ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 15 અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 15


આગળના ભાગમાં આપણે જોયું કે ટ્વિંકલે પોતાની યાદશક્તિ ભૂલીને હવે સેરાહનું જીવન શરૂઆત કરી છે. તે હવે સેરાહ બની ચૂકી છે. હવે આગળ...

સેરાહએ ઝોયાની આંખો જોયું એટલે ઝોયા તેનો ઈશારો સમજી ગઈ. ઝોયા પોતાના અશ્વ પરથી નીચે ઉતરી ગઈ અને તે અશ્વની લગામ સેરાહના હાથમાં આપી. સેરાહ તે અશ્વ પર સવાર થઈ અને લગામ ખેંચી એટલે અશ્વએ તીણી ચીસ પાડી. પછી તે અશ્વ દોડવા લાગ્યો.

આ દરમિયાન સેરાહએ પોતાની આંખો થોડી વાર માટે બંધ કરીને તે અશ્વની પીઠ પર હાથ ફેરવ્યો. એટલે તે અશ્વએ પોતાની ગતિ વધારી દીધી. સેરાહ તે મેદાનની બહાર નીકળ્યા પછી નગરના મધ્ય ભાગમાં આવી ગઈ. સેરાહનો અશ્વ જે માર્ગ પર દોડી રહ્યો હતો. તે નગરનો મુખ્ય માર્ગ હતો. જ્યારે સેરાહ તે માર્ગ પરથી પસાર થઈ ત્યારે આસપાસના બધા નગરજનો પોતાનું માથું ઝુકાવીને સેરાહનું અભિવાદન કરી રહ્યા હતાં.

સેરાહ હસીને તે બધાનું અભિવાદન સ્વીકારતી રાજમહેલમાં પહોંચી ગઈ. મહેલના પ્રવેશદ્વાર પર સેરાહની મિત્ર દેવિકા તેની રાહ જોઈ રહી હતી. સેરાહને જોઈને દેવિકા દોડીને તેની પાસે જઈને ગળી મળી. પછી સેરાહની તલવાર અને કવચ લેતા બોલી, “મહારાજ અને રાજકુમારી માહી આપની પ્રતિક્ષા કરી રહ્યા છે. આપ જલ્દી જાઓ.”

સેરાહ દેવિકાની વાતનો જવાબ આપવા બદલે એક સ્મિત કરીને મહેલમાં દાખલ થઈ. ઝડપથી તે રાજા વિશ્વરના કક્ષ પાસે આવી એટલે દરવાજા પાસે ઊભા રહેલા દ્વારપાળે પોતાની ખડગ નીચે કરીને સેરાહ ને કક્ષમાં જવા માટે ઈશારો કર્યો.

સેરાહ કક્ષમાં આવી ત્યારે તેણે જોયું કે રાજા વિશ્વરની સાથે તેની બહેન રાજકુમારી માહી અને રાજપ્રસ્થના સેનાપતિ ચંદ્રકેતુની સૈન્યના અધિકારીઓ પહેલાંથી હાજર હતાં. આ જોઈને સેરાહને અમંગળ ઘટના થવાની હોય તેમ લાગ્યું. તેણે વિશ્વર અને માહીને પ્રણામ કર્યા પછી પોતાના આસન પર બેઠી. ત્યારબાદ માહીએ સેનાપતિને બોલવા માટે ઈશારો કર્યો એટલે ચંદ્રકેતુએ બોલવાનું શરૂ કર્યું.

“રાજકુમારી માહી અને સેરાહ આપ જાણો છો કે આપણાં રાજ્યની સમીપ આવેલા યવદ્વીપના શૈલેન્દ્ર વંશનો રાજવી ગિરિરાજ ઘણા સમયથી રાજપ્રસ્થની સાથે વેપાર કરતાં વ્યાપારીઓને રંજાડે છે. આપણા રાજ્યની સમૃદ્ધિ તેના માટે ઈર્ષ્યાનું કારણ બની ગઈ છે. થોડા સમય પહેલાં એક દુત દ્વારા તેણે રાજકુમારી માહી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પણ મહારાજે તેને મંજૂર કર્યો નહીં. એટલે તેણે હવે યવદ્વીપની સમીપના સમુદ્રમાં વહાણવટું કરતાં રાજપ્રસ્થના નગરજનોને બંદી બનાવવાનું શરૂ કરી દીધું.” ચંદ્રકેતુ શ્વાસ લેવા માટે અટક્યો.

પછી તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું, ”અને હમણાં એક સપ્તાહ પહેલાં આપણાં એક ગુપ્તચરે સંદેશ મોકલ્યો હતો કે રાજા ગિરિરાજ રાજપ્રસ્થ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેણે પોતાની સેનામાં મોટી સંખ્યામાં જહાજો સામેલ કર્યા છે અને પૂર્વમાં આવેલા હરિવર્ષના રાજા કાર્તવિર્ય પાસે મદદ માંગતો સંદેશ મોકલ્યો છે. પણ રાજા કાર્તવિર્યએ હજુ તેનો કોઈ જવાબ મોકલ્યો નથી. પરતું આપણે એમ માની લેવું જોઈએ કે રાજા કાર્તવિર્ય શૈલેન્દ્ર રાજવીની સહાયતા જરૂર કરશે.”

આટલેથી રાજા વિશ્વરે વાતનો દોર પોતાના હાથમાં લેતાં કહ્યું, “ગિરિરાજ એ વાત સારી રીતે જાણે છે કે આખું રાજપ્રસ્થ નગર સુરક્ષા માટે પાણીની અંદર જઈ શકે છે. એટલે તે એક જ વાર આક્રમણ કરીને આખું નગર જીતી શકે તેમ નથી. અને નગરની ઘેરાબંદી પણ કરી શકે તેમ નથી. આપણું નગર સદાયને માટે સાગરતળિયે પણ રહી શકે છે. આપણે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર યવદ્વીપના આક્રમણને નિષ્ફળ કરી શકીએ છીએ.”

“આપણે કઈક એવું કરવું છે કે જેથી રાજા ગિરિરાજ અને તેની આવનારી પેઢીઓ રાજપ્રસ્થ પર આક્રમણ કરવાનો વિચાર ક્યારેય પોતાના મનમાં લાવે નહીં. પણ આ કામ યુદ્ધ વડે કરી શકાય નહીં. એ વિષે આપણે કોઈ સમાધાન શોધવાનું છે.” આટલું કહીને રાજા વિશ્વરે પોતાની વાત પૂરી કરી.

થોડી વાર સુધી કોઈ કઈ પણ બોલ્યું નહીં. એટલે સેરાહએ કહ્યું, “મારી એક યોજના છે જેનાથી આપણે યવદ્વીપ તરફથી થનારા આક્રમણને સદાયને માટે અટકાવી શકીએ. અને તેની સાથે યવદ્વીપને આપણું કાયમી મિત્રરાષ્ટ્ર બનાવી શકીએ તેમ છીએ.”

સેરાહની વાત અડધી થઈ ત્યાં જ એક સૈનિક અંદર આવ્યો અને બોલ્યો, “મહારાજ આમ અચાનક આવવા બદલ ક્ષમા કરજો પણ વાત ગંભીર હતી.” આટલું કહીને તે સૈનિકે એક નાનો કાપડનો ટુકડો રાજા વિશ્વરના હાથમાં આપ્યો અને જતો રહ્યો.

રાજા વિશ્વરે તે કપડાનો ટુકડો પાણીમાં ભીનો કર્યો અને પછી ખોલ્યો. એટલે તેમાં શાહીના નિશાન ઉપસી આવ્યા. આ પરથી સ્પષ્ટ હતું કે આ એક ગુપ્ત સંદેશ હતો અને તેમાં અષ્ટાંગ લિપિમાં લખવામાં આવ્યું હતું જે લિપિ ઝોયાએ બનાવી હતી. એ સંદેશને માહીએ લીધો અને વાંચ્યો.

તેમાં લખ્યું હતું કે રાજા ગિરિરાજ ને કાર્તવિર્યએ અતિ સીમિત સંખ્યામાં સૈનિક અને જહાજ આપવાનું વચન આપ્યું છે. અને તે સાથે ગીરીરાજે સાગરના તળિયે નગર પર આક્રમણ કરવા પાતાળલોકના નાગરાજ શેષનાગ પાસે મદદ માંગી હતી એટલે નાગરાજ શેષનાગે અસ્તિકા અને તક્ષક નામના બે નાગની સાથે બીજા સો નાગને મોકલ્યા છે.

આ સાંભળીને રાજા વિશ્વર અને બીજા સૈન્ય અધિકારીઓને કપાળે પરસેવો બાજી ગયો. નાગ વિષે સાંભળીને તે બધાની ચિંતા વધી ગઈ પણ સેરાહ અને માહીને તેનાથી કોઈ ફેર પડ્યો નહોતો.