હસતા નહીં હો! - 17 - પથારી તારા પ્રેમમાં... પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હસતા નહીં હો! - 17 - પથારી તારા પ્રેમમાં...



નવા નવા વિવાહ થયા હોય ત્યારે પતિને તેની પત્ની,કોલેજમાં ભણતી પ્રેમિકાને તેનો પ્રેમી,'શ્રવણ' ફિલ્મ જોયા બાદ સંવેદનશીલ છોકરાને તેના માતા પિતા,દેશભક્તિનું ગીત સાંભળ્યા બાદ બળિયા યુવકને તેનો દેશ સૌથી પ્રિય હોય છે.હું પહેલા જણાવી ચુક્યો છું એ મુજબ મને કોઈ કંઈ પણ પૂછવા નવરું નથી છતાંય જો કોઈ પૂછી બેસે કે તમને સૌથી વધુ પ્રિય શું છે?તો હું શહેનશાહની અદાથી જાહેર કરું કે,"પથારી...પથારી... પથારી..." મને સૌથી વધુ પ્રિય છે જેમાં મને કુંભકર્ણ અને રાજા મુચુકુંદની છટાથી સુવાનો આનંદ પ્રાપ્ત થાય છે.પણ મારા ઘરમાં કોઈ મારી આ શયન સાધનાની કિંમત કરતું નથી.સદૈવ નિયતિ મારી આ સાધનાની પરીક્ષા કરતી હોય છે.મને જ્યારે સવારે એક એક ક્ષણની નિંદ્રા ખેંચી લેવાની આતુરતા હોય છે ત્યારે જ સૂર્ય વહેલો ઊગી જાય છે અને મારી નિંદ્રાસાધના ખંડિત થઈ જાય છે.

"ઓનલાઈન લેક્ચર શરૂ થઈ ગયા છે,ગધેડા જેવડો થયો પણ હજુ ખબર નથી પડતી વહેલી ઉઠવાની!"પ્રભાતના પ્હોરમાં બ્રહ્મમુહૂર્તમાં આ બ્રહ્મવાક્ય અવારનવાર મારા સ્વજનો મને સંભળાવતા હોય છે.સંસ્કૃત કવિ કાલિદાસના મહાકાવ્ય 'મેઘદૂત'માં જેમ નાયક પ્રભાતમાં પ્રેમિકા ઉર્ફે પત્નીનો સહવાસ છોડી શકતો નથી ને એથી પુષ્પમાંથી ભ્રમરો નીકળતા રાજા ક્રોધે ભરાઈને તેને વિયોગની સજા આપે છે એવી જ રીતે મારાથી પણ મારી પ્રિયતમ સમાન પથારીનો સાથ છુટતો નથી ને સજારૂપે આવા કટુવચનો સાંભળવા પડે છે.'ગધેડો' એ કોઈ ઉંમર છે એની પણ મને આવી પ્રભાતોમાં જ ખબર પડે છે.અલબત્ત,આવી દરેક પ્રભાતમાં મેં અનેક જાનવરોની ઉપમા સ્વીકારી છે. જેમ હિન્દી ફિલ્મોમાં નાયકને એની પ્રિયતમા સાથે પરણવા તેના પિતાજી સામે લડવું પડે છે એવી જ રીતે હું પણ પથારીના પ્રેમ ખાતર મારા સ્વજનો સાથે લડું છું.

ખબર નહિ કયો નઠારો માણસ હશે જેને આ સવારની શાળા કોલેજો શરૂ કરી હશે?બપોરની રાખી હોત તો એમાં એના બાપુજીનું શું ઘસાઈ જાત? બિચાળા પહેલા બીજા ધોરણમાં ભણતા બાળકો આંખો ચોળતા-ચોળતા,બગાસા ખાતા-ખાતા શાળાએ જતા હોય ને ઘણી વખત તો પથારીના વિરહમાં આંસું પણ સારતા હોય છે ત્યારે આપણને થાય કે આપણી શિક્ષણ વ્યવસ્થા કેટલી ક્રૂર છે!આમ તો મારામાં ભણવા માટેની કોઈ પણ વૃત્તિ નહિ છતાંય મારા અમુક નિર્ધારિત કરેલા વિષય મને ગમે-જેની યાદીમાં એકેય વિષય જ આવતો નથી.મને ઘણી વખત થાય કે કાશ શારીરિક શિક્ષણની જગ્યાએ આળસનો તાસ હોય જેમાં આખો તાસ બસ તમતમારે આળસ કરવાની અને સુતું રહેવાનું!કાશ ગણિતની જગ્યાએ આજુબાજુ વાળા વિદ્યાર્થીઓને હેરાન કરવાનો તાસ હોય ને સૌથી અગત્યની વાત કે કાશ શાળા ભગવાન શંકરના મંદિર જેવી હોય-મન પડે ત્યારે આવવાનું અને મન થાય ત્યારે ભાગી જવાનું.પણ જવા દો, નિયતિ ક્યાં આપણી ઈચ્છાને વશ થાય છે!

ઘણી વખત આ પથારીના મોહને લીધે મારા અનેક કામની પથારી ફેરવી છે.બધા પ્રેમીઓની માફી માંગીને મારે એક દાવો કરવો છે અને એ દાવો એ કે આ જગતમાં સૌથી વધુ પથારી ફેરવવાનો શ્રેય પ્રેમિકાના નામે જાય છે.એવી જ રીતે મારી પ્રેમિકા પથારીએ પણ આ કામ કરવામાં જરાયે પાછીપાની નથી કરી.સરકાર આપણને મોક્ષના માર્ગે અગ્રેસર કરવા માંગતી હોય છે કારણ કે સરકાર આપણને આત્મદર્શન તરફ ઢાળે છે.જાણો છો કેવી રીતે?પોતે મનુષ્ય છે એ વાતની પ્રતીતિ માટે આધાર કાર્ડ,પોતે નાણાં પણ ધરાવી શકે (ભલે પછી એ સરકારને જ લૂંટવાના હોય) એવી શક્યતા માટે પાન કાર્ડ વગેરે જેવા કાર્ડ કઢાવીને!આમ તો નાણાં સાથે મારે દૂર દૂર કોઈ સંબંધ નથી ને ભવિષ્યમાં એ સંબંધ બંધાય એવા કોઈ જ અણસાર પણ દેખાતા નથી છતાંય બેન્ક નામની સફેદ લૂંટારું સંસ્થામાં ખાતું ખોલાવવાના સરકારના અતિઆગ્રહને લીધે મેં ખાતું ખોલાવવા નિર્ણય કર્યો અને એના માટે પિતાજીના આગ્રહને વશ થઈ પાન કાર્ડ કઢાવવાનો મેં ભીષ્મ નિર્ણય લીધો.

હવે આ પાન કાર્ડ કઢાવવા મારે એના અધિકારીના કાર્યાલય પર સવારે નવ વાગ્યે પહોંચવાનું હતું.કોઈ વિરાટ અરણ્યમાં દીક્ષા અર્થે જતો યોગી તેના અંતિમ દિવસે જેટલી તૈયારી કરે,કોઈ પરિવારની મરજીથી પ્રેમલગ્ન કરવા જતાં વરરાજો લગ્નની આગલી રાત્રે જેટલા ઉત્સાહથી તૈયારી કરતો હોય એટલી જ તૈયારી મેં આગલી રાત્રે સવારે પથારીના પ્રેમાવેશમાંથી છૂટવા તૈયારી કરી પણ છતાંયે પ્રભાતમાં હું લલચાયો અને મોડું થઈ ગયું.સ્વજનોની અનેક જાનવરોની ઉપમા સાંભળવી પડી ને એમાં સાડા આઠના ટકોરા થઈ ગયા.પછી હું મારી સવારી ઉર્ફે સોનાની સાયકલમાં આરૂઢ થયો ને મારતી સાયકલે કાર્યાલયે પહોંચ્યો ત્યારે નવમાં દસની વાર હતી.મેં એમના પત્નીના અપહરણની ધમકી આપી હોય,એમના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોય અને પછી એમને મળવા આવ્યો હોય,એમના પાટલુનમાં દેડકો મૂકી દીધો હોય ને એની હાલત જોઈને હું હસતો હોઉં એ રીતે એમને મારી સામે જોયું.આ 'એમને' અને 'એણે' એટલે પાનકાર્ડ કાઢી આપનાર અધિકારી!પહેલી ભૂલ એક કલાકે,બીજી ભૂલ ત્યારબાદ પંદર મિનિટે એમ અનુક્રમમાં અરજીમાં એમને મારી ચારેક ભૂલ કાઢ્યા બાદ બે કલાકે હું 'પાન' ધરાવતો થાઉં એની અરજી સરકાર વતી સ્વીકારી.

પણ મારી મૂળ વાત તો હતી પથારીના પ્રેમની.આ પથારી પ્રત્યે અમુક બાળકોને તો એટલો બધો પ્રેમ હોય છે અને કેટલાક વડીલોને પણ એટલો બધો પ્રેમ હોય છે કે તેઓ આ પથારીને રોજ સવારે સ્નાન પણ કરાવે છે,સદ્ભાગ્યે હજુ મને આવા પ્રેમનો ઉભરો આવ્યો નથી.પણ હવે મને પ્રિયતમા પથારી પોતાના આવેશમાં બોલાવે છે અને જો નહિ જઉં તો દુઃખી થઈને તે પોતાના પર મચ્છરો, માંકડ,વંદા વગેરે તેના ભૂતપૂર્વ પ્રેમીઓને બોલાવી લેશે એના કરતાં તમારો વિયોગ સહન કરીને હું જાઉં છું.

આમ પણ આ જીવન શ્વાસનો આવેશ જ નથી તો બીજું શું છે?