(2)
સાહેબને પાસે આવેલા જોઈ, સુથાર પણ પોતાનું કામ પડતું મૂકીને સાહેબ સામે લાગણીસભર નજરે તાકી રહ્યો. દિકરીએ પણ હાથમાં રહેલો રંધો બાજુ પર મૂકી દીધો. સાહેબ ખુશ થઇ એ દિકરી ના માથે હૂંફ થી તરબોળ હાથ મુકયો, અને જાણે ટોપલીમાંથી ગેલાબનાં ફુલ મલકાય એમ મલકાઈ ઊઠ્યા.
સુથારનાં પરસેવાથી રેબઝેબ ચહેરે નજર માંડતા સાહેબ દિકરીને ઉદ્દેશી પુછ્યુ ; " બેટા ! તારૂં નામ શું છે ? " એક સાહેબને પોતાનામાં આટલો રસ દાખવતાં જોઈ દિકરી ખીલી ઉઠી અને તરત જ બોલી ; " જેસલ ! મારું નામ છે સાહેબ ! "
" ખુબ જ સુંદર દિકરી ! તારૂં નામ તો અલગ જ પ્રકારનું છે હો ભાઈ ! " સાહેબ પ્રસંશા ની મુદ્રામાં હાથ ઘૂમાવી ફરી બોલ્યાં ; " બેટા ! આટલો વજનદાર રંધો ખેંચતા ખેંચતા તને થાક નથી લાગતો ? "
સાહેબ ના શબ્દોએ જાણે સુથારનુ હૈયું વીંધ્યુ ! એનો ચહેરો જરા ફીક્કો પડ્યો અને વીલુ મોઢું કરી તેં બોલ્યો ; " સાહેબ શું કરીએ ! અમારો તો ધંધો જ લાકડા પકડવાનો અને લાકડાને ઘાટ આપવાનો છે ને ! એની માં હતી એટલે તો એ મદદ કરતી હતી, પણ એ આ જેસલને પાંચ જ વર્ષની મેલી હંમેશ નેં માટે પરલોક સીધાવી ગઈ ! બસ, ત્યારથી જેસલ જ મારા કામમાં ટેકો આલે છે સાહેબ ! "
સાહેબ પણ સુથારની લાગણીએ તણાયા. જેસલે બાપુની વાતની ટાપસી પુરતાં બોલી ; " સાહેબ ! હું દિકરી થઈ મારા બાપુ ને મદદ નઈ કરૂં તો બીજું કોણ કરશે ? " જેસલની સમજણપૂર્વક ની વાત સાંભળી મેનેજર સાહેબની આંખોના ખૂણા ભીના થયા. તેઓ જાણે જેસલ ને આશીર્વાદ આપતા હોય એમ, ફરી એના માથે હાથ મૂકી બોલ્યા ; " ખમ્મા જેસલ ! ખમ્મા તને ! આટલી નાની ઉંમરે પણ આટલી સમજ ? તારા જેવી દિકરી સૌને મળે બેટા ! " પછી સાહેબ જેસલના પિતા બાજુ ફર્યા ; " ભાઈ તારી દિકરી આટલી સમજણી છે તો એને ભણાવતો કેમ નથી ? "
" સાહેબ સાત ધોરણ તો અહીં સરકારી શાળામાં એને ભણાવી, પણ હવે એને આગળ ભણાવવા મારી પાસે સગવડ નથી, એટલે ! અને આમેય હવે એને ભણવા મેલું તો મને રંધો ખેંચવામાં મદદ કોણ કરે ? હું રહ્યો એકલ પંડો ! પેટનો ખાડો પૂરવા ધંધો તો કરવો જ પડે ને ! " સુથાર લાચારીવશ સાહેબના સવાલનો ઉત્તર વાળ્યો.
સાહેબ ઊંડા વિચારમાં ગરકાવ હોય એમ ! સુથારની વાત તલ્લીન થઈ સાંભળતા હતા. કંઈક વિચાર કરી તેઓ બોલ્યા ; " જો ભાઈ આ તારા રંધો ખેંચવાનો પ્રશ્ન હલ થઇ જાય તો પછી જેસલ ને ભણવા મોકલીશ ? " સુથારની આંખોમાં ચમક આવી. ચહેરા પરનો પરસેવો ધોતિયાની ફાળ થી લૂછતાં એ બોલ્યો ; " એવું થાય તો તો ભણાવું જ ને ! તમને ખબર છે સાહેબ ! અહીંયા એ ભણતી ત્યારે સાહેબો કહેતા કે જેસલ ભણવામાં ખૂબ હોશિયાર છે, પણ.....!"
સુથારનું છેલ્લું વાક્ય અધુરૂં જ રહી ગયું. કદાચ ! એ પોતાની મજબૂરી સાહેબ ને જણાવવા નહોતો માંગતો. એટલામાં દૂર થી મેમુની વ્હીસલ સંભાળાઇ, જેસલ બાજુમાં પોતાના છાપરા જેવા ઘરમાંથી પાણીનો ગ્લાસ લઈને આવતા બોલી ; " લ્યો સાહેબ ! વાતોમાં નેં વાતોમાં તમારી ટ્રેન પણ આવી ગઈ." જેસલનો સાહેબ ને નિર્દોષ ભાવે પાણી પાવાનો ઈરાદો જોઈ, બાજુ માં બેઠેલા એના બાપુ એ આંખો ના ઈશારે એને અટકાવી દીધી, પણ મેનેજર સાહેબ સમજી ગયા. તેઓએ પાણીનો ગ્લાસ સહજ ભાવે સ્વિકારી પાણી પી લીધું અને ટ્રેન નજીક આવતા ચાલતાં થયા અને કહેતા ગયા ; " આના વિશે કાલે વાત કરીશું , આવજે બેટા જેસલ ! " અને સાહેબ ઝડપથી ટ્રેનમાં જતારહ્યાં. જેસલ અને એના બાપુ આવા નિખાલસ અને સરળ અધિકારી ને મનોમન વંદતા રહ્યા.
એ વાતને આજે પાંચ વર્ષ થયાં. એ દિવસે અડધો કલાક મોડી પડેલી અમદાવાદ વાળી મેમુટ્રેને સાહેબ, જેસલ અને જેસલના પિતા સાથે એવો તે લાગણીનો સંબંધ ગૂંથી આપ્યો ને કે, સાહેબે પોતે બાંહેધરી લઈ જેસલના પિતાને પોતાની બેંકમાંથી જ "સ્વરોજગાર યોજના" હેઠળ પચાસ ટકા સબસીડી અને નજીવા વ્યાજ ના દરે લોન કરાવી, નાનું એવું લાકડાંને રંધો ખેંચવાનું મશીન લાવી આપ્યું સાથે સાથે વીજ જોડાણ પણ અપાવ્યું. જેસલને પણ પોતાના ખર્ચે ધોરણ બાર સુધી ભણાવી. જેસલ પણ સાહેબની લાગણીના એરણ પર ખરી ઊતરતી હોય ! એમ બારમાં ધોરણમાં પોતાની શાળામાં પ્રથમ આવી. બેંક મેનેજર સાહેબે જેસલનુ હીર પારખી, પોતાની બેંકમાં જ સ્ત્રી સેવક તરીકે નોકરી પણ અપાવી દીધી.
જેસલે બેંકમાં સેવકની નોકરી કરતાં કરતાં આગળ નો અભ્યાસ પણ ચાલુ રાખ્યો, કાદવમાં કમળ ખીલે એમ સમય જતાં જેસલ ગ્રેજ્યુએટ થઈ અને બેંક કેશીયરની સ્પધૉત્મક પરીક્ષા પાસ કરી એજ બેંકમાં કેશીયરની પોસ્ટ સંભાળી લીધી, એના પિતાજી ને પણ લાકડાંના ઓજારો બનાવવાનો ધંધો, મશીન આવવાથી વધી ગયો હતો. ધંધો સારો ચાલવાથી એને પોતાનું નાનું એવું પાકું મકાન પણ બનાવી દિધું છે અને બાપ દીકરી એમાં સુખેચેનથી રહે છે.
ખરેખર ! એ બેંક મેનેજર જેવા સાહેબ ની જેમ સમાજમાં દરેક લોકો વિચારતા થઈ જાય તો આપણી આજુબાજુ કોઈ દુઃખી ના રહે. વધારે ના થઈ શકે તો કંઈ નહીં, પણ જો પેલા અભણ લૂહાર જેવાં ને સાચી સલાહ આપી ફુલ નહીં તો ફૂલની પાંખડી જેવી મદદ કરીએ તો પણ ઘણું !!!
પરમાત્માએ જે માનવજીવન બક્ષ્યું તે માનવીની માનવતા મહેંકી ઉઠી...............
-----સંપૂર્ણ--------
દિપક એમ.ચિટણીસ
dchitnis3@gmail.com