આસામ મેઘાલય પ્રવાસ - 3 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસામ મેઘાલય પ્રવાસ - 3

નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 3.

સવારે આંખ ઉઘડી ત્યાં પડદા પાછળથી પણ ગુલાબી કિરણો આવતાં હતાં. ઊંડો શ્વાસ લીધો. હવા એકદમ તાજી, નાવીન્ય ભરી. મેં બારી પાસે જઈ પડદો હટાવી ઉગતો લાલ ચટક સૂર્ય જોયો. ઘડિયાળ જોઈ. અરે! 5.22 સવારે. 30.10 ના જ.

બ્રશ કરી બ્લ્યુબેરી રિસોર્ટના સુંદર પુષ્પાચ્છાદિત આંગણામાં કાળા પોલિશની નેતરની ચેર અને હિંચકા પર બેઠો. ચાલવા નીકળ્યો. પેલી 1898માં બનેલી હોટેલ પાઈનવુડથી ઢાળ ઉતરી કાલે અંધારું થતાં સરખું જોવું રહી ગયેલ વૉર્ડસ લેક પાછળ જ હતું તેમાં. સુંદર શાંત તળાવ, તેમાં તરતા હંસ, એકદમ ભૂરું આકાશ, વચ્ચે સફેદ પેઇન્ટ કરેલો કમાન આકારનો પુલ, રંગબેરંગી વનસ્પતિ અને વૉકવે પર ચાલતાં લોકો. આમ તો તેમાં જવા એન્ટ્રી ફી 30 રૂ. છે અને સવારે 8 વાગ્યે પ્રવેશ. ચોકીદાર રોકે ત્યાં એક સજ્જને મને પૂછ્યું કે માત્ર ચાલવું જ છે? મેં હા કહેતાં આસામીમાં પેલાને કહી મને પોતાની સાથે આવવા દીધો.

સવારે ફરવા આવવા મેમ્બરશીપ જોઈએ. વાત વાતમાં જાણ્યું કે તેઓ અહીંની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ માં પ્રોફેસર છે. અમે બન્ને લોકોને યોગા શીખવીએ છીએ એ અમારી વચ્ચે કોમન. આજે પણ તેઓ મારા ફેસબુક ફ્રેન્ડ છે. નજીકમાં જ શિલોન્ગની NIT એન્જી. કોલેજ છે. તેઓ યોગ પણ શીખવતા હતા. મેં હું યોગ ગ્રુપ નો કાર્યકર છું અને યોગ ડેમો કરું છું તેમ કહ્યું. અમે બે, એક સાવ પશ્ચિમે અમદાવાદનો બીજો સાવ પૂર્વ માં શિલોન્ગ નો- દોસ્ત બની ગયા. ફોન નં ની આપલે કરી બહાર ગેઇટ સામે મળતી 10 રૂ.ની બ્લેક ટી પીધી અને પાઈનવુડ હોટેલ સુધી સાથે ચાલતા ગયા. હું એ બ્લેક ટી નો ફેન બની ગયો છું. લારીમાં મળતી પણ કડવી ન લાગે. દૂધ નહીં નાખવાનું. ખાંડ ત્યાંની ખરી. અને બીજા મસાલા. લવિંગ પણ હતું.

એ સાહેબનું નામ મૂળ તો અલગ હતું. અહીંના લોકોનાં નામ તમને બોલતાં ન ફાવે. નહીં ચીની નહીં સંસ્કૃત જેવાં.

એક નવું જોયું. બોર્ડ પર સૂચનાઓ દ્વિભાષી પણ ત્યાંની ખાસી ભાષાની સૂચના અંગ્રેજી અક્ષરોમાં. 'ડુ નોટ લીટર, મોં નો ગ્યો ચોંગ (કે એવું)'.

કર્ણાટક, તામિલનાડુ કે કેરાલામાં તમને હિન્દી ન સમજતા કે હિન્દીમાં વાત ન કરતા લોકો મળે. બેંગ્લોરમાં સારી હોસ્પિટલના ડોક્ટરને મેં હિન્દીમાં તકલીફ કહેવી શરૂ કરેલી તો તેણે ' ઈંગ્લીશ પ્લીઝ' કહેલું. 2019માં જ. અહીં તો આવી કોઈ રીતે બોલતા ન ફાવે એવી ભાષા બોલતા લોકો પણ શુદ્ધ હિન્દી બોલી સમજી શકે છે. પોલીસ બઝારનો ઈંડાવાળો કે વૉર્ડ લેઈક બહારનો ગુરખો કે કોઈ પણ રાહદારી હિંદી સમજે. તમારા રિસોર્ટના ટાઈ પહેરેલા કેશિયર ને વેઈટર તો સમજે જ.

એક મહત્વની વાત. ડ્યુઅલ સિમ હોય તેમણે નોર્થઇસ્ટ આવતાં BSNL નું સિમ લઇ જ લેવું. બીજા કોઈ સિગ્નલ ન મળે ત્યાં ઘણી ખરી અંતરિયાળ જગ્યાએ BSNL નું નેટવર્ક મળે છે. તમારે બીજાને ફોન કરવા એ જરૂરી છે.

પેલા અતિ સ્લો ડ્રાઇવરની ફરિયાદ કરી ટ્રાવેલવાળા પાસે આજે નવો ડ્રાઇવર બોલાવેલો. બ્રેકફાસ્ટ as usual ઓરેન્જ જ્યુસ, કોર્નફલેક્સ, આમલેટ, ટોસ્ટ, કેળું, સફરજન,ચણાપુરી, અહીંનાં ભજીયાં (કોનો દી' ફર્યો હોય તે સવારે એવું તળેલું ખાય?) એ બધામાંથી પેટને ગમે તેવું દરેકે ખાધું અને સહુથી છેલ્લા પોણા નવે નીકળ્યા ક્રાંગ સુરી ફોલ્સ જોવા. એની નજીકના ટાઉનનું નામ જ 'જોવાઇ'. જોવાઇ માં જોવાનું સ્થળ!

ટ્રાવેલની itinerary માં તો લતીયમ કેન્યોન્સ અને આ ક્રાંગ સુરી ફોલ્સ અને મોનોલીથ લખેલું. ડ્રાઇવરે કહ્યું કે લખનારા ક્યારેય નોર્થ ઇસ્ટ આવ્યા જ હોતા નથી. દિલ્હી બેઠે અહીંના ટ્રાવેલવાળાને રિસોર્ટ, ટેક્ષી બુક કરવા કહે અને કમિશન લઈ લે. કોઈ તમને ગિરનાર ચડી, સાસણ જઈ, સોમનાથના દર્શન કરી એ જ દિવસે દ્વારકા કહે તો એ શક્ય છે ખરું?

મોનોલીથ એટલે એક જ વિશાળ પથ્થર જે ટેકા વગર નાની જગ્યા પર ઉભો હોય. અહીંના ગામોનાં એન્ટ્રી પાસે તોરણો એવા પથ્થરોના જ હતાં. બે ત્રણ માળ જેટલો ઊંચો પથ્થર અને બાજુમાં બે સહેજ નાના પથ્થર એમ ને એમ કોઈ ટકા વગર ઉભેલા. વચ્ચેના પથ્થરની ટોચે ક્યાંક આડું ચક્ર પણ હતું. પાઘડી હોય તેવું. ટ્રાવેલ પૅમ્ફ્લેટ માં લખેલ મોનોલીથ જઈએ તો ફોલ્સ કવર ન થાય. તેની સલાહ માની અમે જોવાઇ ભણી ગયા.

હવે આ કાંઈ ગુવાહાટી શિલોન્ગ હાઇવે ન હતો. પહાડો ઉપર ઘુમતો, શાર્પ ટર્ન વાળો સાંકડો ટુ ટ્રેક રસ્તો અને નીચે ખૂબ ઊંડી ખીણ. રસ્તા ચોક્કસ પાકા. અમુક અંતર કાંકરાવાળો કે તૂટેલો રસ્તો. એમાં વચ્ચેવચ્ચે ખીણ, ધોધ અને નીચે નાનાં કીડી જેવડાં દેખાતાં ગામો જોવા અને એ વ્યુ ના ફોટા લેવા ચાર પાંચ જગ્યાએ ઉભા. તો પણ આ નવા ડ્રાઇવરે સ્પીડ શાર્પ ટર્ન પર પણ 45-50 જેવી રાખેલી જે મહત્તમ શક્ય હતી.

કોઈ કોઈ જગ્યાએ ચળકતા ભૂરાં, ચાકળાના તોરણમાં હોય તેવાં નાનાં મોતી જેવાં જ છોડ પર ઉગેલાં અહીનાં ખાસ બોર 'બ્લ્યુ બેરી' જોયાં જે મારો પુત્ર તોડી લાવ્યો અને ખોબો ભરી સહુએ વહેંચી ખાધાં. મીઠાં, સહેજ તીખાશ અને ખટાશની ટીન્ટ વાળાં. ઠીક. અમારા રિસોર્ટનું નામ અહીંના આ ખાસ બોર પરથી પાડ્યું હશે.


કહેવું ભૂલી ગયો કે અહીં દરેક રેસ્ટોરાં કે ઢાબામાં વેઈટર સ્ત્રીઓ જ હોય છે. લિસ્સી ગુલાબી ગોરી, શરીરે ભરી અને ઢીંગણી. મોટાં ફુલોની ડિઝાઇન વાળા ડ્રેસ, ઉપર ખેસ નાખેલી. ગોઠણ નીચે ચમકતા શેઈપી પગ ખુલ્લા. ગામમાં ખરીદી કરવા નીકળેલી સ્ત્રીઓનો પણ એ જ પોશાક. અદ્દલ મોટી ઢીંગલીઓ જોઈ લો!

બાળકોને આપણે કાંખમાં આગળના હાથ પર બેસાડી તેડીએ તેની જગ્યાએ પીઠ પાછળ ઝોળી બાંધી તેડે.

શાકવાળીઓ કે એવી ફેરીયણો (અહીં ફેરિયા ભાગ્યે જ હતા) પીઠ પાછળ ઊંધા શંકુ આકારની નેતરની ટોપલીઓ લઈ નીકળે.

ઘરો ત્રણેક ફૂટ ઊંચા ચાર થાંભલા ઉપર સ્લેબ કરીને જ બનાવ્યાં હોય. આપણે પ્લીન્થ પર ચણીએ તેમાં નીચે જગ્યા નથી હોતી. આ તો કોઈ અપવાદ વિના જાણે મીની પાર્કિંગ સ્લોટ, ચાર થાંભલા ઉપર જ ઘર હોય. છાપરાં સિમેન્ટનાં ઢળતા સ્લેબના મોટે ભાગે લીલા કે ભૂરા રંગનાં. સાવ સીધા ઢાળ પર આગળ નાની નેતરની વાડ બાંધી રસ્તો ન રોકાય તેમ પ્રાઇવેટ કાર પાર્ક કરી હોય. મારી તો તાકાત નથી કે એવા ઢાળ પર કાર કાયમ રાખું.

તો વચ્ચે એક બે હોલ્ટ ચા-પાણીના લઈ સાડા બાર વાગે, પોણા ચાર કલાક મુસાફરી કરી ક્રાંગ સુરી ફોલ પહોંચ્યા ત્યારે સામાન્ય રીતે અહી 120 ની સ્પીડે સરળતાથી ડ્રાઈવ કરતા અમારા બે યુવાન સાથીઓને ચક્કર આવતાં હતાં. એકે તો રસ્તે ઉલટી રોકવાની ગોળી પણ લીધેલી જે કામ ન આવી. અહીંની આવી મુસાફરીઓમાં ન તો સંપૂર્ણ ભૂખ્યા રહેવું કે ન ઠાંસવું. બાકી તમારી તાસીર. સદભાગ્યે મને કોઈ અસર નહોતી થઈ. એકદમ ઉંચેથી નીચે કે નીચેથી ઉપર જાઓ ત્યારે કાનમાં પણ ધાક પડે છે અને કાનથી શ્વાસ લેતા હો તેવું લાગે છે.


ક્રાંગ સુરી એટલે વળાંકદાર તલવાર તેમ ત્યાં ટિકિટ આપનારે કહ્યું. પાર્કિંગથી પાંચ મિનિટ ચાલી, બસો જેવાં પગથિયાં ઉતરી એક નાનો વાંસનો પુલ ક્રોસ કરી લીલા વાંસનો ગેઇટ વટાવી ટિકિટ લઈ જવાનું. નહાવાની કે તરવાની અલગ ટિકિટ અને સ્વિમિંગ કોસ્ચ્યુમનું અલગ ભાડું. અમે તે પણ ભર્યું. નજીક સ્ત્રી-પુરુષ ના અલગ ચેન્જીગ રૂમમાં કપડાં બદલી ખડકો પકડતા નીચે જઈ પડ્યા પાણીમાં. ધોધ એટલે? દસ બાર માળનાં મકાન જેટલો ઊંચો. સફેદ ધારાઓ જે નજીક જતાં બિલકુલ પારદર્શક હતી. મને બાળપણમાં વાંચેલ ફેન્ટમની ખોપરી ગુફામાં ધોધ વટાવી જવાતું તે વાંચેલું યાદ આવ્યું. તેવો જ અનુભવ. હા, અમે ધોધ નીચેથી તરતા પસાર થયા. પીઠ પર એટલો માર વાગ્યો નહીં, માલિશ થતી હોય તેવું લાગ્યું પણ એટલી વાર આંખ આડે સફેદ પાણી સિવાય કશું દેખાતું નહીં. નજીકના કાળા ખડકો ભાગ્યે જ લપસણા હતા. લીલ નહોતી જામતી. ધોધની વચ્ચે મેઘધનુષ્ય જોવાનો આનંદ તો અવર્ણનીય હતો. કેટલું વિશાળ અને પહોળું હશે એ ધનુષ્ય? કલ્પના કરો.

એ પાણી ખોબે ને ખોબે પીધું પણ ખરું.

બહાર નીકળી કોસ્ચ્યુમ પરત આપી ફરી 200 ઉપર પગથિયાં ચડ્યા ત્યાં બે વાગી ચૂકેલા. સાથે એક બે વર્ષનો બાબો પણ હતો જે ભૂખ્યો હતો. ત્યાં જ તેમના રેસ્ટોરન્ટમાં અંદર કે બહાર જમવા બેસાય છે. અમે વનરાજી વચ્ચે બહાર જ બેઠા અને આસામી થાળી મંગાવી. મચ્છી વગરની. મમરા જેવા અને પોચા ભાત, મરચાં અને ફણસ જેવી ચીજની ચટણી, તેમનાં લીંબુનુ અથાણું, તેમનું કોઈ રસમ કમ કઢી જેવું પ્રવાહી અને રોટલી.

પુત્ર તો એ ધોધ પડતો હતો તે ઉપરના ખડક ઉપર ધાર સુધી પણ જઈ આવ્યો.

અંદર જ ખૂબ ચાલવાનું અને ચડવાનું. સાથેની એક યુવતી સાડાત્રણ કલાક મુસાફરી પહેલાં ટોયલેટ જઈ આવવા નીકળી. પાર્કિંગ તરફનો રસ્તો ચુકી. અમે તેને ગોતીએ તે અમને. અને અમૂક જગ્યાએ જ, એ પણ BSNLસિવાય કોઈ મોબાઈલ નેટવર્ક મળે નહીં. અહીં તો તે પણ પાર્કિંગ સિવાય મળે નહીં. માંડ ફોનો લાગ્યા અને ભેગા થઈ સ્ટાર્ટ થયાં ત્યાં પોણાત્રણ વાગેલા.

લુટીયમ કેવ્ઝ તરફ આવા રસ્તે પણ ભગાવી. એનો વળી જોવાઈથી આગળ અલગ જ ફાંટો અને બીજો એકાદ કલાક અંદર, લગભગ કાચા રસ્તે જવાનું.

એ પાંચ વાગે બંધ થાય પણ સવાચારે સૂર્યાસ્ત થાય તેનુ શું? જેમતેમ એ જગ્યાએ પહોંચ્યાં. લુટિયમ નો અર્થ વળી 'જગતનો અંત' એવો છે. દ્રષ્ટિ ન પહોંચે તેટલી ઊંડી ખીણ. નીચે કોનીફેરસ અને એવાં અત્યંત ઊંચાં ત્રીસેક માળ જેટલાં વૃક્ષો. સીધી કરાડ, અસીમ નીચે જતી ભેખડો. પુત્રો કહે ગ્રાન્ડ કેન્યન આવું જ છે. ત્યાં ફૂંફાડા મારતો પવન હતો.

સૂર્યાસ્તની તૈયારી હતી. ફરીથી ફટાફટ કારમાં બેસી શિલોન્ગ તરફ મારી મૂકી. 4.35 આસપાસ સૂર્યાસ્ત થયો અને જોતજોતામાં ઘોર નું યે ઘોર અંધારું. પોણાપાંચે તો પુત્રો આકાશમાં નક્ષત્રો ઓળખવા માંડ્યા. ખુલ્લું આકાશ અને અગણિત તારા. પોણા છએ તો પુત્ર કહે મિલ્ક વે પણ દેખાય છે. આપણી આકાશગંગા. તકલીફ અમારા ડ્રાઇવરને હતી. કલાકની મુસાફરી બાદ કોઈ 'કા' રી' કે એવા નામની ઢાબાની ચેઇન આવી ત્યાં ચા પાણી અને થોડા રેસ્ટ માટે ડ્રાઇવરે ઉભી રાખી. પછી કોઈ ટોયલેટ જવાની પણ જગ્યા નહીં. એકાદ મળી ત્યાં 5 પછી બંધ કરી માણસો નીકળી ગયેલા. આપણા રાતના11 જેવું સુમસામ. ત્યાં ક્યાંય, આવા રસ્તે પણ જાહેરમાં મૂત્રત્યાગ માટે કોઈ ઉભવાનું વિચારે પણ નહીં. 5 રૂ. આપી પબ્લિક ટોયલેટ જ વાપરે. સ્ત્રીઓ રહી શકે તેમ ન હતી. હવે ડ્રાઇવરે જે ભગાવી છે!

ક્રમશ: