વસુદેવ દેવકી Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુદેવ દેવકી

" અરે સોહીલ બેટા.... એ લોકોને જરા ફોન તો કર કે કેટલે પહોંચ્યા ? પાંચ વાગ્યાનો ટાઇમ આપેલો.. સવા પાંચ વાગ્યા. " ચંદ્રકાંતભાઈએ અધીરાઈથી પોતાના પૌત્રને આદેશ આપ્યો.

" જી દાદુ " સોહીલે દાદા ને કહ્યુ અને મોબાઈલ હાથમાં લીધો.

" રહેવા દે સોહીલ... આવતા જ હશે ! દૂરથી આવતા હોય તો પાંચ દસ મિનિટ આમ તેમ થાય " જનકભાઈ બોલ્યા.

" એ લોકો ચાર જણ આવે છે. મહેમાનો માટે તમે લોકો નાસ્તાની પ્લેટો તૈયાર કરો. અને ચા ની પણ તૈયારી રાખજો. કારણ કે શિયાળા માં બધાને કોલ્ડ્રિંક્સ ના ફાવે. " ચંદ્રકાંતભાઈએ હવે પોતાની પુત્રવધુ મૃદુલા ને કહ્યું.

" હવે તમે શાંતિ રાખો ને ભૈશાબ !! બહુ રઘવાયા તમે તો !! ઘરમાં આટલા બધા છે તે કરશે !!" વર્ષાબહેને પતિને ચૂપ કર્યા.

જનકભાઈ ની 24 વર્ષની પુત્રી દેવકી ને જોવા આજે એક મુરતિયો આવવાનો હતો. ઘર અને કુટુંબ પૈસે ટકે સુખી હતું અને છોકરો સોફ્ટવેર એન્જિનિયર હતો. એ લોકો અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા હતા.

જનકભાઈ ની પત્ની મૃદુલા ને પિયર પક્ષમાં બહોળું કુટુંબ હતું. એટલે એના જ કોઈ દૂરના સંબંધમાંથી પંદર દિવસ પહેલા આ વાત આવી હતી.

છોકરો-છોકરી એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો અત્યારે વેવિશાળ નક્કી કરી દેવું અને ચાર મહિના પછી એપ્રિલ મે માં લગન રાખવાં એવું બધાએ વિચાર્યું હતું. બંનેની કુંડળી પણ સારી મળતી હતી.

જૈમિન એક સંસ્કારી છોકરો હતો. મા-બાપ અને બહેન ની પસંદગી શ્રેષ્ઠ જ હશે એ એને ખાત્રી હતી. અને દેવકી ખૂબ રૂપાળી છે એ તો એણે પપ્પા ના મોબાઈલ માં આવેલા ફોટામાં જોઈ જ લીધી હતી.

" અરે સોહીલ બેટા...... તું સોસાયટી ના ગેટ સુધી તો જા.. એ લોકો પહેલી વાર આવે છે. ગાડી પાર્ક કરાવીને તું એમને ઉપર લઇ આવ"

ચૂપ રહેવાનું ચંદ્રકાંતભાઈ ને ફાવતું જ નહોતું. એ ખૂબ જ વ્યવહાર કુશળ હતા અને નાની નાની બાબતોનું પણ એ ધ્યાન રાખતા. સારા માઠા પ્રસંગોમાં લોકો એમની સલાહ લેતા.

લગભગ સાડા પાંચ વાગ્યે મહેમાનો આવી ગયા. સોહીલ જઈને એમને પાંચમાં માળના પોતાના ફ્લેટમાં લઇ આવ્યો.

બધાએ ઉભા થઇ મહેમાનોનું સ્વાગત કર્યું અને સોફામાં બેઠક લેવાની વિનંતી કરી.

" અમે તો અડધા કલાકથી તમારી રાહ જોતા હતા. " ચંદ્રકાંતભાઈ બોલ્યા.

" હા વડીલ... પણ અમદાવાદનો ટ્રાફિક તો તમે જાણો છો ને ? અને એમાં પણ સાંજના ટાઇમે એસ.જી.હાઈવે !! " જૈમિને જ જવાબ આપ્યો.

મહેમાનોમાં જૈમિન, એનાં મમ્મી રસીલાબેન પપ્પા ગિરીશ ભાઈ અને નાની બહેન હિરલ હતાં.

થોડીવાર આડીઅવળી વાતો ચાલી. ત્યાર પછી નાસ્તાની પ્લેટો આવી. ઠંડીમાં કોલ્ડ્રિંક્સ લેવાની કોઈની ઈચ્છા નહોતી એટલે છેલ્લે ચા ના કપ લઈને દેવકી પોતે આવી.

દેવકી એટલી બધી સુંદર લાગતી હતી કે પહેલી જ નજરે બધાને ગમી ગઈ. જૈમિન ની બહેન હિરલ ને તો દેવકી રૂબરૂમાં એટલી બધી વહાલી લાગી કે ના પૂછો વાત !

દસેક મિનિટ ચા નાસ્તો કર્યા પછી જનકભાઈ એ જૈમિન ને કહ્યું.

" જૈમિન કુમાર તમારે દેવકી સાથે કંઈ પણ અંગત વાત કરવી હોય તો તમે બંને જણા અંદર બેડરૂમ માં બેસો. અમારે તો વાતો ચાલતી રહેશે"

અને જૈમિનને લઇને દેવકી એના બેડરૂમ માં ગઈ. જનકભાઈ મહેમાનો સાથે વાતે વળગ્યા.

" બેડરૂમ ખરેખર સરસ છે. ઇન્ટિરિયર પણ સરસ કરેલું છે. તમે ઇન્ટિરિયર ડિઝાઇનર છો ને ? તમારા બાયોડેટામાં વાંચેલું. આ તમારું જ વિઝન લાગે છે " જૈમિને બેડની સામે ગોઠવેલા સોફા ઉપર બેસતા જ કહ્યું.

" જી " દેવકી બોલી અને એણે બેડ ઉપર બેઠક લીધી.

થોડીવાર મૌન છવાયું. જૈમિને નોંધ લીધી કે દેવકી થોડી ગંભીર છે. લગ્ન માટે ઉત્સુક કન્યાના ચહેરા ઉપર પ્રથમ મિલન વખતે જે શરમ સંકોચ અને છૂપો રોમાંચ હોવો જોઈએ તે એનામાં નથી.

" તમે આ લગ્નથી ખુશ નથી ? યુ કેન બી ફ્રેન્ક વિથ મી. મનમાં જે હોય તે મને કહી શકો છો.
તમે મારો આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો. મનમાં જરા પણ સંકોચ ના રાખશો." જૈમિને કહ્યું.

" થેન્ક્સ જૈમિન.... સાવ સાચું કહું તો હું તમને એ જ કહેવાની હતી. હું કોઈની સાથે રિલેશનશિપમાં છું. ધવલ અમારી કાસ્ટ નો નથી એટલે મારા મમ્મી પપ્પા મારી વિરોધમાં છે. દાદા આ વિશે કંઈ પણ જાણતા નથી. તમે જો સામે ચાલીને મને રિજેક્ટ કરશો તો મને આનંદ થશે. "

" પણ હું તો તમને જોઈને જ તમારા પ્રેમમાં પડી ગયો છું દેવકી. મારા માટે તમે ના વિચારી શકો ? મારી સાથે લગ્ન કરીને પસ્તાવાનો વારો નહીં આવે. "

" સ્ટોપ ઈટ !! મને મજાક પસંદ નથી જૈમિન. આઈ એમ સિરિયસ. હું એને દિલથી પ્રેમ કરું છું. હું એને દગો દેવા નથી માગતી. મારા દાદા નો સ્વભાવ ખૂબ જ ગરમ છે એટલે હું ઇચ્છું છું કે તમે જ ના પાડી દો. ચાર છ મહિનામાં હું અને ધવલ લગ્ન નો પ્લાન કરી જ રહ્યા છીએ. "

" પણ તો પછી આ મીટીંગ શા માટે રાખી ?" જૈમિનને દેવકીની વાતથી દુઃખ થયું.

" મમ્મીના આગ્રહથી. મેં તો ના જ પાડી હતી "

દેવકીને લાગ્યું કે પોતે જરા વધુ પડતો ગુસ્સો અને નારાજગી જૈમિન તરફ બતાવી રહી હતી. જૈમિન પોતાને જોવા આવ્યો એમાં એનો કોઈ દોષ નહોતો.

" સોરી જૈમિન... મારાથી કંઈ વધુ પડતું બોલાઈ ગયું હોય તો ! "

" ઓકે... રિલેક્સ ! હું બધું સંભાળી લઈશ !! ધવલ ખરેખર ખૂબ જ નસીબદાર છે. એનિવેઝ... ઓલ ધ બેસ્ટ !!"

જૈમિન સડસડાટ બેડરૂમમાંથી બહાર નીકળી ગયો. એ ડ્રોઈંગરૂમ માં આવી ને પોતાની જગ્યાએ બેઠો. દેવકી પણ પાછળ પાછળ આવી અને એની મમ્મીની બાજુ માં ગોઠવાઈ ગઈ.

" હવે બોલો વરરાજા... અમારી લાડકી પસંદ આવી કે નહીં ? " ચંદ્રકાંતભાઈ બોલ્યા.

" વડીલ તમારી દેવકી તો દેવકી જ છે. એ જનમો જનમ આ વસુદેવ ને જ મળે એવા આશીર્વાદ આપો " કહીને જૈમીન હસી પડ્યો.

આખા હોલમાં આનંદ નું મોજું છવાઈ ગયું. એકમાત્ર દેવકી ને બાદ કરતા !! જૈમિને મારી સાથે આવું શા માટે કર્યું ?

અને ત્યાં જ દેવકી ના મોબાઈલ ઉપર જૈમિનનો મેસેજ આવ્યો. ' જસ્ટ રિલેક્સ. ઈટ વોઝ અ જોક ! '

" વડીલ મારે એક બાધા છે એટલે વેવિશાળ રિંગ સેરીમની બધું હમણાં મુલત્વી રાખીએ. મારે અમેરિકા જવાની પણ તૈયારી કરવાની છે. જુલાઈ સુધીમાં તો મારા એચ1બી વિઝા પણ આવી જશે. બાકી વહેવારની તમારે જે પણ વાતો કરવી હોય તે કરો " જૈમિને હાલ પૂરતી લગ્નની વાતને સિફતપૂર્વક ટાળી દીધી.

" એ બધી વાતો કરવા તો ફરી મળીશું ને ? હમણાં તો કોરોના ની ચિંતા વધી ગઈ છે. વુહાન માં તો કોરોનાએ કેવો કેર વર્તાવ્યો છે? સાચા આંકડા તો બતાવતા જ નથી " જનકભાઈ બોલ્યા.

" વુહાન માં તો સરકાર કોરોના ના દર્દીઓ ને ઠાર મારી નાખે છે એવું સાંભળ્યું છે. લાખોની સંખ્યામાં મૃત્યુ થયા છે એવું બીબીસી ઉપર સાંભળ્યું હતું " ગિરીશ ભાઈએ કહ્યું.

" થોડા ઘણા કેસ હવે ઇન્ડિયામાં પણ જોવા મળ્યા છે. વાયરસનું કાંઈ કહેવાય નહીં. સરકાર અત્યારથી જ સાવધાન છે એટલે અહીંયા જોકે બહુ વાંધો નહીં આવે. "

થોડી વાર આ રીતે વાતો ચાલી અને મહેમાનો ઊભા થયા. બંનેના ચહેરા ખુશ લાગતા હતા એટલે બંને એક બીજાને પસંદ કરે છે એવો જ ખ્યાલ બધાને આવ્યો પણ સત્ય હકીકત માત્ર જૈમિન અને દેવકી જ જાણતા હતા.

" મને તો જૈમીન નો સ્વભાવ ખૂબ જ સારો લાગ્યો. આવો છોકરો મળે પણ નહીં. સોફ્ટવેર એન્જિનિયર થયેલો છે. આટલો સારો પગાર છે તોપણ નમ્રતા કેટલી ? હવે તો અમેરિકા જવાનો છે. " મહેમાનોના ગયા પછી ચંદ્રકાંતભાઈ બોલી ઉઠ્યા.

" હા પપ્પા તમારી વાત એકદમ સાચી છે. આપણી દેવકી નસીબદાર તો છે હો !! " જનકભાઈ બોલ્યા. જો કે મનમાં ડર તો હતો જ કે દેવકી આ લગ્ન માટે ખરેખર રાજી થશે ખરી ?

મહેમાનો ગયા પછી મૃદુલાબેને દેવકીને રસોડામાં બોલાવીને કહ્યું. " આટલો સારો છોકરો હાથમાંથી જવા ના દેતી. આખી જિંદગીનો સવાલ છે. જૈમિનકુમાર સાથે લગ્ન થશે તો સૌથી વધુ ખુશી મને થશે. મારો ડાયાબીટીસ પણ હાઈ છે. બીપી પણ રહે છે. જિંદગીનું કોઈ ઠેકાણું નથી. તને સુખી જોઈને જાઉં એટલે બસ !!"

દેવકી મમ્મી ની વાત સાંભળી રહી હતી. એને પણ જૈમિન નો સ્વભાવ ગમી ગયો હતો પણ પણ પોતે તો એની સાથે ઋક્ષ વ્યવહાર કર્યો હતો !!

દેવકી ધવલને ખૂબ જ પ્યાર કરતી હતી. ધવલે એમ.બી.એ કર્યું હતું અને નરોડામાં એક પ્રાઇવેટ ફેક્ટરીમાં એ સારી પોસ્ટ ઉપર હતો. દેવકી અને ધવલ કોલેજમાં ભણતા હતા ત્યારથી જ એકબીજા તરફ આકર્ષાયા હતા.

આ બાજુ જૈમિન ને પણ દેવકી આકર્ષી ગઈ હતી. આટલી સુંદર યુવતીને ગુમાવવાનો એને અફસોસ થતો હતો પણ એનું દિલ ઉદાર હતું. એણે એની સાથે અતડો વ્યવહાર કર્યો હતો તો પણ એણે દેવકીના પ્યારનું રિસ્પેક્ટ કર્યું... દુનિયામાં બધાને બધું ક્યાં મળે છે ?

" અરે જૈમિન...તું વળી ક્યારથી બાધા રાખતો થઈ ગયો ? " ગીરીશભાઈ એ ઘરે આવીને જૈમિન ને પૂછ્યું.

" બસ પપ્પા એમ જ... મને તો મજાક કરવાની ટેવ છે. તમે તો જાણો જ છો " જૈમિનને કહેવાની ઇચ્છા થઈ કે દેવકી કોઈ ની સાથે રિલેશનશિપમાં છે પણ એ કહી ના શક્યો. હમણાં મારે ઘરમાં કંઈ કહેવું નથી. આગળ ઉપર જોયું જશે એવું જૈમિને વિચાર્યું.

બંનેના ઘરમાં લગ્નનો ઉત્સાહ હતો. લગ્નની તૈયારીઓ પણ ચાલતી હતી. પણ વર અને કન્યા આ બધાથી અલિપ્ત હતાં. દેવકીને હતું કે જૈમિન ઘરે ગયા પછી એવું કહેવડાવશે કે એને દેવકી પસંદ નથી પણ એવો કોઈ પણ ફોન કે મેસેજ ના આવ્યો.

અઠવાડિયા પછી દેવકીએ જૈમિનને ફોન કર્યો. " તમે મારા મમ્મી-પપ્પાને ક્લિયર જવાબ આપી દેતા હો તો !! એ હજુ પણ એમ જ માને છે કે તમારો જવાબ હા છે . આવી રીતે બધાને અંધારામાં રાખવાનો શું મતલબ ? "

" મેં એ મિટિંગમાં શું કહ્યું હતું એ યાદ છે ? દેવકી વસુદેવને જ મળશે ! હું હંમેશા મારા આત્માના અવાજને અનુસરું છું ! તમને જે યોગ્ય લાગે તે તમે કરી શકો છો. હું તમને રોકતો નથી "

" આ તમે ખોટું કરી રહ્યા છો. " કહીને દેવકીએ ફોન કાપી નાખ્યો.

સમયને સરકતાં વાર નથી લાગતી. નિયતિ એની રીતેજ ચાલતી હોય છે !! કોરોના ના કેસ ભારતમાં વધતા ચાલ્યા. 25 માર્ચ થી દેશ માં લૉક ડાઉન ચાલુ થઈ ગયું. દેશ આખો જાણે કે સ્થગિત થઈ ગયો. જીવનની ગતિ વિધિ થંભી ગઇ !!

એક પછી એક ઘટના ચક્રો આકાર લેતાં ગયાં. લગ્નના તમામ મુહૂર્તો કેન્સલ થતાં ગયા. લગ્નની ખરીદી પણ અટકી ગઈ. એકબીજાને મળવાનું સુધ્ધાં બંધ થઈ ગયું !!

અમેરિકામાં પણ કોરોના ના કેસ વધવા લાગ્યા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ બંધ થઈ ગઈ. જૈમીન ની એચ1બી વિઝા ની તક પણ આ વર્ષ માટે હાથમાંથી ચાલી ગઈ. જો કે ઇન્ડિયામાં એની જોબ ને કોઈ વાંધો ના આવ્યો. એ ગાંધીનગર ઇન્ફોસિટી માં સારી કંપનીમાં નોકરી કરતો હતો.

જૂન મહિનામાં ચંદ્રકાંતભાઈ ને કોરોના પોઝિટિવ આવ્યો. બે-ત્રણ હોસ્પિટલોમાં એમને દાખલ કરવા માટે દોડાદોડ થઈ પડી પણ છેવટે જૈમિનની ઓળખાણથી એક સારી હોસ્પિટલમાં એમને એડમિશન મળી ગયું અને એ બચી ગયા.

ચંદ્રકાંતભાઈ તો બચી ગયા પણ એક મહિના પછી દેવકીની મમ્મી મૃદુલાબેન ને પણ કોરોના પોઝિટિવ આવ્યો. શ્વાસોશ્વાસની ખૂબ જ તકલીફ થઈ. એમને ડાયાબિટિસ તો હતો જ એટલે હાલત વધુ ગંભીર બની. અથાગ પ્રયત્નો છતાં એ બચી ના શક્યા. દેવકીને મમ્મીના મૃત્યુ નો ખૂબ જ આઘાત લાગ્યો.

મૃદુલાબેન ના મૃત્યુ વખતે જૈમિન નો આખો પરિવાર પડખે ઊભો રહ્યો. જો કે જૈમિન દેવકી થી તો દૂર જ રહ્યો.

પણ આ લોક ડાઉન માં ધવલ ની પોઝીશન બગડતી ચાલી. એ નરોડાની જે ફેક્ટરીમાં જોબ કરતો હતો ત્યાંના બધા કારીગરો વતનમાં ચાલ્યા ગયા અને ફેકટરી બંધ કરવાનો વારો આવ્યો. ધવલ ની જોબ પણ જૂન મહિનામાં છુટી ગઈ. એણે નવો ફ્લેટ લીધો હતો જેના હપ્તા ચાલુ હતા. એ હવે આર્થિક તકલીફમાં મુકાઈ ગયો.

દેવકી મૂંઝાઈ ગઈ હતી. લોક ડાઉન ના કારણે મે-જૂનમાં ધવલ સાથે લગ્ન કરી લેવાનું એનું સપનું તૂટી ગયું.. ધવલ ની જોબ પણ છૂટી ગઈ . જૈમિન સાથે લગ્ન કરાવવાનું મમ્મી નું સપનું હતું પણ એ અધૂરું મૂકીને ચાલી ગઈ. કિસ્મત પોતાને કઈ તરફ લઈ જતું હતું કંઈ સમજાતું નહોતું. જુલાઈ પૂરો થવા આવ્યો હતો. ધવલ સાથે મળીને કંઈક તો વિચારવું જ પડશે !!

એ પોતે પ્લાન કરે તે પહેલાં જ ધવલ નો ફોન આવી ગયો. એ પોતે જ દેવકી ને મળવા માગતો હતો.

" પરમ દિવસે રવિવારે લો ગાર્ડન પાસે સ્વાતિ માં આપણે મળીએ છીએ. હું બારેક વાગે આવી જઈશ. તું પણ પહોંચી જજે. લંચ ત્યાંજ લઈશું. " ધવલે કહ્યું.

" દેવકી....... ખોટું ના લગાડતી પણ મારી પોઝિશન ધાર્યા કરતા વધુ ગંભીર બની ગઇ છે.... બે મહિનાથી નોકરી છૂટી ગઈ છે. સેલેરી પણ બાકી છે... નવો ફ્લેટ લીધો છે એના હપ્તા ચઢતા જાય છે.... મમ્મીને પણ કોવિડ થઈ ગયો અને હોસ્પિટલમાં બે લાખ જેટલો ખર્ચ થયો... બેંક બેલેન્સ કઈ રહ્યું નથી. "

" કોરોના ના કેસ વધતા જાય છે અને લોક ડાઉન લંબાતું જાય છે. હવે લગ્ન નો વિચાર જ મારે છોડી દેવો પડશે. અત્યારે મને મારું કોઇ ભવિષ્ય દેખાતું નથી. " ધવલે નિરાશાથી દેવકીને પોતાના મનની વાત કરી.

દેવકી કઈ બોલી નહીં. એ પોતે પણ મૂંઝાઈ ગઈ હતી. ધવલ સાચું જ કહેતો હતો. હવે એની સાથે લગ્ન કરીને પોતાનું ભવિષ્ય શું ? આવી ભયંકર મંદીમાં ઇન્ટિરિયર નું કામ પણ સંપૂર્ણ બંધ છે. પૈસા વગર તો પ્રેમ ની ગાડી પણ ચાલે એમ નથી.

" તારી વાત સાચી છે ધવલ. હું પણ ભયંકર ટેન્શનમાં આવી ગઈ છું. તને છોડવાનું મારું જરા પણ મન નથી. ઘરવાળા લગ્ન માટે ઉતાવળ કરે છે. મમ્મી મારા લગ્નનાં સપનાં જોતી જોતી વિદાય થઈ ગઈ. "

" જૈમિન સાથે લગ્ન કરી લે દેવકી. તું કહે છે એમ જો એ ખરેખર સારો છોકરો હોય તો હવે મારા માટે રાહ જોઇશ નહીં. " ધવલે દેવકીનો હાથ હાથમાં લઇને કહ્યું.

અને આમ સ્વાતી રેસ્ટોરન્ટ ની એ દિવસની બંનેની મુલાકાત છેલ્લી બની રહી.

હવે શું ? દેવકી રાત્રે વિચારી રહી હતી. એણે તો પહેલેથી જ જૈમિન સાથે તોછડો વ્યવહાર કર્યો હતો. તો પણ દાદાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જૈમિને જ દોડાદોડી કરી હતી. મમ્મીના મૃત્યુ વખતે પણ જૈમિન નો આખો પરિવાર પડખે ઊભો રહ્યો હતો. જૈમિને એ વખતે પોતાની સામે પણ જોયું નહોતું. જો કે એનો ગુસ્સો સાચો જ હતો.

પણ હવે જૈમિન સાથે આગળ કઈ રીતે વધવું ? અને હું કોઈ બીજા પુરુષ સાથે આટલાં વર્ષો સુધી રિલેશનશિપ માં હોઉં ત્યારે એ મારો સ્વીકાર કેવી રીતે કરે ? ભલે હું વર્જીન છું પણ એને તો શંકા હોય જ ને ? મારે એક વાર વાત તો કરવી જ પડશે !

" મારે તમને એકવાર મળવાની ઈચ્છા છે. મળી શકશો ? " બીજા દિવસે સવારે 10 વાગે દેવકી એ જૈમિન ને ફોન કર્યો.

" ક્યાં મળવું છે ? "

" મારા ઘરે આવી શકો ? આપણે પહેલીવાર જ્યાં મળ્યા હતા એ બેડરૂમમાં. થોડી ચર્ચા કરવી છે. "

" દાદા મને લગ્ન અંગેના કોઇ સવાલો પૂછશે તો ? "

" તો હું જ જવાબ આપી દઈશ. તમે ચિંતા નહીં કરતા. કાલે સાંજે સાત વાગ્યે મળીએ "

" ઠીક છે " અને બીજા દિવસે સાંજે સાત વાગ્યે દેવકી ના ઘરે જૈમિન પહોંચી ગયો.

ચંદ્રકાંતભાઈ તો જૈમિન ને જોઈને જ ખુશ થઇ ગયા.

" આવો આવો જૈમિન કુમાર..... અરે દેવકી બેટા, જૈમિનકુમાર આવ્યા છે " દાદાએ બેડરૂમ તરફ જોઈને દેવકીને ટહુકો કર્યો.

" હા દાદા.... હું આવું જ છું " દેવકીએ બેડરૂમમાંથી જવાબ આપ્યો.

જૈમિને ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠક લીધી. થોડીવારમાં દેવકી પણ પાણી લઈને આવી.

" આવો ને આપણે બેડરૂમમાં જ બેસીએ " દેવકી એ જૈમિન ને કહ્યું.

જૈમિન ઊભો થયો અને દેવકીની પાછળ પાછળ બેડરૂમ માં ગયો.

"આવો " દેવકી એ બેડરૂમમાં જૈમિન નું સ્વાગત કર્યું. જૈમિન ગયા વખત ની જેમ સોફા ઉપર બેઠો. દેવકી એ દરવાજો સહેજ આડો કર્યો.

" બોલો શું સેવા કરી શકું ? " જૈમિને કહ્યું.

" ધવલ સાથે મારું બ્રેક-અપ થઈ ગયું છે. બસ આ સમાચાર આપવા જ મેં તમને બોલાવ્યા છે. "

" હમ્... પણ એમાં હું શું કરી શકું ? એ નિર્ણય તમારા બંને નો છે. " જૈમિન બોલ્યો.

" અમારા બ્રેક-અપ થી તમે ખુશ નથી ?" દેવકી એ જૈમિન ની સામે જોઇને પૂછ્યું.

" તમે મારી સાથેના લગ્નથી ખુશ નથી તો તમારા બ્રેક અપ થી મને શું ફરક પડે દેવકી ? મેં આ જ રૂમમાં તમને કહેલું કે - મારા માટે તમે ના વિચારી શકો ? મારી સાથે લગ્ન કરીને તમને પસ્તાવાનો વારો નહીં આવે.- ત્યારે તમે ગુસ્સે થઈને મને બોલતો જ બંધ કરી દીધેલો !! "

" મારો એ ગુસ્સો હજુ પણ તમે યાદ રાખેલો છે જૈમિન ? "

" તમારી કોઈની સાથે રિલેશનશિપ છે એ જાણ્યા પછી પણ હું તમને અપનાવવા તૈયાર થયેલો અને પ્રપોઝ કરેલું. પણ મારી પ્રેમની લાગણીને તમે ના સમજી શક્યા !! "

" મને રડાવવી છે તમારે ? એ વખતે હું ધવલ ના પ્રેમમાં પાગલ હતી જૈમિન. હું તમને ઓળખી શકી નહોતી. મારા આવા ઋક્ષ વર્તન પછી પણ દાદાની માંદગી વખતે તમે જે દોડાદોડી કરી, મમ્મી વખતે આવીને ઊભા રહ્યા એ બધી ઘટનાઓ એ તમારો સાચો પરિચય કરાવ્યો ! "

જૈમિન કંઈ પણ બોલ્યો નહીં. દેવકી હવે એની સાથે લગ્ન કરવા માગતી હતી એ એને સમજાઈ ગયું.

" તમે મને માફ ના કરી શકો ? મેં પહેલીવાર તમને નારાજ કર્યા એનું મને બહુ જ દુઃખ છે. મારો આખો પરિવાર તમને પસંદ કરે છે. મારી મમ્મી પણ મૃત્યુ સુધી મારા લગ્ન તમારી સાથે જ થાય એમ ઈચ્છતી હતી પણ હું મૂરખ તમને ઓળખી ના શકી. અને હા મારી મૃત મમ્મીના સોગંદ ખાઈને કહું છું કે આજે પણ હું વર્જીન છું જૈમિન ! "

" કોરોના એ મારા પ્રેમની પાંખો કાપી નાખી છે અને હું ધરતી પર આવી ગઈ છું . અત્યાર સુધી હું નાદાન હતી.... આઈ એમ સોરી જૈમિન !! મને માફ કરી દો " અને દેવકીની આંખોમાં થી આંસુ ની ધારા વહેવા લાગી.

જૈમિન સોફામાંથી ઊભો થયો અને દેવકી ની બાજુમાં બેડ પર બેસી ગયો. દેવકીનો હાથ હાથમાં લીધો.

" રડો નહીં. તમને પહેલીવાર જોયા ત્યારથી જ તમારા પ્રેમમાં પડી ગયો છું. અને મને મારા પ્રેમ પર જબરદસ્ત વિશ્વાસ હતો !! એટલે જ મેં દાદાને કહેલું કે - દેવકી જનમો જનમ આ વસુદેવ ને જ મળે એવા આશીર્વાદ આપો -. બોલો... મેં કહેલું કે નહીં ? "

દેવકી મુગ્ધ નજરે પોતાના આ પ્રિયતમ ને જોઇ રહી. ખરેખર એ જ એનો સાચો વસુદેવ હતો !! એ જૈમિન ને પ્રેમના આવેશમાં વળગી પડી. વસુદેવ દેવકી નું એ મિલન લોક ડાઉન ની જેમ ઘણું લાંબુ ચાલ્યું !!

અશ્વિન રાવલ (અમદાવાદ)