વ્હેલી સવારનો સુરજ ધીમે ધીમે માથે ચડી રહ્યો હતો. આ શહેરમાંમાં આજે પહેલો દિવસ હતો. આ મોટું શહેર... હા, આ શહેર એટલે મોટું લાગે છે કેમ કે અહીંયા મારુ પોતાનું કહેવાઈ એવું કોઈ નહતું. મારા મિત્રો, મારો પરિવાર અને મારા જુના કલીગ્સ બધું બીજે હતું. પણ અહીંયા મારી સાથે હતું તો એકમાત્ર સપનું... કમાવાનું... તમને લાગશે કે આ સપનું... પણ હા... આ જ સપનું...
કમાવવું જરૂરિયાત હોઈ છે. પણ એક સમયે જયારે જવાબદારી એનું તાંડવઃ દેખાડે ત્યારે કદાચ આ જ સપનું બની જતું હોય છે. આ શહેર પણ મારા એ જ સપનાનો એક ભાગ હતું. મારે કશુંક એવું કરવું હતું જેમાં મને અઢળક રૂપિયા મળે. રૂપિયા કમાવવાની દોડમાં હવે એટલું વધારે ઝડપથી દોડું છું કે કદાચ હું મારી પોતાની ઓરીજનલ સ્પીડ ભૂલી ગયો છું. આ કહાની મારી નથી. દુનિયાના દરેક યુવાનની છે. વધતી ઉંમર સાથે ફક્ત વાળ ધોળા નથી થતા... સપનાઓ અને જવાબદારીઓને પણ બુઢાપો આવતો હોય છે, અને એ આપણી આસપાસ એવી રીતે ભરડો લે છે કે આપણે એમાં લપેટાઈ જઇયે છીએ.
હવે આ શહેર... “બમ્બઈ... બમ્બઈ મેરી જાન..!!” પણ, ના આ મારે માટે નથી... “મારે માટે તો મારુ ગામ... મારી જાન...” પણ હું અહીંયા મારી જિંદગીના કપરા ચઢાણો થોડા સીધા થાય એટલે આવ્યો હતો. આજે નવી કંપનીમાં પહેલો દિવસ હતો. ઈન્ટરવ્યું પાસ કર્યું ત્યારે ખબર નહતી કે આ કમાવા નામની બલ્લા મને આટલો હેરાન કરશે.
સવાર તો પડી ગઈ હતી. મેં બ્રશ પણ કરી લીધું હતું. પણ અહીંયા એક વસ્તુ નહતી. “ચા..! સવારે ઉઠીયે ત્યારે કોઈ ગરમ ચા બનાવીને હાથમાં આપવા વાળું ના હોય એનાથી વિશેસ પરિશ્રમ મને આજ સુધી નથી જણાયો.” અને હું અત્યારે એમાંથી પસાર થઇ રહ્યો હતો. પણ હવે દર મહિને મારા પગારમાં પંદર હજાર વધુ આવશે એ ખુશી સામે મને બીજું બધું ફિક્કું લાગતું હતું. પણ આ સાથે જ એક બીજો વિચાર આવતો કે આ પૈસા મળવાની ખુશી કોની સાથે વહેંચીશ. આ બધા વિચારો ખંખેરીને મેં ટોવેલ હાથમાં લીધો અને બાથરૂમ તરફ પ્રયાણ કર્યું. આ બાથરૂમ સુધીના પ્રયાણમાં મને કેટલુંય ફરી ફરીને યાદ આવી ગયું... મારા મમ્મી-પપ્પા, મારો મિત્ર રામ, અને એક નામ... આ નામ ખરેખર તો યાદ ન આવવું જોઈએ કેમ કે આ નામ સાથે જેટલી સારી યાદો હતી એટલી જ ખરાબ યાદો પણ હતી અને એનાં લીધે જ કદાચ હું અહીં સુધી ઢસડાયો હતો. શરીર પરથી પાણી વહી રહ્યું હતું અને વિચારોમાં એક નામ. પણ હવે કોઈ ફાયદો નહતો એણે બીજા સાથે પરણવાની મંજૂરી આપી દીધી હતી ને રામ ખબર લાવ્યો હતો કે એની સગાઈ નક્કી થઇ ગઈ છે.
એની સગાઈ મારી સાથે નક્કી ન થઈ એનાં માટેનું કારણ બીજું કોઈ નહતું. મીનાના પપ્પાએ એક જ જીદ પકડી હતી કે આટલા પગારમાં પૂરું પડશે? મેં અલગ અલગ રીતે સમજૂતી આપવાના પ્રયાસો કર્યા હતા પણ અંતે બધું વ્યર્થ. કેમ કે મીના એનાં પપ્પા વિરુદ્ધ કોઈ કદમ ઉઠાવવા તૈયાર નહતી. અને અંતે મેં મારા કદમ મુંબઈ તરફ ઉપાડ્યા હતા અને ત્રણ મહિનામાં મને આ નોકરી લાગી હતી. આ ત્રણ મહિના છતાંય આજે મીના ફરી મારા મનસપટલ પર જીવતી થઇ હતી. ટોવેલ વડે ફક્ત શરીર નહતું લૂછાતું એક નામ ફરી ફરીને લૂછાતું હતું.. "મીના..!"
અને છેલ્લે જે શબ્દો મેં રામને કહ્યા હતા એ મને યાદ આવ્યા. આજ પછી એ છોકરીની કોઈ માહિતી મારી પાસે રજુ કરવાની જરૂર નથી. અને મેં એ વાત પર અમલ કરવાનું યાદ કરીને એને વિચારો માંથી પુરેપુરી ખંખેરી કાઢી. પગમાં થોડી ઉતાવળ આવી કેમ કે આજ પેહલો દિવસ હતો.
હું કપડાં પહેરીને બહાર બાલ્કનીમાં દોરી પર ટોવેલ સુકાવવા ગયો. તડકો ઉતરી આવ્યો હતો. બહાર બફારો શરૂ થયો હતો. પણ એટલામાં મારી નજર સામે ત્રીજા માળે ખુલી એક બારીમાં પડી. અચાનક ભર ગરમીમાં મારી બાલ્કનીમાં ઠંડક ઉતરી આવી.
લાંબા છુટા વાળ કોઈ ટોવેલથી ઝાટકી રહ્યું હતું. મારી નજર ત્યાં સ્થિર થઈ ગઈ. મને ફક્ત એનું કમર સુધીનું શરીર દેખાતું હતું. પણ એ છોકરીને જોઈને મારી આંખો પોહળી થઈ ગઈ હતી...
(ક્રમશઃ)