આપ લોકોના સાથ અને સહકાર થકી આજે એક નવી વાર્તાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. રોજીંદી જીંદગીમાં બની જતી ઘટનાઓને એક નવો વિચાર આપીને શબ્દોમાં રૂપાંતરિત કરવાનો એક અનોખો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે તમને આ સંપૂર્ણ નવલકથા જરૂરથી પસંદ આવશે...અને બેશક મારો પૂરો પ્રયત્ન રહેશે કે તમે કોઈ ભાગ મિસ નહીં કરી શકો. અંત સુધી બન્યા રહેજો એવી આશા સાથે રજૂ કરી રહ્યો છું...
"અપરિચિત સાથી..." - ભાગ-1
"વિચારોના વળ તો રોજે એમ જ ચડ્યા કરે છે..,
બસ અશ્રુઓનો તાંતણો છૂટો પડતા વાર નથી લાગતી..."
"ચાલ ભાઈ ઉઠ...સ્ટેશન આવી ગયું.." ઓચિંતાનો ગાઢ નિંદ્રામાં રોજે સંભળાતો અને કંઈક જાણીતો જ હોય એવા અવાજ સાથે ખભા પર કોઈએ હાથ મુક્યો હોય એવું મને લાગ્યું. વિચારોના વંટોળમાં કે પછી સ્વપનો ના સમુદ્રમાં ખોવાઈ ગયેલા આ જીવમાં જાણે વીજળીના કરંટ સાથે જેમ ઝટકો લાગે એમ જીવ આવ્યો. આ આખો દિવસની મગજમારીથી થાકીને આવેલી ઊંઘનું ઘેન હોય કે પછી વિચારોના વમળમાં વધારે ઊંડો ઉતરી ગયો હોઉં એનું પરિણામ હોય ખબર નહીં...પણ હું ક્યાં છું અને આજુબાજુ શુ ચાલી રહ્યું છે એ વિચારવા હું બે ક્ષણ આજુબાજુ જોઈ રહ્યો.
તરત જ મને ભાન આવ્યું ને જોયું કે મારા કલીગ બ્રિજેશનો હાથ મારા ખભા પર હતો અને જાણે નાના બાળકને અચાનક કોઈ નવી જગ્યાએ લઇ ગયા હોઈએ અને જેમ ચારેય બાજુ નજર ફરી વળે..એવા જ મારા વર્તનને નિખાલસતાથી એ નિહાળતો હતો...જાણે અંદરથી એમ જ કહેતો હોય કે ચાલ હવે આપણે બન્ને જ છેલ્લા છીએ જલ્દી કર...ભલે એના હોઠ ઉપર આ વાક્ય નહોતું પણ એની આંખો સ્પષ્ટપણે મને એમ જ કહી રહી હતી. એ થોડી થોડી વારે આગળ ડ્રાઈવર સામે જોઈ રહ્યો હતો અને ફરી પાછો મારા પર...
"અરે કિશન સાહેબ...આજે ફરી પાછા કંપની જઈને નાઈટ શિફ્ટ કરવાનો વિચાર છે કે...!" અમારી કંપનીની બસના ડ્રાઈવર નરેશભાઈ એ સીટ બેલ્ટ કાઢીને પાછળ ફરતા કહ્યું.
"અરે..ના ના નરેશભાઈ...બસ ઉતરી જ જવું છે ચાલો.." કાનમાં પહેરેલી હેન્ડ્સ ફ્રી કાઢી એનું ગુંચળું વાળીને ઝડપથી બેગના ઉપરના ખાનની ચેઇન ખોલી પરાણે ખોસી દીધી અને ઝડપથી ઉભો થઈને પહેલા બ્રિજેશ અને એની પાછળ હું બન્ને ઉતરી ગયા. તરત જ સડસડાટ કરતી બસ મારી આગળ નીકળી ગઈ અને ધીમે ધીમે નાની થતી ગઈ અને અંતે અદ્રશ્ય થઈ ત્યાં સુધી હું એને જોતો રહયો. આજુબાજુ વાહનોની દોડા દોડી અને ચોકડી ઉપર એક બાજુ એસ ટી બસો એક બાજુ બી આર ટી એસ, રીક્ષા અને ટુ વહીલર નું ટ્રાફિક સ્પષ્ટપણે દર્શાવી રહ્યું હતું કે સાંજની વેળા થઈ ગઈ છે અને લોકો ઘરે જવા જેટલી બને એટલી ઉતાવળ કરી રહ્યા છે.
બ્રિજેશ તો રોજે બાઇક લઈને આવતો અને અમારા બન્નેનું ઘર વિરુદ્ધ દિશામાં હોવાથી અહીં સ્ટેશનથી અમારે વિખુટા પડ્યા સિવાય કોઈ ચારો હતો નહીં. અને હું તો એક મધ્યમ વર્ગના ખેડૂતનો છોકરો...અમારી હેસિયત નહોતી કે હું મારી પોતાની પર્સનલ બાઈક લઈને આવું. કંપનીની બસ સ્ટેશન સુધી જ આવે અને મારે જવાનું સુરતના છેક બીજા છેડે એટલે કે જકાતનાકા...એટલે પછી હું ત્યાંથી રિક્ષામાં જતો.
"ચાલ બ્રિજેશ...કાલે મળ્યા..!" કહીને હું ચાર રસ્તા પરની એ ટ્રાફિકને જમણો હાથ ઊંચો કરી મનમાં હું પહેલા નીકળી જાઉં એમ કહેતા આગળ વધ્યો.
"હા..સારું ચાલ.." બ્રિજેશ પહેલી આંગળીમાં એના બાઈકની ચાવી ફેરવતાં ફેરવતા બોલ્યો એ મને સંભળાયું જ્યારે મેં એક વખત પાછળ ફરીને જોયું.
આગળ થોડું ચાલતા લીંબુ મરીની સોડા વાળો, એક પાણી પુરીની લારી વાળો અને અંતે એક ફ્રુટની લારી વાળાને ઓળંગીને હું રિક્ષાના સ્ટેન્ડ પાસે પહોંચ્યો. પહોંચતા તરત જ સવારના ભૂખ્યા માણસને કોઈ ખોરાક મળ્યો હોય એમ ત્રણ ચાર રીક્ષાવાળા મને દૂરથી જ હાથ ઊંચો કરીને એની રિક્ષામાં બેસવા કહી રહ્યાં હતાં ને જોરથી બોલી રહયા હતા...હીરાબાગ, કાપોદ્રા, વરાછા... દૂરથી આ દ્રશ્ય જોઈને મને લાગતું હતું કે જાણે આ લોકો મને કોઈ દોરડા વડે બાંધીને ખેંચી રહ્યા હોય.
નજીક પહોંચીને મેં જે રિક્ષામાં વધારે પેસેન્જર હતા એમાં બેસવાનું નક્કી કર્યું બસ એ જ ટિપિકલ ઇન્ડિયન મેન્ટલિટી મુજબ કે આ રીક્ષા સૌથી પહેલા ભરાશે અને પહેલા ઉપડશે અને હું જલ્દી પહોંચીશ. આજના જમાનામાં તો ખબર જ છે લોકો ફોનમાં જ હોય. બાજુમાં એક ભાઈ સોંગ સાંભળી રહ્યા હતા તો એમની બાજુમાં એક છોકરી એકધારું નીચે જોઈને આખા દિવસમાં પેનથી નહીં લખ્યું હોઈ એટલું આ આંગળીથી ફોનમાં ટાઈપિંગ કરીને લખી રહી હતી. પણ મારુ ખાતું આમ થોડું અલગ. કોઈ વાત કરવા વાળું મળી જાય રસ્તામાં તો જાણે એ દિવસની મુસાફરી હૃદયમાં ઘૂંટાઈ જતી બાકી પછી હું આજુબાજુ રસ્તા પરના લોકોને નિહાળતો અને એમના ચહેરા પરના ભાવોને સમજવાની કોશિશ કરતો.
એકબાજુ ડિવાઈડર પર સુતેલા અમુક લોકો અને સાથે સાથે પોતાના પેટનો ખાડો પુરવા માટે ત્યાં જ ચૂલો સળગાવીને રોટલા કરતી એ સ્ત્રીઓને જોઈને મને રોજે વિચાર આવતો...કે જીંદગીમાં આટલી મુશ્કેલી અને આટલો બધો સંઘર્ષ હોવા છતાં પણ આખો દિવસ મહેનત મજૂરીનું કામ કરીને રાતે આંખોમાં આટલી ચમક અને મુખ પર આટલી મુસ્કાન સાથે એ લોકો કઈ રીતે જીવી લેતા હશે? આખો દિવસ જોબ કરીને ઉતરી ગયેલા એમ્પ્લોયીના મોઢા જોઈને મને જેટલી ખીજ ચડતી એના કરતાં પણ વધારે ગર્વ મને એ લોકો પર થતો જ્યારે એક સ્ત્રી ચૂલા પર રોટલા બનાવતી હોય અને આજુબાજુ એના છોકરા અને ભાયડાઓ બસ એ કોરા રોટલાને એક પિત્ઝા ખાતા હોય એટલી ખુશીથી ખાઈ રહ્યા હોય.
"ચાલો ભાઈ...જકાતનાકા.." રિક્ષાવાળા એ બ્રેક મારીને સાઈડમાં રીક્ષા લેતા કહ્યું.
અને એ સાથે જ મારું ધ્યાનભંગ થયું અને હું રીક્ષામાંથી નીચે ઉતરી પૈસા આપી ચાલતો થયો. મનમાં હજીએ કેટલાયે વિચારો આમતેમ દોટ મુકતા હતા.
( આગળના ભાગ 2 સાથે જલ્દીથી આવીશ...તમારા સહકારની અપેક્ષા સાથે જય શ્રી કૃષ્ણ..)