ડિસક્લેમર
(આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. આ વાર્તાના અમુક પાત્રોનાં નામ, સ્થળ અને ઘટનાઓ બદલાવવામાં આવી છે. વાર્તાને રસપ્રદ બનાવવા વાર્તા અને તેના પાત્રો વચ્ચેના સંબંધ ને કલ્પનાનું રૂપ આપવામાં આવ્યું છે. લેખકનો ઈરાદો આ વાર્તા દ્વારા કોઈને બેઇજ્જત કે બદનામ કરવાનો, કોઈ ધર્મ, ધાર્મિક મનોભાવ, આસ્થા કે મનુષ્ય ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી. આ વાર્તામાં બનેલી ઘટનાઓ અને પાત્રોની ભવિષ્યમાં બનનારી કોઈ પણ સત્ય ઘટના, સ્થળ કે વ્યક્તિ સાથેની સમાનતા માત્ર એક સંયોગ છે.)
દિવાળી ના દિવસો હતા... ગુજરાતની બજારો માં દિવાળીના તહેવારો માં એક અનેરી રોનક હોય છે.. પછી ભલે તે કોઈ નાના ગામ ની બજાર હોય..
આવું જ એક નાનું ગામ એટલે ચલાલા.. દાન મહારાજનું ચલાલા.. આપા દાના એ સતાધાર ના પ્રખ્યાત સંત આપા ગીગા ના ગુરુ હતા.. આપા ગીગા એ દાન બાપુ ની જગ્યા માં ઘણા વરસો સેવા કરતા કરતા ચલાલા માં વિતાવ્યા... ચલાલા આ જ સંતો મહંતો નું ગામ..
ગામના બસ સ્ટેન્ડ ની સામે જ સરકારી દવાખાનું... ચલાલા અને આજુબાજુના ગામ માં રહેતા લોકોની દરેક પીડા, રોગ, દર્દનું નિવારણ.. અસંખ્ય દર્દીઓની નિસ્વાર્થ સેવાનું પ્રતીક..
આમ તો ચલાલા નાનું ગામ, તાલુકો ધારી લાગુ પડે..પણ આ ગામ પર દાન મહારાજની કૃપા એવી તો વરસેલી કે અહી ના સરકારી દવાખાના માં ત્રણ ત્રણ એમ.બી.બી.એસ. ડોકટરો.. દાંતનો વિભાગ, હાડકાંના દુઃખાવા માટે કસરતનો વિભાગ, સચોટ નિદાન માટે એક્સ રે વિભાગ અને લોહી-પેશાબ ના રિપોર્ટ માટે લેબોરેટરી, દરેક જાતની ઇમરજન્સી સગવડો, ડિલિવરી રૂમ.. આટલી સુવિધા ધારી કે ખાંભા કે બીજા કોઈ મોટા તાલુકા માં પણ ઉપલબ્ધ નહોતી. ખરેખર એ તો જગ્યા નો પ્રભાવ અને દાન બાપુ ની દયા..
આ જ હોસ્પિટલ માં ઉપરના માળે દાંતનો વિભાગ.. દાંતના ડોક્ટર વિજય ચૌહાણ ત્યાં રાત દિવસ કામ કરે.. ચલાલા ગામ માં આ સિવાય માત્ર એક જ પ્રાઇવેટ દાંતનું દવાખાનું હતું જેનો ચાર્જ બહુ ઊંચો હોવાથી વિજય સાહેબના દાંત વિભાગ ની બહાર સવારથી જ મોટી લાઈન લાગતી.. સેવાભાવી સ્વભાવ.. ત્યાં બાજુમાં રહેલા સરકારી ક્વાર્ટરમાં રહેતા હોવાથી રાત્રે પણ જો કોઈ દર્દી દાંતનો દુખાવો લઈને આવ્યું હોય તો ભર ઊંઘમાંથી જાગીને પણ વિજય સાહેબ તપાસ કરવા જાય.. ઉદાર દિલ.. ભગવાન માં અતૂટ શ્રદ્ધા... સરકારી દવાખાના માં પ્રાઇવેટ કરતા પણ ઊંચી સારવાર આપે..
દિવાળી ના રોનક ભર્યા દિવસો.. આમ તો વિજય સાહેબ પાસે ઘણી રજાઓ પડેલી પણ તેઓ માત્ર બે જ દિવસ દિવાળીના તહેવાર માં પોતાના વતન પાલીતાણા જતા.. "મારા દર્દીઓ બેબાકળા થઈને મારી રાહ જુએ અને હું ઘરે મજા કરું?? તો તો મારું આયખું ધૂળ જાય"
દાંત વિભાગ ની પાછળ રસ્તો જતો હતો ત્યાં બજાર ભરાય.. દર શનિવારે શનિવારી પણ ભરાય.. સાહેબના વિભાગની બારી માંથી આ રસ્તો દેખાય..
રસ્તા ની સામેની બાજુ એક સિત્તેરેક વરસના ડોશીમા રમકડાંની લારી લઈને ઉભા રહે.. સવાર થી સાંજ.. આમ તો સાહેબ ને એમના બિઝી શેડ્યુલ માં એક મિનિટ નો પણ સમય રહેતો નહિ પણ ક્યારેક ચા પીવા થોડો સમય કાઢીને ફ્રી થયા હોય ત્યારે તેઓ અા ડોશીમા ને જુએ..
વિખરાયેલા સફેદ વાળ, ફાટી ગયેલી સાડી, જિંદગીની થપાટો થી ચહેરા પર પડેલી કરચલીઓ, મંજરી આંખો ચકળવકળ રસ્તે જતાં લોકોને જોતી હોય અને વિચારતી હોય કે કાશ આમાંથી કોઈની પણ આંગળી પકડેલું નાનું બાળક રમકડાં લેવાનું વેન કરે અને મારો ધંધો ચાલે..
કોઈક કોઈક વાર કોઈ બાળકની જીદ થી અમુક લોકો આવે પણ ખરા.. પણ ડોશી કોઈ રમકડાંનો ભાવ ત્રીસ રૂપિયા કહે, તો સામે વાળો વીસ કહીને દસ રૂપિયા નો ભાવતાલ કરાવે.. નાના ગામની બજારો માં નાનો માણસ જ ખરીદી કરવા આવે ને.. એને પણ એનું પેટ ભરવાનું હોય.. દીકરાને રમકડાં અપાવે તો ખાય શું..
મોટા માણસો અથવા હાલનો ભણેલો ગણેલો મધ્યમ વર્ગ તો હવે આ બજારનો અનુભવ કરવાનું જ ભૂલી ગયો હોય એવું લાગે.. યા તો ઓનલાઇન ખરીદી કરી લે અથવા કોઈ મોટા શહેર માં જાય ત્યારે મોલ માંથી એકસાથે સામટી બધી વસ્તુઓ ખરીદી લે..
ડોશી આખા દિવસના સો રૂપિયા પણ નહિ કમાતી હોય.. તેને જોઈને, તેની લારી પર પાંચ રૂપિયા માટે પણ ભાવતાલ કરાવતા લોકોને અને છેવટે મન મારી ને નાનકડા બાળકની જીદ ન સંતોષી શકનારા લોકોને જોઈને ઘણી વાર વિજય સાહેબનું હૃદય કંપી ઉઠે.. બિચારી પેલી ડોશી પણ શું કરે, એને પણ એ રમકડાં માંથી પાંચ રૂપિયા જ નફો મળતો હોય, એ પણ ઓછા કરી દે તો ખાય શું?..
ધન તેરસ નો દિવસ.. સાહેબ પરમ દિવસ થી દિવાળીની રજા પર જવાના હોવાથી સવારથી જ તેમના વિભાગ બહાર દર્દીઓની લાઈન.. આજે તો સાહેબને ચા પીવાનો પણ બ્રેક નહિ મળે એવું લાગતું હતું.. પણ એક દર્દીની ઉત્તમ સારવાર કરવાથી એ દર્દીએ જ ખાસ આગ્રહ કરીને ચા મગાવી..
રોજના ક્રમ મુજબ ચા પીતા પીતા સાહેબ બારી પાસે ગયા.. એમને આ દિવાળીની બજારની રોનક જોવી ખૂબ ગમતી.. ઘણી બધી લારીઓ, દુકાનો.. લોકો નવા નવા કપડાં પહેરી આજુબાજુના ગામ માંથી દિવાળી ની ખરીદી કરવા આવ્યા હોય.. બાળકો તેમનો હાથ પકડી, લીલા પીળા ગોગલ્સ ચશ્મા પહેરી મોઢા માં સીસોટી રાખી કૂદકા મારતા મારતા જતા હોય, વળી કોઈ બાળક ના હાથમાં ફરફરિયું હોય જેને હવા માં ફર ફર ફેરવતા એ બાળક દોડતું જતું હોય, એ ફરફરીયું જાણે એને ચકડોળમાં બેસવા કરતા પણ વધુ સારી અનુભૂતિ કરાવતું હોય એમ મજાથી ઠેકડા મારતું હોય..
વિજય સાહેબ આ રોનક જોઈ ખૂબ ખુશ થતાં હતાં અને મંદ મંદ સ્મિત આપતા હતા ત્યાં જ તેમની નજર પેલા લારીવાળા ડોશીમા સામે ગઈ..
આજે એમના વાળ વ્યવસ્થિત તેલ નાખી ઓળેલા હતા, તેમણે નવી સાડી પહેરેલી.. ગરીબો માટે નવી સાડી એટલે કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગની સ્ત્રી ની જૂની સાડી..
એ ડોશીમા ની એક ની એક દીકરી જૂના કપડાં ના બદલા માં વાસણ નો વેપાર કરતી.. ઘરે ઘરે જઈ, જૂના કપડાં લઈ તેના બદલામાં વાસણ આપતી.. દિવાળીની રજાઓમાં બા ને મળવા આવેલી અને એને વાસણના બદલામાં આવેલા જૂના કપડાઓ માંથી સારી દેખાતી સાડી વીણીને તે બા માટે લઈ આવેલી..
ડોશીમા ને આગળ પાછળ કોઈ હતું નહી, બસ એક દીકરી અને જમાઈ.. દીકરીનું નામ સોનલ અને જમાઈનું નામ રાજુ.. રાજુને બાજુના ખાંભા ગામ માં નાનકડી રમકડાંની દુકાન હતી.. રમકડાંની સાથે સાથે તે સીઝનલ ધંધો પણ કરતો અને ગુજરાન ચલાવતો.. દિવાળી માં ફટાકડા લઈ આવે, હોળી માં પિચકારી અને રંગો, ઉત્તરાયણ માં પતંગો.. અા ઉપરાંત લખોટી, ભમરડા, ગરિયા, બેટ, દડો, કેરમ, ચેસબોર્ડ વગેરે પણ રાખતો.
નાના ગામમાં છોકરાઓ માં તેમનું સાચું બાળપણ અને બાળપણની સાચી મજા જીવંત રાખવાનો શ્રેય રાજુ જેવા નાના મોટા વેપારીઓને ફાળે જાય છે. બાકી મોટા શહેરના બાળકો તો મોબાઈલ અને વિડિયો ગેમ ના રવાડે ચડી ગયા છે, તેમણે શેરી રમતોનો આનંદ ક્યારેય લીધો જ નથી.. સાચી મિત્રતા, છોલાયેલા ગોઠણ, બાળ સંગઠનની હાસ્ય રસિક કિકિયારીઓ, આગેવાની વગેરે ઘણી બાબતો થી તેઓ અજાણ છે..
રાજુ રમકડાં અને સિઝનલ વસ્તુઓ તેના સાસુ ડોશીમા ને એમનેમ વેચવા માટે આપતો.. ડોશીમા આખો દિવસ લારી લઈ ઉભી રહેતી અને જે કંઈ કમાણી થાય એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી.. વાર તહેવારે દીકરી અને જમાઈ માડી ને મળવા આવી જતા..
દીકરીએ જ્યારે બા ને સાડી આપી ત્યારે એ ખૂબ રાજી થયા..
"હવે તો તારા ઘરે પારણું બંધાય અને મારું વ્યાજનું વ્યાજ જોઈ લઉં એટલે બસ.. મારા જીવ ને મોક્ષ મળી જાય.. પછી મારો વ્હાલો મને બોલાવી લે બસ.." બા એ દીકરીના ઓવારણાં લીધાં.. બંને ની આંખમાં આંસુ હતાં..
આજે ધનતેરસ ને દિવસે ડોશીમાએ એ જ સાડી પેહરેલી અને રમકડાંની સાથે સાથે જમાઈ એ આપેલા ફટાકડા પણ તેઓ વેચતા હતા..
વિજય સાહેબે નજર કરી.. આજે માજી ખુશ દેખાતા હતા.. સાહેબે જોયું કે આજે તેમની હાટડી માં રમકડાંની સાથે સાથે ફટાકડા પણ હતા... ન હતું તો બસ એનું ખરીદનાર..
એ માડી જોર જોરથી બૂમો પાડતા હતા.. "લવિંગિયા -૨૦ નું પેકેટ, પાંચ ની ભમ ચકડિ, પાંચ ની મોટી કોઠી.."
સાહેબે જોયું કે બે ત્રણ ગ્રાહકો તેમની પાસે બાળક સાથે આવ્યા તો ખરા.. ફટાકડા પસંદ કરી પ્લાસ્ટિકની કોથળી માં નાખ્યા..
માજી એ કહ્યું, "પચાસ રૂપિયા",
પેલા ભાઇએ સીધો અડધો ભાવ માંડ્યો, "પચ્ચીસ"
માજી ઘડીક જોતા જ રહી ગયા..
"એટલું બધું ના થાય મારા ભાઈ.. પચ્ચીસ માં તો અમને પણ નથી મળતું.., તમારા છેલ્લા ચાલીસ લઈ લઈશ"
"ના., પચ્ચીસ થી એક રૂપિયો વધારે નહિ"
" મારા ભાઈ, અમારે પણ દિવાળી મનાવવાની છે.. પાંત્રીસ આપો અને જાવ લઈ જાવ.. તમારો છોકરો રાજી એમાં હું પણ રાજી.. બસ.."
"ના, પચ્ચીસ આપુ છું.."
"અરે ભાઈ, લવિંગિયાની ઠેલી, આટલા બધા દાડમ, ભમ ચકડી અને ઉપરથી નાગની ટીકડીઓ તો તમે એમનેમ જ નાખી છે.. આટલું બધું કેમ આવે પચ્ચીસ માં??" માજીના શબ્દો પાછળ એમની લાચારી દેખાતી હતી.. દસ રૂપિયા માટે એ બંને કેટલી રકઝક કરતા હતા...
"પચ્ચીસ માં આપવું હોય તો આપો નહિતર આ ચાલ્યો.." એમ બોલી પેલા ભાઈ ચાલવા લાગ્યા..
"ઓ ભાઈ.. પાછા આવો.." માડી એ બૂમ પાડી..
ભાઈ દસ ડગલાં આગળ ચાલી ગયેલો.. એણે ચાલતા ચાલતા પાછા વળી જોયું..
"છેલ્લા ત્રીસ માં લઈ જાઓ" માડી એ જોરથી અવાજ કર્યો..
એ ભાઈ પાછો ઊંધો ફરી ચાલવા લાગ્યો..
માડી ને વિચાર આવ્યો.. પચ્ચીસ તો પચ્ચીસ.. મને તો જમાઈ એ મફત માં જ આપ્યું છે.. આમેય સવાર થી કોઈ આવ્યું નથી.. આમ ને આમ કરીશ તો દિવાળી માં ભૂખ્યા રેહવાનો વારો આવશે..
એણે ઊંચું જોઈ બૂમ પાડી
"ઓ ભાઈ... લઈ જાઓ પચ્ચીસ માં"
પેલો ભાઈ તો ત્યાં સુધી માં બજારની ભીડમાં ક્યાંય ગાયબ થઈ ગયેલો..
નિરાશ થયેલા ડોશીમા ના હાથ માં એ ફટાકડા ભરેલું ઝબલું એમનેમ રહી ગયું..
એ ધ્રુજતા હાથે એમાંથી ફટાકડા કાઢી પાછા ગોઠવવા લાગ્યા..
આ સમગ્ર ઘટનાક્રમ વિજય સાહેબે બારીમાંથી જોયો.. તેમનું હૃદય દ્રવી ઉઠ્યું..
વધુ વિચારવાનો ટાઈમ ન હતો.. દર્દીઓની લાંબી કતાર રાડો નાખતી હતી..
સાહેબે ફટાફટ ફરી તપાસ ચાલુ કરી.. પણ એમને ચેન પડતું ન હતું..એમની નજર સમક્ષ પેલા માજી નો લાચાર ચેહરો વારંવાર આવી રહ્યો હતો..
અંતે દર્દીઓ પત્યા...
ધબ... એક ડબો સાહેબ ના ટેબલ પર પછડાયો..
સાહેબે ઊંચું જોયું તો રશીદા..
રશીદા લેબોરેટરી વિભાગમાં સ્ટાફ હતી.. તહેવારો અને રોગચાળાની પરિસ્થિતિ માં રશિદાની પણ લેફટ રાઈટ લેવાઈ જતી હતી.. અનેક દર્દીઓ ના લેબોરેટરી રીપોર્ટસ.. તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા, બ્લડ ગ્રુપ, લોહીના ટકા, ટીબી આવા તો આખા દિવસના અનેક રીપોર્ટસ સચોટ રીતે થાક્યા વગર રશીદા કાઢતી.. લેબોરેટરી અને દાંતનો વિભાગ બાજુ બાજુ માં..
દર્દીઓ પત્યા એટલે તે સાહેબના રૂમ માં આવી અને ટેબલ પર એક નાનો ડબો મૂક્યો...
"ઓહો.. આજે તો નવા કપડાં... ચમકે છો ને કઈ... બુરહાન તો ગાંડા થઈ જશે તને જોઈને" સાહેબે રશીદાની ખીલ્લી ઉડાવી..
"હાસ્તો.. દિવાળી નઇ.. "
"તારે શેની દિવાળી? તારે તો ઈદ માં ચમકવાનું હોય" વિજય સાહેબ ધર્મ બાબતે ઘણી વાર રશીદા નો પગ ખેંચતા .. જોકે એમના મન માં એવું કશું ન હતું..
"જાવ ને હવે.. હું ભારતીય છું.. મારે તો બધા તહેવાર સરખા.. અને આ દિવાળી સેલિબ્રેશન ના પ્લાન માટે જ આવી છું.. તમે લોકો તો કંઈ કરશો નહિ તમારો તહેવાર છે તો પણ.."
"ઓ હેલ્લો... મારું પ્લાનિંગ પહેલા થી થઈ ગયું છે. વસ્તુઓ આવી ગઈ છે.."
સરકારી દવાખાના નો મોટા ભાગનો સ્ટાફ ડોક્ટર સહિત ત્યાંના ક્વાર્ટરમાં જ રહે, જેથી કરીને ૨૪ કલાક દર્દી નારાયણ ને સેવા આપી શકાય.. આખા દિવસ ના થાક પછી ચલાલા જેવા નાના ગામ માં કોઈ મનોરંજન ની પ્રવૃત્તિઓ માટે અવકાશ રહેતો નહિ.. આથી આવા વાર તહેવારે તમામ હોસ્પિટલ સ્ટાફ ત્યાંના ક્વાર્ટર ના કેમ્પસ માં જ મહિના માં એકાદ વાર નાનકડો પ્રોગ્રામ, ઉજવણી અને જમણવાર રાખતા.. દરેક સ્ટાફ પરિવારની જેમ રહેતો.. એકબીજાના સુખ દુઃખ ના સાથીદાર.. આવી લાગણી અને આવો પ્રેમ ભાગ્યે જ કોઈ બીજા હોસ્પિટલ ના સ્ટાફ માં જોવા મળતો હશે..
રશિદા અત્યારે આ જ દિવાળી સેલિબ્રેશન ના પ્લાન ની વાત કરી રહી હતી.. બધા દિવાળી માં પોતપોતાના વતન માં જવાના હોવાથી ધનતેરસ ની રાતે બધાએ પ્રોગ્રામ ગોઠવવાનું નક્કી કર્યું હતું..
મોટે ભાગે પ્રોગ્રામ નું પ્લાનિંગ રશીદા અને વિજય સાહેબ જ કરતા.. આમ તો વિજય સાહેબ ખૂબ વ્યસ્ત રહેતા દર્દી નારાયણ ની સેવામાં, પણ આવી ઈતર પ્રવૃતિઓમાં પણ તેમની આગવી રુચિ હતી...
"કામ તો આખી જિંદગી રેહવાનું જ.. પણ પોતાના માટે અને પરિવાર માટે સમય નહિ કાઢી શકું તો એક દિવસ આ કામ જ મને ગાંડો કરી દેશે" આમ કહી તેઓ દરેક પ્રોગ્રામ માં અચૂક હાજરી આપતા..
વિજય સાહેબે કહ્યું કે મારું પ્લાનિંગ થઈ ગયું છે એટલે રશીદા ચોંકી..
"શું પ્લાનિંગ? કઈ વસ્તુઓ લાવ્યા છો તમે? જમણવાર નું શું?" તેણે ઉત્સાહિત થઈ પ્રશ્નોના બાણ વરસાવ્યા ..
"અરે કઈ ખાસ નથી.. આટલી એક્સાઈટડ ના થા... જમવા માટે રીંગણાંનો ઓળો ને બાજરાનો રોટલો... હર્ષા બહેન, દીપા બહેન સાથે વાત થઈ ગઈ છે... રોટલા સવિતા માડી બનાવી નાખશે...."
હર્ષાબેન નર્સ હતા અને દીપાબેન ફિઝિયોથેરપીસ્ટ ... બંને ના ક્વાર્ટર સામસામે.. બંને માં બહેનો કરતા પણ વિશેષ પ્રેમ.. ઘણીવાર તેઓ એક જ રસોડે જમવાનું બનાવી સાથે જમતા.. રીંગણા નો ઓળો બનાવવાની જવાબદારી તેમણે લીધેલી...
અને રોટલા સવિતાબેન ના..
સવિતા બેન વર્ષો થી અા દવાખાનામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં.. આખા ચલાળા ગામમાં એવું કોઈ જન્મ્યું નઇ હોય કે જેની ડિલિવરી સરકારી દવાખાના માં થઇ હોય અને સવિતાબેન હાજર ના હોય.. સાઈઠ વરસની ઉંમર.. હવે એમના થી કામ થોડું ઓછું થતું હતું.. ઉપરથી ડાયાબિટીસનો રાજરોગ આવ્યો શરીરમાં.. ઉંમર પણ જવાબ આપે ને.. તો પણ કોઈની પણ ડિલિવરી આવે એટલે સવિતા માડી દોડતા થઈ જાય.. દવાખાના માં ભૂતકાળમાં આપેલા તેમના યોગદાનને કેમે કરી નકારી શકાય નહિ..
આજે પણ કોઈ નવો નિશાળિયો કે ૨૦-૨૫ વરસનો ઉકળતા ખૂન વાળો યુવાન આવી હોસ્પિટલ માં માથાકૂટ કરતો હોય કે કોઈ નર્સ સામે દુર્વ્યવહાર કરતો હોય તો સવિતા માડી એને એક જાટકે એમ કહી ને ભગાવી દે કે, "તારી માં ને પૂછજે, તારી ડિલિવરી આ જ દવાખાનામાં મે જ કરાવી છે.. કાલનો ઉગેલો અહી આવીને અમારી સામે ટણી કરે છે? આ લે દવા અને હાલતો થા અહી થી.."
દવાખાના ના કોઈ પણ પ્રોગ્રામ માં રોટલા બનાવવાની જવાબદારી સવિતાબેન ની.. ઈંટોના બનાવેલા ચૂલા પર જે મીઠા રોટલા સવિતા માડી બનાવે એવા તો કોઈ સ્ટાફ ના ઘરે પણ ના બનતા હોય..
વિજય સાહેબે રશીદાને જમણવાર વિશે બધી વાત કરી.. એ તો ખુશી થી નાચી ઉઠી.. ઓળો અને રોટલો એનો ફેવરિટ હતો.. એમાંય આ તહેવાર માં બધાની સાથે જમવાની મજા...
"અરે વાહ સર... તમે તો મારાથી પણ આગળ નીકળ્યા.. બીજી શું તૈયારી કરી છે?"
"કઈ ખાસ નહિ, કાલે બજારમાંથી થોડા ફટાકડા લાવ્યો છું..
"
"વાઉ... તો તો બહુ જ મજા આવશે..." રશીદાની ખુશીનો પાર ન હતો..
"બાય ધ વે.. આ ડબા માં શું છે?" વિજય સાહેબે કુતૂહલ વશ પૂછ્યું..
"સરપ્રાઈઝ... ખોલી ને જુઓ..."
વિજય સાહેબે ખોલીને જોયું.. એમાં ઘણી બધી નાની નાની ચિઠ્ઠીઓ હતી.. વિજય સાહેબે એક ચિઠ્ઠી ખોલીને જોયું, તેમાં લખ્યું હતું, " મુજે મેરી બીવી સે બચાઓ"..વિજય સાહેબને કશું સમજાયું નહિ.. તેમણે બીજી ચિઠ્ઠી ઉપાડી, "મે અબલા નહિ હું".. તેમણે રશીદા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું અને ત્રીજી ચિઠ્ઠી ઉપાડી.. રશીદા એ સ્માઇલ આપી.. ત્રીજી ચિઠ્ઠી માં લખ્યું હતું, "શિવાજી - ધ બોસ"...
"ઓહ... ડંબ શરાડ્સ?? હવે સમજાયું... જોરદાર તૈયારી છે તારી.. ગઈ વખત કરતા ડબલ મજા આવવાની છે.." વિજય સાહેબ હસી પડ્યા..
હોસ્પિટલ ના દરેક સ્ટાફ આવા પ્રોગ્રામ વખતે મોડી રાત સુધી વાતો કરતા અને કોઈ ને કોઈ ગેમ રમતા, જેમ કે અંતાક્ષરી, ઉભી ખો, ડંબ શરાડ્સ, સંગીત ખુરશી.. આ બધામાં ડંબ શરાડ્સ સૌની પ્રિય ગેમ હતી..
આ રમત માં બે ટીમ પાડી દેવાની અને એક ટીમ સામેની ટીમ ના કોઈ એક ખિલાડી ને કાન માં કોઈ એક હિન્દી પિક્ચર નું નામ કહે અને પછી તે ખિલાડીને એક શબ્દ પણ બોલ્યા વગર, માત્ર એક્ટિંગ વડે એ પિકચર ક્યું છે એ પોતાની ટીમના અન્ય ખીલાડીઓ ને સમજાવવાનો પ્રયત્ન કરવાનો...
રશીદા આ વખતે ગેમ માં ટવીસ્ટ લાવી હતી.. અઘરા અને ક્યારેય ના સાંભળ્યા હોય એવા જૂના હિન્દી પિક્ચરના નામ ચિઠ્ઠીઓમાં લખી આ ડબ્બામાં ભરી લાવી હતી.. ખિલાડીને આ ચિઠ્ઠી ઉપાડી અને જે પિક્ચર આવે એની એક્ટિંગ કરવાની..
હોસ્પિટલ નો તમામ સ્ટાફ ખૂબ ખુશ હતો.. એક તો દિવાળી નો તહેવાર, ઉપરથી આટલું સરસ પ્રોગ્રામ અને જમણવાર નું આયોજન.. આજે તો બધા ખૂબ મજા કરવાના હતા...
વિજય સાહેબ પણ ખુશ હતા.. પણ સવારથી આ ખુશી માં કઈક ઘટતું હતું.. એકદમ સ્વાદિષ્ટ સમોસા હોય પણ સાથે ચટણી જ ના હોય તો કેવું લાગે? કોઈ ડાંસર ખુશીથી નાચવા માગતો હોય પણ એના બૂટ માં કોઈ નાનકડો પત્થર આવી જાય અને નાચતી વખતે પગમાં ખૂંચે એમ વિજય સાહેબ ને ઊંડું ઊંડું દિલમાં કઈક ખૂંચતું હતું... એમની ખુશી ની આડે પેલા માજીનો લાચાર ચહેરો આવી જતો હતો..
વિભાગ બંધ કરવાનો સમય થયો.. વિજય સાહેબ બારી બંધ કરવા બારી પાસે ગયા.. પેલા માજી હજુ પણ ઉભા ઉભા રાડો નાખતા હતા..
"લવિંગીયા, કોઠી, રમકડાં.." ભૂખ અને તડકાને લીધે એમનો અવાજ ઓછો થયો હતો..
નવી સાડી ના પાલવ વડે પરસેવો લૂછતાં નિરાશ નજરે તેઓ રસ્તે ચાલતા લોકો સામે મીટ માંડીને જોતા હતા.. કોઈ નાનું છોકરું દેખાય તો એને લલચાવવા હાથ માં રમકડું લઈને "માત્ર વીસ રૂપિયા" એમ રાડો નાખતા.. પેલું છોકરું વેન કરતુ પણ ખરું, પણ તેના બાપા "બહુ મોંઘુ છે બેટા, ના લેવાય" એમ કહી ને આગળ ચાલવા લાગતાં... માજીના ઓશિયાળા હાથમાં એ રમકડું એમ ને એમ રહી જતું...
વિજય સાહેબને ખુબ દયા આવી.. વિભાગ બંધ કરી તેઓ સીધા પહોંચ્યા પાછળ ના રસ્તે..
ડોશીમા પાસે ગયા.. એક મજુર ની નાનકડી છોકરી લવિંગિયા ની કોથળી માટે વેન કરતી હતી..
"આ કેટલાની છે માડી?" મજૂરે પૂછ્યું..
"વીસ રૂપિયા" માજી એ જવાબ આપ્યો..
"બહુ મોંઘી છે.. એક કામ કરો એક ચાંદલિયા ના રોલ ની ડબી આપો પાંચ રૂપિયાની"
માડી એ આપી..
"આ લે બેટા ખુશ.. હવે વેન ના કરતી..." પેલા મજૂરે શાંતિથી દીકરીને સમજાવી..
એ સાત-આઠ વરસની છોકરી પણ એના પપ્પા ની લાચારી સમજતી હોય એમ ખુશી થી એ ડબી લેતા બોલી,."હા પાપા... આમાંથી અલધા હું ભાઈ ને આપીચ"
વિજય સાહેબ તો એ નાની-શી પરી ને જોતા જ રહી ગયા..
નાના ઘરના અને ગરીબીમાં ઉછરેલા બાળકો માં પરિપક્વતા અને સમજણ બહુ વહેલા આવી જાય છે.. બાકી ઘણા તો મોટા શ્રીમંત પરિવાર ના બાળકો તો વીસ વરસના ઢાંઢા થાય તો પણ મેચ્યોરીટી આવતી નથી.. વિડિયો ગેમ લેપટોપ, ટીવી અને મોબાઈલ નું વેન લઈને બેઠા હોય છે..
વિજય સાહેબે પેલા માજી પાસે થી લવિંગિયાં ની મોટી કોથળી લીધી અને પેલી બાળકીને આપી... "આ લે બેટા.. રાખ.." એ ખુશ થઈ ગઈ.. એનો હસતો ચહેરો જોઈ વિજય સાહેબે ભમ ચકરડી અને કોઠી પણ આપી..
એના પપ્પાએ ખુશ થઈ દીકરીને કહ્યું, "બેટા, સાહેબ ને ઠંકુ બોલો, તારા ટીચરે તને શીખવાડ્યું છે ને.."
બાળકી હસતા હસતા બોલી, "થેન ક્યું.."
એ પરી નું નિર્દોષ હાસ્ય અને ખુશી હંમેશને માટે વિજય સાહેબના સ્મરણ પટ પર અંકિત થઈ ગયા..
એમણે પૂછ્યું, "શું નામ છે બેટા તારું?"
"લાધિકા" છોકરીએ કાલીઘેલી બોલી માં કહ્યું..
"અરે વાહ.. બહુ સરસ નામ છે.. ભણવા જાય છે?"
બાળકી એ માથું ધુણાવ્યું...
"ક્યાં ધોરણ માં ભણે છે?"
"તલિજા માં.."
"વાહ.. સરસ... મોટા થઈને શું બનવું છે?"
"ડોકટલ.."
વિજય સાહેબે સ્મિત આપતા એના પપ્પા ને કહ્યું.., "આને ખૂબ ભણાવજો, તમે નસીબદાર છો આવી પરી જેવી દીકરી મળી છે.."
"હા સાહેબ.. સાક્ષાત ખોડીયાર જગદંબા છે આ તો.. ગળધરા ધારી મંદિરે માનતા માન્યા પછી મળી છે.. લક્ષ્મીનો જ અવતાર છે.. એની બધી ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરું છું.. તમારો આભાર સાહેબ.." એમ કહી પેલા મજૂરે હાથ જોડયા..
સાહેબે તેના બંને હાથ હાથમાં લીધા અને કહ્યું, "અરે ના કાકા.. તમે તો વડીલ છો, હાથ તો મારે જોડવાના હોય.."
પેલા ભાઈ અને નાનકડી રાધિકાની ખુશી નો પાર ન હતો.. તેઓ આગળ ચાલ્યા..
"ભગવાન તારું ભલું કરશે દીકરા.." પેલા માજી બોલ્યા..
સાહેબે હળવું સ્મિત આપ્યું અને પૂછ્યું, "બીજા કયા ફટાકડા છે માજી? મારે લઈ જવા છે."
"આ કોઠી, ચકરડી, લવિંગીયાં ની કોથળી, ચાંદલિયા ના રોલ, નાગ ની ટીકડી.. બોલો શું જોઈએ?"
"આખું બોક્સ નથી?"
"ના ભાઈ, જે છે એ આટલું જ છે.."
માજી નો જમાઈ માજી ને આખા બોક્સ માં ફટાકડા આપતો અને માજી આ બોક્સની અંદરની ચકરડી, કોઠી વગેરે છૂટક માં વેચતા.. પાંચ રૂપિયાનું એક એમ.. જેથી ગરીબ મજૂર પણ એમની ત્રેવડ મુજબ છોકરાઓ માટે બે ચાર ચકરડી, કોઠી વગેરે લઈ શકે અને માજી ને પણ નફો મળી રહે..
માજીને જ્યારે વેપાર સારો થતો અને નફો રળતા ત્યારે એ મૂળ કિંમત એના જમાઈ ને ચૂકવી દેતા.. જમાઈ કદી લેતો નહિ પણ માજી એની દીકરીને જતી વખતે પરાણે હાથમાં પકડાવી દેતા, "આ તારા આંટા ના.. રાખ દીકરા, આ ડોશીને મળવા આવતી રેજે" એમ આંખમાં આંસુ સાથે બોલતા..
"કેટલી વાર કીધું છે બા, અમારી સાથે ખાંભા રહેવા આવી જાવ પણ તમે તો માનતા જ નથી.. તમારા જમાઈ પણ કહી કહી ને થાક્યા.."
"ના રે ગાંડી.. મારો આ ધંધો કોણ સંભાળે?" ડોશીમા જાણે ધીરુભાઈ અંબાણી ના વારસદાર હોય અને આખો ધંધો એમના માથે હોય એમ કહેતા..
એ નાનકડી રમકડાંની લારી પણ એમના માટે ઘણું હતી, એમની આજીવિકા હતી.. એક ની એક દીકરીને મજૂરી કરીને પરણાવી પણ કોઈ સામે આજ સુધી હાથ લાંબો કર્યો ન હતો..
"મારે તો દાન મહારાજ ની મેર છે.. આ ચલાળાં ની પવિત્ર ભૂમિ પર જ મારો જીવ જશે ત્યાં સુધી રહીશ" માજી ને એમના ધંધા અને ચલાલા ગામ પ્રત્યે બહુ જ પ્રેમ હતો...
વિજય સાહેબે કદી આ રીતે છૂટક માં ફટાકડા લીધા જ ન હતા.. હંમેશા આખા બોક્સ જ લીધેલા.. તેમણે કહ્યું,
"મારે તો આખું બોક્સ લેવું હતું.. "
"આ જેટલું છે એટલું લઈ જાવ ને, બધું તમારું"
"શું ભાવ કોઠી અને ચકરડી નો?"
"પાંચ ની એક"
એક બોક્સ માં ૮ કોઠી હતી.. માજી એ ગણી ગણી ને નાખવા લાગ્યા કોથળી માં.. "આના થયા ચાલીસ"
વિજય સાહેબ ગઈ કાલે જ ગામની એક મોટી દુકાન માંથી ઘણા બધા ફટાકડા લાવેલા આજ રાતના પ્રોગ્રામ માટે.. આ જ કોઠી નું આખુ બોક્સ દસ કોઠી તેમણે ૩૫ રૂપિયા માં લીધેલી.. આજે માજી એવા જ બોક્સની આઠ કોઠી એમને છૂટક માં ચાલીસ રૂપિયે આપતા હતા..
એવું જ ચકરડી માં થયું.. જે ૨૦ ચકરડી નું બોક્સ ગઈ કાલે એમણે ૬૦ રૂપિયા માં લીધું હતું (૩ રૂપિયાની એક ચકરડી લેખે), આજે માજી એક ચકરડી ના પાંચ રૂપિયા લેખે ગણી ને છેલ્લી વધેલી ૧૩ ચકરડી કોથળી માં નાખવા લાગ્યા.. "આના થયા ૬૫ રૂપિયા.."
આમ વિજય સાહેબે જે ફટાકડા ગઈ કાલે ૬૭ રૂપિયામાં લીધા હતા એની કુલ કિંમત આજે માજી એ ૧૦૫ રૂપિયા આંકી.. વિજય સાહેબના ગાણિતિક મગજે મનોમન આ સરવાળો માંડ્યો.. પણ તેઓ કશું બોલ્યા નહિ..
આજે જીવન માં પહેલી વાર વિજય સાહેબને જાણી જોઈને છેતરાવા માં મજા આવતી હતી.. એમણે એક રૂપિયા નો પણ ભાવતાલ ન કરાવ્યો.. નાગની ટીકડી, ચાંદલિયા ના રોલ, લાવિંગીયા બધું જ માજી જે ભાવે આપવા રાજી હોય એ ભાવે લઈ લીધું..
"બધું થઈ ને થાય છે ત્રણ સો ને માથે વીસ રૂપિયા.. તમે ત્રણ સો આપશો તો ચાલશે" માજી એક ઝબલા માં ખુશી થી બધા ફટાકડા નાખતા બોલ્યા.. એમની ખુશી એમના ચહેરા પર વાંચી શકાતી હતી.. એમની દિવાળી સુધરી ગઈ હોય એવું લાગતું હતું..
"માજી પેલી નાનકડી પરીને મે જે ફટાકડા અપાવ્યા એના પૈસા તો તમે ગણવાનું ભૂલી જ ગયા.. ધંધો કરવા માં કાચા છો હો તમે.. આમ પૈસા લેવાનું ભૂલી જશો તો કેમ ચાલશે?" સાહેબે માજી નો પગ ખેંચ્યો ..
"ભૂલી નથી દીકરા.. મને યાદ જ છે.. પણ એ ઢીંગલી ની દિવાળી આ વખતે મારા ઉપર છે... મે જાણી જોઈને એ પૈસા નથી ગણ્યા.. એવી ફૂલ જેવી છોકરી ના પૈસા તારી પાસે થી માગતા મારો જીવ ન ચાલ્યો અને તું આપે તો પણ હું લેવાની નથી.. સાક્ષાત ખોડીયાર માં જ હતા એ.. આવતી દિવાળી એ મારી સોનું ને પણ માતાજી આવી જ હસતી રમતી દીકરી દે એવી પ્રાર્થના કરું હું તો..."
સાહેબની આંખમાં ઝળઝળીયાં આવી ગયા..
તેમને ગઈ કાલનો પ્રસંગ યાદ આવી ગયો.. ગઈ કાલે જ્યારે તેઓ એમ.બી.બી.એસ. ડોક્ટર સાવલિયા સાહેબ પાસે બેઠા હતા ત્યારે ગામની એક મોટા ઘરની વ્યક્તિ અંદર સાહેબની ચેંબર માં આવી અને પટાવાળાને બારણું બંધ કરવા કહ્યું...
"સાહેબ મારે એક અંગત કામ હતું" એમ કહી એમણે વિજય સાહેબ સામે જોયું..
સાવલિયા સાહેબ સમજી ગયા..
"આ દાંતના ડોકટર છે.. ઘર જેવું જ છે.. ચિંતા ન કરો.. બિન્દાસ બોલો.."
"સાહેબ, મારી પત્ની પ્રેગનેન્ટ છે.. અમે સોનોગ્રાફી કરાવી, યેનકેન પ્રકારે જાણવા મળ્યું છે કે દીકરી છે.. અમારે મોટી પણ એક દીકરી જ છે.. અમારે આ દીકરી નથી જોઈતી... તો ... " અચકાતા અચકાતા અને ધીમા અવાજે તે અમીર વ્યક્તિએ કહ્યું, "ગર્ભપાત માટેની કોઈ દવા કે પ્રક્રિયા..."
આટલું બોલતા જ સાવલિયા સાહેબની આંખો લાલ થઇ ગઇ.. "તમે આટલા સારા કુટુંબ માંથી આવો છો, ભણેલા ગણેલા થઈ ને આવી વાતો કરી રહ્યા છો? શરમ નથી આવતી તમને? જતા રહો અહી થી અને આજ પછી આવી વાત લઈને મારી પાસે કદી આવતા નહિ.."
પેલા ભાઈ તરત જ ત્યાંથી જતા રહ્યા..
વિજય સાહેબ તો જોતા જ રહી ગયા.. સમાજ નો શિક્ષિત અને સારો કહેવતો વર્ગ આ હદે પહોંચી જતો હોય તો ગરીબ અને અભણ માણસની તો શું વાત કરવી...
પણ આજે આ ગરીબ અને અભણ ડોશી જ એની દીકરી ના ઘરે પારણું બંધાય, તેને દીકરી જ થાય, સાક્ષાત લક્ષ્મી અવતરે એવી પ્રાર્થના કરતી હતી...
"તમારી દીકરી ના ઘરે દીકરી લાવી ને શું કરશો માજી? એ પણ સાસરે જતી રેહશેે અને ઘડપણ માં તમારી દીકરી અને જમાઈ પણ તમારી જેમ જ હેરાન થશે.." વિજય સાહેબે કહ્યું..
"હું હેરાન થતી હોવ એવું લાગે છે તને બેટા?" માજી એ સામો સવાલ કર્યો, "મારાથી ખુશ તો આ દુનિયામાં કોઈ નથી.. બે ટંક નો રોટલો મારી જાત મહેનત થી આ સિત્તેર ની ઉંમરે કમાઈને ખાવ છું.. આ ઉંમરે પણ ભગવાન ની દયા થી મારા નખમાય કોઈ રોગ નથી.. વાર તહેવારે મારી દીકરી અને જમાઈ આવે છે એ ખુશી મારું જીવન વિતાવવા પૂરતી છે.. અને હા, જો દીકરો થયો હોત ને તો આજે હું એક અન્ન ના કોળિયા માટે પણ વલખાં મારતી હોત.. પેલી રૂડી માં ને જોઈ છે તે? ચાર ચાર દીકરા છે પણ બધા સુરત.. ડોશી અત્યારે ખાટલે પડી છે પણ ચારમાંથી એકેય ને એની ખબર પૂછવાનો પણ સમય નથી.. હું જ એને આ સામેના સરકારી દવાખાને લઈ જાવ છું કાયમ.. બહુ સારા દાક્તર છે ત્યાં, દવા, ઇંજીશન બધું મફત માં આપે છે.. ભગવાન રૂડીમાં જેવા દિવસો કોઈ ને ના બતાવે.. સારું છે મારે દીકરી છે... હવે એના ઘરે એક દીકરી થાય એનું મોઢું જોઈ લવ બસ.. પછી મારો વ્હાલો મને વૈકુંઠ માં બોલાવી લે એટલે બેડો પાર.." માજી ની આંખમાં ચમક હતી...
વિજય સાહેબના મન માં એ ગરીબ ડોશી પ્રત્યે સન્માન ઓર વધી ગયું.. તેમણે પાંચ સો રૂપિયા ની નોટ આપી અને કહ્યું, "આ રાખો માજી.. દિવાળી ઉજવો.."
માજી એ દસ દસની વીસ નોટ ગણી અને બસો રૂપિયા પાછા આપવા હાથ લાંબો કર્યો..
"એ બધા જ રાખો માજી.. બસ આશીર્વાદ આપો"
"ના દીકરા, મારા હક કરતા એક રૂપિયો પણ વધુ મારે ન પોસાય.. આ લઈ લે.. આ ફટાકડા વેચીને જે નફો મળ્યો એ જ મારો હક, તેનાથી વધુ કઈ જ નઈ.. " માજી એ બસો રૂપિયા આપતા કહ્યું.
"તો માજી, હક કરતા ઓછું પણ ના લો.. ત્રણ સો ને વીસ થાય છે... આ લો આ વીસ રૂપિયા" વિજય સાહેબે દસ દસની બે નોટ આપતા કહ્યું..
માજી હસવા લાગ્યા અને વીસ રૂપિયા લઈ લીધા... સવાર થી આટલો બધો વેપાર થયો આજે તો એમની ખુશી નો પાર ન હતો..
એ ડોશી માં ના આંખ ની ચમક અને હોઠની મુસ્કાન જોઈને વિજય સાહેબ ને યાદ આવ્યું કે ગઈ કાલે તેઓ જે અમરેલીના યુ.એસ. પીઝા માં ખાવા ગયા હતા ત્યારે એક જણ ના જમવાનું બિલ ત્રણસો વીસ રૂપિયા આવ્યું હતું.. એ પિત્ઝા ખાવાની ખુશી કરતા આજે માજી પાસે જાણી જોઈને છેતરાઈ ને એમને ત્રણસો વીસ રૂપિયા આપી ને તેમનો હસતો ચહેરો જોવાની ખુશી હજારો ગણી વધુ હતી..
"સારું માજી ત્યારે.. જાવ છું.. આશીર્વાદ આપો."
"આશીર્વાદ તો બેટા ત્યારે જ તારા માટે નીકળી ગયા જ્યારે તે પેલી ઢીંગલી ને ફટાકડા અપાવ્યા.. સદાય ખુશ રેજે, ભગવાન તારું ભલું કરે, આવતો રેહજે.."
વિજય સાહેબ ત્યાંથી પાછા આવ્યા.. હવે એમનું હૃદય એકદમ ખુશ અને પ્રફુલ્લિત હતું.. વરસો પછી ખરા અર્થ માં દિવાળી ઉજવી હોય એવું એમને લાગતું હતું.. આજે રાતે ખૂબ મજા આવવા ની હતી એ વાત તેઓ જાણતા હતા..
સાંજ પડી.. પ્રોગ્રામ પત્યો.. દરેક સ્ટાફ એ ખૂબ મજા કરી.. ઓળા રોટલાની લિજ્જત માણી, ડંબ શરડસ રમ્યા.. ફટાકડા ફોડયા.. મોટી દુકાન માંથી લાવેલા બધા ફટાકડાનું સુરસુરિયું થઇ ગયું અને માજી ના દરેક ફટાકડા એ રંગ રાખ્યો.. ફટાકડા પણ ઈમાનદારી, ખુદ્દારી અને ગરીબીની ભાષા સમજે છે એવું લાગ્યું.. મોડે સુધી બધાએ વાતો કરી.. વિજય સાહેબે આ પ્રસંગ બધા સાથે શેર કર્યો..
બીજો દિવસ.. નવી સવાર.. આજે વિજય સાહેબ થોડા વહેલા ગયા હોસ્પિટલ.. બારી માંથી નીચે જોયું.. સવાર સવારમાં લારી પર લાઈન લાગેલી... ડોશીમા ની નજર એકાએક ઉપર ગઈ.. તેમણે વિજય સાહેબ ને જોયા.. નજર થી નજર મળી ... સાહેબ ના સ્મિત સાથે માજીનું સ્મિત મળી ગયું.. તેઓ આભાર પૂર્વક સાહેબ ને નિહાળી રહ્યા...
એ સ્મિત પાછળનું કારણ હતું માજી ની લારી પર લાઈન માં ફટાકડા લેવા ઉભેલા હર્ષા બેન, દીપા બેન, રશીદા, સવિતા બેન, સાગરભાઈ, વૈશાલી બેન, તેજલ બેન , સંગીતાબેન અને બીજો હોસ્પિટલ નો સ્ટાફ.... માજી એ હાથ ઊંચો કર્યો અને વિજય સાહેબ ને આશીર્વાદ આપ્યા...
"કો'કની દિવાળી સુધારવામાં મજા છે..
કો'ક નું દુઃખ મિટાવવામાં મજા છે..
મળે જો ખુશી, આવે જો રોનક કોઈ ગરીબ વેપારીના ચહેરા પર,
તો એના હાથે છેતરાવામાં મજા છે.."