અભ્યુદય - 3 Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભ્યુદય - 3

અભ્યુદય

ભાગ - 3


રાધેયે હકારમાં ગરદન હલાવી પોતાની જગ્યાએથી ઉભો થઇ ઘરના દરવાજા નજીક જઈ બહારથી પોતાની દી આસ્થાને અવાજ લગાવતા કહ્યું, "દી,...જરા બહાર આવશો..."

મુખી સહિત સૌ અચરજમાં હતા અને વિચારતા હતા કે..હવે આ રાધેય શું કરવાનો હશે ?!!

ઘરમાં રહીનેય હોલમાં થતી ગામલોકોની વાતનાં આછા અવાજો સાંભળી શકતા હતા . તેથી પરિવારનાં સભ્યોને બહાર શુ થઈ રહ્યું છે એની ઘણી ખરી જાણ હતી.

ભાઈના અવાજથી આસ્થા થોડી ડરતા બહાર આવી પણ તેણીએ પોતાનો ડર છતો થવા દીધો નઈ.

આસ્થા આવીને ઉભી રહી એટલે રાધેયે એમની પાસે જઈ ખૂબ જ મૃદુ સ્વરમાં કહ્યું, "દી,,.તમે કોઈકને પસંદ કરતાં હોય કે કોઈકના પ્રત્યે તમને લાગણી હોય તો તમે મને કોઈ પણ સંકોચ કે ડર રાખ્યા વગર કહી શકો છો. પછી તમારી પસંદ પર વિચારવાનું કામ મારુ.

"જો એ એ વ્યક્તિ તમારા લાયક હશે તો આપણે વાત આગળ વધારીશું અને જો એ વ્યક્તિ તમારા યોગ્ય નહી જણાય તો પછી જોઈસુ. પણ તમારે જરા પણ ડરવાની જરૂર નથી જે કઈ હોય તમે તમારા ભાઈને કહી શકો છે." રાધેયે આટલું કહ્યું ને ત્યાં હાજર સૌ સ્તબ્ધ રહી ગયા.

આસ્થા સ્તબ્ધ બની રાધેય ને ગળે વળગી રડી પડી.

મુખી પોતાના દીકરા દીકરી વચ્ચેનું લાગણીનું બંધન અનિમેષ નજરે જોઈ રહ્યા અને સાથે પોતાના દીકરાના વિચારોથી અભિભૂત થઈ પોતાના પર જ ગર્વ કરી રહ્યા.

થોડી ક્ષણો આમ જ રહ્યા પછી આસ્થા આંસુ ભીની આંખે દોડીને ઘરમાં જતી રહી.

રાધેયે ગામલોકો સામે જોતા કહ્યું," કોઈ પસંદ આવી જાય કે લાગણી બંધાય જાય તો એમાં કઈ ખોટું નથી. ખોટું ત્યારે થાય છે જ્યારે છોકરી પરિવારના ડરનાં કારણે માબાપને એ વાત નથી કહી શકતી અને ક્યારેક જણાવ્યા વગર આગળ વધી જાય છે, તો ક્યારેક ખોટું પગલું ભરી દે છે. તો એના મૂળમાં પણ આપળા સંકુચિત મનની માનસિકતા જ જવાબદાર રહેલી છે. પરિવારનો સાથ ન મળી શકવાના ડરથી જ એ ખોટું કરી બેસે છે."

અને રહી અવધિની વાત ! એવું કંઈક હશે તો એ એના માં બાપને કે મિત્રોને જરૂર વાત કરશે. બાકી જણાવ્યા વગર એ આગળ નઇ વધે. આટલું કહી એ પોતાની જગ્યાએ બેસી ગયો.

થોડી ક્ષણો વાતાવરણમાં મૌન છવાઈ રહ્યું. પછી રમેશભાઈ તાળીઓ પાડતા ઉભા થયા અને બોલ્યા, "જે ગામમાં કે ઘરમાં તારા જેવો યુવાન હશે...જે વડીલોને માન આપી આદર સમ્માન કરી જાણતો હોય અને દીકરી બહેનોના મનની ભાવના પણ સમજી જાણતો હોય...પોતાનાં સંસ્કારો, માન મર્યાદા તોડ્યા વગર આવા વિચારો ધરાવતો હોય એ ઘરની દીકરીને ક્યારેય ખોટું પગલું ભરવાની જરૂર જ નઈ પડે...ધન્ય છે આપણું ગામ !! જ્યાં તારા જેવા યુવાનો રહે સે." રમેશભાઈએ ભીની આંખે પોતાની વાત પૂરી કરી.

જવાબમાં રાધેયે સસ્મિત પોતાના બંને હાથ જોડ્યા.

અને,, રાધેયના આ અદભુત વિચાર સાથે શરૂ થયો...'અભ્યુદય... ( એક નવા વિચારનો આરંભ )'

મુખીએ સૌના તરફ એક નજર કરી સભા અહીં જ પુરી થયાની જાહેરાત કરી. પછી વધુ ઉમેરતાં કહ્યું, "રમેશભાઈ,, તમ તમારે જરાય ચિંતા ન કરશો. અવધીનાં સમાચાર મળશે ને અવધિ ય મળી જશે."

ત્યાંરબાદ સૌ છુટા પડ્યા.

*********

સભા સમાપ્ત થયાનાં અડધા કલાક પછી મુખી પોતાના ખાસ માણસ નાથુ અને ડ્રાઇવર સાથે અવધિ રહેતી એ હોસ્ટેલ પર જવા નીકળી ગયા.

લગભગ સવા કલાક પછી તેઓ હોસ્ટેલ પોહચી ગયા. સમય વ્યય કર્યા વગર તેઓ વોચમેનને જણાવી સીધા જ હોસ્ટેલ વોર્ડનને મળ્યા.

અવધિનાં રૂમમાં જોયું એની કપડાથી માંડી પુસ્તક સુધીની બધી વસ્તુ હતી એમની એમ હતી. દરેકની રૂબરૂ પૂછપરછ કરી. ત્યાં હાજર સૌનાં મોઢે એક જ વાત હતી, કોઈને અવધિ વિશે કશી જાણ ન હતી.

પરિસ્થિતિ જોતા હવે કોલેજ પર તપાસ કરતા કંઈક જાણવા મળે તો મળે. અત્યારે હવે રાત થવા આવી હતી એટલે સવારે કોલેજ જઈ તપાસ કરવાનું વિચારી તેઓ ત્યાંથી નીકળી ગયા.

જો હોસ્ટેલનાં વૉર્ડને ત્યાં કામ કરતા મણસોમાંથી રજા પર રહેલ વ્યક્તિઓની ફોન કરી પૂછપરછ કરી હોત તો અત્યારે તેઓ અવધિ પાસે પોહચી ગયા હોત.

અવધીનાં મા સરીતાબેનની આંખોમાંથી આંસુ વહ્યે જ જતા હતા. રમેશભાઈ બહારથી મજબૂત હોવાનો દેખાવ તો કરી રહ્યા હતા પણ અંદરથી તો એમની હાલત સરીતાબેન કરતા ય વધુ ખરાબ હતી. આજુબાજુનાં ચાર પાંચ જણા ત્યાં બેઠાં બેઠા એમને સધિયારો આપી રહ્યા હતા.

"હિમ્મત રાખો સરીતાબેન, આમ રડયે રાખે કઈ નઈ વળે." એક કાકીએ સમજાવતા કહ્યું.

"તમને જોઈને રમેશભાઈ ઢીલા પડે સે ભાભી, સ્વસ્થ થાવ.." કાકા બોલ્યા.

કાકાનો છોકરો - શાંત થાવ કાકી, મુખીબાપાએ કહ્યું છે ને એવો અવધિને બહુ જલ્દી શોધી લાવશે.

"હા..ભાઈ સાચું કહે છે. ચાલો બસ હવે...બહુ રડી લીધું..થોડું જમી લો. નઈ તો તમારી દીકરી આવશે ને તો તમને જમાડ્યા પણ નઈ એમ કરી મને ઢીબી નાંખશે ." અવધિની બાળપણની સહેલિએ વાતાવરણ હળવું કરવાના આશયથી કહ્યું.

આ સાંભળી સૌના હોઠ સહેજ પોહળા થયા.

"હાચુ જ કે સે આ સોરી...હવે જમી લો બનેવ. પસી અવધિને સાસરે વળાવતી વખત રડે રાખજે ત્યારે તમુને કોઈ નઈ રોકે." કાકી બોલ્યા..અને સરીતાબેન વધુ રડી પડ્યા.

થોડી વાર પછી તેઓ શાંત થયા અને ના છૂટકે બંનેએ થોડું ખાધું. પછી મોડી રાત થઈ ગઈ હોવાથી બધા જતા રહ્યા.

અવધિની સહેલી ત્યાં જ રોકાઈ ગઈ. કાકા કાકીને સુવડાવી પછી તે પણ વિચારો કરતી સુઈ ગઈ.


ક્રમશ:.....


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆



રાધેયના વિચારોથી શું આપ સહમત છો ?? રાધેયની જગ્યા તમે હોવ તો શુ કરો ?? આપ સૌના પ્રતિભાવ જણાવવા વિનંતી..આગળ શું થાય છે ?? જાણવા માટે વાંચતા રહો.."અભ્યુદય.."


ધન્યવાદ🙏

©યક્ષિતા પટેલ