આસામ મેઘાલય પ્રવાસ - 5 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસામ મેઘાલય પ્રવાસ - 5

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 5, 6

નવેમ્બર 1 2019. ઠંડી અને ધૂમ્મસ વચ્ચે બારીમાંથી ગુલાબી તડકો દેખાયો. ઘડિયાળ જોઈ, 5.25! અર્ધો કલાક એમ જ પથારીમાં પડી રહી બહાર નીકળી જોયું તો ચેરાપૂંજીના ઊંચી ટેકરીઓ અને ઊંચા, અણીદાર લીલા ઘાસ વચ્ચે નીચે સપાટ જગ્યાઓમાં સ્થાનિક મકાનો દેખાયાં. આજે આસપાસનાં જ સ્થળો જોવાનાં હોઈ નિરાંતે રિસોર્ટમાં બ્રેકફાસ્ટ કર્યો, નજીક ભ્રમણ કર્યું. કોઈ બંગલાઓની બહાર ચમકતાં કાળા પોલિશ કરેલી લાકડાની ચેર પર ગુલાબી ત્વચા અને ચીબાં નાકવાળા દેખાતા એ લોકો તેમનાં બેઠા ઘાટનાં મકાનોની બહાર લીલીછમ લોનમાં બેસી ચા પીતા હતા. સવારે સાડા પાંચ વાગે. તેમનું ઘર ટિપિકલ, ચાર પીલ્લર પર ઊભેલું લીલા કે ભૂરા છાપરાં વાળું, એકદમ ચમકતાં નકશીદાર બારણાઓ અને વાંસના કે ફૂલની ડિઝાઇન વાળા પડદાઓ વાળું હતું. આ ચેરાપૂંજીનો (કે સોહાર શહેરનો) ભવ્ય, અમીર વિસ્તાર હશે.

પેલી ફૂટબોલ આકારની ટાંકી આવી. સવારે તો ખૂબ સુંદર લાગતી હતી.

9 વાગે નીકળી પહેલાં ગયા સેવન સિસ્ટર ફોલ્સ. બાજુબાજુમાં સાત ધોધ ઊંચેથી પડે છે. ત્રણ ધોધ ખૂબ ઊંચાં ત્રણ સ્ટેપ્સ સાથે પડે છે. ચોમાસું પૂરબહારમાં હોય ત્યારે સાતેય ખૂબ પહોળા દેખાય છે, આજે ત્રણ સારા દેખાતા હતા, બાકી દુરથી ઊંચી ધારાઓ દેખાઈ.

અહીંથી ગયા રેઇનબો ફોલ્સ જોવા. ધોધ નીચે પછડાતા છાંટ ઉડે તેમાંથી મેઘધનુષ્ય દેખાયા કરે. આ ધોધની પણ ઊંચાઈ સરખી એવી, અનંત લાગે તેવી હતી અને ગર્જના પણ સારી એવી.

હવે ગયાં ઇકો પાર્ક. અહીં સુંદર પાર્કિંગ સાથે સ્થાનિક વસ્તુઓ વેંચતા સ્ટોલ્સ વગેરે છે. સ્ત્રીઓએ ખરીદી કરી. લલચાઈ જવાય તેવી ચીજો હતી.

એન્ટ્રીમાં 30 રૂ. જેવી વ્યક્તિદીઠ ટિકિટ લઈ નીચે પગથિયાં ઉતરી ઇકો એટલે કે અવાજ બાઉન્સ થાય તેવી જગ્યાએ ગયાં. ખડકો સામસામે હોઈ એ બનતું. લીલાછમ્મ ખડકો પર ઉભી સામે એકદમ નીલી વાદળી ખડકાળ જગ્યા જોવાની મઝા અવર્ણનીય હતી. ત્યાંથી નીચે પથરાળ જમીન પર જઈ પગ બોળી કે સ્વિમિંગ કોસ્ચ્યુમ હોય તો નહાઈ પણ શકાય છે. એ ખળખળ વહેતુ પાણી પીવામાં પણ મીઠું હતું. ત્યાં એકાદ કલાક પણ ઓછો પડ્યો. ફોટા પાડવા માટે તો ઉત્તમ સ્થળ. હા, ખડકની ધાર પર બાઉન્ડરી કરી છે ત્યાંથી લલચાઈને આગળ ગયા તો આ સ્વર્ગીય ભૂમિ પરથી સ્વર્ગપ્રયાણ સહેલાઈથી થઈ જાય. અમે બોર્ડર પર જ ઉભી ફોટાઓ લીધા.

અહીંથી માવસામી કેલ્શિયમ કેવ્ઝ ગયાં. અહીં પણ ટિકિટ લઈ અંદર પહેલાં સો જેવાં પગથિયાં ચડી પછી ગુફામાં જવાનું. અંદરથી ભેજ ઉતરતો હોય તેના જળબિન્દુઓ એકદમ ઠંડાં તમારો અભિષેક કરે. ગુફામાં રસ્તો બતાવતા એરો અને પૂરતી લાઈટો હતી. આ જગ્યા મેઘાલય સરકાર હસ્તક હોઈ આંદામાનની જેમ ટોર્ચ નાખી આ અમુક ભગવાન કે અમુક ફૂલ કે હાથી વગેરે છે તેમ કહી આપણને બનાવીને કમાતા ગાઈડો ન હતા. વચ્ચે એક બે જગ્યાએ સાંકડી ગુફામાં બેસીને જવાનું હતું. અમદાવાદનાં વૈષ્ણોદેવી મંદિરમાં છે તેમ. બાકી ખૂબ ઊંચી ગુફા અને અંદર પૂરતી લાઈટો હતી. અલગ અલગ આકારોની ભ્રાંતિ થાય એવું તો હતું જ. અંદર જઈ બહાર નીકળતાં 35 મિનિટ જેવું થયું. બહાર એકદમ ઘટાદાર અલગ અલગ બોટનીકલ વૃક્ષો પર બોર્ડ મારી નામ લખેલાં. બાજુમાં બીજી એક ગુફા હતી તેમાં હું અને પુત્રો થોડુ અંદર ગયા. પછી સૂચના આવી કે આગળ જવું હોય તો ટોર્ચ વાળી હેલ્મેટ, જીપીએસ અને હેમર તથા લાકડી જેવાં પ્રોફેશનલ ટ્રેકરનાં સાધનો હોય તો જ જવું. ખૂબ અંદર જાઓ તો ખુબ સુંદર જગ્યા છે. અમારી પાસે એમાંનું કશું ન હતું. હજી અંદર ભુલા પડી જવાય તેવું લાગ્યું. બહાર આવી ગયા. પણ જેને આવું ગુફાનું ટ્રેકિંગ ફાવતું હોય તેમણે અનુભવ ચોક્કસ લેવા જેવો.

બહાર ખવાપીવાના સ્ટોલ્સ અને બાળકોનું રમવાનું પણ છે. મેઘાલય ટુરિઝમ દ્વારા સુંદર રખરખાવ છે.

હવે સમય બગાડ્યા વગર ભગાવી ગયા 'નોહ કા લી કાઈ'. બોલતાં ફાવતું નથી ને? કદાચ આ જ સ્થળ આઝાદી મળી તે દિવસે ગાંધીજી જ્યાં હતા તે નોઆખલી તો નહીં? અહીં પણ એન્ટ્રી ટિકિટ લઈને ગયા બાદ ઊંડી ખીણ, જંગલ અને ગર્જતાં ધોધનાં વ્યુપોઇન્ટ છે. બોલો, ક્યાંય ન મળતું નેટવર્ક અહીં મળ્યું. નેતરની વસ્તુઓ, રંગબેરંગી શાલ અને મેઘાલયનાં લાલ પીળા પટ્ટા વાળાં વસ્ત્રો વેંચતા સ્ટોલ્સની બઝાર પણ છે. ગેઇટ પાસે તજ, લવિંગની લાંબી લાકડીઓ એક વૃદ્ધ ફેરિયા પાસેથી લીધી. સાચી 'લવિંગ કેરી લાકડી' કદાચ જેનાથી રામે સીતાજીને પ્રેમથી હળવેથી ફટકાર્યાં હતાં એવું ગીત છે, તે 'લવિંગ કેરી લાકડીઓ' જોઈ. અનેક તેજાના મસાલા તેના મૂળ સ્વરૂપે હતા. ઘણી ખરીદીઓ થઈ, ફોટાઓ પડ્યા. આખું ગૂગલ આલબમ બન્યું.

દોઢ વાગી ચુકેલો. એ જ પથરાળ, પર્વતીય રસ્તે ચેરાપૂંજી શહેર જઈ ત્યાં ગોલ્ડન સ્પૂન ઢાબો જેની પાછલી બાજુ ખીણનું નયનરમ્ય દ્રશ્ય જોતાં જમી શકાય ત્યાં જમ્યા. અહીં પણ વેઇટ્રેસો જ હતી, વેઇટરો નહીં. ચિબી, ઠીંગણી, ફુલગુલાબી અને ખાસ જાતનું વસ્ત્ર પહેરેલી. તેમને હિન્દી સમજાતું હતું પણ બોલી શકતી ન હતી. થોડું મારે ઇશારાથી સમજાવવું પડ્યું.

હવે itinerary મુજબ તો બેલેન્સિંગ રોક , ટ્રી વૉચ ટાવર ને એવું બાકી હતું પણ ડ્રાઇવરે કહ્યું કે ત્યાં જવાનો રસ્તો આખો અલગ છે. સમય લાગી જશે. તે અમને આવા ટ્રાવેલ એજન્ટો નથી લખતા તેવી દેનથાલ નામની જગ્યાએ લઈ ગયો. અહીં તો સ્કૂલની પીકનીક પણ આવેલી. ચિબલાં, લાલ સ્વેટર પહેરેલાં કલબલાટ કરતાં બાળકો ઉતરી પડ્યાં.

અહીં પથ્થરો વચ્ચેથી વહેતાં ઝરણાં અને વ્યુ પોઇન્ટ્સ છે. ઝરણાંમાં પગ બોળી બેઠા રહો તો થાક ઉતરી જાય. વ્યુપોઇન્ટ ઉપરથી દૂરસુદૂર દેખાતી અનંત ઊંડી ખીણ અને એકદમ ગાઢ જંગલનો અદભુત વ્યુ જોયો. સાથે ધોધ બોનસમાં. હવે તો ધોધ પણ અમારી આંખોને સામાન્ય બની ચૂકેલા. પાણી એટલું સ્વચ્છ કે પ્રતિબિંબ બીજા આપણે પાણીમાંથી આપણને જોતા હોઈએ તેવું. પુત્રો, પુત્રવધુઓએ પહોળા પગોના ચોકટ બનાવતા ફોટાઓ ખેંચ્યા. બે તમારા પગ બે તેનાં પ્રતિબિંબ. નજીક નદી ઉપર બાજુઓ લોખંડના ગર્ડરની પણ વાંસનો રસ્તો એવો બ્રિજ હતો જેના એક થી બીજા છેડે ચાલીને જઈ આવ્યા. એમ ને એમ ચાર વાગી ગયા. સૂર્ય ઢળવા માંડેલો. આપણા સાંજે સાડાપાંચ જેવો. ફરી એ જંગલ, પથરાળ સિંગલ ટ્રેક અને પોણાપાંચે તો અંધારું.

અમે મેઘાલય ટુરિઝમ સંચાલિત ઓરેન્જ રૂટ નામની રેસ્ટોરાંમાં ગયાં. ઢોંસા કે પરોઠા દહીં નો જબરો ઉપાડ હતો. કોફી પણ ત્યાંની ફ્લેવરની મસ્ત હતી. ઓર્ડર નોંધાવવા પણ ગરદી. રસ્તાની બીજી તરફનું પૂર્વ ફેસિંગ ટેબલ મળે તો જંગલ અને ખીણનો પણ વ્યુ મળે. વેલડ્રેસ્ડ, એ પણ ટ્રેડિશનલ ખાસી ડ્રેસમાં સજ્જ વેઇટ્રેસો અને તેમની સુપરવાઇઝરો. ત્યાં સાંજે છ પછી ઓર્ડર લેવા બંધ કરી દે છે. અમે કોફી, નાસ્તો કરી સાડાછ વાગે તો ઘોર અંધારામાં રિસોર્ટ પહોંચ્યાં. કાલે દિવસ 6. નીકળવાનું હતું. ડ્રાઇવરે તાકીદ કરી કે જેમ બને તેમ જલ્દી નીકળવું, સવારે સાત થી મોડું નહીં. નહીંતર શિલોન્ગ ના ટ્રાફિકમાં એ શહેરમાં જ કલાક ઉપર નીકળી જશે. રસ્તે પણ ટ્રાફીક નડ્યો તો લોકોની ફ્લાઈટો પણ મિસ થઈ છે.

આજે તો વ્યવસ્થિત ઓર્ડર આપી ખપ પૂરતું પેકિંગ પતાવી ટીવી જોઈ સુઈ ગયાં.

સવારે રિસોર્ટનો ચૂલો પેટાય તે પહેલાં પોણાસાતે તો ચેકઆઉટ કરી નીકળી ગયાં. 8 વાગે એક શહેર આવ્યું જ્યાં છેલ્લી authenticate બ્લેક ટી મેં પી લીધી. ત્યાં જ 5 રૂ. વાળાં શૌચાલય. એક સાતેક વર્ષની રૂપકડી બાળા ખોલી ગઈ. પૈસા ઉઘરાવી ગઈ. ચા નાસ્તો ત્યાં જ પતાવી 9 થી 9.30 શિલોન્ગ ચીરીને નીકળ્યાં. પેલાં પાંદડાંની જગ્યાએ ગુલાબી ફૂલોથી લદાયેલાં પીચ વૃક્ષોના છેલ્લા ફોટા પાડ્યા.

સવારે 10 આસપાસ નોંગપો શહેર આવી ગયું. અમારી સાઈડે જ સરદાર દા ઢાબા આવ્યો. સુંદર શીખ ભજનો સાંભળતાં હલવો, ચણાપુરી અને એવું ખાઈ, સરસ લસ્સી કે કોફી પી આગળ વધ્યાં.

રસ્તે હવે ઉમ્મમ લેઈક આવ્યું. સુંદર ગાર્ડન સાથે વિશાળ લેઈક. વચ્ચે એક ટાપુ. બોટિંગ 1500 રૂ.માં કલાક માટે થાય જે કરવાનો સમય ન હતો. આમેય ત્યાં લોકલ ઉત્સવ હતો. બોટિંગ બંધ હતું. લેઈક સાથે અલગ અલગ ફૂલોથી લદાએલ વૃક્ષો હતાં. ગયે વખતે બહાનાં બતાવી ધીમા ડ્રાઇવરે ઉભી નહોતી રાખી તે શાંતિથી જોવાઇ ગયું.

સાડાઅગિયાર આસપાસ તો ગુવાહાટી આવી ગયું. આવતી વખતે કામાખ્યા માતાનાં દર્શન સરખાં નહોતાં થયેલાં તેથી ફરી જવાનું નક્કી કર્યું. ગુવાહાટી શહેર ચીરીને, ભર ટ્રાફિકમાં ત્યાં પહોંચતાં ફરી પોણો વાગવા આવેલો. ફરી એ જ પંડા ને સાધી આ વખતે અંદર જઈ નાની પૂજા અને દર્શન સારી રીતે શ્રદ્ધાથી કર્યાં. એરપોર્ટ આવતાં પેલી એરવિંગ, અંદરથી પ્લેન જેવા દેખાવની રેસ્ટોરાંનાં પાર્કિંગમાં પાર્ક કરીએ ત્યાં તો કેસરી અને બીજી કોઈ ટ્રાવેલની બસોમાંથી ટુરિસ્ટો રીતસર પાગલની જેમ દોડ્યા અને જગ્યાઓ રોકી લીધી. તેમને તો કદાચ આજે બ્રેકફાસ્ટ પણ સર્વ નહીં કર્યો હોય. માંડ એક ટેબલ મળ્યું. પેલા ટુરિસ્ટો નો દેકારો. અમને વીસેક મિનિટ સુધી કોઈ પાણી આપવા કે ઓર્ડર લેવા આવ્યું નહીં. બે જ વેઈટર અને કેપેસિટી થી વધુ ભરેલી રેસ્ટોરાં. અમે બાજુની સામાન્ય લાગતી રેસ્ટોરાંમાં ગયા અને જલ્દી ફૂડ લાવવા કહ્યું ત્યાં બે વાગી ચૂકેલા. 6 ની ફ્લાઇટ માટે 4 વાગે તો ચેક ઇન કરવું પડે. જમીને છેલ્લા કોળિયે એરપોર્ટમાં દાખલ થયા ત્યાં પેલા ટ્રાવેલવાળા ટુરિસ્ટો અત્યંત અશિસ્ત સાથે બુમાબુમ કરી ચેક ઇન માટે ઘુસાધુસી કરતા હતા.

ગુવાહાટી એરપોર્ટના તૈલચિત્રો નિરાંતે જોયાં. કલકત્તા 7.30 આસપાસ આવ્યું. ડિપાર્ચરમાં જ વિવિધ રેસ્ટોરાં છે ત્યાં ખાઈ, ત્યાં જ બંગાળી મીઠાઈનો ટેસ્ટ કરી રાત્રે 10ની ફ્લાઇટ માટે ચેકઇન કર્યું. સવાબે કલાક હવામાં કાપી અમદાવાદ રાત્રે લગેજ લઈ બહાર નીકળ્યાં ત્યાં એક જેવો વાગેલો.

એક સારો એવો પ્રવાસ સ્મૃતિમાં લઈ ઊંઘમાં પણ લીલાછમ્મ સર્પાકાર રસ્તે ટેક્ષી જતી હોય તેમ અનુભવતા બસ, રોજના રૂટિનમાં ગોઠવાઈ ગયા.

-સુનીલ અંજારીયા

સમાપ્ત.