"નવા વર્ષની ગિફ્ટ"
શિયાળની થીજવી નાખે એવી એક સાંજ હતી.વર્ષનો અંતિમ દિવસ હતો.લોકો નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. રસ્તા પર માણસોની અવર જવર વધારે દેખાય રહી હતી.લોકો પોતાના પરિવાર સાથે બહાર ફરી રહ્યા હતા.નાના - મોટા સૌ ખુશ દેખાય રહ્યા હતા.ચારે બાજુ લોકોની ભીડ વચ્ચે એક 25 - 26 વર્ષનો યુવક સાવ દુઃખી દેખાય રહ્યો હતો.એનો ચહેરો જોઈને લાગતું હતું જાણે કેટલાય દિવસથી રડી રહ્યો હતો.મનમાં કેટલુંય સંઘરીને રસ્તાની એકબાજુ ચાલ્યો જતો એ યુવક અચાનક રોકાય જાય છે.તેની નજર સામે એક નદી વહેતી હતી. એ યુવક વહેતી નદીના પાણીને આંખોમાં સમાવીને કશુંક વિચારી રહ્યો હતો.
ઘણું વિચાર્યા બાદ એ યુવકે પોતાના પેન્ટના ખિસ્સામાંમાં હાથ નાખીને એક બોક્સ કાઢયું.એ બોક્સમાં એક ઘડિયાળ હતી.જે એના પપ્પાએ એના જન્મદિવસે ગિફ્ટમાં આપી હતી.એ માણસ ઘડિયાળ સામું જોઈને બોલી રહ્યો હતો,"પપ્પા તમે ઘડિયાળ તો આપી દીધી પણ મને સમય આપ્યા વગર જ કેમ ચાલ્યા ગયા ?? મમ્મીની જેમ તમે પણ કેમ ચાલ્યા ગયા...??તમારા વગર એકલા એકલા મારાથી આ જીવન નહીં વીતે.તમારા વગર જીવવાનો કોઈ અર્થ નથી." આટલું બોલતા જ એ યુવક સામે દેખાતી નદીમાં કૂદીને સુસાઈડ કરવા જઈ રહ્યો હતો.ત્યાં જ પાછળથી એક નાનકડી લગભગ 7-8 વર્ષની છોકરીએ આવીને કહ્યું, "મારી મદદ કરશો ??"
એક બાળકીના અત્યંત વ્હાલ ભર્યા શબ્દો સાંભળીને એ માણસે પાછળ વળીને ઘૂંટણીયે બેસીને એ બાળકીને પૂછ્યું, "બોલને બેટા હું તારી શુ મદદ કરી શકું ??"
છોકરીએ જવાબ આપ્યો ,"તમે આ એક બિસ્કિટનું પેકેટ ખરીદશો ?? છોકરી જોઈ નહતી શકતી છતાં બિસ્કિ વેચી રહી હતી.આ જોઈને પેલો યુવક આશ્ચર્યમાં પડી ગયો.
એ યુવકે પૂછ્યું, "બેટા તારા મમ્મી-પપ્પા ક્યાં છે ?? તું આમ એકલા અને કેમ રસ્તા વચ્ચે બિસ્કિટ વેચે છે ?? "
બાળકીએ ખૂબ માસુમ રીતે જવાબ આપ્યો, "સાહેબ હું અનાથ છું.મને નથી ખબર મારા મમ્મી -પપ્પા કોણ છે.હું સામે પેલી અંધલોકો માટે બનાવેલી સંસ્થામાં રહુ છું.આ બિસ્કિટ વેચીને મારે મારા મમ્મી-પપ્પા માટે નવા વર્ષની ગિફ્ટ લેવી છે.મને નથી ખબર કે મારા મમ્મી- પપ્પા કોણ છે પણ વિશ્વાસ છે કે એ લોકો મને ઉપર આકાશમાંથી જોતા હશે."
બાળકીની આ વાત સાંભળીને યુવક રીતસરનો હચમચી ગયો.એ વિચારી રહ્યો હતો કે, " એક નાનકડો જીવ .જેણે ક્યારેય એના મમ્મી- પપ્પાને જોયા પણ નથી છતાં એમના માટે ગિફ્ટ લેવા આટલી મહેનત કરી રહી છે અને હું આમ કાયર બનીને મારું જીવન ટૂંકાવા જઈ રહ્યો હતો...!! "
એ યુવકે બાળકીના બધા જ બિસ્કિટ ખરીદી લીધા અને આજુબાજુ નાનાં બાળકોમાં વહેચી દીધા.એ બાળકીના બધા જ બિસ્કિટ વેચાય ગયા હોવાથી એ ખૂબ ખુશ હતી.તેણે યુવકનો આભાર વ્યક્ત કરતાં કહ્યું," સાહેબ હું સવારની બિસ્કિટ વેચી રહી છું પણ કોઈ ખરીદતું નહતું. તમે આવ્યા અને મારા બધા બિસ્કિટ ખરીદી લીધા.હવે હું મારા મમ્મી-પપ્પા માટે ગિફ્ટ ખરીદી શકીશ.તમે મારી મદદ કરીને મને નવા વર્ષની સૌથી મોટી ગિફ્ટ આપી છે." આ સાંભળી યુવકે કહ્યું "બેટા,ગિફ્ટ મેં નહીં તે મને આપી છે.અજાણતા જ તે મને જીવવાની એક નવી આશા આપી છે." આટલું કહી યુવક આકાશ તરફ જોઈને મનોમન પોતાના મમ્મી-પપ્પાને માફી માંગે છે.
યુવક એક નવા જ ઉત્સાહ સાથે ગીત ગાતા ગાતા પોતના ઘર તરફ પાછો વળે છે...
દિલ મેં ઉજાલા હો,ખુદકો સંભાલા હો,
તો યારો ક્યાં બાત હૈ,
યહી જીના હૈ,યહી જીને કી શરૂઆત હૈ,
ઝિંદગી ખુબસુરત હૈ.......
-SHILPA PARMAR "SHILU"