ભાગ અલ્કા ભાગ Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગ અલ્કા ભાગ

'ભાગ અલ્કા ભાગ’

સાત મીનીટમાં સતત સત્તર વાર ડોરબેલની સ્વીચ દબાવ્યા બાદ છેવટે સહજ ગુસ્સાથી અકળાઈ અનુરાગે બંધ દરવાજા પર હથેળી પછાડતાં સ્હેજ ઊંચા અવાજે બૂમ પાડી....
‘અલ્કા....પ્લીઝ.. ઓપન ધ ડોર.’
બે મિનીટ બાદ....
વીખરાયેલા વાળ, હળવા ગુસ્સાથી લાઈટલી ગુલાબી થઇ ગયેલા ગોરા ગાલ, વ્હાઈટ કલરના શોર્ટ સ્કર્ટ પર સ્હેજ ઓવર સાઈઝ સ્લીવલેસ પિંક કલરનું ટી-શર્ટ પહેરેલી અલકા ડોર ઉઘાડી, અનુરાગની સામે જોયાં કે કશું જ બોલ્યાં વગર કિચન તરફ જતી રહી.

અલ્કાના અપેક્ષિત બિહેવિયરથી બે ક્ષણ માટે આંખો બંધ કર્યા પછી... ફ્લેટમાં એન્ટર થઈ, ડોર ક્લોઝ કરી, કિચન તરફ જતાં અનુરાગ બોલ્યો...

‘અરે... યાર આટલો ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજી.’

ગેસ સ્ટવ પર મુકેલી તપેલીમાં ઉકળતી ચા કરતાં અલ્કાની તાસીર વધુ તપેલી હતી. અનુરાગની વાતને બન્ને કાન ખુલ્લાં રાખી ઇઝીલી અવોઈડ કરી, ઉકળતી ચાની તપેલીમાંથી ચા ને ગાળતા અડધાથી વધુ ભરેલા બે મગ માંથી એક મગ અનુરાગના હાથમાં પકડાવી, બીજો મગ લઇ ડ્રોઈંગરૂમને અડીને આવેલી બાલ્કનીના ઝૂલા પર આવી અલ્કા ચુપચાપ બેસી ગઈ. ત્યાં અનુરાગના મોબાઈલમાં તેની મમ્મીનો કોલ આવ્યો...પણ અનુરાગે કોલ રીસીવ ન કર્યો...

ગરમા ગરમ ચા પીવા ટેવાયેલા અનુરાગે વરાળથી ઉભરાતાં મગમાં બે-ત્રણ હળવી ફૂંક મારી, ઘૂંટડો ભરતાં સ્હેજ મોં બગાડીને બોલ્યો..

‘અલી... આ તો તારા જેવી છે, સાવ મોળી .’


એમ કહી સ્ટવ નજીક પડેલી ચાની બરણીમાંથી ચામાં ભેળવેલી બે સ્પૂનની માત્રાની સુગરને ચમચીથી મિક્સ કરતાં કરતાં અલ્કાની બાજુમાં પડેલી ચેર પર બેસતાં અનુરાગ બોલ્યો..

‘શું યાર..આ તે કંઈ રીત છે...? ગઈકાલ રાતથી તે મને ફરી બ્લોક કર્યો છે.’


અનુરાગની સામે જોયા વગર અલકા બોલી...
‘પણ...તને શું ફર્ક પડે છે ? તું તો હવે ગુન્હેગારની માફક સાવ રીઢો અને મીંઢો થઇ ગયો છે. છેલ્લાં ત્રણ મહિનમાં મેં તને ત્રીસ વાર બ્લોક કર્યો પણ, તારી તાસીરમાં તલભાર પણ તબદીલી ન આવી, કારણ.... કારણ કે, તને ખબર છે કે.. આ આદતથી મજબુર થઈને કલાક બે કલાકમાં ફરી અનબ્લોક કરવાની જ છે, જશે ક્યાં ?’

‘પણ... એવું તે શું થઇ ગયું ? આટલી નાની વાતનું તે આવડું મોટું વતેસર કરી નાખ્યું.’
સ્હેજ મોં અને આંખો પોહળી કરતાં અલ્કા બોલી..

‘અલ્યા, આને તું નાની વાત કહે છે ? આર યુ મેડ ? ત્રણ મહિનાથી હું છતી આંખે ગાંધારીની માફક આંખે પાટો બાંધી તને ડેટ પર ડેટ આપતી રહી, અને તું એંસીના દાયકાની ફિલ્મોના હીરોની માફક મને નાળયેરીના ઝાડની ફરતે ફેરફુદરડી ફેરવી ફેરવી અને આજે તું જાણે જંગમાં જોધાબાઈને જીતી લાવ્યો એમ કહે છે કે...
‘મારી મમ્મી એ મારા માટે કન્યા પસંદ કરી છે.’
સાલા... થોડીવાર માટે તો એમ થયું કે, તને કચકચાવીને એક આંખમાં એવી ફેંટ મારું કે ફૂલ લાઈફ, હાલ્ફ ધ્રુતરાષ્ટ્ર તો બનાવી જ દઉં.’


સંજોગ આધારિત વિપદાને જે રીતે અલ્કાએ આંખ સામે દ્રશ્ય ખડું થઇ જાય એ રીતે તેની હાસ્યાસ્પદ આગવી છટા સાથે વાક્યરચનામાં રજુ કરી એ સાંભળીને
કાટ ખાઈને જામ થઈ ગયેલા વોશરૂમમાં શાવરના નળને થોડીવાર મચકોડ્યા પછી અચનાક જ જેમ શાવરમાંથી પાણીનો ધોધ છુટે એમ અનુરાગે મોં માં ભરી રાખેલો ચાના ઘૂંટડોનો હાસ્યધોધ સાથે જે ફુંવારો છુટ્યો એ જોઈ અલ્કા બરાડી...

‘એએ....એ .. અલ્યા ગંધારા, તું ગાંધારી તો શું... સૂરપર્ણખાને પરણવા લાયક પણ નથી..’
માંડ માંડ હસવું રોક્યા પછી અનુરાગ બોલ્યો...
‘બસ.. બસ... બસ..અરે.... અલ્કા થોડીવાર તારો ઉલ્કાપાત બંધ કરીને મને કંઇક બોલવા દઈશ ?

‘કેમ..તારી મમ્મી આગળ મીંદડી થઇ ગયો તો ? મેં કંઈ પુછ્યું તો, મારી, સામે હસવામાં ઓકી નાખ્યું. ત્યાં મમ્મીને કહેવાતું નહતું કે, બેડરૂમમાં સૂતા સૂતા મેં સોશિયલ મીડીયામાં મનગમતી માછલીની આંખ નહીં પણ આખી માછલી વીંધીને ઉંધી ખોપડી જેવી દ્રોપદી ઓનલાઈન બૂક કરી લીધી છે ?
મનોમન હસતાં અલ્કા બોલી.

‘અલ્કાકાઆઆ.....આ પ્લીઝ, તું મને ચા પીવા દઈશ ? પછી તું કહીશ એ કબૂલ બસ,’ હસતાં હસતાં અનુરાગનું વાક્ય પૂરું થયું ત્યાં ફરી અનુરાગના મોબાઈલમાં તેની મમ્મીનો કોલ આવ્યો અને ફરી અનુરાગે કોલ અવોઇડ કર્યો.

‘ઓહ્હ..તું વાત તો જાણે એવી કરે છે કે, જાણે હું તારી વાત સાંભળીને પાણી પાણી થઇ જઈશ.’
ઝૂલા પરથી ઊભા થઈ ડ્રોઈંગરૂમના ફ્લોર પરના ગાદી તકિયા પર લંબાવતા અલ્કા બોલી..

‘અરે... એમાં વળી શું મોટી વાત છે... એ તો હમણાં હું પાંચ મિનીટ એ.સી. ઓફ કરું એટલે તું પાણી પાણી....’

ચાનો છેલ્લો ઘૂંટડો ભરી મગ ટેબલ પર મૂકી હસતાં હસતાં અનુરાગ બોલ્યો.


આંખો ઝીણી કરી દાંત કચકચાવતાં તકીયાનો અનુરાગ તરફ ઘા કરતાં અલ્કા બોલી..
‘મને લાગે છે આજે .....તને વિકલાંગની તમામ સુવિધાના મળવાના અભરખા પુરા કરવાનું નિમિત હું બનવાની છું.’

હસતાં હસતાં અનુરાગ અલ્કાની પડખે બેસતાં બોલ્યો..

‘પણ... યાર મમ્મી સામે હું કેમ કહું કે, હું અલ્કા નામની એક છોકરીને પ્રેમ કરું છું અને તેની જોડે લગ્ન કરવા માંગું છું ?

અનુરાગની આંખોમાં જોઈ તેની હથેળી તેના હાથમાં લઇ આંગળીઓ મસળતા અલ્કા બોલી...

‘ઋત્વિકને તેની કારકિર્દીમાં છ આંગળીઓનો કેવી ફળી.. ? તારી આ વાત પરથી મારી પ્રબળ ઈચ્છા છે કે....તું ચાર આંગળીઓ સાથે તેનાથી આગળ નીકળી જાય...
‘એમ કહીને અલ્કાએ અનુરાગની ટચલી આંગળી ઉંધી વાળી ત્યાં....

‘ઓયે...માડી રે....’ અલ્કાકાકાઆઆ....આ.’
ની ચીસ સાથે અનુરાગની આંખમાંથી પાણી નીકળી ગયા.

‘તારી મમ્મીનો પ્રોબ્લેમ શું છે ? મારું નામ અલ્કા છે એ કે, હું છોકરી છું એ ?
‘મારી મમ્મી તારા આ ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવા કારસ્તાન જુએ તો તો..
આજીવન તુષાર કપૂર બની જાય.’ અનુરાગ બોલ્યો

‘પણ... મારી પાસે એક ટોપ સિક્રેટ જેવો ધાંસુ આઈડિયા છે, હું એમ કહું છું અલ્કા કે, આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ તો મફતમાં કેવો જલસો અને વટ પડી જાય ?

અલ્કા તેના બળાપાની બોટમ લાઈન ક્રોસ કરતાં બોલી...

‘અનુરાગ આજે તું સિરિયસલી ડિસેબલ બનવાનું ડીસીસન લઈને આવ્યો છે કે શું ?’
અરે યાર.... મેં સૌને સરપ્રાઈઝ આપવા માટે વેડિંગ ડ્રેસ, થીમ બેઝ્ડ પાર્ટી પ્લોટ, ઇન્વાઈટીઝનું લીસ્ટ, કેટરર્સ, બધું જ ફાઈનલ કરી લીધું છે અને અત્યારે તું આવા સાવ ઢંગધડા અને તળિયા વિનાના ધાંસુ આઈડિયાના એંસાઇકલોપીડિયાની પીપુડી વગાડવા બેઠો છે. અને હું મારા મોમ ડેડને શું જવાબ આપું ?

‘પણ અલ્કા, એકતા કપૂરે ઠોકી બેસાડી આદર્શ વહુની આગ્રહી એવી મારી રૂઢીચુસ્ત મમ્મીને લવ મેરેજ માટે કન્વીન્સ કરવી મારા માટે કઠીન છે. અને મને અંદાજ નહતો કે મને જાણ કર્યા વગર કોઈ કન્યા પર તેણે તેની પસંદગીનો કળશ ઢોળી દીધો હશે.’ અનુરાગ બોલ્યો..


‘પહેલી મુલાકાતથી લઈને અત્યાર સુધી જયારે જયારે તને તક મળી ત્યારે તારા પંડમાં આવતી ખાન કે કપૂરના આત્માએ મોરની માફક કળા કરી દિલ ફાડી
પ્રેમલીલા કરવામાં કોઈ કસર નહતી છોડી. અને... આજે જયારે તારી મમ્મીએ પરણવાની પીપુડી વગાડી તો કેમ રાજપાલ યાદવના કિરદારમાં આવતાં ઈંગ્લીશના આંઠડાની જેમ ટાંટિયા ગાળામાં આવી ગયા ?
અનુરાગના બદલાતાં રાગની ફીરકી ઉતારતાંની સાથે મનોમન હસતાં અલ્કા બોલી
‘અરે.. અચ્છા, મમતા દીદીની નાની બેન હવે તુ.. તુ.. મૈ.. મૈ.. ના રમતની મમત મુકી માથેથી ભડાસનો ભારો ઉતારી સ્હેજ હલ્કા થઇ, હવે કોઈ ઠોસ નિર્ણય લ્યો અલ્કારાણી.’

‘એટલે તે બીજો કોઈ ઉપાય શોધવાને બદલે શોર્ટ કટ અપનાવતાં ભાગેડુની માફક ભાગી ચોરની જેમ ચોરીના ફેરા ફરવાનો વિચાર રજુ કર્યો. અને... તને એમ કે હું પણ ઘેલી થઈને તારી હાં માં હાં કરતી માથું ધુણાવીશ એમ ?’
મીઠો છણકો કરતાં અલ્કા બોલી..

‘બીજો નહીં ત્રીજો, ચોથો, પાંચમો તું જે કોઈ ઉપાય શોધે એ મને મંજૂર છે, બોલ.
અનુરાગ બોલ્યો..

‘અરે... પણ અનુરાગ આપણા સંબંધ માટે તારી ફેમિલીને તારા સિવાય કોણ સમંત કરી શકે.. તારી જગ્યાએ હું હોઉં તો ચપટી વગાડતાં ચુકાદો આવી જાય બોલ. અને...’

હજુ અલ્કા તેનું વાકય પૂરું કરે ત્યાં તેનો મોબાઈલ રણક્યો...
કોલ અલ્કાની મમ્મીનો હતો...

‘હાઈ.. મમ્મી..’
‘અલ્કા, સાંભળ...આ વીક એન્ડમાં અચૂક ભૂલ્યાં વિના તારે ઘરે આવી જવાનું છે,.’
સ્હેજ આશ્ચર્ય સાથે અલ્કાએ પૂછ્યું,
‘કેમ મમ્મી...કંઈ સ્પેશિયલ છે ? અલ્કાએ પૂછ્યું
‘સ્પેશિયલ નહીં...પણ વેરી.. વેરી.. બીગ સ્પેશિયલ એન્ડ સરપ્રાઈઝ ઓલ્સો.’
‘ઓહ્હ...મને કહીશ.. એવું તે શું છે, મમ્મી. ?
‘સાંભળ......તારા પપ્પાના ખાસ મિત્ર મહાદેવ ભાઈના એન.આર.આઈ દીકરા જયમીન સાથે તારા સગાઈની વાત ફાઈનલ કરવાની છે.’

આટલું સાંભળતા તો અલ્કાના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો અને શ્વાસ ઉપર ચડી ગયો.

‘અઅ…..અરે, પણ મમ્મી.. તમે આ રીતે...મને પૂછ્યા વગર...મારી સગાઇ ?’
‘હાં... હાં.. હાં... બોલ.. કેવી લાગી સરપ્રાઈઝ...?
‘પપ...પણ...મમ્મી..’
હજુ અલ્કા તેની વાત પૂરી કરે ત્યાં તેની મમ્મીએ કોલ કટ કર્યો...

અનુરાગને માજરો સમજાઈ જતાં.... બોલ્યો..

‘બધાઈ હો અલ્કા જી..... બહોત બહોત બધાઈ હો....’ બાજુમાં પડેલા ટી.વી.નું રીમોટ હાથમાં લઇ તેને પ્રતિકાત્મક માઈક બનાવીને મોં પાસે લાવતાં બોલ્યો...

‘સુનો... સુનો... સુનો...દેવીઓ ઔર સજ્જનો...અબ આપકે સામને અલકાયદા કે સુપ્રીમો અલ્કા અપને કાયદે કે હિસાબ સે શાદી કે નયે ફંડે કે ઝંડે ગાડને જા રહી હૈ.’

‘હાં... તો અલ્કાજી દેશના લાખો લગ્નોઉત્સુક ટીનેજર્સને એ જાણવાની ઉત્કંઠા છે કે, થોડીવાર પહેલાં ડાકુ રાણી ગંગાના કિરદારમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિનર બનીને કોન્ક્રીટ જેવા સોલિડ ઓવર કોન્ફિડેન્સના આપતાં ભાષણ પર ઘડીકમાં કઈ રીતે રાયતું ફેલાઈ ગયું..?’

મધ્યમ ગતિની મસ્તીમાં મશગુલ થઈને બાઈકની લોંગ ડ્રાઈવ માણતાં હોઈએ અને અચનાક પંચર પડતાં ટાયરની હવા ફૂસ્સ્સ્સસ....થઈ જતા રંગમાં ભંગ પડ્યા પછી જે ફેઈસ એક્સપ્રેશન હોય એવાં જ હાવભાવ અલ્કાના ચહેરા પર જોતાં અનુરાગ તેના ધસમસતાં ધોધ જેવા હાસ્યધોધને માંડ માંડ રોકતા બોલ્યો.

ધમણની જેમ છાતી ફુલાવીને અલ્કાએ અનુરાગ સામે છોડેલા વાગ્બાણની દિશા એકસો એંસી એ ડીગ્રીએ ફરી જતા એ જ વાગ્બાણથી હવે અલ્કાની ફીસ્યારીના ફુગ્ગા ફૂટી જતાં સ્હેજ ઝંખવાઈ જતાં અલ્કા બોલી..

‘બસ બસ હવે....બહુ ફુલાઈને ફજેત ફાળકો થવાની જરૂર નથી.....હસતો બંધ થા અને કંઇક રસ્તો કાઢ.’

‘અલ્કા... મારે રસ્તો કાઢવાનો છે ? કેમ ? આવાં ચણા મમરા જેવા પ્રોબ્લેમની તો તું ચપટી વગાડતાં ચટણી કરે નાખે એમ છે.’
માંડ માંડ અલ્કાની શાંત થવાં જઈ રહેલી નસોને ફરી ખેંચતા અનુરાગ બોલ્યો..

‘પણ યાર... હવે મારે મમ્મીને કેમ સમજાવવી ? આ તો તારું કુતરું કાઢતાં મારે ઉંટ પેસી ગયું,’ લમણે હાથ મૂકતાં અલ્કા બોલી..

‘આજે... વેનસ્ડે છે, અને... બે દિવસ બાદ તારે વીક એન્ડમાં ઘરે જવું પડશે. અલ્કા તારી પાસે હવે અડતાલીસ અવર્સ છે.’

‘હેય...તારી નહીં આપણી પાસે એમ બોલ.’ અલ્કા બોલી.

‘હવે પરિવારના અનુરોધનો વિરોધ કરવાનું કોઈ ઓપ્શન છે, આપણી પાસે. ?’ અનુરાગે પૂછ્યું..

અનુરાગની આંખમાં જોઇ અલ્કા બોલી...
‘જગતની કોઈ પણ અસંભવ ઉપાધિનો ઉકેલ કે તોડ હશે પણ, આ મારા ખટ્ઠા નીંબુડાની કોઈ જોડ નથી.. નથી...અને નથી જ ...’

એમ કહીને ગાદી પર સૂતા અનુરાગ પર ચડી અલ્કા તેના બન્ને ગોરા ગાલ પર હળવું બચકું ભરતાં અનુરાગ ચીસ પાડતાં બોલ્યો..

‘ઓયે... જંગલી....આ કઈ જાતની રીત છે ? તારી આ માજા મૂકતી માંસાહારી મહોબ્બત મને અકળાવી મૂક છે.’

‘ડ્રાયફ્રુટ ચોકલેટ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમના યુનિક કોમ્બીનેશન જેવા મારા ઈક્લોતા ચિકનાને જોઇને લગાતાર મનના લડ્ડૂ ફૂટ્યા કરે ત્યાં.. મહોબ્બતની રીત કે જાત ક્યાં જોવાં બેસું મારા સાહ્યબા. ?

‘પણ.. હવે તારા આ વ્હાલના વોર્મિંગને ઠંડી પાડ, અને વર્લ્ડ કલાઈમેટ વોર્મિંગ ઈશ્યુ જેવા આપણા ડાઉન જઈ રહેલાં ઈશ્કના ઈશ્યુ વિષે કંઈક વિચાર નહીં તો...પરણતા પહેલાં જ પાયમાલ થઇ જઈશું સમજી. અને હું તો હજુએ એમ જ કહું છું કે, બાગી થઈને ભાગી જઈએ... પહેલાં દંગલ પછી મંગલ.’

‘એક મિનીટ...’ એમ કહીને અલ્કાને થોડી પળો માટે આંખો મીંચીને પડી રહેલી જોઇ અનુરાગ મનોમન હસતાં બોલ્યો..
‘રંગમાં ભંગ ન પડે એટલે પહેલીવાર કોઈ મેનકાને મહોબ્બત માટે તપ કરતી જોઈ રહ્યો છું.’
સડન્લી આંખો ખોલતાં અલ્કા અનુરાગની સામે જોઇ બોલી..
‘અનુ... આજે પહેલીવાર મારી અંતરાત્મા આંખો બંધ કરીને તારા યુનિક આઈડિયાને ફોલો કરવાં અનુમતિ આપી રહ્યું છે..’

‘ઓહ્હ.. શું કહે છે તારો અંતરાત્મા ? અનુરાગે પૂછ્યું...
‘એક મિનીટ..’ એમ કહીને અલ્કાએ અનુરાગના માથાને તેની છાતી પર મૂકયાંના બે પળ પછી પૂછ્યું...
‘અનુરાગ.. શું સંભળાય છે, મારા ધબકારમાં ?

‘બીજી જ પળે અનુરાગે અલ્કાની આનાંદાશ્રુ ભરી આંખોમાં જોયું, બન્નેના રોમ રોમ રોમાંચિત થતાં એકી સાથે જ બોલ્યાં...

‘ભાગ અલ્કા ભાગ,’
એ પછી બંનેના ખડખડાટ હાસ્યની પાશ્ચાત્ય ભૂમિમાં સાત્વિક સ્નેહને વધાવતાં શરણાઈના માંગલિક સૂરોની સુરાવલી ગુંજી ઉઠી હોય એવી અનરાધાર વરસતી વ્હાલની અનુભૂતિમાં ભળીને બન્ને કયાંય સુધી ભીંજાતા રહ્યાં.

સમાપ્ત.

વિજય રાવલ
vijayraval1011@yahoo.com
૯૮૨૫૩ ૬૪૪૮૪