બાણશૈયા - 4 Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાણશૈયા - 4

પ્રકરણ: ૪

સપ્તમેવ સખા ભવઃ

એ ઊર્ફે ફિઝિક્સ ઊર્ફે સ્કૂલ ઊર્ફે સાહેબ ઊર્ફે થીયરી ઊર્ફે M.C.Q. ઊર્ફે દાખલાઓ ઊર્ફે બ્લેક બોર્ડ ઊર્ફે ચોક ઊર્ફે ચશ્મા ઊર્ફે પેન ઊર્ફે બ્લેક શર્ટ ઊર્ફે ગ્રે પેન્ટ ઊર્ફે બેલ્ટ ઊર્ફે ડીઓડરન્ટ ઊર્ફે પરફ્યુમ ઊર્ફે હોન્ડાસીટી ઊર્ફે ફ્રેંચકટ ઊર્ફે ડેડી ઊર્ફે મારો હેમુ.

આમ તો, સમાજમાં સર્વવ્યાપક અને સર્વસામાન્ય છે કે દરેક પત્નીને પોતાનાં પતિ માટે ફરિયાદ હોય જ. “અમને સમય નથી આપતા, અમારી કાળજી નથી રાખતા.” મને પણ મારા પતિ માટે એવો જ પૂર્વગ્રહ હતો. ૨૮ વર્ષનાં દામ્પત્યજીવનમાં ક્યારેય એમણે મારી કાળજી નથી લીધી. એ એમનાં ફિઝિક્સમાં એવાં તે ગળાડૂબ- ઓતપ્રોત રહેતાં કે જાણે ઘરસંસાર સાથે કશો નિસ્બત જ નહીં. ઘર, કુટુંબ, સામાજિક, બાળકોની, વડીલોની બધી જ જવાબદારી મારે એકલે હાથે નિભાવવાની હતી. એમનો બિલકુલ સપોર્ટ નહિ પણ, જો કે દખલગીરી પણ નહીં. દરેક નિર્ણયો લેવાની મને પુરેપુરી સ્વતંત્રતા આપી હતી. આમ છતાં, એક પત્ની તરીકે હું એમનો સાથ ઝંખતી. મારા પણ અરમાનો હતા કે એ અમને સમય ફાળવે, બાળકોનાં સર્વાંગી વિકાસમાં સાથ આપે. અરે! અમે વેકેશનમાં ફેમિલીટ્રીપ પર જતાં ત્યારે પણ, અને જ્યારે લેપટોપ અને મોબાઈલનો સમય ન હતો ત્યારે પણ નાની-નાની ચબરખીઓમાં ફિઝિક્સનાં M.C.Q. સોલ્વ કરતા. મારું હૈયું દ્રવી ઉઠતું. પણ, જ્યારે એકવાર મેં આઇન્સ્ટાઇનનું જીવનચરિત્ર વાંચ્યું ત્યારે સ્વીકારી લીધું “આ ફિઝિક્સવાળા આવા જ રણપ્રદેશની સૂકી ભઠ્ઠ રેત જેવાં જ હોય.”

પરંતુ, આ બધાની વચ્ચે રાજ્યકક્ષાએ ફિઝિક્સ તજજ્ઞ એવાં હેમંત મોદીની પત્ની હોવાનો ગર્વ અનુભવતી. હેમંત મોદીનાં નામ માત્રથી દરેક જગ્યાએ મારું કામ સરળ થઈ રહેતું. અને, હું મનોમન પોસરાતી પણ ખરી, ભલે એમનો હાથ મારા હાથમાં મૂકી નથી શકતા સમયનાં અભાવે. પણ, એમનાં નામનો સાથ અણમોલ રહ્યો.

મારી માન્યતા હતી કે ‘એ’ ખૂબ જ ગુસ્સેલ અને કડક સ્વભાવનાં છે. પણ એ તો સાવ શ્રીફળ જેવાં નીકળ્યા ઉપરથી કડક ભાસતાં એ અંદરથી સાવ જ નરમ.

જ્યારે સમય સામે આવીને ઉભો રહી ગયો મારા જીવન-મરણનો ત્યારે, એ યમરાજની સામે ઢાલ બની ઉભા રહી ગયા. હું વેન્ટીલેટર પર હતી ત્યારે એમને દિવસો સુધી ઉપવાસ કર્યા. રાત અને દિવસ હોસ્પિટલમાં વેઇટિંગ રૂમમાં બેસી રહેતા. ખુદ ઈશ્વરને પણ એનો નિર્ણય બદલવા મજબૂર કરી દીધા હતા. એમની જીદ્દ સામે ખુદ વિધાતાએ પણ છઠ્ઠીનાં લેખ બદલવા પડ્યા. કુદરતે પણ એની ક્રૂરતા ત્યજવી પડી. એમનાં રગેરગમાં મારા નામનું જ ગીત-સંગીત વહ્યા કરતું. એમનાં હૃદય ઝરુખે મારા નામનું સોનપંખી ટહુક્યા કરતું.

હાઈગ્રેડ ફિવર, જાત-જાતનાં ઈન્ફેકશન્સ અને કોમ્પ્લીકેશન્સ વચ્ચે દિવસો પસાર થતા હતા. વેન્ટીલેટરનાં બાર દિવસ તો મારા માટે બાર વર્ષનાં વનવાસ સમાન હતા. એ દિવસોની ભયાનકતાની વચ્ચે મારા પતિની વિહવળતાનો ખ્યાલ હજી સુધી મને નથી આવ્યો. પરંતુ, ત્યાર પછી ૨૨ દિવસ I.C.U.નાં મારા માટે એક-એક દિવસ એક-એક વર્ષ જેટલો લાંબો થઈ પડતો. આ ૨૨ દિવસ મારા માટે અજ્ઞાતવાસ સમાન પુરવાર થયા. અડધી-પડધી સૂઝ-નાસૂઝ, સમજ-નાસમજ, ભાન-અભાનની વચ્ચે ફેરફુદરડી ફરી રહી હતી. આ બધાની વચ્ચે પણ હું મારા હેમંતને જોવા વલખાં મારતી હતી. જે કોઈ ડોક્ટર્સ કે નર્સ કે મેડિકલ સ્ટાફ આવે એ બધાને એક જ વાત કરતી “મારે એમને મળવું છે. પ્લીઝ મને મળવા દો.” મારી દીકરીનાં જણાવ્યા મુજબ હું પેન-કાગળ માંગતી અને ડોક્ટરને નાની એપ્લીકેશન લખતી “પ્લીઝ! પ્લીઝ! સર મારે એમને મળવું છે.” જો કે આ બધી ઘટનાઓનું મને ભાન નથી. હવે ઘરમાં આવી બધી વાતો કરે એ હું માની લઉં છું. આખી આ જીવન-મરણની યાત્રા દરમિયાન એમની છબી મારી સ્મૃતિમાં હજીયે ઉપસતી જ નથી. I.C.U.માં સૌથી વધારે સ્મૃતિપટ પર જમાઈરાજ કુશલકુમાર યાદ આવે છે તેઓ મારા ઓર્થોપેડીક સર્જન પણ હતા. જેવાં કુશલકુમાર મારી પાસે આવે એવું તરત હું પૂછતી “ડેડી ક્યાં?” એ મને સમજાવીને કંઈકને કંઈક જવાબ આપતા. એકવાર કુશલકુમાર બોલી પડ્યાં “મમ્મી! તમે પણ શું ડેડી-ડેડી કરો છો? ડેડીમાં હિમ્મત જ નથી તમારી પાસે આવવાની.” એમની આવી વાતોની મને વધારે ગતાગમ પડતી નહિં. હશે કંઈક બોલ્યાં હશે એવું વિચારી ગાઢ નિંદ્રામાં સરી જતી.

લગભગ સવા મહિના પછી મને અડધી-અડધી ચમચી પાણી પીવાની ડોકટરે છૂટ આપી. પણ ત્યાં સુધીમાં મારા શરીરમાંથી બધા જ મીનરલ્સ ઘટી ગયા હતા. ટીપું માત્ર પાણીથી મને ઉબકા-ઉલટીઓ થતી હતી. હું કહેતી “મને વડોદરાનું પાણી નથી ભાવતું.” મારી આ અજૂગતી વાત મારા પતિએ ગંભીરતાથી લઈ લીધી અને એ સુરતથી વડોદરા સુધી મારા માટે પાણી લઈને આવતા હતા. એમનાં પ્રેમની પરાકાષ્ઠા અને ચરમસીમાની સગાં-સબંધીઓ નોંધ લેતા. જો કે, આટલું વિચારવા હું સક્ષમ ન હતી. લગભગ દોઢ મહિના પછી એમણે એમનું કામ શરૂ કર્યું. એ પણ આવશ્યક હતું. એ સમય દરમ્યાન એ સુરતથી વડોદરા અપડાઉન કરતા. પોતાની જાતની પરવાહ કર્યા વિના મારા માટે ખડે પગે ઉભા રહેતા. અઢી-ત્રણ મહિનાની ભારે જહેમત પછી પણ મારાં કોમ્પ્લીકેશન ઘટતા ન હતાં. ડોક્ટર્સટીમ માટે હું વિવિધ મેડિસીન્સનો ઉપયોગ કરવા માટે પ્રયોગશાળા બની ગઈ હતી. આમ છતાં કોઈપણ રીતે મારાં તબિયતમાં સુધારો થતો ન હતો. બાર સાંધે ત્યાં તેર તૂટે. એવી મારી શારીરિક હાલત હતી. એવી પરિસ્થિતિમાં મને સુરતની હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો.

લગભગ ચાર મહિના પછી મને ખાવાની છૂટ આપવામાં આવી હતી પણ મને કશું જ ભાવતું ન હતું. હોસ્પિટલ સ્ટાફ કે દીકરા-દીકરી બળજબરીથી ખવડાવે તો મને ઉલટીઓ શરૂ થઈ જતી. મારામાં બધાં જ વિટામીન્સ, મીનરલ્સની ડેફીસીયન્સી આવી ગઈ હતી. ખોરાક લેવો અતિઆવશ્યક હતો. પણ હું બિલકુલ ખોરાક લઈ શકતી ન હતી. અર્ધજાગૃત અવસ્થામાં જ્યુસની માંગણી કરતી. કુશલકુમાર એમને સમજાવતાં “ડેડી! મમ્મી, બે ચમચી પણ જ્યુસ પીવે છે પછી ખાતાં નથી. આથી, જ્યુસ આપવું નહીં. ખોરાક લેશે તો જ ધીરે-ધીરે ખોરાક વધતો જશે અને તો જ આપણે મંઝીલે પ્હોંચી શકીશું.” આમ છતાં હેમંત મારી ઈચ્છાને સંતોષવા કોઈ નહિં જુએ એ રીતે જ્યુસ મને પીવડાવતા હતા. કોઈપણ ટોકે તો કહેતાં “એને જ્યુસ પહેલાંથી જ બહુ ભાવે છે. કોલેજની બાજુનાં જ્યુસકોર્નર એ રોજ જતી હતી. એની એ અદા જ તો મારાં દિલનું માધુર્ય છે.” કાનુ ચીડાય જતી અને કહેતી “ડેડી, તમે પાગલપ્રેમી છો.” આવો હતો એનો મારા પ્રત્યે અઢળક, અપાર પ્રેમ. વડોદરા અજાણ્યા સિટીમાં અને હોસ્પિટલની નજીક કોઈ જ્યુસ ન મળવા છતાં એ દૂર-દૂર જઈ લઈ આવતા હતા. સુરત આવ્યા પછી તો ગમે-તે રીતે, સમય એડજસ્ટ કરી, પોતાનાં જમવાના સમયનાં ભોગે પણ મારા માટે જાતે જ જ્યુસ લઈને હોસ્પિટલમાં મારી પાસે આવતા હતા. છતાં પણ, હું એમનાં વરસાદથી નીતરતા પ્રેમમાં જરા પણ ભીંજાતી ન હતી. મારું આકાશ શૂન્ય આકાશ બની ગયું હતું. હું પ્રશાંતતાના મહાસાગરમાં ડૂબી ચૂકી હતી.  એવી પરિસ્થિતિમાં એમણે ડોક્ટર્સ સમક્ષ એમનાં હાથે બનાવી મને ખવડાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ડોક્ટર્સે કહ્યું “યુ કેન ટ્રાઈ” ભૌતિકશાસ્ત્રનાં નિષ્ણાંત હેમંત મોદી પાકશાસ્ત્ર અને પાકકલામાં ઝીરો હતા. પણ, ‘ખેલાડી કચ્ચા થા લેકિન સચ્ચા થા.’ યુ-ટ્યૂબ પરથી, સગાં-સબંધીઓ અને મિત્રવર્તુળમાંથી રેસીપી મેળવી એ ટ્રાય કરતા. એક્સિડન્ટ પહેલાં છેલ્લી વખત રેસ્ટોરાંમાં પાસ્તા ખાધા હતાં. અને, એમને થયું “હું આ ટ્રાય કરું” એમણે એમના પ્રેમનો સોસ રેડી પાસ્તા બનાવ્યા. પાસ્તા સાવ કાચાં હતાં. પણ પાસ્તામાંથી એમનાં પ્રેમની પરિપક્વતાની સોડમ હોસ્પિટલનાં રૂમમાં મહેંકી ગઈ. તે દિવસે લગભગ બે થી ત્રણ ચમચી હું જમી શકી હતી.

મેડિક્લેમ તો ક્યારનો વપરાય ગયો હતો. જીવનભરની મૂડી મારી પાછળ દાવ પર લગાડી દેતાં તે સહેજપણ અચકાયા ન હતા. પપ્પા, સગાં-સંબંધી અને મિત્રવર્તુળમાંથી એમને પૂછતાં “કંઈ જરૂર હોય તો” પણ એમણે ક્યારેય કોઈ સામે મોં ખોલ્યું નહિં. આખું જીવન મારી પાછળ હોમી દીધું. મારો એમનાં પ્રત્યેનો પૂર્વગ્રહ હતો કે “એમને મારી કંઈ જ પડી નથી. એ મારી માન્યતા ભસ્મીભૂત થઈ ગઈ.” દામ્પત્યજીવનની કેડીએ તેઓ સમાજ માટે મિશાલ બની ગયા.

ઘર સંભાળવા અને મારી કાળજી રાખવા માટે એમણે ચાર બાઈઓ રાખી હતી. આમ છતાં, મારા ચીવટાઈ અને આગ્રહી સ્વભાવ તેમજ ચીડ-ચીડ થઈ ગયેલ સ્વભાવને કારણે મારાં ઘણાં કામો એમણે જ કરવા પડતા હતા. હું બીકણ સસલાની માફક ડરી રહી હતી એમણે એમનાં વિશાળ વાદળ સમા હૃદયમાં મને સલામતીભર્યું વાતાવરણ પુરું પાડ્યું. અને, મારો મારા પ્રત્યેનો વિશ્વાસ-ભરોસો તૂટવા દીધો ન હતો. હું શૂન્ય સાબિત થઈ રહી હતી ત્યારે મારી આગળ એકડો થઈ અડીખમ ઉભા રહી ગયા. અને, મને નિર્મૂલ્ય થતા બચાવી લીધી.

વારંવાર થતા ઈન્ફેક્શન્સ અને ડ્રેસીંગ્સ ખૂબ પીડાદાયક રહેતા હું ખૂબ રડતી અને ચીસો પાડતી એવા સમયે મારા માથે હાથ ફેરવતા એનાં પ્રેમાસ્પર્શથી મને રાહત અનુભવાતી. મારા હૈયામાં જાણે મોરના મીઠાં ટહૂકા પૂરાતાં અને મારી પીડામાં હળવાશ અનુભવાતી. એ મારા માથા પર હાથ ફેરવતાં ત્યારે એમનાં હૃદયનાં હવનકુંડમાં મારી બધી જ પીડા અને વેદના ભસ્મીભૂત થઈ જતી. આ બધી ઘટનાઓની ઘટમાળ અને ઘટમાળ વચ્ચે ઘટાદાર વ્હાલનાં વૃક્ષો ઉગવાની ઘટનાઓ પણ તો ઈશ્વરીય ઈચ્છાશક્તિ થકી સંચિત થતાં આશીર્વાદ અને આશ્કાઓ હતા.

મને દિવસમાં બે વખત ન્હાવાની ટેવ હતી. પણ મહિનાઓ સુધી હું નાહી શકી ન હતી. હું ખૂબ અકળાતી હતી. ઘણીવાર સૂગને કારણે રડતી પણ હતી. દર રવિવારે અથવા રજાનાં દિવસોમાં કેર-ટેકર હોવા છતાં તેઓ મારું સ્પોંજ કરતા. મારું હેરવોસ તો દસ મહિના સુધી એમણે જ કર્યું હતું. કારણ મારા કાળા ભમ્મર, ઘટાદાર અને કર્લી હેર એમની પ્રથમ પસંદ હતી. મારા વાળની સુગંધથી એ પ્રફુલ્લિત થઈ જતા. પણ, ભારે એન્ટીબાયોટીક્સનાં કારણે મારાં બધાં વાળ ખરી ગયા હતા. પાછળનાં ભાગમાં તો ટાલ પડી ગઈ હતી. ફરીથી મારાં મૂળ વાળ આવશે એવી આશા સાથે મારાં વાળની કાળજી એ જ રાખતા.

લગભગ સપ્ટેમ્બર મહિના સુધી તો મારું હલનચલન લેશમાત્ર પણ ન હતું. દીકરા પર્જન્યએ ગૂગલ પર સર્ચ કરી ‘નો રીંઝ શેમ્પૂ કેપ’ શોધી કાઢી. હેમંત સાચવીને હળવેથી મારી ડોક ઊંચી કરી એ કેપ પહેરાવી, ધીમા-હળવા હાથે મસાજ કરી મારાં વાળ અને માથું સાફ-સુતરાં કરી દેતા. મને થોડી હળવાશ અનુભવાતી. સપ્ટેમ્બર પછી થોડી-થોડી હલનચલન શક્ય થઈ. ત્યારે એક ટોવલ મારાં બરડા પાછળ સેરવી ખૂબ જ કાળજીથી ટોવેલ ખેંચી મને બેડની ઉપર તરફ ખેંચી લેતા અને બેડની નીચે ટબ મૂકી મારું માથું વોશ કરતા. આટલી નાની લાગતી બાબત એ સમયે ખૂબ જહેમત ભરી રહેતી. એમની હિમંતની પરીક્ષા થઈ જતી. દાદ માંગી લે એવી ચીવટાઈથી કામ પાર પાડતા અને કામ પાર પાડ્યાની ખુશીમાં જલારામબાપાને દીવો કરતા. હેમંતે સવાલાખ હનુમાન ચાલીસનાં પાઠ કર્યા હતા. આમ, કેર-ટેકર હોવા છતાં ઘણીબધી બાબતોનું ધ્યાન રાખતા, કાળજી રાખતા અને પોતે જાતે કરી લેતા. પતિ પરમેશ્વર કરતાં પણ ચાર ડગલાં આગળ નીકળ્યા એ મારા માટે પ્રેમેશ્વર નીવડ્યા.

અઠ્ઠાવીસ વર્ષનાં દામ્પત્યજીવનમાં હું એમને ઘણીવાર કહેતી “ફિઝિક્સ જોડે જ લગ્ન કરવા હતા ને” ત્યારે એ મને ઉત્તર આપતાં ફિઝિક્સ મારો પ્રથમ પ્રેમ છે. પરંતુ, સમયે પુરવાર કરી દીધું કે “એમનો પ્રથમ પ્રેમ માત્રને માત્ર હું જ છું.” એમનાં જીવન કિતાબની પ્રસ્તાવના પણ હું જ છું. એમનાં શ્વાસ ઉચ્છવાસની વચ્ચેની પાણીથી પણ પાતળી ક્ષણ પણ હું જ છું. એ મારા જેવાં બોલકા નથી કે મારા જેવાં અભિવ્યક્ત થઈ શકનાર પણ નથી. એમનાં ગંભીર મુખમુદ્રાની પાછળ લખાયેલ શિલ્પશૈલી, ચિત્ર લિપિ, મૌનની પરિભાષા શબ્દસૃષ્ટિ હવે મને સમજાઈ રહી હતી. અનુભવી શકતી હતી, દિવ્ય અનુભૂતિનાં આંગણે ફૂલોની રંગોળી મધમધી રહી હતી.

સપ્ટેમ્બર પછી ડોક્ટરે ડિસિશન લીધું હતું કે હવેની સર્જરીસ બે-બે મહિનાનાં સમયાંતરે કરવી પડશે. કારણ, હવે મારું શરીર સર્જરીનાં માર ઝીલી શકે એમ ન હતું. આથી, હોસ્પિટલમાંથી મને થોડો સમય ઘરે રહેવાની છૂટ આપી. જેથી, ચેઈન્જ મળી રહે અને ઘરનાં વાતાવરણમાં કદાચ રિકવરી ઝડપી થઈ શકે એવું ડોક્ટર્સનું માનવું હતું. હોસ્પિટલમાં હતા ત્યાં સુધી મેડિસીન્સ અને કોલોસ્ટોમીબેગનું ખાસ ટેન્શન ન હતું. એ કોઈપણ સમયે લીક થઈ શકે. ઘરે જવા માટે આ એક પેચીદો પ્રશ્ન ઉભો થયો. ઘરે જો લીક થાય તો તાત્કાલિક ડોકટર પ્હોંચી ન શકે. આથી એમણે કોલોસ્ટોમીબેગ રીમુવ કરી ફરી લગાડતાં શીખી ગયા. અડધી રાતે પણ આ કામ કરવું પડતું એ મનમાં તો અકળાયા હશે એમનાં ચહેરા પર ઉપસતી રેખાઓ પરથી હું પામી જતી પણ એ સંયમ રાખતા અને મને ક્યારેય ફીલ થવા દીધું નથી. એમનાં અતિ વ્યસ્ત શિડ્યુલમાં એ મારી નાનામાં નાની કાળજી રાખતા. દર કલાકે મારે મેડિસીન લેવાની હતી. સવારે વહેલા ઉઠી નાની-નાની ડબ્બીઓમાં મારી મેડિસીન ભરતા સાથે સમયની ચબરખીઓ એ ડબ્બીઓમાં મૂકતાં અને એને ક્રમમાં ગોઠવીને જતા. તેથી ડિસિશન થી કોઈ ગફલત નહિ થાય. આવી હતી એમની ચીવટાઈભરી કાળજીઓ.

હું સતત મારી જાતને સમજાવતી હતી. ‘આવી પડેલ પરિસ્થિતિનો સ્વીકાર એ જ એકમાત્ર ઉકેલ’ એવું સમજતી હોવા છતાં ઘણીવાર સ્વીકારનો ભાવ ખૂટી જતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે બે જોડ ઓર્થોસ્લીપર લઈ આવ્યા અને ડાબા પગની સ્લીપરમાં બે સોલ ચીપકાવ્યા જેથી બે પગનું લેવલ એકસરખું થઈ જાય અને ચાલવામાં સરળતા રહે. આમ પણ, ડાબો પગ ખૂબ નબળો થઈ ગયો હતો. બધાં જ મસલ્સ ડેમેજ થઈ ચૂક્યા હતા. સાથે દશ કિલો ફિક્સેટરનું વજન કે હાડકામાં બેસાડ્યું હતું એ પણ ઊંચકવાનું હતું. એમાં વળી સ્લીપરનું વજન વધ્યું. હું મારો પગ બિલકુલ ઉંચકી તો શું પણ હલાવી પણ શકી નહિં. હું ઊંચી-નીચી સ્લીપરની મારી ખોડ સ્વીકારી પણ શકતી ન હતી. તે દિવસે મારો પારો ‘દુઃખે ક્યાં અને ડામે ક્યાં?’ જેવો થઈ ગયો. ઊંચી-નીચી સ્લીપરને જોઈ મારો પારો આશમાને પહોંચી ગયો. ‘દાઝ્યા પર ડામ’ જેવી મારી મનઃસ્થિતિ હતી. મારો બધો ઉકળાટ, બળાપો, અણગમો, જાત પરનો ગુસ્સો મેં હેમંત પર ઉતાર્યો. તે દિવસે ૫૬ની છાતીવાળા હેમંતની છાતી ચિરાઈ ગઈ. એનું દિલ તૂટી ગયું. એમને થયું “હું તન-મન-ધન, દિલ-દિમાગથી ૨૪X૭ આનું આટ-આટલું કરું છું અને એનો મારા પ્રત્યે આવો વ્યવહાર!!!” તે દિવસે એ ભાંગી પડ્યા. એમની આંખોમાંથી દડદડ આંસુ વહી પડ્યા. હું છોભીલી પડી ગઈ. મને મારા વર્તનથી ક્ષોભ અનુભવાયો. મારી અસંસ્કારિતાથી મારું માથું ઝૂકી ગયું. આ ઘટનાનો અફસોસ અને શરમ મને જન્મોજન્મ રહેશે. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.

આમ છતાં, થોડી જ મિનિટોમાં એ મારું અ-વર્તન ભૂલી ગયા અને મારાપણાનાં મહાસાગરમાં એમનો અફાટ પ્રેમ ધસમસી આવ્યો. એમના હૃદય સાગરમાં પાંગરેલ મારા પ્રત્યેનો પ્રેમ એમનાંમાં રહેલ ‘રામત્વ’નાં દર્શન કરાવી ગયો. હું જ્યારે તૂટેલાં અક્ષર જેવી સાબિત થઈ રહી હતી ત્યારે એમણે મને માવજતથી સુંદર ઓપ આપી મારી નવલકથા રચી દીધી હતી. એણે સવાલાખ હનુમાનચાલીસાના પાઠ પણ કર્યા હતાં.

લગભગ સપ્ટેમ્બર મહિનો આવી ગયો હતો. મારાં ઘેઘૂર વડલાનાં કલરવતાં બંને પંખીઓ કથક અને પર્જન્ય પોત-પોતાનાં આભમાં વિહારી ચૂક્યા હતા. એક ચોક્કસ ઊંચાઈએ ઊડી રહેલ અમારાં પંખીઓથી મનમાં ને મનમાં અમે સંતુષ્ટ હતા. કારણ, એ અમે બંને એ ભેગાં મળી પાંપણે સજાવેલ સપનાનું વાસ્તવિક ફળ હતું.

પરંતુ, એમનાં ગયા પછી મારી બધી જવાબદારીઓ એમનાં માથે આવી પડી હતી. એમનાં પોતાનાં કામો, ઘર અને બહારનાં કામો, ઘરની દેખભાળ અને સાથે મારી જવાબદારી. હું ઘરે આવી ગઈ હતી પણ ગમે ત્યારે કોમ્પ્લીકેશન આવી જતાં. એમ્બ્યુલન્સ બોલાવવી પડતી હતી અને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં એડમિટ થવું પડતું આ-ટ-લી બધી તકલીફો મારા પતિ-મારા બાહુબલીએ એકલા હાથે અને એકલપંથે નિભાવી હતી. મને મારાં જીવન પર નફરત થતી મને મોતને વ્હાલું કરવાના વિચારો આવતા. પરંતુ પતિના સ્વરૂપે પરમેશ્વરનાં દર્શન થતા અને ફરી હું હિમ્મત ભેગી કરતી હતી.

દીકરા-દીકરીનાં ગયાં પછી હું ડાળ-પાન, ફળ-ફૂલ વિનાનું સૂકુ થડ બની ચૂકી હતી. કોઇપણ જવાબદારી તો બહુ દૂરની વાત પણ મારી જાતને સંભાળવા પણ સક્ષમ ન હતી. પણ મારા ઘેઘૂર વડાલાનાં મૂળ એવાં મારા પતિ મજબૂત હતા. એમણે પરિસ્થિતિને મજબૂતાઈથી સંભાળી રાખી હતી. અને દરેક જવાબદારીઓ કર્તવ્યનિષ્ઠ થઈ નિભાવતા હતા.

કહેવાય છે ને ‘હોશિયાર વિદ્યાર્થીનાં વાયવા ટફ લેવાય’ વિદ્યાર્થીએ પોતાની જાતને કાબેલ સાબિત કરવા માટે અઘરામાં અઘરા દાખલા સોલ્વ કરવા પડે, કંઈક આવું જ મારા પતિ સાથે પણ બની રહ્યું હતું. વારંવાર મારા કોમ્પ્લીકેશન્સ ઉભા થતા વારંવાર ઇન્ફેક્શન થઈ જતા ડોકટરે મારા પતિને કહ્યું “હીનાને હોમકેરની વધુ જરૂર છે.” પોઝિટિવ રીઝલ્ટ મેળવવા તમારે સમય આપવો પડશે સાથે રહેવું પડશે ડિસિશન ના ભરોસે કદાચ બાજી બગડી પણ શકે.” આવી પરિસ્થિતિમાં પેશન્ટ એકલતામાં ડૂબી જતી હોય છે જેને કારણે મેડિસીન્સનું ધાર્યું પરિણામ નહિં આવે.”

મારા પતિએ એમની જમા થયેલ રજાઓ પૈકી ૪૦ દિવસની રજા મૂકી મારી સાથે રહેવાનું નક્કી કર્યું. પણ, અહીં તો ‘માણસ વિરુદ્ધ માણસાઈ’નો કડવો અનુભવ થયો. એમનાં સહકર્મચારી પૈકી કોઈ વિધ્નસંતોષી કર્મચારીએ એમનાં વિરુદ્ધ પેંતરા ઘડ્યા અને રજા ના મંજૂર કરાવવા તમામ પ્રયત્ન કર્યા. આ દરમ્યાન એમણે ખૂબ માનસિકત્રાસ ભોગવવો પડ્યો. આવી પરિસ્થિતિમાં પણ એમણે મને સાચવી લીધી. જાણે આંધીમાં ફસાયેલ તણખલાં જેવી એમની હાલત હતી પણ મારા કારણે અને મારા માટે એમણે બધું સહી લીધું.

સાહિત્યપ્રેમી અને પુસ્તકપ્રેમી મારા સ્વભાવને કારણે લગભગ નવેમ્બર મહિનામાં મને કોઈક સાહિત્યક પ્રવૃતિ કરવાનો વિચાર આવ્યો. પરંતુ હું આ વિચાર રજૂ કરતાં ડરતી હતી. હું બેસી પણ શકતી ન હતી. ફક્ત ચટ્ટોપાટ સૂતાં-સૂતાં શું શક્ય બની શકે! મને પુસ્તક સંકલન કરવાનો વિચાર સ્ફૂર્યો. હું મારી કેર-ટેકર સાથે ગડમઠલ કરતી હતી. "મને લાઇબ્રેરીમાંથી આ ફાઇલ આપ. પેલી ફાઇલ આપ" જે એ કરી શકતી ન હતી. મારી મથામણ અને અકળામણ હેમંતનાં ધ્યાને ચડી એક દિવસ એમણે મારી પાસે લીસ્ટ માંગ્યુ "બોલ, લાઇબ્રેરીમાંથી શું -શું જોઈએ છે? હું મદદ કરું" તે દિવસે મારાં હધ્ય ઉપવને પંખીઓ કલરવી રહ્યા. એમણે બધા મટીરીયલ્સનો મારા બેડ પર ખડકલો કરી બોલ્યા "લે તારો ખજાનો" મારાં મુખારવિંદ પર મહિનાઓ પછી ખુશી છલકી. આમ પણ, મારી સ્માઈલ એમને ખૂબ ગમતી.અને, એ બોલ્યા “જો હું ચિત્રકાર હોત તો હું તારી સ્માઈલ દોરી લેત.” મહિનાઓ પછી અમે બંનેએ તે દિવસે હળવું -હળવું અનુભવ્યું. હું તેમને મનોમન વંદી રહી.... અને મેં 'એક કટકો કોલાજનો 'પુસ્તકનું સંકલન કર્યું. આ પ્રવૃતિથી મારામાં શક્તિનો સંચાર થયો. મારી તબિયતમાં થોડો-થોડો સુધારો આવતો ગયો. અને, પુરવાર થયું .મારા દર્દની દવા સાહિત્ય છે.'

એપ્રિલ મહિના સુધીમાં હું બેસી શકવા સમક્ષ બની. .હેમંતે મને પ્રોત્સાહન આપ્યું અને એ બાણશય્યા નામક એક સંવેદનકથા લખી.

હેમંતને સાહિત્યમાં ઝાંઝાં રસરૂચિ ન હોવા છતાં એમણે બંને પુસ્તકનું પ્રૂફ રીડીંગ પણ કર્યું. આવી રહી એમની મારાં પ્રત્યેની માવજત, લાગણી અને અપાર પ્રેમ. પાંચ આંગળીએ પૂજેલ ગૌરીવ્રતની પૂજા ફળી રહી હતી.

આ લખતી વખતે મારા હાથ ધ્રુજે છે. મને લાગણી થાય છે કે આટલાં બધાં પૌરાણિક ગ્રંથોમાં એક ‘પતિપુરાણ’ પણ હોવું જોઈતું હતું. લગ્નમંડપમાં ચોરીની ફરતે ફરેલ ફેરાને નિભાવવા જાણે આખાં બ્રહ્માંડની ફરતે ચક્કર લગાવવા જેવું મારા જીવનસાથીએ કષ્ટ વેઠીને વચન નિભાવવા કટીબદ્ધ રહ્યા. એમણે સમાજમાં લગ્નજીવન-જીવનસાથી-દામ્પત્યની કેડી વિશે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું. આજે હું મહેફૂસ છું ફક્ત ને ફક્ત એમની પરાયણતાને કારણે. એમણે સમાજમાં સપ્તમેવ સખા ભવઃ||નું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું.

મારાં ‘હોલવાઉં-હોલવાઉં’ કરતાં દીવડામાં તે સતત, ક્ષણ-પ્રતિક્ષણ ઘી પૂરતાં રહ્યા. હસ્તમિલન, હૃદયમિલન, આત્મામિલનનો ગાઢ અર્થ હું વધુ સમજી શકી. જ્યારે રેતની જેમ હાથમાંથી હાથ સરી રહ્યો હતો. હાથ અને સાથ વિમુખ થઈ રહ્યા હતા ત્યારે જીંદગીનાં એ વળાંકે અમે વધુ નજીક આવ્યા, ફરી મળ્યા, વધુ ભળ્યા. એનો મારા પ્રત્યેનો પ્રેમ પુષ્પનક્ષત્રની માફક વૃદ્ધિ પામતો પુરવાર થયો. એના અનુરાગથી મારું અંતઃપુર આબેહૂબ અનુભૂતિનો અહેસાસ કરતું હતું. નવા જીવનપથ પર વધુ સમજણથી અદ્દભૂત આંતરિક સૌદર્ય માણી શક્યા. સમજણની પરાકાષ્ઠાના અવ્યાખ્યાયિત પદની અનુભૂતિ થઈ. સાત સૂરોનાં સરગમે જીવનસંગીત માણતા થયા. એમની ‘તસ્વીરે હૃદય’માં હું ખૂબ સુંદર અને ખૂબ મજબૂતાઈથી મઢાઈ ચૂકી હતી. એની હિંમત, હકીકત, કૌવત, તાકાત બળકતપણું ધોરીનસ જેવું કામ કરી જતું. હું નસીબદાર રહી કે એમનો સાથ સધિયારો મને મળી રહ્યો. એ મારા જીવનસાથી હોવું એ જાણે મને મળેલું અદ્દભૂત વરદાન છે. ભીની માટીમાંથી ઘાસ મૂળિયાં સમેત ઉખડી આવે એટલી સહજતાથી હું યમરાજ સાથે ચાલી નીકળું એવી પરિસ્થિતિમાં એમણે મારો હાથ વધુ ને વધુ મજબૂતાઈથી પકડી રાખ્યો. મારા હૃદયને મૂળમાંથી જકડી લીધું. એમનાં અદશ્ય પ્રેમથી મારા હૈયે વસંતનાં વધામણાનાં ઓરતા બંધાયા. કોયલ મારા હૃદયમાં ‘કૂહૂ’ ‘કૂહૂ’ કરી અહો આશ્ચર્યમનાં ગીતો ગાતી હતી. સાચ્ચે જ કહું તો એ પહેલાં હું મારા પતિ સાથેનાં આટલા ગાઢ સંબંધથી અપરિચિત હતી. અમે જિંદગીના ભાગદોડની સફરમાં એક ટ્રેનનાં મુસાફરો છીએ એટલું જ હું જાણતી હતી. પરંતુ, એમની શ્રદ્ધાનુ આકાશ અને સબુરીનુ પાતાળ ખૂબ વિશાળ અને નિર્મળ નીવડ્યું. જે મને શૂન્યનાં કુંડાળામાંથી બહાર કાઢવા સફળ રહ્યા. જેમ મરજીવો પાતાળમાંથી મોતી શોધી લે અને અવકાશયાત્રી અફાટ આકાશમાંથી આકાશગંગા શોધી લે એવી જ રીતે એમણે મને મૃત્યુનાં આવરણમાંથી શોધી લીધી હતી.

મારા નિસ્તેજ પ્રાણને ચાંદીનીપરત ચઢાવી મારું જીવન ફરી ચળકાવી દીધું.