Featured Books
શ્રેણી
શેયર કરો

થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા - 2

#થોડીરમૂજ

ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા

Episode 2

The Dream Date

14 ફેબ્રુઆરી 2020, વેલેન્ટાઈન ડે, તમને તો ખ્યાલ જ હશે કે આ દિવસે આપણા દેશમાં પ્રેમની નદીઓ વહે નદીઓ અને એ નદીમાં કુંવારી માછલીઓ અને વાંઢા માછલાઓ હોંશે હોંશે તરવા લાગે પણ આજકાલ હવે તે દિવસે મગર પણ ફરતા જોવા મળે છે. (બજરંગ દળ વાળાઓ માતૃભારતી પર હોય ખરા? નહીતો આ વાક્ય જરાક બદલી કાઢું) . વિદેશમાં તો ક્યારેય આ દિવસનો કોઈ ખાસ પ્રભાવ જોવા નથી મળ્યો પણ આપણા દેશમાં હલકફાડુદાઓ જાણે આજના દિવસે કોઈને ફ્રેંડશીપ બેલ્ટ નહિ બાંધે તો વાંઢા જ સ્વર્ગ સિધવાના હોય એ રીતે દોડમદોડ કરી મૂકે. તો આવામાં આપણો વરુ પાછો પડે ખરો? હા, કદાચ મોડો પડી શકે.

બેડરૂમની ઘડિયાળ માં સવારના 9 ના ટકોરા વાગે છે અને વરુ અચાનક જ હાંફળો ફાંફળો થઇ ને પલંગ ઉપરથી કૂદકો મારે છે. અને બબડવા લાગે છે "નવ વાગ્યા નવ, આજે તો 10 વાગ્યેને 10 મિનિટે એન્જાલ પ્રિયા સાથે મારી ડેટ છે, હું આટલો બેદરકાર કેમ થઇ શકું?" બબડતા બબડતા પોતાનો મોબાઈલ શોધે છે અને ફેસબુક પર એન્જલ પ્રિયા ને મેસેજ કરવા જતો જ હોય છે કે તેને પેટ માં આટી આવે છે. પહેલા મેસેજ કરું કે કુદરતની આજ્ઞા નું પાલન કરું તે પળોજણ માં વરુ ફોન ટોઇલેટમાં સાથે જ લઇ જવાનો નિર્ણય કરે છે. "જાનું હું બસ રસ્તામાં જ છું" ટોઇલેટ પર બેસીને મેસેજ કરે છે. થોડો નર્વસ, થોડો એક્સાઈટેડ અને થોડો કન્ફ્યુઝ વરુ આજે વેલેન્ટાઈન ડે ના દિવસે એન્જલ પ્રિયા ને મળવા જવાનો હોઈ પોતાની પોકેટ મની ની બચત માંથી સિંદૂર સાબુ પણ લાવેલો હોય છે કે જેનાથી નહાઈ ને આજે તે ખુબ જ સુગંધિત થઇ જશે. આવા વિચારોમાં ટોઇલેટની સીટ પર બેઠો બેઠો વરુ ફેસબુકની એક પોસ્ટ પર જઈ પહોંચે છે કે "બજરંગ દળ વાળાઓ પકડી પકડીને પ્રેમી પંખીડાઓને રાખડી બંધાવડાવે છે અને કોઈક કોઈકને તો બે ચાર ડંડા પણ મારી રહ્યા છે." આ વાંચીને વરુની પેટની આંટી જરા વધુ તીવ્ર થઇ જાય છે પણ પછી પેટ સરસ સાફ થઇ જશે એમ વિચારી ને વરુ વધુ ધ્યાન નથી આપતો. જીવનનો ખુબ જ મહત્વનો દિવસ, એન્જલ પ્રિયા સાથેની પહેલી મુલાકાત. વર્ષોની ફેસબૂક ચેટ પછી આજ પહેલીવાર વરુનું કામ આગળ વધ્યું છે. વરુના હૃદયમાં અલગ જ ઉત્સાહ છે અને થોડો નર્વસ પણ છે, કેમ ન હોય? લગ્ન પછી 25 વર્ષમાં આ તેની પહેલી ડેટ છે. વરુને હવે જલ્દી તૈયાર થઇ અને નીકળવું પડશે પરંતુ વરુનું પેટ વરુનું સાથ આપતું હોય તેવું નથી જણાતું. વરુ હવે પરેશાન છે કે આ કડાકા ભડાકા બંધ થવાનું નામ જ નથી લેતા. બીજી બાજુ ઘડિયાળના કાંટા ગોળ ગોળ ફર્યા જ કરે છે. વરુને હવે ધીરે ધીરે ચિંતા થવા લાગી છે કે નક્કી હોય ન હોય આ જુલાબ જ લાગે છે. હવે 2 મિનિટ પણ વધુ અંદર રહેવું વારુની વેલેન્ટાઈન ડેટ બગાડી શકે છે કેમ કે જે જગ્યાએ મળવાનું છે તે વરુના ઘેર થી લગભગ 30 મિનિટ દૂર છે. અને જુલાબ ને જો પૂરતો ન્યાય ન આપે તો પણ ડેટ બગડવાની સંભાવના છે. ધર્મસંકટમાં મુકાયેલા વરૂની નજર ઘેર આવેલા કોઈક મહેમાન ના બાળકની નેપી પર પડે છે અને વરુની બધી તકલીફનો હલ તેને મળી જાય છે. ખરેખર કોઈકે સાચું જ કહ્યું છે કે બાળક એ ભગવાન સમાન છે. (સમજદાર કો ઈશારા કાફી હૈ)

ઉતાવળમાં થોડું ઘણું નહાઈ ને વરુ જુઓ છે કે ભૂલ ભૂલ થી તે પોતાની પત્ની શર્મિલાનો ટાવેલ લઇ આવેલ છે પણ હવે પોતાનો ટાવેલ શોધવાનો સમય ન હોઈ તે શર્મિલાના ટાવેલ થી જ કામ ચલાવી લે છે. આમ પણ જો હવે આજે એંજલ પ્રિયા સાથે બધું ગોઠવાઈ જશે તો ક્યાં વરુ ઘેર પાછો આવાનો છે? ત્યાંથી જ એન્જલ પ્રિયા સાથે નાશી જવાનો તેનો પ્લાન છે. જેથી તે શર્મિલાના ટાવેલ નો ભરપૂર ઉપયોગ કરે છે, ત્યાંસુધી કે બાથરૂમ ના ફ્લોર ને પણ તે ટાવેલ થી ચમકાવી મૂકે છે. હવે સમયની ખરેખર કટોકટી છે અને વધુ સમય બરબાદ કરવો પોષાય તેમ નથી એટલે શર્મિલા પરની ખુન્નસ બાજુએ મૂકીને તૈયાર થવા જાય છે, જ્યાં તેની પત્ની શર્મિલા બધી તૈયારીઓ સાથે પહેલેથી જ ઉભેલી જોવા મળે છે.

શર્મિલાએ 25 વર્ષના લગ્ન જીવનના ઇતિહાસ માં પહેલીવાર વરુ માટે સરસ વસ્ત્રો કાઢીને તૈયાર રાખ્યા હોય છે. વરુ આ જોઈ થોડોક અચંબામાં તો હોય છે પણ કઈ પણ બોલ્યા વગર શર્મિલાએ કાઢેલા વસ્ત્રો હજુ પહેરીને ઇનશર્ટ જ કરતો હોય છે કે શર્મિલા વરુ પર વાઈલ્ડ સ્ટોન પરફયુમ નો છંટકાવ કરી મૂકે છે (અહીં પણ સમજદાર કો ઈશારા કાફી હૈ). શર્મિલાનો આટલો બધો સપોર્ટ જોઈને વરુની આંખો માં પાણી આવી જાય છે ત્યાંજ શર્મિલા આરતી ની થાળી ઉપાડે છે જેમાં સુવાસિત ગુલાબની પાંખડીઓ, વિજય તિલક અને એક્સ્ટ્રા નેપીસ હોય છે. હજુ વરુ કશું સમજે તે પહેલા તો શર્મિલા વરુની આરતી ઉતારવા લાગે છે અને ગુલાબની પાંખડીઓનો છંટકાવ કર્યાબાદ વરુને સુરક્ષા માટે એક્સ્ટ્રા નેપીસ સાથે રાખવા માટે આપે છે અને કહે છે "ખબર છે આજે એન્જલ પ્રિયા સાથે તમારું મિલન છે અને તમારા કડાકા ભડાકા સાંભળતા મને લાગે છે કે આ એક્સ્ટ્રા નેપીસ તમારી રક્ષા કરશે." જે રીતે સમરાંગણ માં જતા રાજાને તેની રાણી રક્ષિત કરતી તે રીતે શર્મિલા વરુને રક્ષા કવચ આપતી હોય તેવું લાગે છે. વરુ હજુ આશ્ચર્ય માં જ છે કે શર્મિલા વરુના હાથમાં એક લાંબી દાડી વાળું, કાંટાઓથી મુક્ત ખુશ્બૂદાર લાલ ગુલાબનું ફૂલ પકડાવે છે અને કહે છે "વિજયી ભવ: હવે ઘેર આવો તો એન્જલ પ્રિયા સાથે જ આવજો નહીતો આ નેપીસ પાછી મૂકી દેજો એટલે હું સમજી જઈશ કે તમારું...." શર્મિલા હવે વધુ કઈ આગળ બોલે તે પહેલા જ વરુ શર્મિલા ના ઠંડીથી ફાટેલા અને આડા ઉભા ચીરા વાળા હોઠોપર પોતાની આંગળી મૂકી દે છે અને ગદગદ થઇ ને કહે છેઃ "શર્મિલા, તું બધું જાણતી હોવા છતાં પણ મારો આટલો સાથ આપે છે, હું તને અત્યાર સુધી દાયણ જ સમજતો હતો પણ તું તો ખરેખર..." આ વખતે શર્મિલા વરુને આગળ બોલતા અટકાવી દે છે અને પાંચ લાખ રૂપિયા ની થપ્પી પણ વરુના હાથમાં પકડાવી દે છે અને કહે છે: "બસ હવે આગળ કશું જ બોલવાની જરૂર નથી જલ્દી જાઓ તમારી ડેટ નો સમય નીકળી જાય છે..." આ સાંભળી વરુ આપણે સૌને આવી જ સમજુ પત્ની મળે એવી પ્રાર્થના કરે છે અને પોતાના એન્જલ પ્રિયા મિશન પર નીકળી પડે છે.

વરુને હજુ પણ ઘણી બધી મૂંઝવણ છે કે જે પત્ની ક્યારે 500 રૂપિયા પણ પોકેટ મની તરીકે ન આપતી આજે સીધા પાંચ લાખ? અને જે આદર સત્કાર લગ્નના મંડપ માં પણ નહોતો કર્યો તે આજે? જે હોય એ પણ અત્યારે બિચારી એન્જલ પ્રિયા રાહ જોતી હશે તેમ વિચારી એ પોતાની સાયકલ વધુ અને વધુ ઝડપથી દોડાવે છે. પરંતુ સાયકલની કેરિયર પર મૂકેલું ગુલાબનું ફૂલ બજરંગ દળ વાળના ની નજરોમાં આવી જાય છે અને બજરંગ દળ વાળા પણ પોતપોતાની સાયકલ પર વરુનો પીછો કરવા લાગી જાય છે. વરુને પણ આ વાત ની ખબર પડી ગઈ હોય છે અને એ પોતાની સાયકલને હવે પવન વેગે ઉડાવતો ઉડાવતો સુરતની ગલીઓ માંથી જાણે સર્પ નીકળતો હોય તે રીતે નીકાળતો જાય છે. પરંતુ બજરંગ દળ વાળા પણ સાયકલ ચલાવવામાં એટલા જ નિપુણ નીકડે છે અને વરુની પાછળ ને પાછળ જતા જાય છે.

એંજલ પ્રિયાના પ્રેમ માં પાગલ વરુ હવે કોઈ પણ ભોગે અટકવા નથી માંગતો. આજે તો સાક્ષાત નરેન્દ્ર મોદી પણ જો લોકડાઉન પાછું કરે તો પણ મને એંજલ પ્રિયા ને મળવાથી રોકી નહિ શકે તેવી દ્રઢ પ્રતિજ્ઞા સાથે આખરે વરુ વિલ્સન હિલ્સ પર પહોંચી જાય છે. વિલ્સન હિલ્સ ની ટોચ પર એ એંજલ પ્રિયાને પાછળ થી ઉભેલી જુએ છે. લાંબા લાંબા વાળ, એ વાળ પર વરુએ જ ગિફ્ટ આપેલું ચમકતું બટરફ્લાય વાળું બોરિયું, પાછળથી જોતા એકદમ અપ્સરા જેવી દેખાતી એંજલ પ્રિયાને જોઈને વરુ જોર જોર થી સાયકલની ઘંટડી વગાડે છે કે જેથી એંજલ પ્રિયાનું ધ્યાન દોરી શકાય અને તેને એંજલ પ્રિયાનું મુખાર્વિદ જલ્દીથી જોવા મળે. એંજલ પ્રિયા વરુની સાયકલ ની ઘંટડી નો અવાજ સાંભળીને ધીરે ધીરે સ્ટાઇલ કરતી, સ્લો મોશન માં પાછળ ઘુમવા જતી જ હોય છે ત્યાંજ બજરંગદળ વાળા ની સાયકલો પણ ત્યાં પહોંચી જાય છે અને પાછળ થી વરુની સાયકલને જોરથી ધક્કો મારી મૂકે છે કે જેથી વરુની સાયકલ એંજલ પ્રિયાને પાસ કરી ને સીધી આગળ ખાઈ માં ઢબૂકી પડે છે અને આ બાજુ એંજલ પ્રિયા સ્લો મોશનમાં આખો ટર્ન પૂરો કરે છે.

વરુ ખાઈ માં પડતો પડતો પણ આકાશ તરફ પોતાનું મોઢું રાખી ને એંજલ પ્રિયાનું મોઢું જોવાનો પ્રયત્ન કરે છે પણ પેલી ડોબી હવે વિદુદ્ધ દિશામાં ફરી ચુકી હોવાથી તેનું મોઢું જોઈ શકતો નથી. વરુ બસ હવે ધીમે ધીમે સ્લો મોશન માં પોતાના મૃત્યુ તરફ જઈ રહ્યો છે. તે આસ પાસની સુંદરતા નિહાળતો જાય છે અને વિચારતો જાય છે કે એંજલ પ્રિયાનો ચહેરો જોવાનું સ્વપ્ન તો આખરે સ્વપ્ન જ રહ્યું હવે બીજા જન્મમાં ફરી આવશે. ત્યાંજ તે ધડાક કરતો જમીન પર પછડાય છે અને પોતાની આંખો બંધ કરી મૂકે છે. વરુને હવે ખાતરી છે કે તે હવે મરી ચુક્યો છે છતાં પણ તે ચોક્કસ થવા ફરી આંખ ખોલવાનો પ્રયત્ન કરે છે અને ભાગ્ય સાથ આપતા તેની આંખ ખુલે પણ છે અને જુએ છે કે એ તો પોતાની પલંગની ડાબી બાજુ પટમાં પડેલો છે...

ના હોય, તો શું આ બધું સ્વપ્ન હતું ? વરુને હવે ધીરે ધીરે બધું સમજાયું કે શર્મિલા આટલી સરળ કેમ થઇ ગઈ હતી. અને પોતે કોઈ વિલ્સન હિલ્સ પરથી નહિ પરંતુ પોતાના પલંગ પરથી જ પટમાં પડ્યો છે...

અત્યાર સુધી ની વાત જો આપને પસંદ આવી હોય મને કોમેન્ટ કરી ને જરૂર થી જણાવશો કે જેથી આગળ લખવામાં મને પ્રોત્સહન મળે...

હજુ તો ઘણું બંધુ બનવાનું બાકી છે તો માળો આવતા અંકમાં ત્યાં સુધી રામ રામ...