Thodiramooj - Kyunki Husband bhi Kabhi Hubby tha - 1 books and stories free download online pdf in Gujarati

થોડીરમૂજ - ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા - 1

#થોડીરમૂજ

ક્યુંકી હસબન્ડ ભી કભી હબી થા

આ વાર્તા નું શીર્ષક વાંચીને તમને ચોક્કસ એક પ્રખ્યાત ટી.વી. સીરીયલની યાદ આવી હશે. પરંતુ આ માત્ર સંજોગ જ છે જેનાથી આગળની વાર્તાને નહાવા-નીચોવાનો પણ સબંધ નથી. એટલે ધરાર આવું નહીં માની લેતા કે હું એક ને એક પાત્રને 10 વખત પરણાવીશ કે મરી ગયા પછી પણ કોઈને મારી-મચોડીને પણ જીવતા કરીશ. ના, મારો આવો કોઈ જ ઈરાદો નથી. હા, કદાચ એક ને એક ડાયલોગ બે ત્રણ વાર લખી કાઢીશ કે જેથી સીરીયસ સીન માં જરાક ફ્લેશબેકની જેવી અસર લાગે... તો હવે હું તમારી તુલસી તમને આગળની વાર્તા વાંચવા શાંતિનિકેતન માં ઢસડી રહ્યો છું. (ઘરનું નામ પણ સંજોગ માત્ર જ છે ભલામાણસ, હું કોપી ન કરુ) જે લોકોને હજુ પણ સાસ બહુ વાડી ફીલીંગ લેવી હોય તો પોત-પોતાના મનમાં સંગીત ગણગણવું... આ માત્રુભારતી વાળા હજુ એવી ફેસીલીટી નથી આપતા... તો ફોલોવ મી... ટનન..નન... ટન... ટનનનન..ટનનન..નન...

Episode 1

Introduction

આ વાત છે આપણા સમાજ મા ખુણે-ખાંચે પડ્યા રહેતા આખલાઓ ની જેમ મળી રહેતા તમારા અને મારા જેવા દરેક પતીઓની જે લગનનાં ખુંટે બંધાયલાતો છે પરંતુ એક જગ્યાએ બેસી રેહેવા ની જગ્યાએ આમતેમ સરવળીને ફુદકયા જ કરે છે. અને એવામાંય જો એ પતીની પત્નીએ જ તેને ખુલ્લી છુટ આપી મુકી હોય કે “જા જીલે તેરી ઝીંદગી” તો પછી એવો પતી દુનિયાના કોઈ પણ ખુંટે બંધાય ખરો?

વાત છે વરુણ સંભારીયાની, જેને તેની પત્ની અને તેના મિત્રો પ્રેમથી વરૂ કહિને બોલાવે છે. યોગાનુંયોગ વરુણ કરતા વરૂ નામ તેને વધારે બંધ બેસતું પણ છે. ખુબ ચાલાક, હંમેશા શીકારની શોધમાં, બીજાનુ પડાવી લેવામાં અને છેતરપીંડીમાં તો જંગલના દરેક વરૂઓને ઓનલાઈન ટ્રેનીંગ આપી શકે તેવો છે આપણો વરૂ, બસ મોઢામાં દાંત થોડા ઓછા હોવાથી કોઈને શારીરીક નુકશાન જ નથી પહોંચાડી શકતો. આમતો ગરીબ ઘરમાં જન્મેલો પણ મરશે અમીર એવા પ્રણ સાથે આજે સુરતનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વરૂ, પણ માત્ર ઓન પેપર જ. હકીકતમાંતો તેની પાસે 100 ગ્રામ ભજીયા ખાવાના પણ રુપીયા નથી હોતા. તો પછી તમને થતું હશે કે ધનાઢ્ય કઈ રીતે? તો એનું કારણ છે સુરતના સૌથીમોટી ડાયમંડ ફેક્ટરીના માલીક સ્વ. કરોડીમલ મુંગેરીલાલ દારૂલા.

સ્વ. કરોડીમલ મુંગેરીલાલ દારૂલા તો હવે આ દુનિયામાં હયાત નથી પણ તેમની સંપતી અને કંપની હજુ છે. એક જમાનામાં કરોડીમલ ગેરકાયદેસર દારુનો ધંઘો કરતો અને દરેક ગ્રાહક તેને દારુલા દારુલા કહેતા એમ તેની અટક પછી દારુલા જ પડી ગઈ. શેઠ કરોડીમલનું જીવન ત્યારે બદલાયું જ્યારે તેમના ઘેર સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ દિકરીનો જન્મ થયો અને ત્યાર પછી દારુ વેચતો કરોડીમલ એ ડાયમંડ મરચંટ શેઠ કરોડીમલ બની ગયો જેથી શેઠ કરોડીમલ ને પોતાની પહેલી દિકરી પ્રત્યે થોડી વધારે લાગણી. ત્યારબદ શેઠના ઘેર વધુ એક દિકરી અને એક દિકરો જનમ્યા પણ પહેલી દિકરી શર્મિલા તો શેઠના દિલનો ટુકડો જ રહ્યો એટલે જ તો શેઠ કરોડીમલ પોતાની સંપતીમાં 70 ટકા હીસ્સો શર્મિલાને નામે કરી ગયા અને બાકી 30 ટકા બંને નાના ભઈ બહેન વચ્ચે બરોબર વહેચી ગયા.

આપણો વરૂ આમતો શર્મિલાની નાની બહેન પ્રેમીલાને પ્રેમ કરતો અને બંન્ને સાથે જીવન મરણના સ્વપ્નાઓ પણ જોતા તો ક્યારેક સાથે ગોવિંદા અને કરીશ્માની જેમ ભેલપુરી પણ ખાતા. પ્રેમીલાને પામવા વરૂએ શેઠ કરોડીમલ ને ફસાવવા ભાતભાતના દાવ કરેલા અને શેઠ કરોડીમલ આમ ભોળા જેથી તે વરૂનું વર્તન જોઈ ખુબજ પ્રભાવીત થઈ ગયા પરંતું જીવનમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યું જ્યારે શેઠ કરોડીમલે વરૂને ઘેર બોલાવીને પ્રેમીલાની નહિં પરંતું શર્મિલાની સાથે પ્રભુતાના પગલા ભરવાનું કહ્યું આ રજુઆત સાંભળી અને શરુઆતમાં તો વરૂના પગ નીચેથી જમીન, શેતરંજી, પગ-લુછણીઉ વગેરે બધુજ શરકી ગયું. વરૂએ ત્યારે તો ફટ દઈ ના પાડી પરંતું જ્યારે તેને ખબર પડી કે 70 ટકા સંપતી શર્મિલાના નામ પર છે કે તરત તેણે પોતાના દિલ પર પત્થર મુકીને, ગમ ના થોડા ઘણા ગીતો ગાઈ અને દિમાગનો સાથ આપતા મરણ પથારીએ પડેલા શેઠ કરોડીમલને વચન આપ્યું કે વરૂ શર્મિલા સાથે પરણીને તેમની અંતીમ ઈચ્છા પુર્ણ કરશે. અને વરૂનું વચન જ છે શાસન. વાત ખતમ.

આ આઘાત સહન ન થતા પ્રેમીલા માનચેસ્ટર તેના કાકા પાસે ચાલી ગઈ અને વુરૂ શર્મિલા સાથે લગ્ન કરી અને સુરતનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયો. સમય જતા શર્મિલાને બધી વાતની ખબર પડવા લાગી. તે વરૂના સાચા સ્વરૂપને ઓડખી લઈ તેને પોતાના કંટ્રોલમા રાખવા લાગી. માસુમ, મ્રુદુભાષી અને શર્માળ શર્મિલા હવે જાણે ડોનાલ્ટ ટ્રંપ જેવી કઠોર અને કર્કશ સ્વભાવવાળી બની ગઈ કારણ કે એને ખ્યાલ હતો કે વરૂમા કોઈ જાતની આવડત નથી એ માત્ર લોકોને બાટલીમાં જ ઉતારી જાણે છે. જેથી શર્મિલોએ પોતે જ પોતાનુ પિતાનું સામ્રાજ્ય સંભાળવાનું શુરુ કર્યું અને વરૂને માત્ર પોકેટ મની જ આપતી. સમય જતા શર્મિલાને વરૂના અને પ્રેમીલાના સબંધની પણ ખબર પડી અને વરૂએ શા માટે પોતાથી લગ્ન કરેલા તેની પણ જાણકારી થઈ પરંતું હવે જીવન ઘણુ આગળ વધી ચુક્યુ હોવાથી ચુપ રહી. આ વર્ષે તેમના લગ્નની 25મી વર્ષગાંઠ હતી જેથી શર્મિલા અને વરૂની બંન્ને દિકરીઓ સીમા અને સ્વાહા ખુબ જ ખુશ હતી. બંન્ને દિકરીઓ તેમના માતાપિતાનીં ખુબ જ લાડલી હતી. પતી પત્ની બંન્નેનો સંબંધ ભલે ગમેતેવો હોય પણ પોતાની દિકરીઓ માટે બંન્ને રાતદિવસ એક કરી મુકતા.

25મી વર્ષગાઠનીં ઉજવણી ની તૈયારીઓ ખુબ ધામધુમથી કરવામાં આવી રહી હતી. શર્મિલાની બહેન પ્રેમિલા પણ માનચેસ્ટરથી આવવાની હતી અને વરૂનો એકમાત્ર સાડો પ્રેમજી જે હજુ પણ વાંઢો જ છે તે પણ રીસાઈ રીસાઈ ને આ ઉજવણીમાં આવા માટે રાજી થઈ ગયો હતો. પ્રેમજીને વરૂ આંખે દિઠો પણ પસંદ નથી જેના મુખ્ય બે કારાણ છે 1) તેને લાગે છે કે તેના જીજાજીએ તેના માટે છોકરી શોધવામાં જરાય મહેનત નથી કરી અને 2) વરૂ તેના સસરાના કારણે જે મોજશોખમાં જીવે છે તેનો સાચો હકદાર પ્રેમજી પોતે છે. આ બે બાબતોને લઈને સાડા-બનેવીનો 36 નો આકડો જોવા મળે છે. આ ઉપરાંત એકવાત તો રહીજ ગઈ કે વરૂનો એકમાત્ર ખાસ મિત્ર હેમંત કટાણે કે જેની દરેક જગ્યાએ કટાણે પહોચી જવાની આદત ને કારણે કટાણે એવી અટક પડી ગઈ છે તે પણ આવવાનો છે.

આ હતી તમારી અને વરૂની ઓડખાણ... વરૂના જીવનમાં આવનાર ઉતાર ચડાવ માટે હવે આવતા અંકમાં આવજો પાછા... અને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો કે અત્યાર સુધીની રજૂઆત તમને કેવી લાગી... કોમેન્ટ કરવી ફરજીયાત છે નહીં કરો તો હું આવતો અંક તમારા ફોનમાં રીલીઝ નહીં થવા દઉ...

બીજા રસપ્રદ વિકલ્પો