અનામિકા - ભાગ ૨ Bachubhai vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનામિકા - ભાગ ૨

ઘેર જઈ તે ફ્રેશ થઇ નીરજ પાસે ગયો. નીરજ તેની રાહ જોઇને જ બેઠો હતો. ગાર્ડનમાં જવા માટે નીરજ તેની જ પ્રતીક્ષા કરી રહ્યો હતો. સુભાષને જોતા જ તેણે કહ્યું, “આવ આવ સુભાષ.” તેણે તેની પત્ની જયશ્રીને ચા બનાવવાની સુચના આપી અને સુભાષને પૂછ્યું, “કેમ કંઈ બોલતો નથી? કોઈ ટેન્સન છે?
“અરે... નહીં. મને શું ટેન્સન હોય?” સુભાષે કહ્યું.

જયશ્રીએ ચાના કપ ભરી આપ્યા અને બંને મિત્રો ચા પૂરી કરીને ગાર્ડન જવા નીકળી પડ્યા. રવિવારની રજા હોવાથી ગાર્ડનમાં નાના બાળકોથી લઈને યુવાવર્ગની સારી એવી ભીડ હતી. કેટલાક કપલો લીલી હરિયાળી પર બેઠેલા હતા અને પ્રણય મસ્તીનો આનંદ માણી રહ્યા હતા તો વૃદ્ધો નાના બાળકોને રમાડી રહ્યા હતા. ગાર્ડનમાં લીલાછમ વૃક્ષો અને રંગબેરંગી ફૂલોની સુગંધથી વાતાવરણ મહેકી રહ્યું હતુ. તદુપરાંત રંગીન ફુવારા અને એલ.ઇ.ડી. લાઈટોના ઝગમગાટ સાથે ધીમું ધીમું મધુર સંગીત માઈકોમાં સંભળાય રહેલું. બંને એક ખાલી પડેલી સિમેન્ટની બેંચ પર બેઠક જમાવી ગાર્ડનની પ્રશંસા કરવા લાગ્યા.
“હા તો બોલ શું કહેવા માંગે છે?” નીરજે વાતની શરુઆત કરી પણ સુભાષનું મન બદલી જવાથી તેણે કહ્યું,
“કંઈ ખાસ વાત નથી પરંતુ હવે નથી કહેવું. મારું કામ થઇ ગયું છે.”
“શું કામ હતું? જે હોય તે બોલને યાર.”
“નીરજ. મારે દસેક હજારની જરૂર હતી. એક મિત્રને જરૂર હતી પણ થોડીવાર પહેલા જ તેનો ફોન આવ્યો કે તેનું કામ થઇ ગયું હોવાથી હવે પૈસાની જરૂર નથી.” સુભાષ ખોટું બોલ્યો.
“બસ આટલી જ વાત? માત્ર દસ હજાર? અરે દોસ્ત... દસ હજાર શું? લાખ રૂપિયાની પણ જરૂર હોત તો પણ હું તને ના ન કહી શકત.” નીરજે કહ્યું અને બંને થોડી આડી-અવળી વાતો કરીને ઘર તરફ રવાના થયા.
સુભાષ ઘેર પહોંચ્યો ત્યારે સુરભીએ જમવાનું તૈયાર કરી નાખ્યું હોવાથી પતિ-પત્ની બંને સાથે જ જમવા બેસી ગયા. જમ્યા પછી થોડીવાર ટીવી ન્યૂઝ જોયા બાદ સુરભીને ગુડનાઈટ કહી તે ઊંઘવાનો ડોળ કરી રહ્યો હતો પરંતુ તેની ઊંઘ તો તેની માશુકાએ ચોરી લીધી હોવાથી અને આજે તેણે નજદીકથી નિહાળેલી સૌન્દર્યમૂર્તિ જાણે તેની નજર સમક્ષ ઉપસ્થિત થઇ માંડ માંડ મુશ્કુરાતી હતી અને તેને તેની ડાયરીમાં કંઇક લખવાનું વિચાર્યું પરંતુ લખવું શું? બે-ચાર ફિલ્મના ગીતોની પંક્તિઓ જ તેની યાદમાં લખી નાખી: તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ એકલો... બસ એકવેળા ટકરાય જો તારી નજર તણખા ઝરે કે ફૂલડાં મંજુર છે... નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે... આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કંઈ નહિ કેમ છો કહેતા જજો... આવી બે-ચાર પંક્તિઓ લખીને ડાયરી બંધ કરીને છુપાવીને રાખી દીધી. વિચારોમાં ગરકાવ થઇ જવાથી આંખો ઘેરાવા લાગી અને થોડી જ ક્ષણોમાં તે નિંદ્રાદેવીને આધીન થઇ ગયો.
સવારે ઉઠતાની સાથે જ અનામિકાની ક્ષણિક યાદ આવી જતા મનોમન હસવું આવી ગયું. સુરભીએ ચા-નાસ્તો તૈયાર રાખેલ હોવાથી નાસ્તો કરીને નોકરીએ જવા નીકળ્યો. કામમાં વ્યસ્ત થઈ જતો અથવા ફ્રી ટાઇમમાં સ્ટાફ સાથે બેસતો તેટલો સમય તેને અનામિકા યાદ ન આવતી પરંતુ એકલો પડતો ત્યારે માત્રને માત્ર તેના જ વિચારોમાં ખોવાયેલો રહેતો. આવી માનસિકતા તેનામાં ઘર કરી રહી હતી. હવે તેણે આગામી રવિવારે થીયેટર પર નહિ જવાનો નિર્ધાર કર્યો પરંતુ એ બીજે ક્યાં દેખાશે? એ સવાલ પણ મુંઝવી રહ્યો હતો. આવતા રવિવારે નીરજને સઘળી વાત કરવી જ પડશે. તો જ આ સમસ્યાનું કંઇક સમાધાન થશે એવું પણ વિચાર્યું.
બે દિવસ બાદ તેને કંઇક કામસર નજીકના શહેરમાં જવાનું થયું. જ્યા એકાદ-બે કલાકમાં કામ પતાવી બસ સ્ટેન્ડ પહોંચ્યો. તેના ગામની બસ ઉપડવાની તૈયારીમાં હતી અને બસમાં ખૂબજ ભીડ હોવાથી બેસવાની તો ઠીક પણ ઉભા રહેવાની માંડ જગ્યા મળી. રૂટ વચ્ચે આવતા ગામડાના પેસેન્જરોની ભીડ હોવાથી તે દરવાજા પાસે જ ઉભો રહી ગયો. અચાનક બસની છેલ્લી સીટ પર ધ્યાન દોરાતા બારી પાસે બેઠેલી અનામિકા દ્રષ્ટિમાન થઇ. તે કોઈ પુસ્તક વાંચવામાં તલ્લીન હતી. સુભાષનું મન તેને નિહાળતા જ આનંદિત થઇ ગયું. બસ ઉપડતા જ અને શહેરની બહાર નીકળતા અનામિકાના રેશમી છૂટા વાળ બારીમાંથી આવતા ઠંડા પવનના કારણે લહેરાયા. તેને મનમાં વિચાર આવ્યો: આજે જરૂર કોઈ સારા માણસનું મુખદર્શન થયું હશે જેથી મને આ અલભ્ય દર્શનનો લાભ થયો. બસ દસેક કિ.મી. ચાલી હશે ત્યાં રસ્તામાં એક ગામનું સ્ટોપ આવતા તેની આજુબાજુની બેઠકો પર બેસેલા પેસેન્જરો ઉતરી જતા તેને બારી પાસેની સીટ ખાલી થતા બેસવાની જગ્યા મળી. તેણે નિરાંતે બેઠક જમાવી. બસ આગળ જતા અને બારીમાંથી આવતા ઠંડા પવનનાં કારણે તેની આંખો ઘેરાવા લાગી અને ઊંઘ આવી ગઈ. આમેય તેને મુસાફરીમાં ઊંઘ આવી જવાની આદત હતી.
બસના રૂટમાં ચાર-પાંચ સ્ટોપ આવ્યા પરંતુ તેણે આંખો ખોલીને કયા ગામનું સ્ટોપ આવ્યું છે તે જોવાની પણ તસ્દી ન લીધી અને અંતે બસ લાસ્ટ સ્ટોપ પર પહોંચીને ખાલી થવા લાગી. બાજુના એક પેસેન્જરે તેને જગાડ્યો, “ઓ ભાઈ. ગામ આવી ગયુ.” એ સફાળો જાગી ગયો અને ઉતરતા પહેલા છેલ્લી સીટ પર દ્રષ્ટિપાત કરતા અનામિકા તેને દેખાય નહિ અને રસ્તામાં તે કયા સ્ટોપ પર ઉતરી ગઈ તેની ખબર પણ ન પડી. તેનું સપનુ નિંદરમાં જતું રહેવાથી તેને નજીકથી નિહાળવાની તક સરકી જતા અફસોસ કર્યો. અબ પછતાયે ક્યા ફાયદા? હવે તો ફરીવાર આવો અવસર ક્યારે પ્રાપ્ત થશે એ તો ભગવાન જાણે. જેવા નસીબ. બીજું તો શું કહી શકાય?

ક્રમશ: