🌸 પુર્નમિલન ( ભાગ - 2 )
"હા થઈ જ ગયું!" એમ કહેતા ઝડપથી હું એની પાસે ગયો. "બેડરૂમ તો મેં સરખો કરી દીધો બોલ હવે!" એમ કેહતા હું ચેરમાં બેઠો.
"હા તો હવે આરામ કરો અને મોજથી રહો હું જવ છું સાંજે આવીશ આમ પણ 10નો ટકોરો તો થઈ જ ગયો છે ને મને નીકળતા 11 થઈ જશે." એ બેડરૂમમાં જતાં - જતાં બોલી.
હું ટી. વી. ચાલું કરીને મારું ધ્યાન અને વિચારો એમાં વાળવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ પલક તૈયાર થઈને આવી એને જોઈને મને કોલેજ સમયની અને મેરેજના શરૂઆતની પલક યાદ આવી ગઈ. મન તો કરતું હતું એને જવા ન દવ, એને રોકી લવ અને પેહલાંની જેમ હાથમાં હાથ રાખીને એના મનપસંદ ગુલાબના ફૂલો એને આપતા પોતાના હૃદયની વાતો એને જણાવું અને અમારી વચ્ચે આવેલું અમાપ અંતર દૂર કરી દઉ.
હું મારા વિચારોમાં જ રહયો અને કંઈ કહું એ પેહલાં જ એ "જઉ છું" કહીને નીકળી ગઈ. હું એને રોકી ન શક્યો. એના ગયા પછી મને ખુબ અજંપો અને બેચેની થવા લાગી. કેમ કરી હું મારો સમય પસાર કરું એ સમજાતું નહોતું.
મેં ટી. વી. બંધ કરી અને મનની શાંતિ મળશે એમ વિચારીને બેડરૂમમાં ગયો અને બેડ પર પડ્યા - પડ્યા મારા અને પલકના ફોટાને જોઈ રહ્યો. એકપછી એક બધી યાદો આંખો સામે તરવરવા લાગી. એ યાદોને દૂર કરવા મેં આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કર્યો પણ પ્રયત્ન વ્યર્થ સાબિત થયો.
હું જાણે સાવ એકલો પડી ગયો હોય એમ મને લાગી રહ્યું હતું. હું "પલકને કેવી રીતે સમજાવું?, મારે આમ ચૂપ ન રેહવું જોઈએ મારે એને પૂછવું જોઈએ કે તું કેમ મારાથી દુર રહે છે?" પણ આ પ્રશ્નોના જવાબ કેમ કરીને મેડવું? એ સમજાતું નહોતું.
એક સુંદર નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સમુદ્ર કિનારે અમે બંને એકબીજાનો હાથ પકડીને બેઠા છે. એનું માથું મારા ખભા પર છે " જો આપણે હવે સાથે જ. હવે હું તારા વગર ન રહી શકું." એમ કહીને એણે મારો હાથ જોરથી જકડીને મને એના પ્રેમની ઉષ્માનો અહેસાસ કરાવ્યો.
હું એના સામે હસતાં ચહેરે જોઈ રહ્યો છું. ત્યાં જ દરિયામાં એક તુફાન ઉમળે છે, દરિયાના પાણીમાં વિચિત્ર વમળો સર્જાય છે અને અમારો હાથ છૂટી જાય છે. એ ખોવાઈ જાય છે. હું પલક! પલક! બૂમો પડતો એને શોધી રહ્યો છું. એ ક્યાંય દેખાતી નથી.
ત્યાં જ ડોરબેલ નો અવાજ સાંભળીને હું ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને આ સપનું હતું એ વિચારતા મેં ચેનનો લાંબો શ્વાસ લીધો. દરવાજો ખોલ્યો તો પલક હતી. "આટલી જલદી કેમ આવી ગઈ હશે?" એને જોતાં જ મારા મનમાં વિચાર ઉદ્દભવ્યો.
એ આવીને તરત બેડરૂમમાં ચાલી ગઈ હું એની પાછળ ગયો. "કેમ આટલી જલદી આવી ગઈ? તું તો કાયમ મોડી આવે છે ને!" એમ કહેતાં હું બેડની બાજુ વાળી ચેરમાં બેસી ગયો.
"અરે એ મારી ફ્રેંડ સૌમ્યા છે ને એના નાના દીકરાની તબિયત થોડી ખરાબ થઈ તો એના સાસુનો ફોન આવ્યો માટે એ ઘરે જવા નીકળી પછી તો અમે બીજી બહેનપણીઓ પણ એની સાથે જ ઘરે આવવા નિકળી ગઈ. બધાએ સાથે શોપિંગ કરવાનું અને ફરવાનું વિચારેલું હવે એ ઘરે જાય અને એ પણ દીકરાની તબિયત ખરાબ થવાથી અને અમે બધી ફ્રેંડ મજા કરીએ એ તો કેવું લાગે?" એમ કેહતા એ સામાન સરખો કરવા લાગી.
"સારું કેહવાય! તે કોઈ માટે તો વિચાર્યું. ભલે મારા માટે ન વિચારે." એમ કહીને હું ચેરમાંથી ઊભાં થઈને રૂમના દરવાજા સુધી પહોંચ્યો અને એની સામે જોયું અમારી આંખો એક થઈ ગઈ. એ ગુસ્સે થઈને આંખો મોટી કરીને મારી સામે જોઈ રહી હતી. "શું કહ્યું તેં? હા! તને તો હવે બધું ખોટું જ સમજાશે. કેમ કે તું ........" આટલું કહીને એ એનો સામાન સમેટવામાં લાગી ગઈ.
હું ડ્રોઈંગરૂમમાં આવીને બેઠો. મને થયું એના માટે એક કપ ચા બનાવું કદાચ એ ચા અમારા વચ્ચેનું અંતર થોડું ઘટાડી શકે. હું કિચનમાં ગયો મેં ચા બનાવી. એ ફ્રેશ થઈને કિચનમાં આવી એટલે મેં એનો હાથ પકડીને "કામ પછી કરજે પેહલાં ચા પીલે તને સાંજે ચા ની આદત છે." એમ કહેતા મેં એને ડાઇનિંગ ટેબલની ચેર પર બેસવા આગ્રહ કર્યો .
"આજ સુધી તો ક્યારેય તમને મારી આટલી પરવા નથી થઈ તો આજે અચાનક કેમ?" મારી સામે આશ્ચર્યના ભાવ સાથે જોતા બોલી.
મેં કંઈપણ બોલ્યાં વગર ચા નો કપ એના હાથ માં આપ્યો. અને મારી કોફી પણ લઈ આવ્યો. ડાઇનિંગ ટેબલ પર પડેલાં મેગેઝીનના પાનાં પલટાવતા - પલટાવતા મેં કોફીનો એક ઘૂંટ ભર્યો. એ મારી સામે જોતા - જોતા ચા ના ઘૂંટ ભરતી જાણે મારા મનના વિચારોનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહી હોય એમ લાગ્યું. મેં એની સામે જોયું અમારી નજર એક થઈ ગઈ. એણે આંખો નીચી કરી લીધી. મેં એના હાથ પર મારો હાથ રાખ્યો.
"મારે ઘણું કામ છે." કહેતાં એ ઊભી થઈને રસોડામાં ચાલી ગઈ.
હું વિચારમાં પડી ગયો મને સમજાતું નહોતું કે અમારા બંને વચ્ચે આ અંતર કેમ આવ્યું.? એ ક્યારેય આવું નહોતી કરતી એ હમેંશા હસતી જ હોય તો હવે કેમ........? આ પ્રશ્નોના જવાબ હું ક્યાથી મેડવું એ મથામણ મને હેરાન કરવા લાગી. વિચારોના વચ્ચે ઘેરાયેલો હું સમયનું ભાન ભૂલી ભૂલી ગયો.
"જમવાનો સમય થયો ચાલો હવે!" એટલું કહીને એ પ્લેટ લગાવવા માંડી. હું જમીને સીધો બેડરૂમમાં ચાલ્યો ગયો એ કંઈપણ બોલી નહીં ચૂપ જ હતી. એની ચૂપ્પી મને કાંટાની જેમ ચુભતી હતી. હવે તો ગુસ્સો પણ આવતો હતો. મન કરતું હતું એને લડી નાખું પણ હું એ ય ન કરી શક્યો. હું રૂમમાં આવીને ડાયરી લખવા બેઠો.
એનું કામ પતાવીને એ બેડરૂમમાં આવી ફોન લઈને બેસી એ ચેટમાં વ્યસ્ત હતી. હું રાહ જોઈ રહ્યો હતો કે હમણાં પેહલાંની જેમ મારો હાથ પકડીને વાતો કરવા લાગશે પણ હું ખોટો સાબિત થયો સમય વહી રહ્યો હતો કંટાળીને મેં ગુસ્સે થઈને પડખું ફેરવી લીધું પણ એણે કંઈ ધ્યાન આપ્યું નહીં.
રાત્રે એકવાગ્યાની આસપાસ અચાનક કંઈ અવાજથી સાંભડાવાથી હું ઉઠ્યો. મેં ઊઠીને જોયું તો પલકના હાથમાં સવારમાં હું લાવેલો એ પેપર બેગ હતી અને એની સામે ટેબલ પર મારી ડાયરી ખુલી પડી હતી. મેં એની પાસે જઈને જોયું એની આંખો ભીની હતી. એની આંખોના ખૂણે આંસુ જોઈને મને ખુબ દુઃખ થયું.
"મને માફ કરી દે! તારી અમુક વાતો અને વ્યવહારથી મને એટલું દુઃખ થયું હતું કે તને કંઈ કહી ન શકી અને મારા મનમાં કડવાશ ભરતી ગઈ, હું તારી લાગણીઓની કદર કારવાનું જ ભૂલી ગઈ. મને સમજાયું જ નહીં કે મારા હાથમાં તારો હાથ હોવા છતાં આપણી વચ્ચે અમાપ અંતર આવી ગયું હતું." મારો હાથ એના હાથમાં લઈને આંખોમાં આંસુ સાથે એ બોલી.
"હા મારો પણ વાંક છે હું તારી ઇચ્છા -અનિચ્છાઓને માન આપવાનું ભૂલી ગયો અને આપણાં વચ્ચે અમાપ અંતર આવી ગયું." કહેતા મેં આંસુ લૂછયા.
ચહેરા પર પેહલાં જેવા હળવા સ્મિત સાથે એ બોલી "આ પેપર બેગમાના મારા મનપસંદ રોઝ મને આપીશ કે નહીં હવે?"
"એ તો મુરઝાઈ ગયા હું કાલે સવારે નવા લાવીશ." મેં હસતાં ચહેરે કહ્યું.
"ભલે મુરઝાઈ ગયા. તું જે પ્રેમથી લાવ્યો હતો એ તો એવો છે તારોતાઝા. . મારે તો આ જ રોઝ જોઈએ." હસતાં ચહેરે એ બોલી.
મેં બેગમાંથી રોઝ કાઢીને એને આપ્યા. અમે ખૂબ ખુશ હતાં અને મારા હાથમાં એનો હાથ હતો.
સમાપ્ત 🙏🙏