'સર કદાચ સુસાઇડ નોટ મળી પેન્ટના ગજવામાંથી ' રાવે ચિઠ્ઠી વિરલ સાહેબને આપતા કહ્યું.
વિરલ સાહેબે ચિઠ્ઠી હાથમાં લીધી અને એક નજર આખા કાગળીયા પર ફેરવી.
'સાચેમાં સુસાઇડ નોટ છે સર? ' જૈમિને આશ્ચર્ય સાથે વિરલ સાહેબને પૂછ્યું.
" હું કેશવ રમાકાંત શાહ પોતાના જાગૃત મન થી લખી રહ્યો છું કે મેં જે પણ પગલું ભર્યું છે એ મારો પોતાનો નિર્ણય છે. આ પગલું મેં કોઈના દબાવ મા આવીને નથી ભર્યું. તેથી કોઈ આના માટે જવાબદાર નથી. હું છેલ્લા 4 મહિનાથી આર્થિક રીતે ખૂબ નબળો થઈ ગયો હતો. જેથી હું બહુજ ડિપ્રેશનમાં રહેતો હતો. બધીજ સમસ્યાના માર્ગ સ્વરૂપે મેં આ પગલું ભર્યું છે.
મમ્મી અને પપ્પા મને માફ કરજો અને તમારો આભારી છું. - કેશવ." વિરલ સાહેબે આખી ચિઠ્ઠી વાંચતા કહ્યું.
"મને હજુ વિશ્વાસ નથી થતો કે કેશવએ આવું પગલું ભર્યું છે " રચના એ તેનો ડાબો હાથ તેના મોં પર મુકતા કહ્યું.
'આપડે હવે જવું જોઈએ વિરલ સાહેબ આ કેસ સારી રીતે સંભાળી લેશે . ' જૈમિને તેના મિત્રોને કહેતા કહ્યું.
'કેશવ અહીંયાં એકલો રહેતો હતો કે તેના માતા પિતા સાથે ?' વિરલ સાહેબે જૈમિનને પૂછતા કહ્યું.
'સર કેશવ તો છેલ્લા 6 વર્ષ થી અહીં એકલો જ રહેતો હતો. તેના મમ્મી પપ્પા તો દાર્જિલિંગ રહે છે. જ્યારે એના પપ્પાનું અહીંયા જોબ માટે ટ્રાન્સફર થયું હતું ત્યારે કેશવે અહમદાબાદમાં જ કૉલેજ મા એડમિશન લીધું હતું.
પછી જ્યારે એના પપ્પાને દાર્જિલિંગ જવાનું થયું ત્યારે કેશવ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ પણ ચાલુ કરી દીધી હતી તેથી તેના માતા પિતા એ તેને અહીંયાં જ રહેવાની સલાહ આપી અને તેના મિત્રો પણ સારા એવા બની ગયા હતા.' જૈમિને વિરલ સાહેબને જવાબ આપતા કહ્યું.
'કેશવના ફાધર નો નંબર આપો હું માહિતી આપું છું તેમને ' વિરલ સાહેબે જૈમિન પાસેથી કેશવના ફાધરનો નંબર માંગતા કીધું.
'હેલ્લો કેશવના ફાધર સાથે વાત કરી રહ્યો છું?.. હા હું પી.આઈ વિરલ વાત કરી રહ્યો છું એસ.જી હાઇવે અહમદાબાદ થી. અઅઅઅ... જણાવતા દુઃખ થાય છે આપના પુત્ર કેશવ શાહે તેમના બ્લુ સ્કાય એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી છે. તો તમારે આવવું પડશે અહીંયા ... ' વિરલ સાહેબે શાંતિ પૂર્વક રમાકાંત શાહ કેશવ ના પિતાને ઘટનાની જાણ કરી.
આ સાંભળતાની સાથે જ દાર્જિલિંગમાં કેશવના પિતાના પગ માંથી જમીન ખસી ગઈ. કેશવ તેમનો એક જ પુત્ર અને જેના સહારે પાછળનું જીવન કાઢવાનું હોય તેજ આવું કરે તો કેવું ગુજરે તે માતા પિતાને.
ત્યાંથી કેશવના માતા પિતાએ અહમદાબાદ આવવાની તૈયારી શરૂ કરી દીધી.
'હવે તમે જઈ શકો છો હું તમને ક્યારે પણ કોલ કરી શકું છું તેથી કોઈ પણ ફોન સાઇલેંટ નઈ રાખતા ' વિરલ સાહેબે બધાને અને ખાસ ત્રિશાની સામે જોતા કહ્યું.
કેશવના મિત્રો ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે રાકેશ પાછો આવ્યો અને વિરલ સાહેબ પાસે ઊભો રહ્યો.
'સર ખાલી એટલુ જ કહીશ કે કેશવ કૉલેજના સમય થી આત્મહત્યાના ખિલાફ હતો અને આત્મહત્યાનો દર ઓછો કરવા તેમજ નવા જીવન માટે પ્રોત્સાહન આપતી સંસ્થા એવી "LIVE ROYAL LIFE" સાથે જોડાયેલ હતો. આ વાત ગળે નથી ઉતરતી...! બાકી તમે સમજદાર છો!' રાકેશે વિરલ સાહેબની આંખોમાં આંખ મેળવીને કીધું અને તે પાછો વળીને કેશવના ઘરની બહાર જતો રહ્યો.
વિરલ સાહેબે પોતાની આંખ કેશવની ચિઠ્ઠી ઊંચી કરીને પાછી ફેરવી.
'પાંડે ઘરનો એક પણ ખૂણો બાકીના રહેવો જોઈએ અને આ ચિઠ્ઠી લેબમાં ના મોકલતો બાકી પછી સમજાવીશ ' વિરલ સાહેબે પાંડેને ચિઠ્ઠી એવી રીતે આપી જાણે એમને કંઇક કામની વાત ચિઠ્ઠી માંથી મળી હોય.
પાંડે જે વિરલ સાહેબનો રાવની જેમ બીજો ખાસ માણસ. તેણે તે ચિઠ્ઠી અલગ કોથળી મા મુકી તેના ગજવામાં મુકી દીધી.
"શું લાગે છે રાવ બાબુ?" વિરલ સાહેબે પોતાની નજર પંખા થી લટકતા દોરડા પર ફેરવતા કોન્સ્ટેબલ રાવ ને પૂછ્યું.
'સાહેબ સાચું કઉ તો મને તો આત્મહત્યા જ લાગે છે ઉપર થી ચિઠ્ઠી મળી એટલે તો કોઈ શંકા લાગતી નથી
અને આત્મહત્યા થી કોઈ કેવી રીતે મર્ડર કરી શકે ' રાવે તે રૂમ મા પડેલી વસ્તુઓ ફેંદતા ફેંદતા જવાબ આપ્યો.
'બકા મોટા મોટા સેલિબ્રિટીઝના કેસો આવા જ છે અને દબાઈ જાય છે તો તમારા અને મારા જેવાની તો શું હેસિયત ? ' વિરલ સાહેબે તે રૂમનાં ડ્રોવર ખેંચતા રાવ ને જવાબ આપ્યો.
પોલીસ ની આખી ટીમ કેશવના ઘર ની બધીજ જગ્યાએ છાનબીન કરવા લાગી હતી.
'જે પણ મળે એ એવિડેન્સ તરીકે લઇ લેજો ' વિરલ સાહેબ કેશવના ઘર ની ગેલેરીમાં જતાં જતા દરેકને આદેશ આપતા કહ્યું.
વિરલ સાહેબે ગેલેરીમાં જઈ એક સિગારેટ સળગાવી અને કોઈક ને કોલ લગાવ્યો .
"હેલ્લો...શું કરતી હતી ? " વિરલ સાહેબે ડાબા હાથમાં સિગારેટ પકડી જમણા હાથથી ફોન કાને લગાડતા પૂછ્યું.
'અરે અત્યારે વ્યસ્ત છું પછી ફોન કરીશ ' સામેથી તેમની વાઇફ રીનાએ જવાબ આપતા કહ્યું.
'વાત તો સાંભળ ' વિરલ સાહેબ હજુ કહેતા હતા એટલામાં રીનાને ત્યાં કોઈ એ કીધું " અરે રીના ચલને શું કરે છે " જાણે કોઈ તેનો ખાસ મિત્ર હોય.
રીના એ પણ ફોન કટ કરી દીધો.
વિરલ સાહેબ મનમાં કંઇક વિચારતા વિચારતા ધીરે થી હળવી હસી સાથે ફોન ગજવામાં મુકી ફરીથી સિગારેટ નો એક કશ લઈને બહાર 31 ડિસેમ્બરના ફટાકડાની રેલમછેલ જોતા જોતા ધુમાડો કાઢ્યો.
******************************************
સવારે 7:15 વાગ્યાની આસપાસ, પોલીસ સ્ટેશન.
વિરલ સાહેબે ફરીથી ફ્રેશ મૂડ મા પોલીસ સ્ટેશનમાં પગ મૂક્યો.
"જય શ્રી કૃષ્ણ સર" ! રાવે હાથ ઊંચો કરી વિરલ સાહેબ નું આગમન કર્યું.
"જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ " વિરલ સાહેબ હસતા હસતા જવાબ આપતા પોતાના કેબિન મા ગયા.
'સર તમારી આદુ વાળી ચા ' જીગુભાઈ જે પોલીસ સ્ટેશન ના સામે ચાની કીટલી ચલાવતા હતા . તેમણે વિરલ સાહેબ ના ટેબલ પર ચા મુકતા કહ્યું.
'અરે જીગુભાઇ મૂકો મૂકો અને પાંડેને મોકલો અંદર' વિરલ સાહેબે પોતાનું બ્લેક કલરનું લેધર જેકેટ પોતાની ખુરશી પર લટકાવતા કહ્યું.
'જી સર બોલો ' પાંડે અંદર આવીને વિરલ સાહેબને પૂછ્યું.
'પેલી કેશવ ની ચિઠ્ઠી આપો તો જરાક ' વિરલ સાહેબે હાથ મા સફેદ રબર ના ગ્લવસ જે એવિડેન્સને અડતા પહેલા પહેરવામાં આવે છે તે પહેરતા કહ્યું.
વિરલ સાહેબે ચિઠ્ઠી ટેબલ પર મૂકી અને ફરીથી એક વાર વાંચી અને બિલોરી કાચથી જોવા લાગ્યા.