હેપ્પી ટીચર્સ ડે.... Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેપ્પી ટીચર્સ ડે....

" હેપ્પી ટીચર્સ ડે.... "

આ એક સત્ય ધટના પર આધારીત વાર્તા છે.

આજે કલ્પેશ ખૂબજ ઉદાસ હતો. જેની ફી બાકી હોય તેનું દરરોજ ક્લાસમાં નામ બોલાતું તેમ તેનું પણ નામ બોલાતું પણ આજે તો હદ થઈ ગઈ હતી પ્રિન્સીપાલ સાહેબે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો અને ફી નહિ ભરવા બાબતે ખખડાવ્યો હતો તેમજ " ફી ભરવાની તાકાત ન હોય તો આવી સારી સ્કુલમાં ન ભણાય, સરકારી શાળામાં એડમિશન લઈ લે અને અહીંથી સર્ટીફીકેટ લઈ જા " એમ કહી બરાબર ધમકાવ્યો હતો.

કલ્પેશ ધો. 9 માં ભણતો હતો. પ્રિન્સીપાલ સાહેબની આ વાતથી તે ધ્રુજી ઉઠ્યો તેમજ પોતાના ક્લાસમાં આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

એટલામાં ક્લાસમાં મનિષસરનો પીરીયડ હતો તેમણે પ્રવેશ કર્યો, કલ્પેશને રડતાં જોઈને રડવાનું કારણ પૂછ્યું. તે તો કંઈજ ન બોલી શક્યો પણ બીજા બધા વિદ્યાર્થીઓએ સરને જણાવ્યું કે, " કલ્પેશને મોટા સાહેબે તેમની ઑફિસમાં બોલાવ્યો હતો અને ફી નહિ ભરવા બાબતે ખખડાવ્યો હતો તેમજ સ્કૂલમાંથી નામ કમી થઈ જશે અને સર્ટીફીકેટ લઈ જવા માટે કહ્યું હતું. "

મનિષસરે આ બધીજ વાત શાંતિથી સાંભળી અને સૌ પ્રથમ તો તેમણે કલ્પેશને શાંત પાડ્યો અને ચિંતા ન કરવા કહ્યું પછી તેમણે ઉમેર્યું કે છૂટ્યા પછી મને મળીને જજે.

છૂટ્યા પછી કલ્પેશ મનિષસરને મળવા માટે ગયો તો મનિષસરે તેને સાઈડમાં બોલાવી, ખિસ્સામાં હાથ નાંખી, કલ્પેશને આખા વર્ષની ફી ના પૈસા આપી દીધા. કલ્પેશે આ પૈસા લેવાની ખૂબજ " ના " પાડી પણ મનિષસરે જીદ કરી ને ફીના પૈસા તેના હાથમાં પકડાવ્યા અને અત્યારે જ ફી ભરી દે તેમ પણ સમજાવ્યું. કલ્પેશ મનિષસરના પગમાં પડી ગયો.

આ વાત બન્યે ચાર વર્ષ પૂરા થઈ ગયા, કલ્પેશ ખૂબજ ડાહ્યો તેમજ હોંશિયાર વિદ્યાર્થી હતો. ફર્સ્ટક્લાસ સાથે તેણે ધો.12 પણ આ જ સ્કૂલમાંથી પાસ કરી લીધું.

મનિષસર તો વિદ્યાર્થીને મદદ કરી આખી વાત ભૂલી ગયા હતા પણ કલ્પેશ આ વાત ભૂલ્યો ન હતો.

હવે કલ્પેશે સારી કૉલેજમાં એફ વાય બી.કોમ. માં એડમિશન લઈ લીધું હતું અને સાથે સાથે તે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો.

અચાનક, એક દિવસ રિસેષના સમયે કલ્પેશ સ્કૂલમાં આવ્યો, મનિષસરને પગે લાગ્યો અને તેમના હાથમાં એક કવર મૂક્યું અને કહ્યું કે, " હું અહીંથી નીકળું પછી આ કવર ઓપન કરજો સર " કવર ઉપર "માનનીય મનિષ સર " લખેલું હતું અને કવર બીડી દીધેલું હતું. સ્ટાફમાં બેઠેલા તમામ શિક્ષકોને નવાઈ લાગી કે આમ અચાનક કલ્પેશ આ કવર મનિષસરના હાથમાં આપીને કેમ નીકળી ગયો.

તેના ગયા પછી મનિષસરે આ કવર ઓપન કર્યું તો તેમાંથી પૈસા તેમજ એક ચિઠ્ઠી નીકળી જેમાં લખ્યું હતું કે, " માનનીય મનિષ સર, હું ધો.9 માં ભણતો હતો ત્યારે, મારી પાસે ફી ભરવાના પૈસા ન હતા તેમજ મારું નામ પણ આ સ્કૂલમાંથી કમી કરવાનું મને કહેવામાં આવ્યું હતું. પણ તમે મને ફીના પૈસા આપીને મારું ભણતર તેમજ મારું જીવન બચાવી લીધું હતું. હું આપનો આ ઉપકાર કદી પણ ભૂલી શકું તેમ નથી. આજે હું જે કંઈપણ છું તે આપને આભારી છું. કદાચ, આપે મારી ફી ન ભરી હોત તો હું પણ ક્યાંક બાળમજૂરીએ લાગી ગયો હોત. આપે મારા જે ફીના પૈસા ભર્યા હતા તે હું આપને પરત કરું છું. "
નમસ્કાર
આપનો વિદ્યાર્થી કલ્પેશ.
( અને સ્ટાફમાં બેઠેલા દરેક શિક્ષકની આંખ ભીની થઈ ગઈ હતી કે આવા શિક્ષક તો હોય છે પણ આવા વિદ્યાર્થીઓ પણ હોય છે. )

સમાજમાં આવા પણ શિક્ષકો છે, જેને કારણે આ સભ્ય સમાજ જીવિત છે તેમજ માણસાઈ ટકી રહી છે..... તેમજ શિક્ષકગણ ગર્વ અનુભવી શકે છે.