Gabby Forest - Part 1 books and stories free download online pdf in Gujarati

ગેબી અરણ્ય - ભાગ ૧


मातस्समस्तजगतां मधुकैटभारेः वक्षोविहारिणि मनोहरदिव्यमूर्ते। श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेशदयिते तव सुप्रभातम्

વેદિક મંત્રોચ્ચાર કરી રહેલ‍ાં પુજારીએ સંધ્યાવંદન પુરું કર્યું અને મંદિરમાં 'નમો ભગવતે વાસુદેવાય'ના નારા ગુંજી ઉઠ્યાં. ભક્તિભાવપુર્વક બંને હાથ જોડીને ઉભેલાં કલેક્ટર અદ્વૈત ગુપ્તાએ અાંખો ખોલી અને પ્રસાદ લેવા માટે અાગળ વધ્યો.

ચાર મહિના પહેલાં બદલી પામીને તિરુવનંતપુરમ્ અાવેલ‍ા યુવાન અાઇએએસ ઓફિસર અદ્વૈતે જિલ્લ‍ાનો કાર્યભાર બખુબી સંભાળી લીધો હતો. સરકારી કચેરીની નજીક અાવેલાં પદ્મનાભસ્વામી મંદિરનાં સંધ્યાવંદનમાં થતી પુજામાં અાવવું જાણે એની અાદત બની ગઇ હતી. પૌરાણિક કાળમાં બનેલાં અા ભવ્ય વિષ્ણુ મંદિરને અદ્વૈત ક્ષણભર જોઇ રહ્યો અને એનું હ્રદય અહોભાવથી ભરાઇ ગયું.

દર છ વર્ષે અાયોજિત થતાં મુરાજપમ ઉત્સવમાં ભારતભર માંથી અાવેલાં વેદોનાં જાણકાર પંડિતો ભગવાન મહાવિષ્ણુનાં ચરણ પખાવી રહ્યાં હતાં અને જનમેદનીથી ઉભરાયેલાં શહેરનું વહિવટીતંત્ર વ્યવસ્થાની તૈયારીમાં પડ્યું હતું. થોડા વર્ષો પહેલાં પોતાની અખુટ સંપત્તિને કારણે મિડીયા અને તસ્કરોની નજરે ચડી ગયેલાં અા મંદિરની સુરક્ષા અનેકગણી વધારી દેવામાં અાવી હતી.

અદ્વૈતે એક નજર ભારે મશીનગન લઇને ચોતરફ ફરી રહેલાં કમાન્ડો ઉપર નાખી અને સુરક્ષાનું પુરતું અવલોકન કર્યાનો સંતોષ માનીને બહાર નીકળ્યો.

ગાડી માંથી ઉતરીને પોતાની કેબિન તરફ જઇ રહેલાં અદ્વૈતને સામેથી દોડતાં અાવી રહેલાં પોલીસ ખાતાનાં વડા અધિકારી ઇન્સપેક્ટર મિશ્રા દેખાયા.

"સર અમે તમારી જ રાહ જોઇ રહ્યાં હતાં. તમે મંદિરમાં હતાં એટલે અમે ફોન ના કર્યો." ઇન્સપેક્ટર મિશ્રા ગંભીર સ્વરમાં બોલ્યા અને અદ્વૈતનાં માથાની રેખાઓ ખેંચાઇ.

"પુરાતત્વીય ખાતાની લગતી કોઇ ખબર છે કે શું ?" અદ્વૈતે જવાબ જાણવા છતાં અાશંકા સાથે પુછ્યું.

"હા સર. અાજે પુરાતત્વીય ખાતાનાં બે ઓફિસર્સનું મૃત્યુ નીપજ્યું છે. સવાર સુધી તો એ બંનેનાં નખમાં પણ કોઇ રોગ નહોતો અને અચાનક જ અાજે બપોરે એટલી તબિયત ખરાબ થઇ ગઇ કે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યાં અને અડધા કલાક માં જ - " મિશ્રા સાહેબ બોલતાં અટકી ગયાં.

"અને અડધા કલાકમાં જ એમને મૃત ઘોષિત કરી દેવામાં અાવ્યાં." અદ્વૈતે ઉંડો નિસાસો નાખીને વાક્ય પુરું કર્યું અને મિશ્રા સાહેબે હકારમાં માથું હલાવ્યું.

"સર અાવું સતત ત્રીજી વખત થઇ રહ્યું છે જ્યારે પુરાતત્વીય ખાતાનાં કે સુપ્રીમ કોર્ટે નિમણૂંક કરેલી ઓડિટ કમીટીનાં સભ્યોનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હોય. શું તમને પણ લાગે છે મુર્તિનો શ્રાપ હોઇ શકે ?" અદ્વૈતને અાવી સ્થાનિક દંતકથાઓથી સખત ચીડ છે એ જાણતા હોવા છતાં મિશ્રા સાહેબે હિંમત કરીને છેવટે પુછી જ નાખ્યું.

"અા શું બોલો છો તમે ઇન્સપેક્ટર મિશ્રા ? તમે જાણો છો કે મને અા બધી દંતકથાઓમાં કોઇ વિશ્વાસ નથી. સુપ્રીમ કોર્ટે મંદિરનાં ગર્ભગૃહની નીચે અાવેલાં ભંડારો ખોલવાનો અાદેશ અાપ્યો છે અને સરકારી અાદેશોનું પાલન કરવું અાપણી ફરજ છે. અાનાથી વિરુદ્ધનું કશું પણ કરવાનો પ્રયત્ન અાપણી નોકરી ઉપર ભારે પડી શકે છે. સરકારે નિમણૂક કરેલી ઓડિટ કમીટી ખજાનાનું મુલ્યાંકન કરી રહી છે અને એને અટકાવવાનું કામ મારા હાથમાં નથી." અદ્વૈતે પોતાની અસહાયતા દર્શાવી.

"અાવી ઓડિટ કમીટીનું નિર્માણ કરાવવા માટે ઇન્ટેલિજન્સ બ્યુરોનાં જે ઓફિસરે કોર્ટમાં અરજી કરી હતી, એનું પોતાનું મૃત્યું એક મહિનાની અંદર નીપજ્યું હતું અને એ પણ ખુબ જ કરુણ પરિસ્થિતિમાં. મંદિરની સંપત્તિને સરકારી ચોપડે નોંધવાની જીદ અાજ સુધી ત્રીસથી વધુ લોકોને ભરખી ચુકી છે. શું તમને નથી લાગતું કે જીલ્લાનાં કલેક્ટર હોવાનાં નાતે તમારે કશું કરવું જોઇએ ?" મિશ્રા સાહેબે સહેજ ઉંચા અવાજે કહ્યું. સતત વધતો જતો અધિકારીઓનો મૃત્યુઅાંક અને સ્થાનિકોમાં વધી રહેલો રોષ હવે એમનાંથી ખમાતો નહોતો.

"મંદિરનાં ગર્ભગૃહમાં અાવેલાં છ વોલ્ટ માંથી પાંચ વોલ્ટ ખોલીને ખજાનાનું ઓડિટ ચાલી રહ્યું છે. છઠ્ઠો વોલ્ટ ખોલવામાં નહીં અાવે એ વાત નક્કી છે. મુર્તિનાં શ્રાપની વાત સાચી માનીએ તો પણ એ શ્રાપ અાપણને લાગે એવું કોઇ કારણ નથી. અાપણા અધિકારીઓએ છઠ્ઠા વોલ્ટને હાથ પણ નથી લગાવ્યો." અદ્વૈતે કાંઇક વિચારીને કહ્યું.

"પણ મંદિરમાં કોઇક તો ભેદી ઘટના અાકાર લઇ રહી છે. અા મૃત્યુની હારમાળાની પાછળ કોઇક તો રહસ્ય છે. અાપણે જાણવું પડશે સર. અાપણે અા રીતે સરકારી અધિકારીઓને કમોત મરવા દઇએ એવું ના ચાલે."

"મૃત્યુ અને શ્રાપની દંતકથાઓ સાથે જોડાયેલી કળીઓ ફક્ત એક જ વ્યક્તિ જોડી શકે છે." અદ્વૈતે ગંભીર સ્વરમાં કહ્યું.

"ત્રાવણકોરનાં રાજવી કુટુંબથી તમે કાંઇ અપેક્ષા ના રાખો તો જ સારું રહેશે. એ કુટુંબ છેલ્લાં છસ્સો કરતાં વધારે વર્ષો સુધી અા મંદિરનો વહિવટ કરતું અાવ્યું છે પણ જ્યારથી સરકારે ગર્ભગૃહનાં ભંડારો ખોલવાની વાત કરી છે, મહારાજે ટ્રસ્ટી પદેથી રાજીનામું અાપી દીધું છે અને હવે તેઓ કોઇ પણ કિંમતે મોઢું ખોલવા તૈયાર નથી. એમનાં સિવાય બીજું કોઇ નથી જે મંદિર વિશે ઉંડાણપુર્વક માહિતી અાપી શકે. રાજવી કુટુંબે પોતાની બધી જ સંપત્તિ અને અઢળક સોનું મંદિરમાં સમર્પિત કરી દીધું છે અને હવે તેઓ પોતાને રાજા નહીં પણ ભગવાન પદ્મનાભસ્વામીનાં દાસ તરીકે ઓળખાવે છે." મિશ્રા સાહેબ ત્રાવણકોરનાં રાજકુટુંબ તરફ વળી રહેલાં અદ્વૈતનાં વિચારોની દિશા પારખી ગયા.

"સાહેબ એક માણસ છે જે અાપણી મદદ કરી શકે છે. ત્રાવણકોરનાં રાજવી દરરોજ પ્રભાતવંદનમ્ અને સંધ્યાવંદનમ્ માટે પગપાળા મંદિર અાવે છે. એમની સાથે અત્યાર સુધી એક પુજારી પણ અાવતા હતાં. એ પુજારીનાં પુર્વજો પારંપારીક રીતે સદીઓ થયે રાજવી કુટુંબની અંગત સેવામાં રહી ચુક્યા છે. એમનાં પરદાદા ચાર દાયકા પહેલાં પદ્મનામસ્વામી મંદિરનાં મુખ્ય નિયામક હતાં. થોડા સમય પહેલાં જ મને સમાચાર મળ્યા હતાં કે એમણે હવે પાંડિત્ય છોડી દીધું છે અને બાકીનું શેષ જીવન શાંતિમાં વિતાવવા માંગે છે." મિશ્રા સાહેબની સાથે અાવેલાં બીજા અધિકારી અૈયર બોલી ઉઠ્યા અને અદ્વૈત વિચારમાં પડ્યો.

"કોઇ પણ પગલું ભરતાં પહેલાં અાપણે અા રહસ્યમયી મૃત્યુ પાછળનું કારણ જાણવું પડશે. પણ સવાલ એ છે કે અા કારણ અાપણને કહેશે કોણ ? શું તમને લાગે છે કે એ પુજારી પાસે અાનો જવાબ હશે ?" અદ્વૈતનું મન અનેક શંકાઓથી ભરાઇ ગયું.

"મને લાગે છે ત્યાં સુધી એ પુજારી જ અાપણને અાનો જવાબ અાપી શકશે. હવે સહેજ પણ સમય વેડફ્યા વિના અાપણે ત્યાં જવું જોઇએ. મારી પાસે એમનું સરનામું છે. શહેરથી દુર કોઇક અાશ્રમને એમણે પોતાનું ઘર બનાવ્યું છે." મિશ્રા સાહેબ પુરી તૈયારી સાથે અાવ્યા હતાં એ અદ્વૈત સમજી ગયો.

"પહેલાં હું પોતે જઇને એ વોલ્ટની મુલાકાત લેવા માંગુ છું જેનાં ખજાનાનું ઓડિટ અાજે મૃત્યુ પામેલાં અધિકારીઓ કરી રહ્યા હતાં." અદ્વૈતે કહ્યું અને કેબિનમાં શાંતિ છવાઇ ગઇ.

"માફ કરજો સર પણ મને નથી લાગતું અાપણે ત્યાં જવું જોઇએ. અપમૃત્યુની હારમાળા પછી પુરાતત્વીય ખાતાએ ત્યાં નહીં જવાની સલાહ અાપી છે." ઇન્સપેક્ટર એૈયરે ચિંતાજનક સ્વરમાં કહ્યું.

"જવું તો પડશે. જો ખરેખર અા શ્રાપ વાળી દંતકથામાં કોઇ સત્ય છુપાયેલું છે તો એનો જવાબ ફક્ત એ પુજારી અાપી શકે છે. એમને મળતા પહેલાં હું એક વખત વોલ્ટની મુલાકાત લેવા માંગુ છું." કહીને અદ્વૈત બહાર ચાલી નીકળ્યો. ઇન્સપેક્ટર મિશ્રા અને એૈયર એકબીજાની સામે જોઇ રહ્યા અને કાંઇક ખચકાઇને અદ્વૈતની પાછળ દોરવાયા.

બારી માંથી દ્રશ્યમાન થઇ રહેલાં પદ્મનાભસ્વામી મંદિરનાં મસ્તિષ્કે અાથમતો સુર્ય વધારે પ્રકાશથી દૈદિપ્યમાન થવા લાગ્યો હતો..!!


..................


"સર અા જ વોલ્ટ છે જેને ખોલવાનો પ્રયાસ કરવામાં અાવ્યો હતો." ઇન્સપેક્ટર મિશ્રા વિશાળ લોખંડનાં દરવાજાની સામે ઇશારો કરતાં બોલ્યાં.

લોખંડનાં બનેલા તોતિંગ દરવાજા ઉપર કરવામાં અાવેલાં વાસુકી નાગનાં ભયંકર નક્શીકામને સૌ જોઇ રહ્યાં અને ક્ષણભર માટે એમનાં ચહેરા ઉપર સ્તબ્ધતા છવાઇ ગઇ.

"અા દરવાજો તો તાળું મારીને સાધારણ રીતે બંધ કરેલો છે ઇન્સપેક્ટર. મને મળેલી જાણકારી પ્રમાણે છ નંબરનો વોલ્ટ ચુસ્ત રીતે બંધ કરેલો છે અને એને ખોલવા માટે કોઇ તાળું કે કુંડી પણ લગાવેલી નથી." અદ્વૈત અાશંકા સાથે કહ્યું.

"વોલ્ટનો મુખ્ય દરવાજો અા દરવાજાની પાછળ છે સર જે છેલ્લી કેટલીય સદીઓથી ખોલવામાં નથી અાવ્યો. તમે જે દરવાજાની સામે ઉભા છો એને છેલ્લે ૧૯૯૨ની સાલમાં ખોલવામાં અાવ્યો હતો."

અદ્વૈતે ઉંડો શ્વાસ લીધો અને સાથે અાવેલાં પુરાતત્વીય ખાતાનાં અધિકારીને દરવાજો ખોલવાનો ઇશારો કર્યો. મંદિરનાં મુખ્ય પુજારી ચહેરા ઉપર અમંગળની અાશંકાએ જોઇ રહ્યાં.

દાયકાઓથી બંધ લોખંડનો એ તોતિંગ દરવાજો છેવટે હવાને ભેદી નાખતો તીવ્ર અવાજ કરતો ખુલ્યો અને ક્ષણ માટે હાજર રહેલાં ટોળામાં સોંપો પડી ગયો.

વર્ષોથી બંધિયાર અા જગ્યામાં ઓક્સિજનનાં ઓછા પ્રમાણને કારણે વાતાવરણ ગુંગળાવનારું હતું. ભેજને લીધે જામેલી ધુળ અને વિચિત્ર રીતે ગોઠવેલાં પથ્થરોની હારમાળા વચ્ચે પસાર થતો અદ્વૈત છેવટે છ નંબરનાં વોલ્ટનાં મુખ્ય દરવાજાની પાસે અાવી પહોંચ્યો. દરવાજા ઉપર ફુંફાડા મારી રહેલાં આદિશેષનાગ અને હાથમાં શસ્ત્ર લઇને ઉભેલી રાક્ષસી યક્ષણીની મહાકાય મુર્તિઓ જાણે સામે ઉભેલાં તુચ્છ મનુષ્યોને ડારતા હોય એટલા ભયાવહ ભાસતા હતાં.

અદ્વૈત અાગળ વધ્યો અને એનો ધ્રુજતો હાથ દરવાજા ઉપર ફરી વળ્યો. દરવાજા ઉપર બનેલાં સુદર્શન ચક્રમાં અડધા કોતરાયેલા ગરુડની અાકૃતિ બનેલી હતી જેને જોઇને અદ્વૈતની અાંખો પહોળી થઇ ગઇ. દરવાજાની પેલે પાર જાણે દરિયાઈ મોજા ઘુઘવતા હોય એવો અવાજ અાવતો હતો અને એ ચમક્યો.

"અા દરિયાનાં મોજાનો અવાજ અાવી રહ્યો છે કે ફક્ત મારો ભ્રમ છે ?" અદ્વૈત પુછી બેઠો અને સૌનાં શરીર માંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. દરિયાઈ મોજાનો ભેદી અવાજ સૌને અાવી રહ્યો હતો.

"સર છસ્સો વર્ષથી બંધ અા વોલ્ટમાં દરિયાઈ મોજાનો અવાજ કેવી રીતે અાવી શકે ? શું અા ગર્ભગૃહનો છઠ્ઠો વોલ્ટ નજીકનાં અરબી સમુદ્ર સાથે કોઇક રીતે જોડાયેલો છે ?" ઇન્સપેક્ટર એૈયર પુછી બેઠા અને અદ્વૈતે નકારમાં માથું હલાવીને પોતાની અસમર્થતા પ્રગટ કરી..

"અા ક્ષીરસાગરનો અવાજ છે." અત્યાર સુધી ચુપચાપ પાછળ ઉભેલાં મંદિરનાં પુજારી ઘેરા પણ સત્તાવાહી અવાજે બોલ્યા અને હાજર રહેલાં સરકારી અધિકારીઓ ફાટી અાંખે જોઇ રહ્યાં.

"ક્ષીરસાગર ?" અદ્વૈતે કાંઇક સ્વસ્થ થઇને પુછ્યું.

"ક્ષીરસાગર જ્યાં ભગવાન મહાવિષ્ણુ યોગનિંદ્રામાં પોઢેલા છે. એમની યોગનિંદ્રા ભંગ કરનારને કાળ ભરખી જાય છે. કોઇ નહીં બચે એમનાં પ્રકોપથી, કોઇ નહીં." મંદિરનાં પુજારીએ તીક્ષ્ણ અવાજે કહ્યું અને ક્ષણભર માટે શાંતિ છવાઇ ગઇ.

પુજારી બહાર ચાલી નીકળ્યાં. સાથે અાવેલાં પુરાતત્વીય ખાતાનાં અધિકારીઓ અદ્વૈતની તરફ વળ્યાં અને અા મામલાને અહિયા જ અટકાવી દેવાની સલાહ અાપી. છેવટે સૌ વિખેરાયા એટલે અદ્વૈત ઇન્સપેક્ટર મિશ્રા તરફ વળ્યો.

"ઇન્સપેક્ટર મિશ્રા ગાડી કાઢો. અાપણે મંદિરનાં ભુતપૂર્વ રાજવી પુજારીને મળવા જઇ રહ્યાં છે અને એ પણ હમણાં જ..!" અદ્વૈતે અડધા બનેલાં ગરુડનાં ચિન્હ ઉપર હાથ ફેરવતાં મક્કમતાથી કહ્યું અને અસંમજશમાં પડેલાં ઇન્સપેક્ટર મિશ્રાએ હકારમાં માથું હલાવ્યું.


બીજા રસપ્રદ વિકલ્પો