બડી બિંદી વાલી બંદી’
પ્રકરણ- પહેલું /૧
‘મુઝે કુછ કહેના હૈ.’
‘મુઝે ભી કુછ કહેના હૈ.’
‘પહેલે તુમ,’
‘પહેલે તુમ.’
‘તુમ.’
‘તુ……’ હજુ સોંગ આગળ કંટીન્યુ પ્લે થાય ત્યાં જ ચેમ્બરમાં એન્ટર થયેલી એક અજાણી છોકરી ટેબલ પર મૂકેલાં પોર્ટેબલ મ્યુઝીક સિસ્ટમને ઓફ કરતાં સ્હેજ ગુસ્સામાં બોલી...
‘પૂછી શકું કે, તમે આઆ.....આ શું ફિલ્મીવેડા માંડ્યા છે ?
‘વ્હોટ ડુ યુ મીન ? તું કહેવાં શું માંગે છે ? યુવકે પૂછ્યું..
‘ઓ યસ, હું પણ એ જ કહી રહી છું મહાશય, આ લખનૌના લખણ ઝળકાવ્યા વગર જે હોય એ કહી જ દયો ને, સાફ સાફ શબ્દોમાં જે કહેવું હોય એ. કે પછી એકલા એકલા આંધળોપાટો રમીને તમે સ્વયં તમારી જાતને તો નથી છેતરી રહ્યાં ને ?
બે મિનીટ ચુપ રહીને હતાશાના સ્વરમાં યુવક બોલ્યો..
‘હા, કંઇક એવું જ છે. પણ સાચું કહું તો..હવે મારામાં હિંમત નથી...કદાચ તેના તરફથી અપેક્ષા વિરુદ્ધનો પ્રત્યુતર મળ્યો તો...? હવે આઆ...આ ઉંમરે હું તૂટી જઈશ..વિખેરાઈ જઈશ.’
યુવકનું વાક્ય સાંભળ્યા બાદ તાળીઓ પાડતાં એ છોકરી ફક્ત ‘શાબાશ’ એટલું બોલ્યાં પછી બીજી જ પળે ગુસ્સામાં ઝડપથી ચેમ્બરનું ડોર ઓપન કરીને બહાર જતી રહી...
અચાનક ધડામ દઈને પટકાયેલા ડોરના આભાસી અવાજથી .. યુવકની આંખ ઉઘડી ત્યારે...ભાન થયું કે...એ વાસ્તવિક નહીં પણ સ્વપનસૃષ્ટિમાં રાચતો હતો..
ડીસેમ્બર મહિનાના અંતિમ દિવસોની વહેલી પરોઢની મસ્ત ગુલાબી ઠંડીના ચમકારાના મસ્તીની મોજ સાથે કલાકની મોર્નિંગ વોકનો આલ્હાદક આનંદ માણીને પરત ફર્યા બાદ ઝડપથી ફ્લેટની સીડી ચડ્યા પછી હાંફતા હાંફતા ચાવી દ્વારા ફ્લેટનું ડોર ઓપન કરી, અંદર પ્રવેશતાં ટ્રેક સ્યુટ પહેરેલી તન્વી, તેની મમ્મી સારિકાના બેડરૂમમાં જઈ, બેડ પર આંખો મીંચીને પડેલી સારિકા પર પડતાં બોલી..
‘ઓઓઓઓ......ઓ મારી વ્હાલી અને મીઠી મમકુડી, એકવાર જો તો ખરા, બહાર કેટલી મસ્ત મજાની મૌસમ છે. ચલ, ઉઠને, હજુ કેટલું સુવાનું ?
‘ઓ...ઓ ઓયે...તે તો મને સાવ દાબી દીધી બદમાશ.તું વોક પર ગઈ, ત્યારની હું ઉઠી ગઈ છું. એ પછી તારા લંચ બોક્સનું પ્રીપેરેશન કર્યું. તને ખબર છે કે, મારાથી ઠંડી બહુ સહન નથી થતી, બસ એટલે જસ્ટ આડી પડી છું. ચલ, તું ફ્રેશ થઇ જા. ત્યાં સુધીમાં હું બ્રેકફાસ્ટ સાથે ચા અને કોફી રેડી કરું છું.’
‘હા, પણ તો પછી તું તારો રોજિંદો માનસિક વ્યાયામ કયારે કરીશ.. ?
હસતાં હસતાં ટૂથબ્રશ મોં મૂકતાં તન્વીએ પૂછ્યું.
‘માનસિક વ્યાયામ ? કિચનમાં જતાં જતાં સારિકાએ પૂછ્યું..
‘અરે..તારો ફર્સ્ટ લવ... તારી કવિતા, એ કયારે લખીશ ? તન્વીએ પૂછ્યું.
‘અરે..કવિતા તો મારી લાઈફલાઈન છે. મારા એકલતાનો ખરો અઝીઝ. શબ્દો જ મારી સંજીવની છે. લખીશ... લખીશ...તું ઓફિસે જાય પછી લખીશ.’
‘મમ્મી કેટલા વર્ષોથી કવિતા લખે છે ?” કિચનમાં આવતાં તન્વીએ પૂછ્યું
તન્વીના આ સવાલથી સારિકા ખ્યાલોમાં ખોવાઈ ગઈ. એટલે સારિકાના ખભા પર હાથ મૂક્યાં પછી સ્હેજ ઢંઢોળતા આશ્ચર્ય સાથે તન્વીએ પૂછ્યું,
‘હેય..મમ્મી... ક્યાં ભૂલી પડી ગઈ ?.
અતીતની અટારીએથી ડોક્યું કરીને પરત આવતાં સારિકા ઉત્તર આપ્યો.
‘છેલ્લાં વીસ વર્ષથી. હું કવિતા લખતી નથી પણ, કવિતાની માવજત કરું છું, ઉછેરું છું.’ સારિકાએ જવાબ આપ્યો.
સારિકા, સારિકા દિવાન.
૪૩ વર્ષીય સારિકા દિવાન, દલપતરામ અને મંગળાબેનની નાની પુત્રી. મોટી પુત્રી અને સારિકાથી ૩ વર્ષ મોટી બહેન દિવ્યા ચેન્નાઈમાં તેના પરિવાર સાથે સુખી દાંપત્યજીવન વિતાવી રહી હતી. દલપતરામ આયુર્વેદિક ડોક્ટર હતા. આશરે એકવીસ વર્ષ એટલે દિવ્યાના લગ્નના એક વર્ષ બાદ સારિકા લીટરેચરમાં માસ્ટર્સના પ્રીપેરેશનની સાથે સાથે એક ટ્યુશન ક્લાસીસમાં ટીચિંગની જોબ પણ કરતી હતી. પહેલી નજરે જ ઉડીને આંખે વળગે એવી સાદગી સારિકાના સૌન્દર્યના પાસાને ખુબ જ સુંદર રીતે ઉજાગર કરતી હતી. છ ફૂટની હાઈટના સપ્રમાણમાં તેના શરીરનો બાંધો અને કસાયેલું શરીર. પહેલી નજરે સારિકાને જોતા કોઈ સ્પોર્ટ્સ વુમન જેવી તેની ઇપ્મ્રેશન લાગતી. ફક્ત કોલેજ ટાઈમીંગ દરમિયાન જ તે ડ્રેસ પહેરતી. આ સિવાય હમેશાં તેના વસ્ત્ર પરિધાનની એક જ અફર પસંદ હતી, સાડી. કોઈ અજાણ્યાને સારિકાની ઓળખાણ આપવાં માટે તેની ચાર નિશાની કાફી હતી. છ ફૂટની ઊંચાઈ, સુતરાઉ સાડી, કમરથી પણ એક ફૂટ નીચે લટકતો ચોટલો અને યુનિક આઈ.ડી. જેવો કપાળ પર દસના સિક્કા જેવડો મોટો લાલ ચાંદલો. કોલેજમાં સૌ તેને ગમતાં નામ સાથે પ્રેમ અને લાડથી ચીડવતા, પણ એ નામ તેણે મનોમન કોપીરાઈટ કરીને રજીસ્ટર કરી રાખ્યું હતું. દેખાવે શાંત સ્વભાવ, પણ હંમેશા મનનું ધાર્યું કરવા ટેવાયેલી. જલ્દી કોઈને મચક ન આપે. અને જીદ્દી પણ ખરી.
ત્રણ મહીનાની જોબ બાદ ક્લાસીસના ઓનર મૂળ દિલ્હીના વતની એવા રવિકાંત વર્માના સાળા અમિત મલ્હોત્રા સાથેના પરિચય પછીની મિત્રતા અને ગાઢમિત્રતા પછી પ્રણયમાં તબદીલ થયેલુ સગપણ અંતે લગ્નજીવનમાં પરિણમ્યું. પરિવારની નારાજગી અને વિરોધ વચ્ચે સારિકાએ તેનાથી ઉંમરમાં ત્રણ વર્ષ મોટા અમિતને જીવનસાથી તરીકે સ્વીકારી, એક ભાડાના વન બેડરૂમ હોલ કીચનના ફ્લેટમાં નવજીવનનો આરંભ કર્યો હતો.
સારિકા અને અમિતના પ્રાથમિક દ્રષ્ટિએ દેખીતા સ્વભાવ સામ્યતાના કારણે ગૃહસ્થ જીવનની ગાડી સરળતાથી એક સરખી દિશા અને ગતિમાં દોડવા લાગી. ઠીક બાવીસમાં વર્ષના અંતે સારિકાએ માતૃત્વ ધારણ કરતાં એક મંગલ ઘડીએ તન્વીને જન્મ આપ્યો. એકદમ તંદુરસ્ત અને પરાણે વ્હાલ ઉપજે એવી માસૂમ તન્વીના અવતરણ પછી સારિકાની ખુશી સાતમાં આસમાનને આંબવા માંડી. દીકરીના મા-બાપ માટે આ સર્વોતમ ખુશીની ઘડીએ સારિકાના માતા-પિતાએ પણ બન્નેને સઘળા મતભેદ સાથે મનભેદ ભૂલી અને ભૂંસીને મનથી માફ કરી દીધી હતાં.
થોડા સમય પછી અમિતે તેના મહત્વાકાંક્ષી સ્વભાવને કારણે પોતાનો કોઈ બીઝનેસ શરુ કરવાનો પ્રસ્તાવ સારિકા સમક્ષ મૂકતા, સારિકાને અમિતનો નિર્ણય અયોગ્ય અને ઉતાવળિયો લાગતાં બન્ને વચ્ચે થોડો મનમોટાવ થયો. અંતે અમિતનું મન રાજી રાખવા સારિકાએ મૂક સમંતિ આપી. સમય જતાં ધીમે ધીમે અનુભવની ઉણપના કારણે વેપાર ઘટતાં અને આર્થિક સંકળામણનો વ્યાપ વધતાં જબ્બર મીઠાશ વાળા સ્નેહનો રસાસ્વાદ હવે ચવાઈ ગયેલી ચ્વિંગમના રબ્બર જેવો લાગવાં લાગ્યો. નાની નાની વાતના સંવાદનું સ્વરૂપ હવે વિવાદમાં પરિવર્તિત થવા લાગ્યું. વિચારોના અહં ટકરાવવા લાગ્યાં. મતભેદનું સ્થાન મનભેદે લીધું. બંને વચ્ચેની મજાક, મસ્તીનો સમય હવે ચુપકીદીએ હસ્તગત કરી દીધો.
થુંકના સાંધા જેવી જિંદગીની ધક્કાગાડીને બન્ને મન મારીને આગળ ધપાવતાં ગયા.
તન્વીના એક વર્ષ બાદ સારિકા ફરી ગર્ભવતી બની. તેના બીજા જ મહીને અમિતની એક સામાન્ય ભૂલની લાપરવાહીના કારણે વ્યાપારમાં છેતરપીંડીનો ભોગ બનતાં તેનો બીઝનેસ ઠપ્પ થઇ ગયો. ઉધાર ઉછીના કરીને ભેગાં કરેલાં લાખોના આર્થિક નુકસાનીનો માનસિક આઘાત જીરવવામાં નિષ્ફળ જતાં અમિતના અકળામણની આગ લાગી ગૃહસ્થજીવનમાં.’
એક દિવસ, સારિકાએ વારંવાર અમિતની સતત નિષ્ફળતાનો ઉલ્લેખ કરતાં ધૂંધવાયેલો અમિત તેના ગુસ્સાને કાબુ કરવામાં અસફળ જતાં, શાંત ચર્ચાએ વિકરાળ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરતાં વાતાવરણ અતિ ઉગ્ર થઇ ગયું. છેવટે સારિકાએ આવનાર બાળકના ભવિષ્યનો ઉલ્લેખ કરતાં, તેના પ્રત્યુતરમાં અમિતે ઊંચાં અવાજમાં બરાડા પાડીને સારિકા તરફ પાંચસો પાંચસો રૂપિયાની નોટોનો રીતસર ઘા કરતાં નિષ્ઠુરતા અને બેફીકરાઇ સાથે અમિતએ કહ્યું કે, આ લે ઉપાડ, અને ઉપડ, એબોર્શન કરવાની નાખ એટલે એ ઉપાધિથી પણ છુટકારો થાય.
આ સારિકા અને અમિતના દાંપત્યજીવનનો છેલ્લો સંવાદ અને સંગાથ હતો. બીજી જ પળે સારિકા, ફટાફટ બે-ચાર જોડી કપડાં સાથે, કાંખમાં તન્વીને તેડી, હંમેશ માટે અમિતને તિલાંજલિ આપીને નીકળી ગઈ. તે દિવસથી બંને છુટા પડ્યા. ત્યારબાદ આઠથી દસ દિવસ સારિકાએ તેની સહેલીના ઘરે વિતાવ્યા.
અને અંતે, એક દીવસે છેક અંદર સુધી ખુચેલાં તિરસ્કારના તીક્ષ્ણ તીરના ઘા થી ઘવાયેલાં આત્મસન્માનની પીડાથી છુટકારો મેળવવા કાળજું અને કાનના પડદા ચીરતી ચીસ સાથે સારિકાએ ગર્ભપાત કરાવી નાખ્યો. રોમે રોમમાં ભડકે બળતી પીડાની જવાળાને શાંત પાડવા મક્કમ મન સાથે ભારોભાર નફરત સાથે ડિવોર્સ પેપર સારિકાએ સિગ્નેચર કરીને લગ્નજીવન પર હંમેશ માટે પાણી ફેરવીને અમિતના નામનું નાહી નાખ્યું.
એક અઠવાડિયા પછી શારીરિક અને માનસિક સ્થિતિ પર અંકુશ મેળવ્યા પછી ચહેરા પર એક ઊંડા અપરાધભાવની ગ્લાનિ ઓઢીને સારિકા આવી પહોંચી માતા-પિતાના ઘરે.
હજુ મમ્મી,પપ્પા તેના હાલ હવાલ જોઇને કશું પૂછે, એ પહેલાં તો સારીકાનો કમજોર પડેલો રુદનબાંધ તૂટી પડ્યો. મક્કમ અને મજબુત મનોબળ ધરાવતી સારિકા લાઈફમાં પ્રથમ વાર તેની જાતને આટલી કમજોર અને મજબુર મહેસુસ કરી રહી હતી. જીવતરના ચડ-ઉતરથી ઘડાયેલાં, પરિપક્વ અને દુરંદેશી દલપતરામ અને મંગળાબેનને સારિકાના ઉલ્લેખ કર્યા વગર જ વિસંગત સંજોગના સંકેત મળી ગયાં.
સારિકા કશું કહેવાં જાય એ પહેલાં..
પળમાં જ કારમી પીડા સાથે હ્રદય પર પત્થર મૂકતાં દલપતરામ અને મંગળાબેને સારિકા અને સ્થિતિ બન્નેને સંભાળી લીધી. મન ખાટુ નહીં પણ, મોટુ કરીને...
‘છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય’ એ કથનીને સમર્થન આપી સાર્થક કરતાં, ભૂલને ભૂલીને સારિકાને મનથી માફ પણ કરી હતી. સમયાંતરે દલપતરામે તેની પડતર પારિવારિક જમીન વેંચતા આવેલી સંપતિ બન્ને બહેનો વચ્ચે સરખા ભાગે વહેંચી દીધી હતી. એ મરણમુડી જેવી મિલકતથી સારિકાએ પોતાની માટે આજીવન છત્રછાયાની વ્યવસ્થા કરતાં, એક ફ્લેટ ખરીદીને ફરીથી એક સ્વતંત્ર જીવન સફરની શરુઆત કરી હતી. આજીવિકા માટે સારિકાએ ઘરેથી જ ટ્યુશન ક્લાસીસ શરુ કરીને આજીવિકાના સ્ત્રોતનો સરળ ઉપાય શોધી કાઢ્યો હતો. સમય, તનતોડ મહેનત સાથેના સમન્વય અને એક અરસા સુધી એકધારા સંઘર્ષના અંતે સારિકા આર્થિક રીતે સ્થિર અને સધ્ધર પણ થઇ ગઈ હતી. એ સમયે પાંચ વર્ષની તન્વી આજે એકવીસ વર્ષની ઉંમરના આંગણે આવીને ઊભી છે.
તન્વી,
તન્વી મલ્હોત્રા..
એકવીસ વર્ષ પછી પણ સારિકાના વર્તમાન સાથે માત્ર એક તન્વીના નામ સાથે જોડાયેલી ‘મલ્હોત્રા’ અટક જ અમિતની એક આખરી અસબાબ હતી.
બેહદ ખુબસુરત, ઉજળો વાન, સાધારણ હાઈટ, બહુ મેદસ્વી નહીં પણ ખાસ્સું તંદુરસ્ત કહી શકાય તેવું બોડી સ્ટ્રક્ચર. મૂડી સાથે ફૂડી પણ ખરી. હેલ્થ કોન્શિયસ સાથે ખાવા કરતાં ખવડાવવામાં વધુ આનંદ મેળવતી. ગુલામ અલીની ગઝલના શબ્દો જેવી તેની લાઈફ સ્ટાઈલ..
’અપની ધૂન મેં રહેતા હૂં...’ સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચેની પાતળી ભેદરેખાનો મર્મ તન્વી ખુબ સારી રીતે જાણતી હતી.
તન્વી અને સારિકા બન્ને મા-દીકરી વચ્ચેનું બોન્ડીંગ જોઈને, કોઈ અજાણ્યાંને એવો ભાસ થતો કે, બન્ને ગાઢ સહેલીઓ છે. માતા-પુત્રી વચ્ચેના સમજણ અને સગપણનું સૌભાગ્યવંતું સમીકરણ જોઇ, કંઈકને ઈર્ષા પણ થતી. સમજણની ઉંમરથી સારિકાના સંઘર્ષ અને સમર્પણ જોઇને તન્વીએ સારિકાને જ તેની દુનિયા માની, ન્યાય અને સન્માન આપતી રહી. તન્વી બીઝનેસ મેનેજમેન્ટના અભ્યાસની સાથે સાથે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં એઝ આસિસ્ટન્ટ મેનજર તરીકે જોબ પણ કરતી હતી..
ઠીક ૯:૧૫ વાગ્યાંનો સમય થતાં તન્વી ફટાફટ તૈયાર થઈને ઓફિસે જવાં નીકળતાં પહેલાં સારિકાને વ્હાલથી ગળે વળગી, ગાલ પર હળવું ચુંબન કરતાં બોલી...
‘લવ યુ મોમ. ચલ જાઉં છું, કદાચ સાંજે ઓફિસેથી આવતાં વહેલાં મોડું થશે તો કોલ કરી દઈશ.’
‘ટેક કેર. બાય.’ બોલી, સારિકાએ ફ્લેટનું ડોર ક્લોઝ કર્યું.
તન્વીએ જોબ જોઈન કરી તેને એકાદ મહિનો જ થયો હતો. પણ તે દરમિયાન પિસ્તાળીસ વર્ષીય કંપનીના મેનેજર રજત રાયચુરા અને તન્વી બન્નેની એક સરખી કાર્ય પધ્ધતિના કારણે સારા એવાં ટ્યુનીંગ સાથે જોડાઈ ગયા હતાં. અને બીજું કારણ કારણ હતું ખુબ જ ઓછા સમયમાં તન્વીએ જે રીતે ચીવટ સાથે તેની આગવી કુશળ કાર્યશૈલીથી તેની ફરજ પર પકડ જમાવી હતી, તેનાથી રજત ખુશ હતાં.
રજત રાયચુરા.
છ ફૂટ હાઈટ, સામાન્ય પણ પ્રતિભાશાળી શરીરનો બાંધો, મિલનસાર સ્વભાવ. રજતના વ્યક્તિત્વ અને વાક્છટામાં એક એવી આગવી આભા હતી કે, પ્રથમ મુલાકાતમાં જ તે સામેની વ્યક્તિ પર તેની એક અમીટ છાપ અંકિત કરી દેતા. રજત આ પોસ્ટ પર છેલ્લાં પંદર વર્ષથી કાર્યરત હતા. એકધારા એક જ જગ્યાએ જોબ સાથે જોડાઈ રહેવાના મુખ્યે બે કારણો હતાં. એક, કંપનીના ઓનરે કયારેય રજત સાથે એમ્પ્લોઈ જેવો વર્તાવ નહતો રાખ્યો, સંપૂર્ણ સ્વાયત્તતા સાથે રજતને નિર્ણય લેવાના સ્વતંત્ર અધિકાર આપ્યા હતાં. અને તેના પરિણામ રૂપે રજત તેના કુશળ મેનેજમેન્ટ સ્કીલથી પંદર વર્ષમાં કંપનીના ગ્રોથને ૨૦૦% સુધી લઇ જવામાં સફળ રહ્યા હતા. અને બીજું કારણ હતું, રજતને તેની અપેક્ષાથી અધિક મળતું આર્થિક વળતર. પણ આમ જુઓ તો રજત મૂળ સાહિત્ય જીવડો. શક્ય હોય એટલો સમય, સાહિત્યકારો અને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે જોડાઈ રહેવું એ રજતનું પેશન હતું. સાહિત્યનો એટલો શોખ કે ઘરના એક અલાયદા રૂમમા ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ અને ઉર્દુની વૈવિધ્ય વિષયવસ્તુ પર આધારિત આશરે એકાદ હાજર સિલેક્ટેડ બૂક્સ સાથેનું નાનું એવું પુસ્ત્કાલય પણ ખડું કર્યું હતું. ઓફિસે આવતાં રજત કયારેક લંચ બોક્સ લાવવાનું ભૂલી જતાં પણ પુસ્તક નહીં. ઓફિસમાં પણ ફુરસતના સમયમાં કોઈ બૂક લઈને બેસી રહેતાં. તન્વીએ રજતનો અનન્ય પુસ્તક પ્રેમ જોઇને એક વાર હસતાં હસતાં વિનોદ સાથે ટકોર પણ કરેલી કે,
‘સર આ થીન્ક કે, બૂક્સ તમારી ગર્લફ્રેન્ડ છે.’
આજે તેના કોલેજનું લેકચર એટેન્ડ કરી, ઠીક સાંજે ચાર વાગ્યે તન્વી ઓફિસમાં એન્ટર થઇ, રજતની ચેમ્બરમાં જઈને બોલી.
‘હેલ્લો સર. શું શેડ્યુલ છે આજનુ ?
‘પ્લીઝ, સીટ ડાઉન તન્વી. લિસન, આજે એક મેગા ઇવેન્ટનો કોન્ટ્રક્ટ ફાઈનલ કરતાં પહેલાં પાર્ટીને સાંજે ઇવેન્ટની બ્લ્યુ પ્રિન્ટનું પ્રેઝન્ટેશન કરી બતાવવાનું છે. પાર્ટી બેન્ગ્લુરુંથી બાય ફ્લાઈટ આવી રહી છે, અને મીટીંગ માટે ૭:૩૦ વાગ્યાંનો સમય નક્કી કર્યો છે. મેં તને ગઈકાલે ડીટેઇલ મેઈલ કર્યો છે. આઈ હોપ કે, તે પરફેક્ટ હોમવર્ક કરી જ લીધું હશે. એમ આઈ રાઈટ ? રજત બોલ્યાં.
‘યસ સર. એઝ ઓલવેય્ઝ, યુ આર એબ્સોલ્યુટલી હન્ડ્રેડ પર્સન્ટ રાઈટ. સમજી લો કે કોન્ટ્રકટ ફાઈનલ થઇ જ ગયો.’ તન્વીએ તેની સદાબહાર સ્ટાઈલમાં કોન્ફિડન્સથી ઉત્તર આપ્યો.
‘વેરી ગૂડ.’
‘સર, ત્યાં સુધીમાં હું મારું બીજું પેન્ડીગ વર્ક પૂરું કરી લઉં છું.’
‘ઓ.કે.’ રજતે કહ્યું
એમ કહીને ચેમ્બરમાંથી બહાર આવીને તન્વી તેની કેબીનમાં ગોઠવાઈ અને પ્રેઝન્ટેશનની તૈયારી સાથે બીજા કામ આટોપવામાં મશગૂલ થઇ ગઈ.
ઢળતાં સુરજને તેના અંતિમ કિરણ સુધી નિહાળતી સારિકા, બાલ્કનીના ઝૂલા પર ખોળામાં ડાયરી અને હાથમાં ગરમા ગરમ કોફી ભરેલાં મગમાંથી ચુસ્કીઓ ભરતાંની સાથે સાથે મન ભરીને સિંદુરી સંધ્યાના ખુશનુમા વાતાવરણનો આલ્હાદક આનંદ, આંખો મીંચીને માણી રહી હતી.
કોફીની અંતિમ ચુસ્કી ભરીને મગ મૂક્યા પછી, થોડી ક્ષ્રણો માટે બંધ કરેલી આંખો ઉઘાડતાંની સાથે જ સડસડાટ સરકતી સારિકાની કલમેથી અવતરેલી એક તાજા તરીન કવિતાના અંતે, પૂર્ણવિરામ મૂકતાંની સાથે સારિકાને પરમ આત્મસંતુષ્ઠીની અનુભૂતિનો અહેસાસ થયો. કાવ્યરચનાની પ્રવૃત્તિ સારિકાના પ્રાણવાયુનો પર્યાય બની ગઈ હતી.
કવિતા એટલે સારિકાના એકલતાની સચ્ચી સહેલી.
ઠીક ૭:૧૦ વાગ્યે તન્વી રજતની ચેમ્બરમાં એન્ટર થઈને ચેર પર બેસતાં બોલી..
‘સર, એની મેસેજ ફ્રોમ ક્લાયન્ટ ?’
‘નથીંગ, નોટ એ સિંગલ મેસેજ. તેમનો કોલ પણ કનેક્ટ નથી થતો.. તેમણે કહ્યું હતું કે, ફ્લાઈટ ૬:૩૦ વાગ્યે લેન્ડ થઇ જશે અને અમે એરપોર્ટથી ડાયરેક્ટ ઓફિસે પર જ આવીશું.’
‘સર બની શકે કે, કદાચ ફ્લાઈટ લેઇટ હોય, અધર વાઈઝ તેમનો સેલ આઊટ ઓફ કવરેજ હોય એવું પણ બની શકે.’ તન્વી બોલી.
‘અને જ્યાં સુધી તેમનો કોલ નહીં આવે ત્યાં સુધી વેઇટ કર્યા સિવાય આપણી પાસે બીજું કોઈ ઓપ્શન પણ નથી ને ? તું કોફી શેર કરીશ ? રજતે પૂછ્યું.
‘યસ સર, પણ હું ગ્રીન ટી પીવાનું પસંદ કરીશ.’ તન્વી બોલી ..
‘ઓ.કે.’ એમ કહીને રજતે પ્યુનને એક કોલ્ડ કોફી અને એક ગ્રીન ટી લાવવાનનો આદેશ આપ્યો.
અચાનક તન્વીને વિચાર આવતાં રજત સામે જોઇને બોલી,
‘સર, આઈ વોન્ટ ટુ આસ્ક યુ સમથીંગ.’
‘જી બોલ.’ રજત બોલ્યાં.
‘સર, મેં જોબ જોઈન કરી તેને એક મહિના જેવો સમય પસાર થઇ ગયો અને હજુ આપણા વચ્ચેનો પરિચય પ્રાયમરી સ્ટેજ પર જ છે, આઈ મીન કે, એકબીજાના નામથી વિશેષ કશું જાણતા નથી. આઈ થીન્ક કે ક્લાયન્ટ ન આવે ત્યાં સુધી આપના વિષે કંઇક શેર કરશો તો મને ગમશે.’
‘મારા વિષે ? શું શેર કરું ? આઈ એમ એ કોમન એન્ડ સિમ્પલ પર્સન. અને છેલ્લાં પંદર વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું. એ સિવાય.. ?
‘અરે સર... આ બધું તો હું ઓલ રેડી જાણું જ છું, આઈ વોન્ટ ટુ નો અબાઉટ યોર હોબીઝ એન્ડ યોર ફેમીલી, ઇફ યુ લાઈક ટુ શેર.’
રજતે ક્લાયન્ટને કોલ જોડ્યો પણ આઉટ ઓફ કવરેજ આવ્યો, ત્યાં પ્યુન કોલ્ડ કોફી અને ગ્રીન ટી સર્વ કરીને ગયો એટલે, કોફીનો કપ ઉઠાવતાં રજત બોલ્યા..
‘મારો આ લીટરેચરનો એક માત્ર શોખ એકે હજારા જેવો છે. આ પુસ્તક પ્રેમમાંથી કયારેક ફુરસત મળે અને મૂડ હોય તો.. ફિલ્મ અથવા કોઈ સારું ઈંગ્લીશ પ્લે જોવાં માટે સમય કાઢી લઉં, પણ એવું ભાગ્યેજ બને. એ સિવાય જો કોઈક વાર સતત ઓવર વર્કલોડ યા રૂટીન લાઈફથી બોર થઇ જોઉં તો...બે-ચાર દિવસ જતો રહું કોઈ મનગમતાં હિલ સ્ટેશન અથવા રિસોર્ટ પર. પણ બેગ્સમાં કપડાં ઓછા અને બૂક્સ વધારે હોય.’
હસતાં હસતાં રજતે તેની વાત પૂરી કરી.
‘એન્ડ..’ ચાની ચુસ્કી ભર્યા પછી એક શબ્દ બોલીને તન્વી અટકી ગઈ.
થોડીવાર ચુપ રહીને રજત બોલ્યાં.
‘આઈ થીન્ક યુ વોન્ટ ટુ નો અબાઉટ માય ફેમીલી.’ રજતે પૂછ્યું.
‘યસ સર, બટ ઇફ યુ લાઇક.’
‘તન્વી, મારો અંગત પરિચય સિક્કાની બે બાજુ જેવો છે, એક બાજુ, જેનાથી મહદ્દઅંશે મારા પરિચત અવગત છે, અને બીજી બાજુ, જેનાથી ફક્ત મારાં આંગળીના વેઢે ગણી શકાય એવાં જે અંગતથી પણ વિશેષ છે, એ જ અવગત છે.’
રજતે તેનું વાક્ય પૂરું કર્યું ત્યાં જ ક્લાયન્ટનો કોલ રિસિવ કરતાં રજત બોલ્યાં.
‘હેલ્લો.’
‘સોરી મિસ્ટર રજત, જસ્ટ ફ્લાઈટ લેન્ડ થઇ છે. આઈ થીન્ક કે આપણે આજે નહીં મળી શકીએ. બીકોઝ ઇટ્સ ટુ લેઇટ ફોર મી. હવે નેક્સ્ટ અપોઈનન્ટમેન્ટનો ટાઈમ કયારે આપો છો ?
‘જયારે આપ કહો તે સમયે આપણે મળી શકીએ.’
‘ધેન ઓ.કે. આપણે આવતીકાલે લંચ ટાઈમ પછી મળીએ છે, એટ શાર્પ ટુ થર્ટી પી.એમ.’
‘ઓ.કે. ડન’
‘થેન્ક્સ.’
‘વેલકમ.’ કહીને રજતે કોલ કટ કર્યો.
પછી તન્વી સાથે ક્લાયન્ટની વાત શેર કર્યા પછી ઊભા થતાં રજત બોલ્યાં..
‘ચલો, લેટ્સ ગો.’
‘બટ.. સર, યાદ રાખજો... આપના અધુરા પરિચય વિષે.’
તન્વી સામું જોઇને ચેમ્બરની બહાર નીકળતાં બોલ્યાં..
‘ઇટ્સ માય ડાર્ક સાઈડ. આજે નહીં પણ ફરી કયારેક શેર કરીશ. બાય.’
અને બન્ને છુટા પડીને પોતપોતાના ઘરે જવા નીકળ્યા.
બાઈક પર ઘરે પહોંચતા સુધીમાં તન્વીના વિચારોમાં રજત સાથેના સંવાદોનો સળવળાટ ચાલતો રહ્યો. રજતનું સાદુ અને સરળ વ્યક્તિત્વ ઇન્ટરેસ્ટીંગ હશે એવો તન્વીનો અંદાજ સાચો ઠર્યો. પરંતુ, કોઈ ડાર્ક સાઈડ પણ હશે એ જાણીને અજુગતું લાગ્યું.
શું હશે ? એવા કંઇક આડા અવળા વિચાર કરતાં તન્વી ઘરે પહોંચી.
બે દિવસ બાદ..
એક દિવસ સમય થયો હશે..રાત્રીના આશરે ૧૦:૪૫નો. તન્વી લેપટોપ લઈને તેના કામમાં મશગૂલ હતી. તેની બાજુમાં બેડ પર સૂતા સૂતા સારિકા કોઈ હિન્દી કાવ્યસંગ્રહના વાંચનમાં તન્મય હતી હતી. થોડીવાર બાદ તન્વી લેપટોપ ઓફ કરી, સારિકાની બાજુમાં આવીને વળગી પડતાં, સારિકાએ તેના રીડીંગ ગ્લાસને સાઈડ પર મૂકી તન્વીના કપાળ પર વ્હાલભર્યું ચુંબન કરતાં પૂછ્યું,
‘કેમ આજે આજે આટલો પ્રેમ આવે છે મારી ચીકુડીને ?’
સારિકાની છાતી પર આંખ મીંચીને પડેલી તન્વી બોલી,
‘તને પ્રેમ કરવાં તો એક આખી પણ લાઈફ ઓછી પડે મમ્મી. આજે હું જે કંઈ છું, જે કંઈપણ હાંસિલ કર્યું છે, તે જોઇને એમ લાગે છે કે, તારી કુખે અવતર્યા પછી ઈશ્વરે મારા બધાં જ વણમાંગ્યા વરદાન મારી માના રૂપમાં પુરા કરી આપ્યાં. તારા જેવી મમ્મી મેળવીને હું મારી જાતને સંસારની સર્વશ્રેષ્ઠ સુખી અને સંતોષી વ્યક્તિ સમજુ છું.’
તન્વીને બથ ભરતાં સારિકા બોલી
‘તું તો મારો જીવડો છે..મારી લાઈફલાઈન છે. તું ન હોત કદાચ આજે મારું અસ્તિત્વ જ ન હોત.’
‘હેય...મમ્મી પ્લીઝ, આવી નેગેટીવ થોટ્સની વાતો ક્યારેય નહીં કરવાની. ઉપરવાળાને તારા પર ભરોસો હતો કે, જીવનના રંગમંચ પર તું તારું કિરદાર આટલી જીવંતતા અને જવાબદારી સાથે સપૂર્ણ નિષ્ઠાથી નિભાવી જાણીશ. એટલે તો તને આજીવન સો સો સલામ કરવાનું મન થાય એવું પ્રેમમૂર્તિ અને પ્રિતીપાત્ર જેવું પાત્ર ભજવવાનું તારા સિરે આવ્યું છે, સમજી. પણ મમ્મી..’
તન્વી આગળ બોલતાં અટકી ગઈ.
એટલે સારિકાએ કહ્યું.
‘આગળ બોલ.’
‘મમ્મી તે મારી જોડે બધું જ કર્યું શેર કર્યું. પણ, હજુ તું મને તારા એ અતીતના ઓરડામાં ક્યારેય નથી લઇ જતી. કેમ ? મને હક્ક નથી ? કે હજુ તેના માટે મારી પાસે યોગ્ય લાયકાત નથી. ?
આજે વર્ષો પછી તન્વીએ સારિકાના મહદ્દઅંશે સ્મૃતિભ્રંશ થઇ ગયેલા ગતકાલીનના બંધ બારણાં પર દસ્તક મારતાં સ્હેજ પણ વિચલિત થયાં વગર સારિકા બોલી.
‘આ શું બોલે છે ? તારી યોગ્યતા ? તું તો મારી ઓળખ છે. અને રહી વાત અતીતની તો, ઉઘાડા પગે દોડવાની જીદમાં કાંટો ખૂંચી જાય તો તેમાં કાંટાનો શું દોષ ? ખેંચીને ફેંકી દેવાનો. અને પીડા પારકી હોય કે પોતાની તેને પંપાળવાની ન હોય. મેં મારી પીડાને પરાજિત કરવાં એક પ્રબળશક્તિ અને મનોમન લીધેલાં પ્રણ સાથે તન અને મન નીચવીને કરેલાં પુરુષાર્થથી તેના પર ગૌરવશાળી વિજય પ્રાપ્ત કયો છે. તો હવે આજે એક અરસા પછી એ ભસ્મિભૂત ભૂતકાળની ભસ્મ ઉડાડીને ફરી મન અને મસ્તિષ્ક મેલા કરવાં જરૂરી છે ?’
‘મમ્મી, હું તારો અંશ છું. ઉની આંચ ન આવે એ હદે અંશને ઉજાગર કરવામાં તે એકલપંડે નિચવેલાં તન અને મનની વેદનાનું વૃતાંત જાણવાનો પણ મને હક્ક નથી ? તારા આ એવોર્ડ વિનિંગ એકપાત્રીય અભિનયની સરાહના કરવાની મને એક તક પણ નહીં આપે ? તું મારી પ્રેરણા છો, મારી આઇડીયલ છો, હું તારા જેવું દસમાં ભાગનું જીવન જીવી લઉં, તો પણ ધન્ય છે.’
થોડીવાર બન્ને ચુપ થઇ ગયા..પછી સારિકા બોલી..
‘અચ્છા ઠીક છે, એક કામ કર પહેલાં મને ફૂલ સાઈઝ મગ ભરીને મારા ટેસ્ટ મુજબની મસ્ત મસાલેદાર ચા બનાવી આપ, પછી આપણે આગળ વાત કરીએ. ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈને ચેન્જ કરી લઉં.’
બેડ પરથી ઊભા થતાં સારિકા બોલી.
‘જો હુકમ મેરે સરકાર.’
એમ બોલીને તન્વી કિચનમાં ગઈ.
હવે સમય થયો..રાત્રીના ૧૧:૫૦ વાગ્યાનો.
ઠંડીને ઠારવા, રૂમ હીટર ઓન કરીને સારિકા ડ્રોઈંગરૂમના સોફામાં ગોઠવાતાં તન્વી તેના હાથમાં ચાનો મગ આપતાં બોલી,
‘એક મિનીટ, હું કોન્ટેક્ટ લેન્સ રીમુવ કરીને આવી.’
પછી સોફામાં બેસતાં તન્વી બોલી,
‘મને તારા ખોળામાં માથું મૂકીને સૂવું છે.’
એમ કહીને સારિકાના ખોળામાં માથું મૂકતાં તન્વી સોફામાં આડી પડી.
તન્વીના ખુલ્લાં રેશમી કેશમાં હળવે હળવે આંગળીઓ ફેરવતાં સારિકા બોલી
‘બસ, આ જ રીતે પ્રથમવાર અમિતના ખોળામાં માથું મૂકીને મેં કહ્યું હતું કે,
‘મારી ખુશી અને ખ્વાબની દુનિયા ખુબ નાની છે.’
‘તન્વી, હું વન બીએચકેની બાલ્કનીના નાના એવાં કુંડાના છોડમાં ફૂંટેલી કુંપણની તેના પરિપૂર્ણ પુષ્પ સુધી પાંગરવાની પ્રક્રિયાની પ્રતીક્ષામાં પણ જીવી લેતી. બસ આટલી જ મારા પ્રસન્નતાના પરિઘની પરિભાષા. પણ કયારે એ એક ફૂલના બદલે આખો બગીચો લઇ લેવાનો અમિતનો અભરખો અમારા અનુબંધના આયખાને ભરખી ગયો તેનો ખ્યાલ ન જ રહ્યો. મને હેતની ભીની રેત પર એકબીજાની હથેળીઓ ગૂંથીને પા પા પગલીઓ પાડવી ગમતી. પણ, અમિતે તો અંતહીન અફાટ ધનના રણમાં આંધળીદોટ મૂકી...અને ત્યારબાદ અમારી દિશા અને દશા બન્ને ફંટાઈ ગઈ. પ્રેમની છત્રછાયામાં મતભેદ અને મનભેદના એટલા છેદ થયા કે, એક છત નીચે રહેવું દુશ્વાર થઇ પડ્યું હતું. બસ...સ્ત્રીધનના સ્વાભિમાનની ચરમસીમા પર જયારે તમાચો પડ્યો ત્યાર પછી હક્ક અને પ્રેમ બન્ને ભીખના સ્વરૂપમાં તબદીલ થાય એ પહેલાં પ્રેમ અને વ્હેમ વચ્ચેનો ભેદ સમજાય જતાં એક જ પળમાં સઘળાં અરમાનને આગ ચાંપ્યા પછી, ખુદની જાત ખૂંવાર અને ખ્વાબ ખાખ થાય એ પહેલાં તને લઈને નીકળી પડી જીવતરના નવા ઝંઝાવાત સામે બાથ ભીડવા.’
સ્હેજ પણ મનને ઢીલું પાડ્યા વગર તેની અસખ્લિત વાણીમાં સારિકાએ સંક્ષિપ્તમાં તેના દાંપત્યજીવનના વિચ્છેદ વેદનાની દાસ્તાન તન્વીને સંભળાવી.
સ્હેજ ચુપ રહ્યાં પછી તન્વીએ પુછ્યું
‘ત્યારે હું કેવડી હતી ?’
‘એક વર્ષની.’ સારિકા બોલી
-વધુ આવતાં અંકે.....