આમ તો શીર્ષક જ ખોટું છે. વાંચવાની કુટેવ જ અમે ગુજરાતીઓ પાળતા નથી.અમે આમ તો મૂળ વેપારી પ્રજા નફો નુકસાન પૂછો તો ઠીક પણ આ વાંચન-બાચનની વાત રહેવા દેવી.પણ હવે વાત નીકળી છે તો વાંચનની વાત કરી દઉં.ઉદ્યોગ ધંધામાં થી નવરાશ મળે ત્યારે અમે ક્યારેક વાંચી પણ લઈએ-મોટેભાગે ધાર્મિક પુસ્તકો જ! પણ પછી એમ થાય કે બિચારા ગરીબ લેખકો ભૂખે મરે જો અમે ન વાંચીએ તો એટલે કોઈ વખત એને પણ વાંચી નાખવાની કુટેવ રાખીએ.પણ અમે અહીં ‘વેદના’ શબ્દ અલગ જ અર્થમાં લઇએ છીએ. મોટા ભાગના ગુજરાતી વાચકો ને એક જ વેદના હોય છે- વાંચવાની,પણ એનાથી મોટી સમસ્યા છે અંગ્રેજી પુસ્તકો ના ગુજરાતી અનુવાદ વાંચવાની.
આમ તો ગુજરાતી વાંચવું જ અમારા માટે કંટાળાજનક છે પણ એમાં જો કોઈ અંગ્રેજી પુસ્તકનો તરજુમો અમે વાંચીએ તો અત્યંત મુશ્કેલી સર્જાય.વિલિયમ શેકકસપિયર,વિક્ટર હુગો,વિલિયમ વર્ડ્સબરતથ, ચારલ્સ ડિકન્સ, જ્યોર્જ બરનેડ શો,શોએપેનહવર,જિન વાલજીન,થ્રિ મસ્કેતીયરસ-વાંચતા વાંચતા આપણી ગુજરાતીઓની જીભ હિંડોળા લઈ લે એવા નામ છે ને!(પણ આ બધા ખોટા છે એ તમે જાણો છો-ભાઈ કંઈ બધાનું અંગ્રેજી તમારી જેમ સારું ન હોય) આ યાદી તો હજુ ઝલક પણ ન કહેવાય.આ યાદી અટકે એમ નથી. અમને ગુજરાતી વાચકને આવા ગુજરાતી અનુવાદોમાં આવતા લેખક અને તેના પાત્રોના નામ વાંચવામાં એટલી તકલીફ પડે છે કે ન પૂછો વાત!(છતાંય પૂછજો તો ખરા જ)
કદાચ જો અમારા મુખે એ લોકો પોતાના નામ સાંભળી લે તો હૃદયનો હુમલો પાક્કો, મોત પણ થઈ શકે!પણ તમારી જાણ ખાતર કહેવું જોઈએ કે આ કરીને અમે દેશભક્તિ બતાવીએ છીએ,હા આશ્ચર્ય ન પામશો! સાચી વાત કહું છું.એ સાલા આપણા ઉપર બસ્સો વર્ષ શાસન કરે ને આપણે એના નામ પણ ન બગાડીએ, એ તો વળી મહાદ્રોહ કહેવાય! હું તો સરકારને પત્ર લખવાનો છું કે શક્ય એટલી ઝડપથી શુદ્ધ અંગ્રેજી બોલનારાઓને માટે છ મહિનાની કેદની સજા ગોઠવો.
અને બાપા બીજી એના વર્ણનની તો તમને શું વાત કરું? કહેવાનું હોય રજ જેટલું અને કરે આખો શબ્દ નો ઢગલો! શેરીમાં ચાલવા જતા પાત્રને બતાવવામાં તો કોઈ ઈમારત ઊભી કરવા વાળો ઈમારતનું વિહંગાવલોકન કરે એમ એ પાત્રની આસપાસ ની શેરીનું વર્ણન કરે!ખબર નહીં કેમ તે નવલકથાકારોને આટલા બધા પાના બગાડવાનો શોખ હશે?કોઈ સમજાવે તો સારું છે કે ભાઈ પાત્રના વર્ણન થોડા ઓછા કરો,કંઈ માપ હોય કે નહીં પછી?કે ઝીંકયે જ જવાનું.
કોઈક વખત તો કોઈ ઘટના એટલી લાંબી ખેંચે કે આપણને એમ થાય કે જઈને લેખકને બે તમાચા ચોડીને કહીએ કે ભાઈ,તારે બીજો કંઈ કામ-ધંધો નથી (અલબત્ત વિદેશી લેખકોને નથી હોતો) તે આવું લાંબું ખેંચ્યા કરે છે?ગમે એમ કરીને બસ પાના વધારે કરવા જ જાણે ન લખતો હોય! ઘટનાઓ,પાત્રો,પ્રસંગો,વાક્યો- આ બધું એટલું જ લાંબુ લખ્યું હોય છે કે આપણને એમ થાય કે ગામડાની કોઈ સરકારી બસમાં બેઠા હોય અને સ્ટેશન ઝડપથી આવતું જ ન હોય!ખાસ્સા લાંબા દસ પન્ના ઢસડીને પછી ખરી વાત પર આવે.ઉદાહરણ આપણી ભાષામાં પણ છે- સરસ્વતીચંદ્ર! (અંકે કુલ ૧૮૦૦ પન્ના પુરા)
ને ભાઈ,બીજી આ અંગ્રેજી પુસ્તકોમાં મારી મૂંઝવણ એ છે કે તમે ગમે એ નવલકથા વાંચો,કોઈનું લગ્નજીવન સફળ જાય જ નહીં!સાલા બધા ભુરિયા બે-બે,ત્રણ-ત્રણ વખત પરણે તો પણ મેળ પડે જ નહીં ને! પહેલા હું એમ માનતો હતો કે માત્ર ગુજરાતી બૈરા જ ભુક્કા કાઢી નાખે એવા હોય છે પણ હવે ખબર પડી કે અંગ્રેજી બૈરા અહીં આવ્યા તેમાં તે પણ શીખી ગયા-ભુક્કા કાઢવાનું!પણ આપણા ગુજરાતી દાંપત્યના રથ પર સવાર થતા યુગલો એના જેટલી ઝડપથી હાર માનતા નથી. પણ સાલા એ તો જરા કંઈ થયું નહીં એ તરત જ- છેડા કરો છુટ્ટા! મને લાગે છે કે તેમની નવલકથાઓમાં જેટલા લગ્ન નહી થતા હોય તેટલા તો છૂટાછેડા થાય છે. યુરોપિયન સાહિત્યએ ભારતીય સાહિત્યમાંથી અખંડ (છતાં આંતકવાદ જેવું) દાંપત્ય કેમ ચલાવવું એ શીખવું જોઈએ પણ ખેર એ અભિમાનીઓ આ ના સમજે!
બીજું તમને કહું કે આ બધી નવલકથાઓ હોય કે વાર્તા હોય,નાટક હોય કે આ હાસ્યલેખ સાલુ બધામાં અંત એવો લાવે કે મને તો કંઈ સમજ જ નથી પડતી. શું થઈ ગયું એ જ ખબર ન પડે!જો કે મોટેભાગે હું આવા અનુવાદ ની ચોપડીઓ જ્યારે વાંચવાની શરુ કરું ત્યારે એકદમ જાગૃત હોઉં છું પણ જેવા અંત પર પહોંચું ત્યાં તો નિંદ્રા દેવી મારા પર આરૂઢ થઇ જાય છે.ઉપરોક્ત બાબતે મેં એક વખત મારા મિત્ર(જેને મુખ્ય વિષય અંગ્રેજી હતો)તેને પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે,
"ભાઈ તું મૂર્ખ છે."
" મને ખબર છે,બીજું નવીનમાં બોલ!"
"તું જે કહે છે એને એને વાર્તાનો કલાત્મક અંત લાવ્યો કહેવાય. આપણા ગુજરાતી સાહિત્યકારો પણ એવું જ કરતા હોય છે."
"પણ ભાઈ આપણા ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓ તો મને રાજગરાના લોટના શીરાની જેમ ગળે ઉતરે છે જ્યારે અંગ્રેજી સાહિત્યની રચના કાચા રીંગણા ચાવતો હોય એવી લાગે છે."
"એ ડો.... બા...!શું બોલે છે તેની તને ખબર છે?"
"હવે હું બોલ્યો તો મને તો ખબર જ હોય ને."
"એ મૂરખા.... બુ.....લુ..... કુ.....ના.....ભુ......અભણ!''(વગેરે)
પછી હું ભાગ્યો બાકી નક્કી હું આજે આ લેખ લખવાની હાલતમાં ન હોત.એ બધું તો ઠીક પણ મને આ યુરોપિયન સાહિત્યમાં જે સૌથી વધારે ગમે તે એ લોકોનો ધન અને સ્ત્રી પ્રત્યેનો પ્રેમ.આમેય અમારે ગુજરાતી પ્રજાને ત્રણ વસ્તુ મળે એટલે સ્વર્ગ ગણાય-પેટિયું રળે એટલું ધન,પેટિયું ઠારે એવી બાયડી ને જીવ સચવાય એવું ખોરડું!(નારીવાદીઓ માફ કરે) પણ એ બધી વાત જવા દો.મેં જે કથા માંડી છે એના પર આવું.આ બધી નવલકથાઓ વાંચતા-વાંચતા મેં પણ એક શોધ કરી છે હો! આમ તો હું આવી અનેક શોધો કરતો જ હોઉં છું પણ મારા મિત્રો મને સલાહ આપતા હોય છે કે,"તું એવી બધી તારી જે શોધો છે ને એ તારા સુધી જ સીમિત રાખ!" એટલે હું એની સલાહ માનીને તમને અવનવી શોધોથી વંચિત રાખું છું.તમારું દુર્ભાગ્ય, બીજું શું!
હા તો મારી શોધ એ હતી કે આ પુસ્તકમાં એવું કંઈક લખેલું હોય છે કે એ લોકોના ધર્મમાં પણ બે ભાગ પડ્યા હોય છે:પ્રરોટેસ્ત્રન્ટ અને કેથોલિક.માફ કરજો ઉચ્ચારોની ભૂલ હશે પણ મેં લગભગ સોએક વખત વાંચ્યું પણ ગતાગમ પડી જ નહીં.પણ આ વાંચીને મને મોજ આવી ગઈ કે ચાલો ધર્મના વાડા માત્ર આપણામાં જ નહીં ત્યાં પણ છે.અહો આનંદમ!
પણ એ બધું તો ઠીક હું તમને માત્ર 'રામ રામ' કહેવા આવ્યો હતો પણ આ અંગ્રેજી નવલકથાના અનુવાદ વાંચી વાંચીને મને પણ લાંબુ કરવાની ટેવ પડી ગઈ છે.શું થાય અમે રહ્યા અભણ માણસ!ગુજરાતી જાણીએ પણ અંગ્રેજી ન જાણે એ તો અભણ જ કહેવાય ને!આથી મારે કહેવું જોઈએ કે ઉપર જે લખ્યા એ તો મારા ગુજરાતી તરીકેના ભાવ હતા બાકી આપણે તો અંગ્રેજી વાંચીએ નહીં.આપણને અંગ્રેજી સદતું જ નથી-અંગ્રેજી ભાષા મારા મગજને સદતી નથી ને અંગ્રેજી ખાવાનું મારા પેટને સદતું નથી!આથી મારી 'અલ્પમતિ' જે ધીમે ધીમે વાંચીને 'કુમતિ'માં પલટાઈ રહી છે એની પેદાશ ઉપર તમે વાંચી, એમાં કંઈ વધારાનું,કંઈ ખોટું,કંઈ ન કહેવાય એવું કહેવાય ગયું હોય તો ક્ષમા આપજો અને તમને એમ થાય કે,ના આ હરામીને છોડાય નહીં તો મારા ઘરે મારવા આવજો.આભાર.
પણ જતા પહેલા દલપત બાપા કંઈક છે સાંભળો,
"લાંબા જોડે ટૂંકો જાય,મરે નહિ તો માંદો થાય."
મારે અંગ્રેજી સાથે આવું જ,અરે અમારા બધા ગુજરાતીઓને પણ આવું જ!