જીવનસાથી... - 16 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસાથી... - 16

ભાગ..16


આપણે આગળ જોયું એ મુજબ બધી સખીઓ આજ ફરી મળવાની છે. સુહાનીએ આપેલા આમંત્રણથી બાકીની ત્રણેય સખીઓ મળવા ઉત્સુક છે. રેખાએ પણ નાના માધવને ફોસલાવીને સુહાનીઆંટીને ત્યાં લઈ જવા સમજાવી જ લીધો. હવે આગળ.....

સુહાનીએ સાંજના હળવા નાસ્તા માટે દહીંવડાની તૈયારી કરી છે. ચાર સખીઓને એ પોતાનું ઘર બતાવવા તત્પર છે. એણે સાચવેલા રમકડાં જેવા કે કાર, બેટ-બોલ, પઝલ ગેમ અને કેરમ જેવી રમતો એણે માધવના રમવા માટે બહાર કાઢ્યાં.

બરાબર બપોર પછીના ૪:૩૦એ રેખાએ ડોરબેલ વગાડી. સુહાનીનું ઘર મહેતાભાઈના ઘરથી થોડું દૂર હતું. રેખા આ રસ્તે અવારનવાર પસાર થતી. એને બંગલાની બહાર જ મોટી નેમ પ્લેટ 'સાગર. એ. રાજદાર' વાંચેલું હતું. સુહાનીએ દરવાજો ખોલી સસ્મિત રેખાને આવકારી. રેખાની આંગળીએ માધવ પણ હતો. એકદમ 'કાનુડા' જેવો જ. માધવે તો આંગળી છોડી પોપટ અને લવબર્ડના પિંજરા પાસે જવાનું જ ઉચિત સમજ્યું.

રેખા ખાલી હાથ નહોતી આવી. એ પંજાબી પાપડ અને ચોખાના પાપડ સાથે લાવી હતી સુહાની માટે. સુહાનીએ પણ હસતા ચહેરે સ્વિકારી લીધા. રેખાની આગતા સ્વાગતા કરી રહી હતી ત્યાં જ પાયલ અને સીમા પણ પહોંચી ગયા. સુહાનીએ એ બન્નેનું ઉષ્માસભર સ્વાગત કર્યું. ત્યાં જ સીમાની નજર રમતા માધવ પર પડી.

સીમાએ માધવને એક ચોકલેટ આપી અને કહ્યું પણ ખરા, " બિલકુલ મમા જેવો જ કયુટ છો..છોટે રાજદાર."

સુહાની : "સીમાજી, એ માધવ તો રેખાનો સુપુત્ર છે. અમે બેય એ સુખથી વંચિત છીએ. અને કદાચ એ સુખ ન પણ-"

સીમા : "સોરી, સુહાની મને ખબર ન હતી એ વાતની. મારાથી દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજે."

સુહાની : "અરે સીમા, અજાણતા તો બધાને ભૂલ થવાની જ ને..ચાલો હવે અંદર.. હું અને રેખા રાહ જોઈએ છીએ."

સીમા અને પાયલ બેય ઘરમાં પ્રવેશે છે કે બેયની આંખો ચાર થઈ જાય છે. પાયલ તો સુહાનીના ઘરના વખાણ કરતા થાકતી નથી. એ વારંવાર સુહાનીને ભાગ્યશાળી ગણાવે છે.
રેખા તો સાવ મૌન જ રહે છે. એ માની લે છે કે એ પોતે એ શબ્દો બોલવા માટે પણ સક્ષમ નથી. સીમા પણ સુહાનીના ઘરની સ્વચ્છતા અને સુશોભનના દિલથી વખાણ કરે છે.

સીમા : "સુહાની ,આ રેખાનું ઘર પણ આટલું જ સરસ હતું. પણ ત્યારે માધવ તો હતો નહીં .."

રેખા : " માધવને તો મારો ભાઈ ફરવા લઈ ગયો હતો. ક્યારેક વધારે કામકાજ હોય ત્યારે મારા ભાભી અને ભાઈ માધવને સાચવી લે છે અને હું શાંતિથી મારું કામ કરી શકું છું."

સુહાની : " રેખા, તું કાલ કશુંક માધવનું કહી રહી હતી ને !"

રેખા : " રહેવા દો ને, મારે એ રોજની મગજમારી છે.."

પાયલ : " એમ થોડી તને એકલી પડવા દેશું, બોલ તો શું પરેશાની છે તને !"

રેખા : " આ માધવ હવે બધા સાથે બહાર રમતા શીખ્યો છે તો પડોશીના બાળકો એના પપ્પાની રાહ જોતા હોય, પપ્પા સાથે બહાર જતા હોય કે પછી પપ્પાના નામની ધાકધમકી આપતા હોય ત્યારે આ પણ એમને જોઈ એવા જ શબ્દો વાપરે ઘરમાં અને બહાર ; તો આ પડોશીઓ અને સંબંધીઓ એક જ વાત શીખવે કે તારે પપ્પા છે જ નહીં. તું કોને ફરિયાદ કરીશ? પપ્પા સિવાય કોઈ ભલું ન થાય. અરે..... આવું તો ઘણું ઘણું બોલતા હોય....ઝઘડવા બેસું તો આનું રમવાનું બંધ થઈ જાય અને કશું ન બોલું તો આ માધવને હું વાંકમાં હોઉં એવું લાગે છે.. ગઈ રાત્રે બે વાગ્યા સુધી પપ્પાની રાહમાં સૂતો જ નહીં. મેં મારી જાતને વચન આપ્યું છે કે માધવની સામે કયારેય લાચારીના આંસુ નહીં જ વહેવડાવું."

સુહાની : "આ સમાજની સિસ્ટમ પણ દાઝયા પર ડામ દેવાની નિતી ધરાવનારી છે. કોઈની પરિસ્થિતિ સમજે જ નહીં. આ ભોળું બાળક શું સમજવાનું આમાં? મને પણ બાળકની બહુ ખેવના છે. સાગર અને હું લગભગ બધા જ આરોગ્યને લગતા ઉપાય કરી ચૂક્યા છીએ. સમસ્યા બેમાંથી એકને જ હોવાની. અમે બેયએ આ વાત સ્વિકારી લીધી. આ સમાજના લોકો અમે અલગ હોય તો પણ ભલે અને સાથે હોય તો પણ ભલે આ એક સવાલ તો પૂછ્યા વગર રહે જ નહીં."

પાયલ : "મને પણ આવા ઘણા અનુભવો થયા છે. તમે નહીં માનો મારી સગાઈ આવી સમસ્યાને લીધે જ નહોતી થતી. મા-બાપની જવાબદારી લે એવા છોકરાની શોધમાં મને ધોળે દિવસે તારા જોવા મળ્યા છે. હું જ્યારે આ વાતનો પ્રસ્તાવ મૂકતી તો બધા મને સ્વછંદી કહેતા. મેં કયારેય કોઈની વાત કાને નથી ધરી. "

સીમા : "રેખા, તું બહુ હિંમતવાળી છે. એકલા હાથે જીંદગીની સામે લડી રહી છો. તને ભગવાન જરૂર મદદ કરશે જ."

રેખા : "જો ભગવાન આ દુનિયામાં હોત તો હું આમ લાચાર હોત જ નહીં !"

સુહાની : "રેખા, આવું ન વિચાર.. તું પણ કેટલા લોકોની હિંમત બની શક. મારા મતે તો તું સર્વ શ્રેષ્ઠ નારી છે."

સીમા : "હા, વાત તો જોરદાર જ કહી દીધી..ચાલો, હવે બધા ટોપિક બદલાવો...હસીને કહે છે."

બધાને હસાવી સીમા પોતાના ખોળામાં માધવને બેસાડી રમાડે છે. માધવ હજી ત્રણ વર્ષનો જ છે. બહુ બોલકો અને ચંચળ છે. એને તો ઝુલો, પોપટ અને રમકડાં મળ્યા જાણે દુનિયા મળી ગઈ..

સુહાનીએ બધાને ચીકુ શેઈક પીવડાવ્યો અને ફરી બધા હસી મજાક તરફ વળ્યા. ત્યાં જ પાયલે પોતે કરેલી હિંમતથી સીમાની જીંદગી પણ રોમેન્ટિક બની ગઈ એવી વાત કરી. બધાએ સીમાની સહનશીલતાને બિરદાવી. સીમાએ પણ રાજથી એક ભૂલ થઈ ગઈ છે એવું સ્વિકારી રાજનું પણ માન વધાર્યું. યોગેશ પણ પાયલ માટે જે સલવાર -કુર્તી લાવેલો એ જ પાયલે આજ પહેર્યા હતા. બધાએ યોગેશની પસંદગી વખાણી.


હવે આ વાર્તામાં ફરી એક નવો વળાંક આવી રહ્યો છે એ જાણવા આપે આપનો પ્રતિભાવ પણ આપવો જ પડશે..તો આગળના ભાગમાં એ પણ જોઈએ...

------------ (ક્રમશઃ) ----------------

લેખક :- Doli modi✍️
Shital malani ✍️