વિશ્વજીત ને બંધી બનાવીને, તેને પલઘી રાજા પૂછે છે.
આપ કોણ છો અને અહી સુધી આવવાનું સાચું કારણ કહેજો નહિ તો બ્રાહ્મણ દેવતા ને મારતા હું જરા પર અચકાઈશ નહિ. ક્રોધિત થઈ ને રાજાએ કહ્યું.
રાજા પલઘી ના હાથમાં તલવાર અને બાજુમાં ઊભેલા સૈનિકો ને જોઈને વિશ્વજીત મહાદેવ..મહાદેવ કરતા બોલ્યા.
મહારાજ ક્ષમા કરશો. હું તમારા કક્ષ સુધી આવવાની મોટી ભૂલ કરી છે. પણ મહારાજ વાત એવી છે કે મારે અહી સુધી આવવું પડ્યું.
બ્રાહ્મણ ની વાત સાંભળી ને પલઘી તેને બંધક માંથી મુક્ત કરી આસન આપે છે અને કહે છે બ્રાહ્મણ દેવતા બોલો આપ મને કંઈ વાત કહેવા અહી સુધી આવ્યા છો.?
હે રાજન ..હું જે કહેવા જઈ રહ્યો છું તે કઠોર શબ્દો છે. આપ ને સાંભળતા દુઃખ થશે પણ મારો ધર્મ છે તમને કોઈ પણ ડર વગર સાચે સાચું કહેવું એટલે હે..મહારાજ તમારી કુંડળીમાં શનિ પ્રવેશી ચુક્યો છે. એક મોટી પનોતી સાથે, એટલે આપનું આયુષ્ય જોખમ માં છે. આપ સાવચેતી પૂર્વક રહેશો તો આપ સો વર્ષ જીવશો. આટલું કહી બ્રાહ્મણ ના રૂપમાં વિશ્વજીત થોભી ગયા.
બ્રાહ્મણ ની વાત સાંભળી પલઘી રાજાએ બ્રાહ્મણ ને સજા આપવામાં બદલે તેને ગળામાં રહેલ મોતી ની માળા કાઢીને બ્રાહ્મણ ને આપી. લો બ્રાહ્મણ દેવતા આપ અહિ સુધી આવીને મારા જીવન વિશે જે કંઈ કહ્યું તેના બાદલમાં આ દક્ષિણા સ્વીકાર કરો. અને આપ થાક્યા હશો એટલે તમારે કેટલા દિવસ મહેલમાં રહેવું હોય તેટલા દિવસ આપ રહી શકો છો.
બ્રાહ્મણ તો મનમાં ખુશ થયા. આતો જે જોયતું હતું તે સામે થી મળી ગયું.
આશીર્વાદ આપતા બ્રાહ્મણે કહ્યું. ભલે મહારાજ હું બે દિવસ મહેલમાં આરામ કરીશ. પણ એક આજ્ઞા આપશો..
બોલો બ્રાહ્મણ દેવતા આપ જે કહેશો તે આજ્ઞા આપીશ.
હું એકલો મહેલ ને સંપૂર્ણ જાણવા અને જોવા માંગુ છું. મારે મહેલ નો એક એક ખૂણો જોઈને એ જાણવું છે કે ક્યાંય કોઈ તકલીફ તો નથી ને.
પાસે બેઠેલ મંત્રી ને રાજા એ આદેશ આપ્યો કે બે દિવસ બ્રાહ્મણ અહી રહેશે તેને કોઈ પણ જગ્યાએ જવા માટે રોકવામાં ન આવે.
એક સીનિકે બ્રાહ્મણ ને કક્ષ બતાવી આરામ કરવા કહ્યું. પણ વિશ્વજીત તો અહી આરામ કરવા નહિ પણ મહેલ ને સંપૂર્ણ જાણવા આવ્યા હતા એટલે બેસી રહેવા ને બદલે તે આમ તેમ ફરતા આજુ બાજુ બધું જોઇ વળ્યા.
સાંજ પડી એટલે વિશ્વજીત આરામ કરવાના બદલે મહેલ માં ચક્કર લગાવવા લાગ્યા અને નિરીક્ષણ કરવા લાગ્યા કે મહેલમાં કેટલા સૈનિકો છે. મોડે સુધી મહેલમાં ફરતાં રહ્યા એટલે ખબર પડી કે જેટલા મહેલમાં સૈનિકો છે તેથી તો વધુ સૈનિકો મહેલ ની નીચે બનાવેલી ગુફા માં છે. જે ત્યાં હથિયારો બનાવવાનું કામ કરે છે. અને બહાર દેશમાં તેનું વેચાણ પણ કરવામાં આવે છે. આટલા બધા સૈનિકો ની સંખ્યા જાણીને વિશ્વજીત ને રાત્રે પરસેવો વળી ગયો. આટલા બધા સૈનિકો અને હથિયારો સાથે તેમની સામે જીતવું તો મુશ્કેલ છે. કોઈ નવી યુક્તિ શોધવી રહી તે વિચારમાં રાત્રે તેને ઊંઘ આવી ગઈ.
સવાર થયું એટલે વિશ્વજીત એક નવા વિચાર સાથે ઊભા થઈને મહેલ ના ઉપરના ભાગમાં છેલ્લા માળ પર પહોંચ્યા.ત્યાં પહેરો આપનાર સૈનિકો તેમને રોકે છે. ત્યારે વિશ્વજીત તેને મહારાજે જ મને પરવાનગી આપી છે તેવી વાત કરે એટલે બ્રાહ્મણ નું રૂપ ધારણ કરેલ વિશ્વજીત ને ઉપર જવા દે છે.
વિશ્વજીત આજુ બાજુ નજર કરી તો હરિયાળી હતી. નાના પહાડો મહેલ ના સૌદર્ય ની શોભા વધારી રહ્યા હતા. ત્યારે વિચાર આવ્યો કે ગુરુજી એ મને આ દેશ જીતવા માટે કેમ કહ્યું. રાજા નથી ક્રૂર કે નથી અહીંના સૈનિકો. આમ તો સુખ શાંતિ વાળો દેશ છે. પણ દક્ષિણા એ દક્ષિણા આપવી તો પડે.
ત્યાં એક સૈનિક આવીને બ્રાહ્મણ ને પૂછે છે. મહારાજ આપ કઈજ શોધી રહ્યા હોય તેવું લાગે છે. વિશ્વજીત સમજી ગયો કે આ સૈનિક મહેલ વિશે સારું રીતે જાણતો હશે. કઈક કરીને તેની પાસે થી મહેલ વિશે ની માહિતી એકત્રિત કરી લવ.
સૈનિક નો હાથ પકડી વિશ્વજીત તેનું ભવિષ્ય ભાખવા લાગ્યા. પેલો સૈનિક તો બધું સાચું માની ને બ્રાહ્મણ ના પગના પડી ગયો. બોલો બ્રાહ્મણ દેવતા હું તમને શું દક્ષિણા આપુ. આપે કહેલી વધી વાત સાચી છે. અને મને ભાસ પણ થઈ રહ્યું છે આવું જ કઈક મારા જીવનમાં થવા જઈ રહ્યું છે.
મોકો મળતાં વિશ્વજીતે કહ્યું મારે દક્ષિણા નહિ પણ મારે મહેલ વિશે એવી વાત જાણવી છે જે મહારાજ સિવાઈ કોઈ જાણતું નહિ હોય.
આટલું કહ્યું ત્યાં તે સૈનિકે વિશ્વજીત ને કહ્યું હું તમને તે બતાવીશ અને જણાવીશ, પણ અત્યારે નહિ, રાત્રિ ના અંધારામાં કોઈની જાણ બહાર હું તમને બતાવીશ. પણ જોજો બ્રાહ્મણ દેવતા મહારાજ ને ખબર ન પડે નહિ તો તમને અને મને મોત ને ઘાત ઉતારી દેશે.
વિશ્વજીતે વચન આપ્યું કે હું કોઈને નહિ કહું. અને હું મોડી રાત્રે મારા કક્ષમાં તારી રાહ જોઇશ. એટલું કહી વિશ્વજીત નીચે ઉતરી આમ તેમ ચક્કર લગાવવા લાગ્યા અને સાંજ ક્યારે પડશે તેની રાહ જોવા લાગ્યા.
રાત પડી એટલે વિશ્વજીત પેલા સૈનિક ની રાહ જોવા લાગ્યા. સૈનિક ને પણ બ્રાહ્મણ ઉપર એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે વગર વિચાર કર્યે દેશ નું ગુપ્ત વસ્તુ કહેવા જઈ રહ્યો હતો.
મધ્ય રાત્રિ થઈ એટલે તે સૈનિક વિશ્વજીત ના કક્ષ માં આવ્યો ને બ્રાહ્મણ બનેલા વિશ્વજીત ને કહ્યું આ સૈનિક ના કપડાં પહેરી લો એટલે તમને કોઈ ઓળખી નહિ શકે અને આપણે સહેલાઇ થી તે જગ્યાએ પહોંચી શકીશ.
આપેલા કપડાં પહેરીને વિશ્વજીત તો બ્રાહ્મણ માંથી સૈનિક બની ગયા. અને તે સૈનિક પાછળ પાછળ ચાલવા લાગ્યા. આગળ ચાલેલા સૈનિક પાસે એક મશાલ હતી જેના કારણે તેને રસ્તો દેખાઈ રહ્યો હતો. રાત નું ઘનઘોર અંધારું હતું ક્યાંક ક્યાંક મહેલ માં રહેલ મસાલ થી થોડો પ્રકાશ મહેલ માં પથરાવી રહ્યો હતો. વિશ્વજીત ને તે સૈનિક મહેલ ની નીચે રહેલી ગુફા માં લઈ ગયો. અંદર જોયું તો હજારો સૈનિકો ત્યાં સૂઈ રહ્યા હતા. તે સૈનિકો થી આ બંને ધીરે ધીરે પસાર થયા.
જેવા આ બધા સૈનિકો પાસે થી પસાર થવા જાય છે ત્યાં એક જાગી રહેલો સૈનિક આ બંને ને જોઈ જાય છે. અને તેમને રોકીને સવાલ કરે છે. અડધી રાત્રે કઈ બાજુ જઈ રહ્યા છો.?
વિશ્વજીત સાથે રહેલો સૈનિક બધું જાણતો હતો. એટલે તે સવાલ પૂછી રહેલા સૈનિક ને કહી દીધું. તું નિરાંતે સુઈ જા તારું કામ હથિયાર એકઠા કરવાનું છે તે કર. અમે ક્યાં જઈ રહ્યા છીએ તે તારે પૂછવાનો કોઈ અધિકાર નથી. રોહ બતાવતા તે સૈનિક બોલ્યો.
સવાલ પૂછી રહેલો સૈનિક તો ચૂપ થઈ ગયો અને તે તેની જગ્યાએ જઈને સૂઈ ગયો. તે સમજી ગયો કે આ બંને રાજા ના ખાસ સૈનિકો લાગે છે.
વિશ્વજીત અને તે સૈનિક ચાલતા ચાલતા ગુફા ની ચેક અંદર સુધી પ્રવેશ્યા ત્યાં વિશ્વજીતે જોયું તો એક મોટો કારાવાસ હતો. ઘણા બધા કેદીઓ ને રાખવામાં આવ્યા હતા. પણ અંધારા ના કારણે સ્પષ્ટ દેખાઈ રહ્યું ન હતું.
તે સૈનિક એક પછી એક જેલ ના ઓરડા બતાવતો રહ્યો અને કોણ કોણ અહી કેદ છે તે જણાવતો રહ્યો. વિશ્વજીત ને પેલા સૈનિક પાસે જાણીને નવાઇ લાગી રહી હતી. કે અહી કોઈ ગુનેગારો નહિ પણ તે રાજા ના કુટુંબી જનો અહી કેદ હતા.
ચાલતા ચાલતા કારાવાસ ની છેલ્લી ઓરડી પાસે બંને પહચ્યા. તે ઓરડી માં સૈનિકે મશાલ કરી તો અંદર એક વૃદ્ધ માણસ અને વૃદ્ધ મહિલા પ્રભુ ભજન કરી રહ્યા હતા. બંને ના વાળ પણ સફેદ થઈ ગયા હતા. અને પૂરતું ભોજન અને પાણી ન મળવાના કારણે તેઓ દુબળા અને કમજોર દેખાઈ રહ્યા હતા. આ જોઈને વિશ્વજીત ને નવાઇ લાગી. કે આ વૃદ્ધ કોણ હશે અને આવી હાલતમાં તેને કેમ કેદ કરવામાં આવ્યા હશે.
મશાલ જોઈને તે વૃદ્ધ માણસ અને મહિલા ઊભા થઈ લોખંડ ના મોટા સરીયા ની બનેલ જાળી પાસે આવ્યા અને તેણે બે સૈનિકો ને જોઈને કહ્યું.
અંડધી રાત્રે આવવાનું કારણ કહેશો.? આજ સુધી એક પણ સૈનિક આ સમય પર ક્યારેય આવ્યો નથી. જો આપ કઈ ખાવાનું લાવ્યા હોય તો જલ્દી આપો. હું અને મારી પત્ની ઘણા દિવસ થી ભૂખ્યા છીએ.
તે વૃદ્ધ માણસ અને મહિલા ની આવી દયનીય હાલત જોઈને વિશ્વજીત ની આંખમાં આશુ આવી ગયા. તેમની પાસે કશું હતું નહિ જે તે આપી શકે. પણ અંદર થી એક સંકલ્પ જરૂર થયો. ગમે તે ભોગે આ વૃદ્ધ માણસ અને મહિલા ને જેલ માંથી હું જરૂર થી મુક્ત કરીશ.
ક્રમશ....