ભાગ -૨ ................................................................
બસ પહેલી નજર માં જ આ છોકરી મને ગમી ગઈ અને મને યાદ છે કે ત્યાર પછી મેં ક્યારેય માથા પર કાકા ની ટપલી નથી ખાધી કારણ કે મારે પાછા જવું જ ન હતું. પછી તો અમે જોડે મોટા થવા લાગ્યા. મારા બાપુ મને સરકારી શાળા એ મોકલતા અને બપોરે લેસન થઇ જાય પછી લારી એ બોલાવતા. બપોરે ઘરાકી ઓછી હોય એટલે બાપુ જમવા જાય અને થોડો આરામ કરી લે. સોસાયટી ના ઝાંપે થી અમારી ઓરડી પણ કઈ વધારે દુર ન હતી. સાંજે હું સોસાયટી ના છોકરાઓ સાથે કોમન પ્લોટ માં થોડીક વાર રમતો પણ ખરો.
એક દિવસ ક્રિકેટ રમતા, આઉટ થવાની બાબતે દિવ્યેશ નામના એક છોકરા એ મને કહ્યું કે તું તો શાકવાળા નો છોકરો એટલે તારી હેસિયત માં રહેજે. મને ખોટું લાગ્યું અને હું રડવા જેવો થઇ ગયો. રેશમા પણ મારી જોડે જ રમતી હતી. એ તરત ત્યાં આવી અને દિવ્યેશ ને જોરથી ઘક્કો મરતા બોલી કે દિવ્યેશ હેસિયત માં એણે નહિ આપણે રહેવાની જરૂર છે. એ આપણી ઉમર નો હોવા છતા એની મમ્મી વગર રહી શકે છે, એના માટે ખાવાનું જાતે બનાવી શકે છે અને કમાવી પણ જાણે છે. ભણે પણ છે. તો એના માં આપણા કરતા આવડત વધારે થઇ તો એની હેસિયત આપણા થી ઉંચી થઇ. અને આ સાંભળીને મને પહેલી વાર મારા પોતાના માટે માન થયું. આ વાત દૂર ઉભેલા મારા કાકા પણ સાંભળતા હતા કારણકે એ તે વખતે એ મને બોલાવવા લારી છોડીને સોસાયટી ના કોમન પ્લોટ તરફ આવી ગયા હતા.
એમની આંખો માં મેં પહેલી વાર ઝળહળીયા જોયા હતા. એમને અને મને આમ રડમસ જોઈને રેશમા તરત અમારી પાસે આવી અને કહેવા લાગી "મોહન કાકા, તમે જરાય ઓછું ન લાવતા. તમે કૉમ્યૂનિટી હેલ્પર છો અને તમારા જેવા લોકો વિશે મારા ભણવામાં પણ આવે છે." કાકા ને અને મને એ શબ્દ તો ન સમજાયો પણ ભણવામાં આવે છે એટલે સારું જ હશે માની ને અમને બંને ને સારું લાગ્યું.
કાકા ની તો ખબર નહિ પણ મને આ ઘટના પછી મારા ઘંઘા માટે ઓછાપણું ક્યારેય નથી લાગ્યું. હું ૧૪ એક વર્ષો નું થયો ત્યાં સુધી તો હું અને રેશમા જોડે રમતા. એક બીજા સાથે ઈશારા થી વાતો કરતા, એ એના ઘર માં હોય અને હું લારી એ. બંને સાંજે જોડે રમતા. એમના ઘર માં કઈ પણ મિષ્ટાન હોય તો દીપ્તિ કાકી મને આપવા રેશમા ને જરૂર મોકલે. બે એક વર્ષ પછી બન્ને વ્યસ્ત રહેવા લાગ્યા. આઠમું ધોરણ આવતા એ દુનિયા ભર ના ક્લાસ માં વ્યસ્ત રહેવા લાગી અને મારે ધંધા માં વધારે ધ્યાન આપવું પડતું. હવે કાકા મને મૂકી ને ચાર પાંચ દિવસ માટે ગામડે આંટો મારી આવતા. વારે તહેવારે અમે બંને જતા.
મને રેશમા ને ભાવતા બધા શાક ની જાણકારી હતી એટલે ક્યારેક દીપ્તિ કાકી એને ન ભાવતું શાક લે ત્યારે એમના વગર કહ્યે હું રેશમા નું ભાવતું સીઝન નું કોઈક શાક મૂકી દેતો. દીપ્તિ કાકી કહેતા ય ખરા કે જબરી દોસ્તી છે બેય ની. પણ મારે તો બે શાક બનાવવાના ને બંસી. એને કહે કે તારી જેમ એ પણ બધા શાક ખાય. મારી શાળા એકદમ નજીક એટલે હું તૈયાર થઈને લારી એ ઉભો રહું એને વેન માં સ્કૂલ જતી જોવા માટે. અને એના પાછા આવવાના સમયે હું લારી એજ હોવ. અને એ વેન માં થી ઉતરે એટલે એને કોઈક વાર કાકડી, કોઈક વાર ગાજર , કોઈક વાર સલગમ અને કોઈક વાર સફરજન કે કેળું આપું. ધોઈ ને એના માટે તૈયાર રાખેલું. એ ખાતા ખાતા જ ઘર માં જાય. કોઈક વાર કાચી કેરી અને કાચું જમરૂખ પણ. હું એમાં મસાલો પણ નાખી રાખતો એને મસાલા વાળું વધારે ભાવતું. કોઈક વાર ના ઉભો હોય તો એ તરત કાકા ને મારા વિશે પૂછે. માંદો હોવ તો ખબર કાઢવા ઓરડી પર આવે.
વધુ આવતા અંકે.......................