"ભેટ"
'ઉપહાર' શબ્દમાં જ વજનની અનુભૂતિ થાય નઈ!
કદાચ ભેટ માટે બે શબ્દો કહેવા હોઈ તો કહી શકાય કે..
- લાગણીઓ નો સમૂહ,
- પ્રેમની સરળ અભિવ્યક્તિ,
- પારકા ને પોતાના બનાવવાનો એક ઉપાય,
- પ્રિય વ્યક્તિ પાસેથી મળેલી અમૂલ્ય ખુશી.
આપવા માટે તો ગુલાબ, ગુલદસ્તો, પ્રેમ-પત્ર કે પછી કોઈ પણ નાની-મોટી વસ્તુ આપી શકાય કારણ કે, કદાચ રાજા પણ તેના પ્રિય પાત્ર પાસેથી ભેટની અપેક્ષા રાખતા હશે...તો ભેટ એતો ખરેખર જેવી-તેવી બાબત નઈ કહેવાય.
અમીર હોઈ કે પછી ગરીબ, નાના હોઈ કે મોટા... દરેક માણસ જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેટની રાહ જોતા જ હોઈ છે. આપણને પણ ક્યારેક ને ક્યારેક નાની-મોટી ભેટ તો મળી જ હશે! પરંતુ દરેક ભેટનું આપણા માટે મહત્વ જુદું-જુદું જ હોઈ છે. એવું પણ બને કે કોઈ ઓછા પરિચિત વ્યક્તિની આપેલી ભેટ આપણે ખોલી ને જોતા પણ નઈ હોઈએ પરંતુ ગમતી કે પોતાની વ્યક્તિ એ આપેલી એકદમ મામૂલી ભેટ ને પણ આપણે આજીવન સાચવવાની દરકાર લઈએ.
તાજ મહેલ પણ ભેટ જ છે ને પરંતુ કાશ એ બેગમ મુમતાઝ ને જીવતે-જીવ મળી હોત. એમના મૃત્યુ પછી ની એ ભેટનું આપણા મન મહત્વ છે પરંતુ બેગમ માટે તો એ શુન્ય જ ને!
1 રૂપિયા ની ભેટ હોઈ કે 1 અબજ ની પરંતુ કિંમત તો બંન્ને ની સરખી જ છે. કારણ કે ભેટ ના નામે પ્રેમ કે સ્નેહ જ જોવાનો હોઈ છે, નહિ કે એની 'વસ્તુ કિંમત'.
જોવા જેવી વાત તો એ છે કે ભેટ જો આપણે કોઈની પાસે માંગીયે અને આપણને એ મળે તો ફક્ત એ એક વસ્તુમાત્ર રહી જાય, કારણ કે પરાણે આપેલી ભેટમાં અમૂલ્ય લાગણીઓ ન આવી શકે.
કોઈ આપણને 'હું તને ભેટ આપીશ' એવું કહીને આપે તો એની 'ઇંતેઝારી' માં જ આપણે ખોવાયેલા રહીયે અને અનેક ધારણાઓ ધારી લઈએ, આથી જયારે એ ભેટ ખરેખર આપણને મળે ત્યારે 'આપણે ધાર્યું કઈ હોઈ અને મળે કઈ બીજુ' એવું થાય તો કદાચ એ ભેટની આપણી આંખોમાં ચમક ન રહે.
આપણને ભેટ આપીને વ્યક્તિ ભેટ આપ્યાનો ગામ આખામાં 'ઢંઢેરો પીટે' તો એ પણ નિરર્થ છે. આવું થતા આપણને મળેલ ભેટનો ઉપયોગ કરવાની કોઈ ઈચ્છા જ ન રહે.
તો આખરે ભેટ કેવી રીતે આપી શકાય! આવો વિચાર સહજ છે. ભેટ ગુપનીયતાથી, યોગ્ય સમયે આપવામાં આવે તો જ એની કિંમત છે, બાકી તો એની બજારમાં જે કિંમત હોઈ તે પણ આપણા માટે તો નકામું જ થઇ જાય.
દરેક વ્યક્તિને એક સરખી ભેટ પણ ન આપી શકાય. આથી કેવી ભેટ કોને આપવી અને કેવી પરિસ્થિતિમાં આપવી એ પણ એક કળા છે. સાચી વાત છે કે, માણસ જે-તે વસ્તુ ખરીદી શકવાની તાકાત રાખતું હોવા છતાં પણ તે વસ્તુ પ્રિય વ્યક્તિ પાસેથી મળે તેવી જ આશા સેવે છે. આથી જો કોઈ એવું કહેતું હોઈ કે મને ભેટ નથી ગમતા કે અમે ભેટ જેવી બાબત માં રસ નથી રાખતા તો તેણે આજની પરિસ્થિતિ ને આધીન રહી રસ કેળવી લેવો જોઈએ. દરેક બાબતો માં પૌરાણિક નઈ બનાય, આધુનિક પણ થવું પડે.
માટે ગમતી વ્યક્તિને ભેટ સમયે-સમયે અને યોગ્ય સમયે આપી આપણી લાગણીઓ વ્યક્ત કરતા રહેવું જોઈએ. શુ ખબર એ વ્યક્તિ કેટલાય સમયથી એની રાહ જોતી હોઈ અને અચાનક તેને એ મળી જાય તો એ મનમાં છુપાયેલી કેટલીયે લાગણીઓ વ્યક્ત કરી દે... જેનું મૂલ્ય ભેટ કરતા પણ વિશેષ રહેલું છે.
એટલે જ 'ઉપહાર' નું મહત્વ છે, નહિ કે ગાળાના 'હાર' નું. નવાઈની વાત તો એ છે કે જેને એ મળે એને કદાચ એની કદર નથી અને જેને એનું મહત્વ સમજાય એને કદાચ મળતી નથી. માટે ગમતી વ્યક્તિ ને ગમ્મ્ત માં કે પછી પ્રસંગ હોઈ કે ના હોઈ ભેટ આપતા રહો, શુ ખબર તમે એક ભેટના બદલામાં કેટલી ખુશી સમેટી શકો.