DIY : Admonition of 2020, GURUMANTRA for Next Decade books and stories free download online pdf in Gujarati

DIY: ૨૦૨૦ ની શિખામણ, આવનાર દાયકાનો ગુરુમંત્ર

નિશફીકર હતી જીંદગી, આવી ચડી તું અનજાની,
મોડે મોડે પામ્યો, આ સાલ મસ્તાની...


હા બરાબર સમજ્યા છીએ, આ ૨૦૨૦ આપણી અપક્ષાઓ કરતાં કંઇક વધારે જ મહત્વ પામી ગયું આપણી જિંદગીમાં. આપણે બરાબર જાણીએ છીએ કે ૨૦૨૦ના પૂર્વાર્ધમાં નવા વર્ષના વધામણાં કરવા માટે આપણે સૌ કેવા હર્ષોલ્લાસ સાથે થનગનતા હતા. જાગતી આંખોમાં ઈઝ ઓફ લિવિંગના કેટલાંય સહજ સપનાઓ હતા. ક્યાં ખબર હતી કે જિંદગીમાં જેની આનંદ, ઉલ્લાસ, મજા, મોજ, જલસા જોડવા રાહ જોવાતી હતી તે ૨૦૨૦ જીવનમાં એક અલગ જ પ્રકરણ ઉમેરવા આવશે. ૨૦૨૦ એ તો આવતા વેંત જ પોતપોતાની મસ્ત જીંદગીમાં વ્યસ્ત રહેતા સૌને એક જ ઝાટકે પરાસ્ત કરી મૂક્યા. એવો વણાંક આવ્યો આપણી જીંદગીમાં કે ના પૂછો વાત..!!! કેમ, સાચું ને..? સિક્સ લેનના સ્વપ્ને ફોર લેન પર દોડતી જીંદગીને ૨૦૨૦ એ તો અચાનક ઉબડ-ખાબડ રસ્તે જ ચઢાવી દીધી. ૨૦૨૦નો પૂર્વાર્ધ જરૂરિયાતથી વધુ બિહામણો સાબિત થયો. વિકટ પરિસ્થિતિના મૂળભૂત કારણોમાનું એક એવો કોરોના વાઇરસ વિશે શરૂઆતમાં તો ખૂબ ગંભીરતા પ્રવર્તી. જીવન થંભ્યું, માનવી થંભ્યો ને જોત-જોતામાં તો આખી દુનિયામાં જાણે સોંપો પડ્યો. મનમાં ગંભીર બીક સાથે જે કાળા-માથાળો માનવી ઘરમાં પુરાવા ટેવાયેલો નહોતો તેને ૨૦૨૦એ એક ઝાટકામાં ઘરમાં પૂરી દીધો. પેહલા તો એવું લાગ્યું કે આ વિકટ પરિસ્થિતિના અલગ-અલગ કારણોમાનું એક એવો કોરોના વાઇરસ જશે એટલે ફરી જનજીવન આખું સામાન્ય થઈ જશે. પરાણે ઘરમાં પુરાયેલા આપણને શરૂઆતનો સમય તો પરિવાર સાથે ખૂબ માનવો ગમ્યો. પરંતુ સમય રહેતા તબક્કાઓ ફરતા ગયા. અને જે ઘરે રહેવાની મજા, સજામાં ફરવા લાગી. વિચારોને અને મનને એવો વિચિત્ર રોગ લાગ્યો કે ગમતું તમામ હવે અણગમાંનો ભાગ બન્યું.

માણસો ઘરમાં પુરાયા અને પ્રકૃતિ, પ્રાણીઓ મુક્ત થયા. પ્રકૃતિ તથા પ્રાણીઓની મુક્તિ અને આસપાસના શાંત,સ્વસ્થ તથા પ્રદૂષણમુક્ત વતાવરણે મનમાં હકારાત્મક વિચારોના બીજ રોપ્યા. જેના પરિણામે આપત્તિમાં પણ અવસર શોધી લેતી માનવીય પ્રજાતિને આવી ચઢેલી આફતમાં પણ અવસર મળ્યો. કામના બહારથી મુક્ત પોતાના પરિવાર સાથે સમય ગાળવાનો અવસર, પારિવારિક મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર, ભૌતિક સુખ-સુવિધા વિનાની જીંદગીને નજીકથી જાણવાનો અને માનવાનો અવસર, નવરાશની પળોને માણવાનો અવસર, કાર્યશૈલીથી વિપરીત કઈંક નવું શીખવાનો અવસર, સ્વમાં ઓતપ્રોત રહેનારને આજુબાજુના જનજીવન સાથે જોડવાંનો અવસર, આપદાને અનુકૂળ થઈ અલક-મલકનું અનુભવવાનો અવસર, જે કામ કે પરિસ્થિતિને સમય ન આપી શકતા હતા એ કામ કે પરિસ્થિતિને ન્યાય આપવાનો અવસર, જજુમતી જિંદગીને જોમવંતી ને જાજરમાન રીતે જીવવાનો અવસર. બસ આ અવસરો જ તો છે જે આપણને સૌને મળ્યા ૨૦૨૦ના ઉત્તરાર્ધમાં.
દરેક ક્ષેત્રે જે આવનાર ૧૦-૧૨ વર્ષો પછીનું ભવિષ્ય હતું તે ૨૦૨૦ના ફળસ્વરૂપે ખૂબ જ ટૂંકા ગાળામાં અને કોઈપણ જાતની આગામી સૂચના વિના આવી ચઢ્યું. શિક્ષણ ક્ષેત્રે આપણે ખૂબ મોટી હરણફાળ ભરી ઓનલાઇન શિક્ષણના નવા આયામ સાથે જોડાયા. જે શિક્ષણ વિધાર્થીઓ માટે ક્લાસરૂમ ની ચાર દીવાલો વચ્ચે ફસાયેલું હતું તે તમામ દીવાલો, સરહદો ઓળંગી આપણી આંગળીના ટેરવે આવી ચઢ્યું. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ ક્ષેત્રે આવી ચઢેલી નવી વિચારશૈલી ગળે ઉતારવી કડવા ઉકાળા જેટલી જ ભયંકર છે. પરંતુ સમય જતાં તેના ફાયદાઓ પણ આપણી સામે તરવા લાગશે. જે ઓનલાઈન શિક્ષણની પાપા - પગલી ૫-૭ વર્ષો બાદ શરૂ થવાની હતી તે હાલ પૂર થપાટે દોડી રહી છે. જેમ આપણા મનમાં એક વિચારનું બીજ રોપાય ત્યાર બાદ અનેક વિચારો તેને જોડતા એક વિચાર આખું વટવૃક્ષ બની જાય છે તેવી જ રીતે ઓનલાઇન શિક્ષણની વિચાર શૈલીમાં પણ અનેક વિચારો ઉમેરાતા હવે તે વટવૃક્ષ બનવા તરફ આગળ ધપી રહ્યું છે.

આ જ રીતે વિશ્વ પ્રસિદ્ધ મલ્ટિનેશનલ કંપનીઓની થિંક ટેન્ક ગણાતા માંધાતાઓના મનમાં ઊંડે ઊંડે જે ડોર સ્ટેપ ડિલિવરીના વિચારો, વન સ્ટોપ સોલ્યુશન તથા માર્કેટ એટ યોર હોમ(ઘર આંગણે બજાર) જેવી યોજનાઓના બીજ પડ્યા હતા તે આ ૨૦૨૦ની વિપરીત પરિસ્થિતિઓનો વિસ્ફોટ થતાં આજે દુનિયાના નાનામાં નાના મગજમાં ઊડી ઉડીને રોપાયા. જેના પરિણામે ૨૦૨૦ ના ઉતરાર્ધમાં વિશ્વ આખામાં નવા નવા સ્ટાર્ટઅપ્સ તથા ડોર સ્ટેપ ડિલિવરી, માર્કેટ એટ યોર હોમ આજે આપણી રોજીંદી લાઇફ સ્ટાઇલનો ભાગ બની ગયા છે. વિપરિત પરિસ્થિતિઓના વિસ્ફોટને લીધે બધુંજ ઓનલાઇન આપણી આંગળીઓના ટેરવે ઉપલબ્ધ બન્યું છે.

આ સિવાય જરા શાંત મને વિચારીએ તો ઓનલાઇન ખરીદીને તો વેગ મળ્યો સાથે સાથે મોટાભાગની સર્વિસિઝ પણ ઓનલાઇન થઈ. ડોક્ટરની સલાહ ઓનલાઇન મળતી થઈ, કોર્ટની કાર્યવાહી ઓનલાઇન થઈ, તમામ નોંધણીની પ્રક્રિયાઓ ઓનલાઇન થઈ, સરકારી કામકાજોની પ્રક્રિયાઓ ઓનલાઇન થઈ તથા નાના મોટા મેળવડાઓને બાદ કરતાં કાર્યક્રમો, લગ્ન તથા બેસણા જેવા સામાજિક પ્રસંગો પણ ઓનલાઇન થયા. આ બધુંજ જે આવનાર ૧૦-૧૫ વર્ષ પછીનું ભવિષ્ય હતું તેની યુદ્ધના ધોરણે શરૂઆત ૨૦૨૦ એ કરાવી. આ તમાંમ ફેરફારો માટે જે ૨૦૨૦ જવાબદાર છે તેણે આ બધાને સહજ રીતે શરૂ કરવા અને આગળ ધપાવવા માટે ૨૦૨૦ એ બહુજ સહજતાથી ગંભીરતાપૂર્વક ગુરુમંત્ર આપ્યો છે. જે ગુરુમંત્ર છે DIY (Do It Yourself). ૨૦૨૦એ આપણને સ્વનિર્ભર બનવા પર ભાર મૂક્યો. આજ સુધી જે બાબતો માટે આપણે બીજા પર નિર્ભર હતા એવી નાની નાની બાબતો માટે આપણને ૨૦૨૦એ સ્વનિર્ભર બનતા શિખવાડ્યું. હાલની પરિસ્થિતિને જો જરા શાંત ચિત્તે નીરખીએ તો DIY (Do It Yourself) એક જ એવો ગુરુમંત્ર છે જે આવનાર દાયકા માટે દરેક ક્ષેત્રે પ્રગતિમય બની રહેવા માટે ઉપયોગી નીવડશે. સમયની સાથે પાપા-પગલી કરતાં કરતાં જ્યારે અથડાતાં-લથડાતાં તાલ મેળવવાની આપણને જરૂર પડશે ત્યારે DIY (Do It Yourself) જ ઉપયોગી અને કારગર સાબિત થશે. ૨૦૨૦ એ સ્વનિર્ભર બનવાની આપણને શિખામણ આપી છે.


આ ૨૦૨૦ એ આપણાં જીવનમાં મુસીબત નહીં પણ કડક શિક્ષક બની આવ્યું છે. આપણે સૌએ અનુભવ્યું છે કે સ્કૂલમાં જ્યારે આપણે ભણ્યા હોઈશું કે ભણતા હોઈશું ત્યારે સ્વભાવગત બે પ્રકારના શિક્ષકો આપણાં જીવનમાં આવ્યા હશે. એક એવા જે સ્વભાવગત બહુ જ પ્રેમાળ અને સહજ હોય, આપણને બહુ વ્હાલ અને પ્રેમથી ભણાવે તથા સમજાવે. આપણે સખણા રહી કે ન રહી એ બંને સંજોગોમાં આ શિક્ષક પોતાનું પ્રેમાળ, સહજ વલણ અને વર્તન જાળવી જ રાખે. અને બીજા એવા કે સ્વભાવે થોડા કડક હોય. આપણને પરિસ્થિતિ અનુરૂપ ઢાળે. સંજોગો સામાન્ય હોય તો સહજ રહે પણ જો આપણે જરાય ડગયા કે ભટક્યા તો મારીને, ધમકાવીને કે ખખડાવીને ફરી આપણી ગાડી પાટે ચઢાવી દે.આજે કદાચ આપણે જરા યાદ કરીએ તો આપણા જે પ્રેમાળ, સહજ શિક્ષકની સ્મૃતિઓ અને કિસ્સાઓ કરતાં પેલા કડક વલણ ધરાવતા શિક્ષકની સ્મૃતિઓ વધુ યાદ આવશે. કડક શિક્ષકના હાથે ખાધેલો મેથીપાક તો જાણે આપણા અવિસ્મરણીય ભૂતકાળની મીઠી યાદો હોય એમ નજર સામે તરી આવે. ૨૦૨૦ ને વિશે પણ શાંત ચિત્તે વિચારીએ તો આ ૨૦૨૦નું પણ એક કડક શિક્ષક જેવુ જ છે. જેને સદીઓ સુધી આપણા ઇતિહાસ અને આપણી યાદો, વાતો, વિચારો બધામાં સ્થાન મળશે. ૨૦૨૦નું આજનું કડક વલણ આવતીકાલ માટે આપણી ગાડીને પાટા પર ચઢી રહેલી રાખવા મદદરૂપ બનશે.

અંતમાં એક જ વાત ઉપર ભાર મુકીશ કે જે પ્રમાણે લોકડાઉનના સમયગાળા દરમ્યાન ઘણું બધુ શીખવા અને માણવા આપણે સૌએ અલગ અલગ માધ્યમોનો સહારો લઈ DIY (Do It Yourself) ની મદદ લઈ જાતે જ નવું શીખ્યા તથા નવું નવું બનાવ્યું તેવી જ ધગશ સાથે આપણે જે ક્ષેત્રે કાર્યરત છીએ એ ક્ષેત્રમાં પણ ૨૦૨૦ એ આપેલઆ ગુરુમંત્ર DIY (Do It Yourself) નો અભિગમ કેળવી સ્વનિર્ભર બની આવનાર દાયકામાં પણ પ્રગતિશીલ રહીએ તેવી શુભકામનાઓ સાથે...

બીજા રસપ્રદ વિકલ્પો