Breathe books and stories free download online pdf in Gujarati

વિસામો

વિસામો.....

રાત્રીનો દોઢ વાગ્યો છે ને સેમ 6 ની પરીક્ષાના નજીકના દિવસો છે ને રમણલાલ કે ધારૈયાની આધુનિક ભારતનો ઈતિહાસ અને સ્વાતંત્ર્યસંગ્રામ ભાગ 2 વાંચતા વાંચતા જરાક થાક ખાવા ઉભો થયો છું ને ઘડીક વિસામો સાંભર્યો.

સાલું દરવખતે યુનિવર્સિટી કોર્સના નામે નિતનવા ધાંધીયા કરે ને વિદ્યાર્થીઓ દરવખતે મુશ્કેલીમાં મુકાય એટલે મેં નક્કી જ કર્યું કે ગમે ત્યાંથી પૂછે આપણે સંદર્ભ પુસ્તક વાંચવું . એટલે આ પુસ્તક વાંચતા વાંચતા ઘણો સમય થયો ને ઘરમાં કોઈને અવાજ ન થાય એમ ઘડામાંથી લોટો ભરીને પાણી પી ગયો ને પછી થાક ખાવાનું મન થયું. મારા પુસ્તકાલયમાંના છેલ્લા ખાનામાં મારો વિસામો રાખું જે હંમેશા મને તરોતાજા રાખે છે. ક્યારેક ખલીલ ધનતેજવીની સરોવર હોય કે ક્યારેક હાકલદાદાના 'પડઘા' હોય તો ક્યારેક રાઘવજી માધડ સાહેબની કોલમના લેખ હોય ને છેલ્લે જેણે મને સંવેદનાનો ચહેરો બતાવ્યો એવા સ્વ. જનક ત્રિવેદી (જનકદાદા) નો વાર્તાસંગ્રહ બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ હોય. પણ મને ખાસ કરીને બાવળ વાવનાર ખૂબ ગમે કારણ કે તેમની વાર્તામાં શબ્દે શબ્દે મધને શરમાવે એવી મીઠાશ છે.

ઉપરના વર્ણન મુજબ જે તમે વિચાર્યું છે એટલો સરળ વાર્તાસંગ્રહ નથી. એક વાર્તા તમે 3 વાર વાંચો તો ય મગજમાં કોઈ ચિત્ર સ્પષ્ટ ન થાય . કારણ કે વાર્તાના નાયકને તેની મૂળ સ્થિતિમાં તેમણે પ્રસ્તુત કર્યા છે. પણ હા એકવાર તમને પક્કડ બેસી ગઈ તો પછી તમે આખો વાર્તાસંગ્રહ પૂરો કરીને જ ઉભા થાઓ એવી ચુંબકીય શક્તિ આ વાર્તાઓમાં છે.

કુલ ૧૮ વાર્તાઓ આ સંગ્રહમાં છે આમ તો જનકદાદાએ ઘણી વાર્તાઓ લખી છે પણ અહીં આટલી જ વાર્તાઓ પ્રસ્તુત છે. આ વાર્તાના વાંચન પરથી એક વાત દ્રઢપણે દરેક વાચકના મનમાં એક ચિત્રપટ રચાઈ જાય છે ને ક્યાંક એ વાર્તામાં રહેલા પાત્રો કદાચ જીવતા મળી જાય તો તમે ચોક્કસપણે કહી શકો કે આ એજ 'કાનજી' હશે કે પછી એજ 'હકાટીડા' છે. અરે પછી તો 'બાવળ વાવનાર' પણ તમારા સામે આવે તો તમે પોતે જ ઓળખી બતાવો કે આ કોણ છે

વાંચન સમયે ઉતાવળ કદાપી ન કરવી નહિતર એનો મૂળ અર્ક સમજવા મળતો નથી. માટે જ તો આવા પુસ્તકને રાત્રે વાંચવાનો આગ્રહ રાખું છું. મારો અનુભવ અહીં વાત કરું તો એક માનવ માનવની સંવેદના આ વાર્તાઓમાં જાગૃત થાય છે ને જો વાચક ખરા દિલથી વાંચે છે તો એના વર્તન અને વ્યવહારમાં ચોક્કસપણે બદલાવ આવે છે. એક સ્ટેશન માસ્તર થઈને આટલા મોટા ગજાના સાહસ ખેડીને વંચિતવર્ગને લાભ આપવાનું કામ એમણે ખંતથી કર્યું છે. જો આ કામ તેઓ ન કરત તો તેમને કોણ કહેવાનું હતું ? તેમનો પગાર કાપી જવાનું હતું ? તેમને મળતી સગવડો ઓછી થઈ જવાની હતી ? પણ ના...... જ્યારે મારા સ્ટેશનમાં કામ કરતા શ્રમજીવીઓ માટે હું નહીં લડુ તો કોણ લડશે ને જે પરિવારમાંથી લોકો આવતા તેનો તેમણે તલસ્પર્શી તાગ મેળવ્યો હતો. આ વસ્તુ તેમની વાર્તાઓમાં "પરોક્ષ" રીતે દેખાઈ આવે છે. તેમણે જરા પણ પોતાની "મહાનતા" દેખાડી નથી ને વાર્તાના વિષયવસ્તુમાં "પોતાને" જોજનો દૂર રાખ્યા છે. પણ તેઓ વાચકના હૃદયમાં અંકિત થઈ જ જાય છે. કારણ માનવ હૃદય એ સંવેદનશીલ છે.

બાવળ વાવનારમાં તેમની જે કરુણ સ્થિતિ છે એ વાંચતા જ હચમચી જવાય છે. કારણ કે એ તમામ સ્થિતિ એ કક્ષામાં હતી કે જ્યાં સર્વસ્વ "ત્યાગ" હતો એ પણ સામે ચાલીને કરેલો ત્યાગ. જ્યારે તમે સત્યના માર્ગે ચાલો છો ત્યારે તમારા સાથે કેવી ઘટના ઘટશે એનું તાદ્દશ વર્ણન આ વાર્તાઓ છે.

મૂળ વાંચનથી થોડો દૂર જઈને આ કક્ષાનું વાંચવાનો આગ્રહ હું એટલે લઉ છું કે જીવતર આમ પણ જીવાય.... પરિવારની ભાવના આવી પણ હોય ને બીજાને માટે થઈને ત્યાગ , સમર્પણ, બલિદાન અને પોતાનું સર્વેસર્વા અર્પણ કરો ને ત્યારે આમ અંતરથી રાજીપો થાય એનું નામ જીવન.......

બાપ... આમ તો જીવતર જીવી જવાય..

વિસામાને (જનકદાદાને) નતમસ્તક વંદન 💝

બાકી વિસામેથી રજા લઉ..... આ વિષય પર થિસીસ લખાય તો ય ઓછું પડે એમ છે.. હાલ તો .....કોલેજની પરીક્ષા આવે છે...

© ધ્રુવ પ્રજાપતિ 'આઝાદ'

બીજા રસપ્રદ વિકલ્પો