આવજે - 1 Anami D દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આવજે - 1

*આવજે*

1. ધૂન

આવજે... આવજે...
બસ સ્ટેશનની બહાર ટેક્ષીની રાહ જોતી ઊભેલી સાનીકાના કાને શબ્દો અથડાયા. આવજે...આવજે...
પાછું વળીને જોયું તો વળાંક લેતી બસની બારીમાંથી એક છોકરી સામેની બાજુ ઊભેલી એક આધેડ વયની સ્ત્રીને હાથ ઊંચો કરીને આવજે કહી રહી હતી.
આવજે... જતી વેળાએ કહેવામાં આવે છે કે આવજે. હું જાઉં છું તું આવજે... કે તું અત્યારે ભલે જાય છે પણ પછી આવજે... આ આવજે શબ્દ દ્વારા સમજાય છે કે આવવાનું મહત્વ આવતી વખતે જેટલું નથી હોતું એટલું જતી વખતે હોય છે. સાનીકાને પોતાના આ વિચાર પર હસવું આવ્યું. સાનીકા બારી બહાર જોતી રહી. એની આંખોમાં સફરનો થાક હતો.

કોલેજ પુરી કરીને જ્યારે આ શહેરને મૂકવાનું વિચાર્યું હતું ત્યારે રડતા રડતા ખુદને પ્રોમિસ કર્યું હતું કે ક્યારેય પાછી નહિં આવું આ શહેરમાં... પણ સાલા આ પ્રોમિસ. મોટા ભાગના વચનો તૂટવા માટે જ હોય છે ખાસ કરીને ખુદને આપેલું વચન. આ જોબ મારું સપનું ન હોત તો આજે આ પ્રોમિસ તૂટ્યું ન હોત. કોઈ ખાસ કારણ ન હતું આ શહેર મૂકવાનું. બસ મન ફરી ગયું હતું અથવા તો મગજ... હા, તે સમયે મારું મગજ ફરી ગયું હતું. સાનીકા મનોમન હસવા લાગી. સાનીકાને આમ મનમાં કંઈક વિચારીને પછી પોતાના વિચાર પર હસી લેવાની ટેવ પહેલા ન હતી. એ તો... (P.s એ પછી કહીશ હો )

ટેક્ષી ડ્રાઇવર રેડિયો ઑન કરી સ્ટેશન ફેરવી રહ્યાં હતાં. બારી બહાર જોઈને મંદ મંદ હસતી સાનીકાની હસીને ખલેલ પહોંચી. એક જાણીતી ધૂન. આવું કંઈક એણે પહેલાં પણ ક્યાંક સાંભળ્યું હતું. આંખો બંધ કરીને થોડી વાર સુધી એમજ બેસી રહી.

'હમણાં જે ગીત હતું.. આની પહેલાં જે... અં... કંઈક ધૂન જેવું... કંઈક સંગીત હતું. એ કયું ગીત હતું ?' થોડું અચકાતા નાછૂટકે સાનીકાએ ડ્રાઇવરને પૂછી લીધું.
'સ્વારંગનું ગીત ?' ડ્રાઇવરે ગાડીને વળાંક આપતાં પૂછ્યું.
'સ્વારંગ?'
'હા, સ્વારંગ ત્રિવેદી! તમે કદાચ ગીત સંગીત વધારે સાંભળતા નથી લાગતા. અરે આ છોકરો તો ધૂમ મચાવી રહ્યો છે. બે-ત્રણ મહિને એનું એકાદું ગીત તો હોય જ અને એય પાછું સુપરહિટ...'

સાનીકા ફરી બારી બહાર જોવા લાગી. એની આંખોમાં હવે ચમક હતી. ડ્રાઇવર ફરી બોલવા લાગ્યાં.
'યુવાનોમાં બહુ પ્રિય છે... એના ગીતો બહુ સંભળાય છે.. અને આ તમે પૂછતાં હતાં એ... એના દરેક ગીતના અંતે એક ખાસ ધૂન હોય છે. ગીત કોઈ પણ પ્રકારનું કેમ ન હોય ગીતના અંતે આ ધૂન અચૂક ગોઠવી દેય છે. થોડી અલગ છે પણ લોકોને તો હવે એ ધૂન પણ ગમવા લાગી છે. તમારી જ વાત કરો ને તમે આજે પહેલીવાર સાંભળી લાગે છે તોય તમને પસંદ પડી ને....

ધૂન....

આ શહેરની સૌથી મોટી અને જાણીતી લાયબ્રેરીના એક ખૂણામાં આછા પ્રકાશમાં મોબાઇલની ફ્લેશલાઇટની મદદથી કોઈ પુસ્તક શોધી રહેલી સાનીકાના હાથની આંગળીઓ પર પોતાની આંગળીઓનો હળવો સ્પર્શ આપીને સ્વારંગ ધીમેથી બોલ્યો, 'સારંગી ને સિતાર જેવા વાજિંત્રો તો અમથા આટલા વખણાય છે... બાકી આ તારી આંગળીઓને હળવો સ્પર્શ આપીએ એટલે એનાથીય વધુ મધુર સંગીત સાંભળવા મળે છે...'

સાનીકાએ મોબાઇલની ફ્લેશલાઇટ સ્વારંગના ચહેરા પર કેન્દ્રિત કરી.
'તું અહીંયા કેવી રીતે?'

'મને તારી બધી ખબર હોય...' સ્વારંગ મોબાઇલની લાઇટ બંધ કરી.

'ઓહઃ રીયલી ?' સાનીકાએ ફરી ફ્લેશલાઇટ ઑન કરી અને પુસ્તક શોધવા લાગી.

' ઑહ યસ...નો.. ઑહ નો...' સ્વારંગે સાનીકાના હાથમાંથી મોબાઈલ લઈ લીધો.
'એક્ચ્યુઅલી કોલેજ ગયો હતો મિસ કવીયિત્રી.
નોટિસ બોર્ડ પર તારી કવિતા હતી. આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. Wow... સો પ્રાઉડ ઑફ યૂ સાની'

સાનીકાએ ટેવવશ એક મીઠી મુસ્કાન સાથે મોઢું ફેરવી લીધું.

'બાય ધ વે હું તને આ કહેવા નથી આવ્યો ઓકે. હું કલાસમાં બેઠો હતો અને મનમાં એક ધૂન આવી. એક સરપ્રાઇઝ ધૂન. તારે સાંભળવાની છે અને એ માટે તારે અત્યારે મારી સાથે આવવાનું છે'

'તું ચાલું લેક્ચર આવ્યો છે ? એ પણ ખાલી એક ધૂન સંભળાવવા ?'

'હા... તું આવ.. હું બહાર ઉભો છું. બાઇક સ્ટાર્ટ કરું છું. ફટાફટ આવજે....'

'હું નહીં આવી શકું... એમ કેમ અચાનક આવી જવાનું ?'

'તારે આવવાનું છે. ફાઇનલ છે. એક સરપ્રાઇઝ છે. તને આ ધૂન ચોક્કસ ગમશે. જલ્દી આવજે...' એક શ્વાસે આટલું બોલીને સ્વારંગ દોડીને જતો પણ રહ્યો.

સાનીકા વિચારમાં પડી ગઈ... 'આવજે... અચાનક બસ આવજે બોલીને જતું રહેવાનું. એમ કેમ હું ક્યાંય આવી જાઉં ? હું ક્યાંય નથી આવવાની ઓકે ?'

સાનીકાએ પાછું ફરીને જોયું. સામેની બાજુ દીવાલ હતી...

(ક્રમશઃ)