પોલીસ સ્ટેશને જવા તૈયાર થયેલી વૈશાલી ઘરની પાછળના પોતાના બગીચામાં ખુરશી પર બેઠી બેઠી ચા પી રહી હતી. જમણા હાથમાં ચાનો કપ હતો અને ડાબા વડે એ સામેના નાનકડા ટેબલ ઉપર પડેલા ન્યુઝપેપરના પન્ના ફેરવી રહી હતી.
"છ ખૂનો બાદ ફરી એકવાર આઝમપુરમાં સનસનાટી ફેલાવી નાખે એવી ઘટના બની. આઝમપુરના જાણીતા અને માનીતા લેખક વિશ્વદીપ મિશ્રાનું અડધી રાતે ખૂન"
ન્યુઝ પેપરના મથાળે જ હેડલાઈનમાં ઉપરના સમાચારો છપાયેલા હતા.
"ઓહ..' સમાચાર વાંચીને વૈશાલીના મોંઢામાંથી દુઃખભર્યા ઉદ્દગાર નીકળી પડ્યા. વૈશાલી રાતે પોલીસ સ્ટેશનમાંથી વહેલી ઘરે આવી ગઈ હતી એટલે વિશ્વદીપ મિશ્રાનું ખૂન થયું એ અંગે એ સાવ બેખબર હતી.
ન્યુઝપેપરના પહેલા પેજમાં આ લેખકનું ખૂન થયું એ અંગેનો મોટો અહેવાલ છપાયો હતો. ન્યુઝપેપર વાળાઓને તો બીજું કામ જ શું હોય ? જે ઘટના બને એના કરતા બેવડી કરીને પ્રજા સમક્ષ વહેતી મુકે.
પહેલા પેજમાં બીજા કોઈ ખાસ જોવા જેવા સમાચારો નહોતા. એટલે વૈશાલીએ બીજું પેજ ફેરવ્યું. બીજા પેજ ઉપર એણે હજુ સરખી નજર પણ નહોતી કરી. ત્યાં તો ટેબલના ડાબે ખૂણે પડેલો એનો મોબાઈલ રણકી ઉઠ્યો. મોબાઈલ સ્ક્રીન ઉપર નજર કરી તો આરીફ કોન્સ્ટેબલનું નામ ઝળહળી રહ્યું હતું. ન્યુઝપેપર ઉપરથી નજર હટાવીને વૈશાલીએ ફોનને હાથમાં લીધો. અને કટ થઈ જાય એ પહેલા ઉઠાવી લઈ ડાબા કાન ઉપર ધર્યો.
"હલ્લો..' હોઠે સ્પર્શી રહેલા ચાના કપને પાછો ટેબલ પર મુકતા વૈશાલી બોલી.
"મેડમ જલ્દી સિવિલ હોસ્પિટલે પહોંચો.' સામે છેડેથી કોન્સ્ટેબલ આરીફનો ધ્રૂજતો અવાજ આવી રહ્યો હતો. આરીફ કોલ ઉપર હતો.
"પણ થયું શું એ તો કહો જરા.!' વૈશાલીએ પુરી વાત જાણવાનો પ્રયત્ન કરતા કહ્યું.
"અરે.. અનિકેત સરને હોસ્પિટલમાં ખસેડાયા છે. તમે જલ્દી ત્યાં પહોંચો હું પણ આવું છું.' ડરેલા અવાજે આરીફે માહિતી આપી.
"શું થયું સરને ?' ખુરશીમાં બેઠેલી વૈશાલી ઝાટકા સાથે ઉભી થઈ ગઈ. પણ સામે છેડેથી આરીફનો કોઈ પ્રત્યુત્તર ના મળ્યો.
હલ્લો.. હલ્લો.' વ્યર્થ પ્રયત્નો કરતા વૈશાલી બોલી. સામેથી કંઈ જ જવાબ ના મળતા વૈશાલીએ કાને માંડેલા મોબાઈલને આંખો સામે ધરીને મોબાઈલ સ્ક્રીન પર નજર કરી જોયું તો સામેથી ફોન કટ થઈ ચુક્યો હતો.
ફોન કટ થતાંની સાથે જ વૈશાલીએ ઝટપટ પોતાની કોન્સ્ટેબલ હેટ માથા ઉપર મૂકી. ન્યુઝપેપર અને અડધી ચા છોડીને એ ઘરના પાર્કિંગ તરફ દોડી.
"બેટા.. આ ચા તો પીતી જા.' પાછળથી પપ્પાનો અવાજ સંભળાયો.
"પપ્પા જરા અરજન્ટ છે.' પાછળ જોયા વગર જ વૈશાલીએ જવાબ આપ્યો.
"દરરોજ આને અરજન્ટ કે ઇમર્જન્સી જ હોય છે. આ બે શબ્દો સિવાય મને છેલ્લા એક વર્ષથી એના મોઢેથી કોઈ નવો શબ્દ સંભાળવા મળ્યો નથી.' આમ કહીને વૈશાલીના પપ્પા સુરેન્દ્રરાય ખડખડાટ હસી પડ્યા.
પપ્પાની મજાક ઉપર ધ્યાન આપ્યા વગર જ વૈશાલીએ પોતાનું એક્ટિવા સ્ટાર્ટ કરીને સોસાયટીમાં દોડાવી મૂક્યું.
વૈશાલી અઝામપુરના પૂર્વીય પોલીસ સ્ટેશનની લેડી કોન્સ્ટેબલ હતી. ઉંમર એની બાવીસ વર્ષ હતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ છેલ્લા એક વર્ષથી કામ કરી રહી હતી. મમ્મી-પપ્પા અને નાનાભાઈ મિલન સાથે એ આઝમપુરના મુખ્ય બસ સ્ટેન્ડની પાછળની બાજુએ આવેલી આરાધના સોસાયટીમાં રહેતી હતી. એક વર્ષના ટૂંકા ગાળામાં જ વૈશાલીએ એની ફરજનિષ્ઠ સ્વભાવના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારી એવી ઓળખ ઉભી કરી દીધી હતી.
"પેલા લેખકનું ખૂન થયું છે. અને અનિકેત સરને પણ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઈ સબંધ તો નહિ હોય ને ?' એક્ટિવા ચલાવી રહેલી વૈશાલીએ ઝીણા બડબડાટ સાથે પોતાની જાતને પ્રશ્ન કર્યો.
ક્રાઇમ બ્રાન્ચના વડા અનિકેત શર્મા અને લેખક વિશ્વદીપ મિશ્રા અંગે વિચારતા વિચારતા ક્યારે હોસ્પિટલ આવી ગયું. એની વૈશાલીને પણ ખબર પડી નહિ. એણે પોતાનું એક્ટિવા ધીમી સ્પીડે ડાબી તરફ આવેલા હોસ્પિટલના પાર્કિંગ તરફ લીધું. પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરીને એ જલ્દી હોસ્પિટલમાં ઘૂસી.
"અનિકેત શર્મા..' વૈશાલી બોલી.
"સેકન્ડ ફ્લોર.. રૂમ નંબર બાર.' હોસ્પિટલના કાઉન્ટર પર ઉભેલી નર્સે વૈશાલીની અધવચ્ચેથી બોલતી અટકાવીને જવાબ આપી દીધો.
નર્સે આપેલો જવાબ સાંભળીને વૈશાલીને લાગ્યું કે પોલીસ સ્ટેશનના મોટાભાગના અધિકારીઓ એના પહેલા અહીં પહોંચી ચુક્યા છે. એ ફટાફટ લિફ્ટ પાસે પહોંચી. લિફ્ટમાં પ્રવેશીને એ સેકન્ડ ફ્લોર પર પહોંચી. ત્યાંથી ઉતાવળા પગલે રૂમ નંબર બાર તરફ જવા લાગી. એ જઈ રહી હતી ત્યાં સામેની દિશામાંથી એક બ્લેક કપડાંમાં સજ્જ માણસને એણે ઝડપથી સીડી ઉતરતા જોયો. બ્લેક કપડાંધારી માણસ ફટાફટ સીડી ઉતરી ગયો હતો એટલે વૈશાલીને એ માણસ પ્રત્યે શંકાનો કિડો જન્મી ઉઠ્યો. થોડીકવાર માટે એ થંભી ગઈ. પણ પછી એ શંકાના વાદળોને દૂર કરીને રૂમ નંબર બાર તરફ આગળ વધી. અને ત્યાં આરીફ એને સામો મળ્યો.
"આરીફભાઈ શું થયું છે સરને ?' આખી ઘટનાથી બેખબર વૈશાલીએ આરીફને સીધો જ પ્રશ્ન પૂછ્યો.
"મારે જરા ઉતાવળનું કામ છે. તમે જ જોઈ લો.' આમ કહીને આરીફે રૂમ નંબર બાર તરફ આંગળી ચીંધી અને પછી એ ઉતાવળા પગલે ચાલ્યો ગયો.
વૈશાલી ઝડપથી રૂમ નંબર બારમાં પ્રવેશી. રૂમની અંદર અનિકેત શર્મા માથા ઉપર પાટો વીંટાળેલી હાલતમાં બેડ ઉપર બેઠા હતા. પી.આઈ એમ.કે.રાઠોડ તેમજ અન્ય છ સાત પોલીસકર્મીઓ અનિકેત શર્મા સામે તાકી રહ્યા હતા.
અનિકેત શર્મા બેડ પર બેઠા બેઠા જ એક નાનકડી કાચની પેટીને આમ તેમ ફેરવીને જોઈ રહ્યા હતા. એ પેટી ગડીઓ વાળેલો કાગળ બહાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. અનિકેત સર વિચારોમાં ડૂબેલા હતા. એટલે વૈભવીએ એની સાથે જ કામ કરતી લેડી કોન્સ્ટેબલ રીટાને બાજુ પર બોલાવી. અને અનિકેત સરના માથામાં શું વાગ્યું છે એ અંગે પૂછ્યું. રીટાએ આગળની રાતે અનિકેત સર સાથે બનેલી ઘટના કહી સંભળાવી. રીટાની વાત સાંભળ્યા પછી વૈશાલીની નજર ફરીથી અનિકેત સર ઉપર પડી. અનિકેત સરના હાથમાં પેલી કાચની પેટીમાંનો કાગળ હતો. તેઓ જેમ જેમ કાગળ વાંચતા જતાં હતા એમ-એમ એમના ચહેરાની રેખાઓ બદલાતી જતી હતી.
"ઓહહ.!' કાગળ વાંચી રહ્યા બાદ અનિકેત શર્માના મોંઢામાંથી શબ્દો નીકળી પડ્યા.
"શું લખેલુ છે કાગળમાં સર ?' પી.આઈ રાઠોડે અનિકેત સરને પૂછ્યું.
"લો તમે બધા જ વાંચી લો. એટલે તમને પણ ખબર પડી જાય.' અનિકેત શર્મા ગંભીર અવાજે બોલ્યા. અને પછી એ કાગળ એમણે પી.આઈને સોંપ્યો.
કાગળ વાંચ્યા બાદ પી.આઈનો ચહેરો પણ કઠોર બન્યો. પછી કાગળ વૈશાલીના હાથમાં આવ્યો. વૈશાલી ઝટપટ કાગળ વાંચવા લાગી કાગળ ઉપર આ મુજબનું લખાણ હતું.
તમારા વિશે બહુજ સાંભળ્યું છે. તમે એક બાહોશ અને વફાદાર ઓફિસર છો. દિલ્લીથી માંડીને છેક દક્ષિણના રાજ્યો સુધીના ક્રિમિનલો તમારાથી ડરે છે. આઝમપુરમાં થયેલી સાત લોકોની હત્યા મેં મારી મર્ડર માસ્ટરીની કળાથી કરી છે. છેલ્લા એક મહિનાથી આઝમપુરના પ્રતિષ્ઠિત લોકોની હત્યાઓ થઈ રહી છે. પણ પોલીસ ગુનેગારને શોધવામાં સદંતર નિષ્ફળ રહી છે. અને હંમેશા નિષ્ફ્ળ જ રહેશે. એટલે તમે પણ હવે તમારો સામાન આટોપીને અઝામપુર છોડી દિલ્લી તરફ રવાના થઈ જાઓ. નહિતર પહેલા સાત લોકોના જેવા હાલ થયા છે. એવા તમારા પણ હાલ થશે.
ગુનેગારોની દુનિયાનો બાદશાહ
મર્ડર માસ્ટર
વૈશાલી સ્તબ્ધ બનીને થોડીકવાર એ પત્ર સામે તાકી રહી. જેમનું નામ પડતા ભલભલા ગુનેગારો થથરી ઉઠતા એ અનિકેત શર્માને આવી ખુલ્લી ધમકીભર્યો કાગળ લખનાર અને પોતાની મર્ડર માસ્ટરીની કળા દ્વારા આઝમપુરમાં આંતક મચાવનાર આ મર્ડર માસ્ટર આખરે કોણ હશે ? એવો પ્રશ્ન લેડી કોન્સ્ટેબલ વૈશાલીના મગજની આંતરિક દીવાલોમાં આમ-તેમ અથડાવા લાગ્યો.
(ક્રમશ)