વણનોંધાયેલ ગુન્હો ભાગ-૩
રઘુભાનાં સ્ટાફમાં પિયૂન કાકાને બાદ કરતા અન્ય કુલ દસ જણા. તેમાં ચાર મહિલાઓ અને છ પુરૂષો. આ ચાર મહિલાઓની માંડીને વાત કરીએ તો આ ચાર મહિલાઓ પૈકી એક મહિલાઓની ઉંમર આશરે ૬૦ થી ૬૩ વર્ષની, એક મહિલા ૫૦ - ૫૫ વર્ષની અને બીજી બે મહિલા ૪૦ વર્ષથી ઓછી વયની. આ ચારેય મહિલાઓમાં સિનિયર સીટીઝન મહિલા જે છે એ રઘુભાની ઓફિસમાંથી જ સિનીયર સીટીઝન પ્રોટેક્શન સ્ક્વોડનાં અધ્યક્ષ છે. અન્ય એક મહિલા જે ૫૦-૫૫ વર્ષની છે તે મહિલા સુરક્ષા અને કલ્યાણ અંગેની શાખા –ચેઇન ચલાવે છે. અને બાકીની બે મહિલાઓ પૈકી એક મહિલા સુરક્ષા અંગે અને અન્ય એક મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગેની શાખા સંભાળે છે.
ટૂંકમાં કહીએ તો રઘુભાની ઓફિસમાં જે મહિલાઓનો સ્ટાફ છે તે સમાજની જરૂરીયાતમંદ અને અસુરક્ષિત તથા અશિક્ષિત મહિલાની જનજાગૃતિ અને સુરક્ષા અંગેના કાર્યો કરે છે. જ્યારે પુરૂષ વર્ગમાં કોમ્પ્યુટર ટેક્નિશીયન, કાયદાનો જાણકાર, ડ્રાઇવર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે. આ તો વાત થઇ રઘુભાની મુખ્ય ઓફિસનાં સ્ટાફની...! રઘુભાની કન્સલ્ટન્સીની અન્ય શાખાઓમાં માત્ર તેમના એવા માણસો બેસે છે જેઓ જે-તે વિસ્તારમાં મદદ સમયે ૨૪X૭ પહોંચી શકે. આ શાખાઓ તેમણે કન્સલ્ટન્સીની એજન્સીઓનાં સ્વરૂપે આપેલ છે. કહેવાય તેમનો જ સ્ટાફ છતાં સ્વતંત્ર.
આમ, રઘુભાએ લોકોની મદદે આવવા માટે ઘણું વિચારીને પોતાની ઓફિસ તૈયાર કરેલ. જ્યાં તેમના માણસો પહોંચી ન શકે ત્યાં રઘુભા પોતે મદદ કરવા પહોંચી જતાં.
રઘુભાનાં સ્વભાવની વાત કરીએ તો તેઓ જાત-જાતના નોલેજનો ભંડાર હોઇ દરેક ફિલ્ડના વ્યક્તિઓ સાથે ખૂબ સરળતાથી મૈત્રી કરી લેતા. તેમની મૈત્રી પોલિસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ, સરકારી ઓફિસો, રાજનીતિ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ વિગેરેમાં ખુબ સારી હતી.
રઘુભાને નફરત કરનારો પણ એક વર્ગ હતો. જેમાં મોટા ભાગે રિશ્વત ખાઉં અધિકારીઓ અને મોટા બિઝનેસમેનોનો સમાવેશ થાય છે.
રઘુભાના પરિવારમાં પત્નિ- પ્રિયા, અને એક દિકરી- દિવ્યા...! પત્નિ આમ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પરંતું કોઇ નોકરી કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતી ન હોઇ, રઘુભાના ધંધાના હિસાબો જુએ છે. અને દિવ્યા તો હજુ સ્કુલમાં ભણે છે.
ચાલો, હવે રાઘવરાય ઠક્કરનું નામ “રઘુભા” કેવી રીતે પડ્યું તે જાણવા માટે તેમના ભૂતકાળમાં જઇએ. રઘુભા એક શ્રીમંત પરિવારમાં જન્મેલા. આ પરિવાર જ્યારે સંયુક્ત કુટુંબમાં રહેતો હતો ત્યારે પરિવાર ખુબ જ જાહોજલાલીથી રહેતો હતો. એ સમય એવો હતો કે જે વસ્તુ દેશમાં લોંચ ન થઇ હોય તો પણ આ પરિવાર એ વસ્તુઓ વાપરતો હતો. પરિવારના દરેક વ્યક્તિઓ એકબીજાની હૂંફથી અને સંપથી રહેતો હતો. જે ઘરમાં આ પરિવાર રહેતો હતો તે ઘરમાં તે વખતે આશરે ૨૫ થી ૩૦ સભ્યો રહેતા હતા. અને ઘર પણ કોઇ મામૂલી ઘર ન હતું. રાજાએ ભેટ આપેલો એક મહેલ હતો. પરિવાર ખુબ જ વૈભવશાળી જીવન જીવતું હતું. અને પરિવારનું માન અને નામના પણ એ શહેરમાં ખુબ જ હતી. રઘુભાએ તો આવા સારા પરિવારમાં માત્ર ચાર-પાંચ વર્ષ જ રહેલા. એટલે કે રઘુભા જ્યારે ચા-પાંચ વર્ષના થયાં ત્યાં સુધી જ આ ઘરમાં સંયુક્ત પરિવારમાં પરિવારની હૂંફ સાથે રહેલા.
રાઘવરાયના પરદાદા એટલે કે તેમના પિતા દિનેશબભાઇ ના દાદા ઇશ્વરપ્રસાદ ઠક્કર રાજાશાહીના જમાનામાં વૈદ હતાં. એક વખત એક રાજાના દિકરાને એક જીવલેણ બિમારી થઇ. અને રાજાના ગામના વૈદની દવાથી પણ કુંવર સાજો ન થયો. એટલે રાજાએ એલાન કરાવ્યું કે જે વૈદ્ય મારા રાજકુમારને સાજો કરી આપશે તેમને એક આલિશાન મહેલ ગીફ્ટ આપવામાં આવશે. અને અગર જો તેમની દવાથી કુંવરને કકોઇપણ પ્રકારનું નુકશાન કે જાનહાનિ થશે તો તેમને મોતની સજા આપવામાં આવશે. રજાના આ એલાનથી વૈદ્યજગતમાં અરેરાટી ઉઠી ગઇ. કોઇ જ વૈદ્ય રાજાના કુંવરનો ઇલાજ કરવા આગળ ન આવતા. તેવામાં રાજાના આ એલાનની ઇશ્વરપ્રસાદને જાણ થઇ. અને ઇશ્વરપ્રસાદે રાજાના કુંવરનો ઇલાજ કરવાની તૈયારી બતાવી. વૈદ્ય ઇશ્વરપ્રસાદની સૂજબુજ અને વૈદ્યીક નના કારણે રાજાનો કુંવર સાજો થઇ ગયો. રાજા ખુશ થયા અને રાજાએ તેનો સૌરાષ્ટ્રનાં એક ગામમાં આવેલ એક મહેલ ઇશ્વરપ્રસાદને ભેટ આપ્યો. આ ભેટ અંગેના તે સમયે પ્રચલિત નિયમ અને કાયદાનુસાર કાગળો પણ તૈયાર કરાવ્યા.આમ, ઇશ્વરપ્રસાદને આટલો મોટો મહેલ ભે સ્વરૂપે મળ્યો. અને સાથે-સાથે રાજાના અંગત વૈદ્ય બનવાની તક પણ મળી. ઇશ્વરપ્રસાદને રાજા પાસેથી ઘણા બધી સંપત્તિ ફી સ્વરૂપે મળેલી. આમ, ઇશ્વરપ્રસાદ પોતાના વારસો માટે ઘણા મોટી સંપત્તિ છોડી ગયેલા. ઇશ્વરપ્રસાદને કુલ નવ સંતાનો. ચાર દિકરીઓ અને પાંચ દિકરા.
-ક્રમશઃ