અભ્યુદય - 2 Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભ્યુદય - 2

અભ્યુદય

ભાગ - 2


વર્તમાનમાં
ચાલુ સભા...

રમેશભાઈએ પોતાની વાત કહ્યા બાદ મુખીએ સૌના અભિપ્રાય જાણવા...આ વિશે ગામલોકો કેવી વૈચારિક દ્રષ્ટિ ધરાવે છે તે ચકાસવાનાં આશયથી કહ્યુ, "તમે સૌ આ વિશે તમારા મત આપી શકો છો."

એક વડીલ - આજકાલના સોકરાવનું કઈ નક્કી નઇ. વરી શેરમાં રહી ભણતા હોય ને ટોકવાવાળું કોઈ હોય નઇ તો મન મરજી પડે ઇ કરે.

બીજા વડીલ - અયા આપણી દેખરેખ હેઠળ હોય તો સારા રે, પણ શેરમાં રે તો તયની હવા લાગતા ભઈ વાર કેટલી..!?

પેહલા વડીલ - એ જ તો હું કવ સુ ભાઈ, આટલે દૂર ભણવા મોકલવાનું કામ જ હું સે.

મુખીને ગામલોકો પર મનોમન દયા આવતી હતી એમની વૈચારિક દ્રષ્ટિ જોઈ પણ અત્યારે તેઓ કશું કહેવા ન હતા માંગતા એટલે બસ સાંભળતા રહ્યા.

એક ભાઈ - વડીલ,,બની શકે કે તમે કહ્યું એ સાચું હોય પણ મારા ખ્યાલથી અવધિનું આમ અચાનક એક દિવસ ખોવાવા પર આવી ખોટી ધારણાઓ ન બાંધી શકાય. તે કોઈ કામથી બહાર નીકળી હોય ને કોઈ તકલીફમાં મુકાય હોય એવું પણ બની શકે.

મુખીને એ ભાઈની વિચારણા પર માન થઈ આવ્યું. કાઈ બોલ્યા વગર એમણે એ ભાઈ સામે ફક્ત એક સ્મિત વેર્યું.

બીજા ભાઈ - સાચું કહ્યું ભાઈ, એવું પણ બની શકે.

રમેશભાઈની હાલત અત્યારે સૌથી વધુ દયનીય હતી. ગામલોકોની વાતો એમને વધારે વિચલિત કરી રહી હતી. કઈ કેટલીય શંકા કુશંકાઓ એમના મનને ઘેરી વળી.

બાજુમાં બેઠા એક ભાઈએ એમને પાણી આપ્યું અને ખભે હાથ મૂકતા સાંત્વના આપતા બોલ્યા, "ધીરજ રાખો. મનના ખોટા વિચારો પર ધ્યાન ન આપો. સહુ સારા વાના થશે."

આ શબ્દોથી રમેશભાઈને થોડી રાહત થઈ.

એક કાકા રમેશભાઈ તરફ જોતા બોલ્યા," બાપ દીકરીના એમના વહાલ ભર્યા સંબંધો મેં સગી આંખે જોયા છે મુખીજી, એના બાપને દુઃખ પોહચે એવું કોઈ કામ નહીં કરે એ દીકરી. બાકી અચાનક કોઈ મુસીબતમાં મુકાઈ હોય એવું બની શકે."

"કાકા એકદમ સાચું કહે છે. " અવધિનાં બાજુના ઘરે રહેતા યુવાને કહ્યું. "અવધિ સમજદાર છોકરી છે. રમેશકાકાની એકની એક લાડકી પણ !! તેથી એ પિતાનો વિચાર કર્યા વિના કોઈ પણ પગલું નઈ ભરે."

આમ સૌ પોતપોતાના વ્યક્તિગત વિચારો અનુભવના ત્રાજવે તોલી રજૂ કર્યે જઈ રહ્યા હતા. મોટાભગના યુવાનોએ આ વડીલોની ચર્ચામાં માથું મારવાનું ટાળ્યું.

મુખીએ સૌના તરફ એમ દ્રષ્ટિ કરી પછી પોતાના ખાસ માણસ એવા નાથુને પૂછ્યું, "નાથુ,, તને શું લાગે છે ? "

"ખોટી ધારણાઓ બાંધ્યા વગર સત્વરે તપાસ હાથ ધરી પુરી જાણકારી મેળવયે તો જ કંઈક ખબર પડે. અત્યારે વધુ કઈ કહી શકાય નહીં. " નાથુએ કહ્યું

મુખીએ પણ 'હમ' કરી હોંકારો દીધો.

પછી કઈ સુજ્યું હોય એમ એમણે અત્યાર સુધી સૌની વાત શાંતિથી સાંભળી રહેલા પોતાના દીકરા રાધેય તરફ જોતાં પૂછ્યું, " રાધેય, તારું શું માનવું છે ? તું શું કહીશ આ વિશે ?? "

મુખીના આટલું બોલતા જ ત્યાં હાજર સૌ કોઈની નજર યુવાનો સાથે બેઠા રાધેયને જોઈ રહી.

રાધેયે સૌની તરફ એક નજર કરી પછી પિતા સામે જોયું. મુખી એટલે કે એમના પિતા પ્રકાશભાઇ જાણે પોતાના જવાબની જ રાહ જોઈ રહ્યા હતા.

પછી રાધેયે પોતાની વાત રજૂ કરતા પેહલા વાતની ખરાય કરવા રમેશભાઈને પૂછ્યું, " કાકા, તમે કહ્યું એમ અવધિ ત્રણ દિવસ પહેલા જ ઘરે રહીને ગઈ. બરાબર..?"

રમેશભાઈએ હકારમાં ડોકિ ધુણાવી.

"અવધિ આવી હતી ત્યારે આહિયાથી કશું લઇ ગઈ ખરી વધારાનું..જેમ કે કપડાં, પૈસા..વગેરે ??"

"ના,, એની માં એ નાસ્તાના ડબ્બા ભરેલા હતા એ જ લઈને ગઈ હતી. "

"હોસ્ટેલમાં અવધિ જે રૂમમાં રહેતી ત્યાં એની બધી વસ્તુઓ છે કે નહીં.??!"

"હા,, અવધિનાં કપડાં કબાટમાં હતા એમ ન એમ જ સે. એની ચોપડીઓ પણ બધી ત્યાં જ સે. "

"એ આવી હતી ત્યારે ઉદાસ હોય કે દુઃખી હોય એમ કઈ લાગ્યું ખરું તમને કે કાકીને ?"

"ના દીકરા, એવુ કઈ જ ન લાગ્યું."

"બની શકે કે એ તમને કશું કહેવા માંગતી હોય પણ કહી ના શકી હોય એવી કોઈ ક્ષણ..?!"

"કઈ કહેવું હોય તો કહે જ મને નઇ તો એની મા ને પણ કહે ખરી" રમેશભાઈએ કહ્યું પછી આગળ ઉમેર્યું,"જ્યારે આવે ત્યારે ત્યાં શું શું કયરું...શું નઇ.. બધી જ વાતો કરે અમને બેયને. એ પણ અમારા પૂછ્યા વિના જ..! કશે બહાર જાય તો એય કહે."

મુખી પોતાની દીકરાની અવધિ વિશેની આ ઉલટ તપાસ જોઈ એનો ઉદ્દેશ શુ હશે એ જાણતા જ હોય એમ મનોમન હરખાય રહ્યા હતા.

"સારુ..." રાધેયે કહ્યું પછી મુખી સામે જોતા પોતાની વાત આગળ વધારી, "અવધિ અહીં આવી ત્યારે એ કશું જ વધુ લઇ નથી ગઈ. પ્લસ હોસ્ટેલ પર એની રૂમમાં બધું છે એમ ને એમ જ. વોર્ડનના કહેવા મુજબ એકેય જોડી કપડાં ઓછા નથી લાગતા ઘડી પર ઘડી કરી મુકેલ સુવ્યવસ્થિત હતા એમના એમ જ છે. એની બધી નોટબુક્સ, ચોપડીઓ પણ ત્યાં જ છે.

તે ઉપરાંત હોસ્ટેલ વોર્ડન અને આસપાસના રૂમવાળાઓનું કહેવું છે કે, આ અગાવ એની કોઈ પણ હરકત પર શક કરવા જેવું કયારેય નથી બન્યું. That means clear...અવધિ કોઈ જોડે ભાગી તો નથી જ...!!!"

આટલું બોલી રાધેયે મુખી સામે જોયું પછી ફરી વાત આગળ ધપાવતા કહ્યું, "સૌ જાણે છે અવધિ હોશિયાર અને સમજુ છોકરી છે. કોઈની વાતોમાં આવી જાય એટલી નાદાન નથી. કોઈ મુસીબત આવી પડે તોય એ પોતાના પિતાને હેરાન કર્યા વગર એકલા હાથે એનો રસ્તો કરી શકે એટલી સક્ષમ છે."

રાધેયની વાતમાં તથ્ય હતું. એને નકારી શકાય એમ ન હતું.

મારા ખ્યાલથી શક્યતાઓ અનેક છે, આવા સમયે મારે કઈ કરવાનું હોય તો ખોટી ધારણાઓ બાંધી સમય વેડફવા કરતા સમસ્યાનાં મૂળ સુધી હું પોહચવાનું પસંદ કરું. કારણ દરેક સમસ્યાનું સમાધાન એના મૂળમાં જ હોય છે. તો સત્વરે હોસ્ટેલે પોહચી જાતે તપાસ હાથ ધરી આગળનું કામ કરુ." રાધેયે પોતાની આગવી સૂઝથી પોતે મુખીની જગ્યા હોય તો શું કરે એ જણાવી મુખીએ હાલ તાત્કાલિક કેવા પગલા લેવા જોઈએ એ પણ કોઈ જાતના અભિમાન વગર અત્યંત સહજતાથી કહી દીધું."

'મોરના ઈંડા ચિતરવા ન પડે' એ કહેવત આજે મુખીને ખરેખરી સાચી લાગી. રાધેય પોતાનો દીકરો છે અને આજે પોતે જે મુખીપણાનાં પદ પર છે. કાલે કે ગમે ત્યારે એ જ પદ રાધેયને મળવાનું છે જેને એ સંપૂર્ણ લાયક છે. આમ મનોમન વિચારતા મુખી પોરસાય રહ્યા.

મુખીએ ગામલોકો સામે જોયું કોઈ હવે કશું બોલવાની સ્થિતિમાં ન હતું. મુખીએ રાધેય સામે જોયું તે હજુ કઈ કહેવા માંગતો હોય એમ લાગતા એમણે પૂછ્યું, "બેટા રાધેય, બીજું કંઈ કહેવું છે ?"

રાધેયે હકારમાં ગરદન હલાવી પોતાની જગ્યાએથી ઉભો થઇ ઘરના દરવાજા નજીક જઈ બહારથી પોતાની દી આસ્થાને અવાજ લગાવતા કહ્યું, "દી,...જરા બહાર આવશો..."

મુખી સહિત સૌ અચરજમાં હતા અને વિચારતા હતા કે..હવે આ રાધેય શું કરવાનો હશે ?!!


ક્રમશઃ...


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


ખરેખર અવધિ ક્યાં ગઈ હશે ? શું એની જોડે કોઈ ઘટના ઘટી હશે ?? રાધેયે વડીલોની આ ચર્ચામાં એની દી ને શું કામ બોલાવી હશે !! રાધેય હવે એની દી ને શું કહેશે ?? જાણવા માટે વાંચતા રહો...."અભ્યુદય"...


ધન્યવાદ🙏

©યક્ષિતા પટેલ