જીવનસાથી... - 11 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસાથી... - 11

ભાગ 11

ચારે સખીઓ બગીચામાંથી છુટી પડી ઘરે પહોંચે છે. સીમા અને પાયલ તો આખા રસ્તે રેખાના જીવન વિશે ચર્ચા કરે છે. સુહાની પણ રેખા વિશે જ વિચારે છે. હવે આગળ...


પાયલ રસ્તામાંથી એના માતા-પિતા માટે દાબેલી પાર્સલ કરાવે છે. સીમા પણ પોતાના બાળકો માટે ઈડલી અને
મેંદુવડાનું પાર્સલ લે છે. રાજ તો બહાર જમવાનો હતો. સીમા તો આજ વાતોથી જ ધરાઈ હતી. આજ એણે ઘણું શિખવા મળ્યું. એ ઘરે આવી તો બાળકો પણ ટ્યુશનમાંથી આવ્યાં.
સીમાએ એક અલગ અંદાજથી દિશાંતની નોટબુક લઈને તપાસી. દિયા તો જોતી જ રહી ગઈ કારણ કયારેય પણ એની મમ્મીએ લેશન ચેક નહોતું કર્યું. એની ભણતરની, વાંચન લેશનની જવાબદારી રાજ જ લેતો હતો. દિશાંતને પણ નવાઈ લાગી.

સીમાએ પ્રેમથી કહ્યું "ખૂબ જ સરસ અક્ષર છે મારા દીકુડાના તો!"

ત્યાં તો દિયા પણ સામે બુક લઈને દોડી, " મમ્મી, મારા કેવા છે?"

સીમા : હાથના ઈશારા સાથે બોલી "એકદમ બ્યુટીફુલ!"
બેય ભાઈ બહેન સીમાના ખોળામાં લપાઈ ગયા. સીમાએ તો જાણે એક પડાવ પાર કર્યો હોય એવી ખુશ થઈ. બેયને જમાડી પોતે નવરી થઈ.

આજ એ રાજ પર પોતાનું કામણ પાથરવા સજ્જ બેઠી હતી. રાહ જોતી જોતી એ સોફા પર જ સૂઈ ગઈ. સવારે છ વાગ્યાની આસપાસ રાજ આવ્યો. આવીને તરત જ ફ્રેશ થવા બાથરૂમમાં ઘુસ્યો. સીમાએ સરસ મસાલાવાળી ચા બનાવી. બેય એ સાથે નાસ્તો કર્યો. સીમાએ‌ માર્ક કરીને જોયું કે રાજ એકદમ સુસ્ત અને થાકેલો દેખાતો હતો.

સીમા : " આજ બહુ થાક્યા લાગો છો ?"

રાજ : " હાં!"

સીમા : " લાવો , વાળમાં તેલ ઘસી દઉં. પછી એક ઊંઘ કરી લો."

રાજે આનાકાની કરી પણ સીમાની વાતમાં સહમત પણ થયો. સીમાએ એના માથામાં સરસ માલિશ કર્યું. રાજને પણ રાહત થઈ. એ બોલ્યો, આજ અડધી રજા લીધી છે. મારે બે વાગ્યે જવાનું છે. મને ઊઠાડતી નહીં. હું બાર વાગ્યે જ ઊઠીશ. કોઈના કોલ આવે તો ફોન ઊંચકતી પણ નહિ.
સીમાએ હા કહી. રાજ સૂઈ ગયો. સીમા કામે વળગી.એણે બાળકોને શાળાએ વળાવ્યા.

એ રાજના કપડાં મશીનમાં નાંખવા જતી હતી કે હાથમાં એક કવર આવ્યું. એ કવરએણે જોયું. ત્યાં તો એની અંદરથી એક "મિલન" નામેરી હોટલનું બિલ પણ હાથમાં આવ્યું. એણે કયારેય રાજના ખિસ્સા ફંફોસ્યા નહોતા. આજ પહેલીવાર જ આવું થયું. એણે ફટાફટ પોતાના મોબાઈલમાં એ ફોટો પાડયો અને કવરમાં એ બિલ ગોઠવી દીધું.

એનું હૈયું ધક ધક કરી રહ્યું હતું! કાલ થયેલી વાતની આજ સાબિતી જ હાથમાં હતી. એણે પાયલને ફોન કરી આ વાત કહી. પાયલે શાંતિ રાખી સાંજે વાત કરીશું એવું કહ્યું. રસોઈ બનાવી એ સોફા પર બેસી ટી.વી. જોઈ રહી હતી કે અગિયાર વાગ્યાની આસપાસ રાજ હાંફળો ફાંફળો થતો નીચે આવી ને ઉતાવળે જ સીમાને પૂછ્યું કે 'તે કપડાં ધોઈ નાંખ્યા કે શું ?'

સીમા : ના, ના તમારા જ નથી ધોયા..

રાજે એક ઊંડા શ્વાસ સાથે જે‌ હાશકારો અનુભવ્યો એ સીમાએ પણ જોયું. રાજ ફટાફટ બાથરૂમમાં ગયો. લગભગ વીસેક મિનિટ પછી એ બહાર આવ્યો. સીમાએ પણ બરાબર ધ્યાન આપ્યું એના હાવભાવ પર..રાજ પૂરેપૂરો રીલેકસ થઈ બહાર આવ્યો.

સીમાની બાજુમાં એ પણ સોફે બેઠો. સીમાએ એના હાથ પર હાથ મૂકયો અને બોલી "જમવું હોય ત્યારે કહેજો. રોટલી જ બાકી છે તમારી." રાજે સીમા સામે જોયું ..એ જોતો જ રહી ગયો..કે 'સીમાએ વાળની સ્ટાઈલ આખી બદલાવી નાંખી હતી. એના આંખના ભાવ પણ મોહક લાગતા હતા. હાથ જે રીતે એણે રાજના હાથ પર ગોઠવ્યો હતો એનાથી તો કોઈપણ ઘાયલ થઈ જાય.'

રાજે પણ હસતા હસતા કહ્યું કે "હાં, મેડમ જી.."

સીમા : "કેમ હસો છો રાજ?"

રાજ : "આજ તું બહુ સરસ લાગે છે."

સીમા : "સાચે જ!"

રાજ : " ના, હું ખોટું બોલું છું..હવે શાંતિને !"

સીમા શરમાઈને બોલી, "શું તમે પણ!" આમ આજ બેય પતિ-પત્ની મસ્તીએ ચડ્યા.

આજ સીમાએ જાણે બધા મનના બોજ હટાવી પોતાની સુંદરતાને રાજ સામે વ્યક્ત કરી પોતાને એક જ ઘા એ સફળ સાબિત કરી દીધી.

તો પણ હોટલનું બિલ અને રાજની અમુક પ્રતિક્રિયા એને મગજમાંથી ન ખસી. એ સાંજ પડવાની રાહ જોતી હતી. પાયલ સાથે વાત કરવા ઉતાવળી હતી..બાકીની વાત આગળના ભાગમાં..


------------ ( ક્રમશઃ) --------------

લેખક :- Doli modi✍️
Shital malani✍️