રકમમાંથી પાણીપુરી ખાઉં કે દહીંપૂરી,દહીંવડા ખાઉં કે ઢોસા,પંજાબી શાક ખાઉં કે ચાઈનીઝ કે પછી આ બધાનો ત્યાગ કરી કાઠીયાવાડી ને શરણે જઉં-એવો પ્રશ્ન ઊભો થાય છે.આમ પણ આમાંથી કંઈપણ ખાધા પછી મારે ડોકટર અથવા દવાના શરણે જવાનું હોય છે એ નક્કી!

આંતરડાં,તારે પણ તારી શક્તિઓ થોડી વધારવી જોઈએ આ શક્તિઓના વર્ધન માટે મેં તને શું-શું ન મોકલાવ્યું? આયુર્વેદમાં વખણાતું વાયુ ચૂર્ણ, છાસ,જાતજાતની કડવી સોડાઓ, રસોડામાં રાખેલા અજમા, વરીયાળી, હરડે,આમળા- આટઆટલું મોકલાવ્યા છતાં પણ તું જૂની જામી ગયેલી કબજીયાતની માફક સમજવા તૈયાર જ નથી.મિત્ર,આહાર લેવો એ માણસની વૃતિ છે પણ મનગમતો આહાર લેવો એ તો માણસનો જન્મસિદ્ધ અધિકાર કહેવાય(ભલે એનું પાલન જન્મ સમયે ન થતું હોય,એ અલગ વાત છે) એ તારે સમજવું જોઈએ.તું ઘણી વખત પાચન કરવામાં આળસ કરે છે અને પછી મેં મોકલાવેલ વસ્તુઓ નકામો કચરો બની 'કફ'ની અવસ્થાને પામે છે અને મારે 'શરદી','ઉધરસ' અને 'છાતીમાં દુખાવો' એમ જાતજાતની પીડા ભોગવવી પડે છે.

ના,એટલે હું સાવ એમ 'કફ' માટે તને દોષ નહીં આપુ.હું સમજુ છું કે મારી તાસીરને જરાય અનુકૂળ ન આવે એવી મીઠાઈઓ મેં તને મોકલાવી છે પણ શું કરું યાર આંતરડાં,આ મન બહુ અઘરી ચીજ છે.જ્યારે જ્યારે હું કોઈપણ પ્રકારની મીઠાઈ જોઉં છું ત્યારે ત્યારે જીભની સાથે સાથે મન પણ આક્રમણ કરવા લાગે છે અને હું મીઠાઈ આરોગવા લાચાર થઈ જઉં છું.તને ખબર છે જ્યારે મારી પાસે મીઠાઇ ખરીદવાના નાણાં નથી હોતા ત્યારે ત્યારે હું મારી આંખો વડે મીઠાઈની દુકાને રાખેલા ગુલાબ જાંબુ, માવા ના પેંડા,જલેબી,સોનપાપડી,લાડુ, ફ્રીજમાં રાખેલી બંગાળી મીઠાઈ, રસ માધુરી વગેરેને તાકીતાકીને જોઈને મીઠાઈ ખાધાનો આનંદ માણ્યો છે.આવો આનંદ માણવામાં મને અનેક વખત લોકોએ 'ભિખારી'ની ઉપાધિ આપી દીધી છે એ અલગ વાત છે. પણ લોકો 'ભિખારી' કહે કે 'ચોર' મીઠાઇ તો ખાવાની જ!જો હું મીઠાઈ ન ખાઉં તો ડોક્ટરો બિચાળા ભુખ્યે મરે.આમ,મારો મીઠાઈ ખાવા પાછળ ડોકટર કલ્યાણનો પણ આદર્શ છુપાયેલો છે.

પ્રિય આંતરડાં,જેવું મારે મીઠાઈનું છે એવું જ અન્ય કોઈ પણ ગળી ચીજનું છે.એ પછી ઠંડું હોય કે ચોકલેટ - મારા ભાવ તો બધા માટે સમાન જ હોય!હું ખાવામાં ક્યારેય કોઈ પણ ગળી ચીજને અન્યાય કરવામાં માનતો નથી. હું દરેક ગળ્યા ખાદ્ય પદાર્થો પ્રત્યે સમભાવ રાખું છું.ફરીથી મને ખબર છે કે મારી આ સમભાવવૃત્તિએ તને અનેક વખત વેદના આપી છે પણ શું થાય?આપણો દેશ 'સર્વધર્મસમભાવ'માં માને છે તો આપણે ભારતના નાગરિક તરીકે આટલું ન કરી શકીએ?ધર્મમાં સમાનતા ન રાખીએ તો કંઈ નહીં,મીઠાઈમાં તો રાખીએ.

અંતે,આંતરડા તારી પાસે હું મસાલા સોડા મોકલું છું જે તને તારી પાચનક્રિયાની આળસ દૂર કરવામાં મદદ કરશે.

બસ,આ વખતે આટલું જ.આભાર.

અંદરથી જવાબ આપતો રહેજે.

જેના ઉદરમાં તું આજીવન કેદ છે તે,
લેખક.