લિપિ - એક યોદ્ધા!! - 1 Khyati Soni ladu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લિપિ - એક યોદ્ધા!! - 1

નમસ્કાર મિત્રો,


આ વાર્તાના માધ્યમ થી હું આજે પદ્યલેખન નાં પગથિયાં ચડવાની શરૂઆત કરું છું. આશા છે મારી કલ્પનાસૃષ્ટિ નું હું આપના સમક્ષ યથાર્થ વર્ણન કરી શકીશ. આપનો સાથ અને સહકાર મળી રહેશે એ અપેક્ષા સહ....


"લિપિ- એક યોદ્ધા!!"

લિપિ...અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી મધ્યમવર્ગીય પરિવારની એક જ દિકરી. મમ્મા સ્મૃતિબહેન અને પપ્પા વિરાજભાઈની લાડકડી, હા બે મોટાભાઈ ખરાં!! અંશુ અને સાર્થક પણ લિપિ તો બંને માટે જાણે નાની દિકરી ની જેમ હતી. બંને ભાઈઓ નો જીવ અને ભાભી કૃતિ અને સ્વાતિ ની વ્હાલી નાનકી બેન થી પણ વિશેષ એવી નણંદ. લિપિ જાણે ઘરનો ધબકાર. જીવંત રાખે છે ઘરને લિપિનો મીઠો અવાજ,લાગણીનાં દરિયા જેવી. પ્રેમથી ભરેલી, સંસ્કાર અને શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ એટલે લિપિ... 'લિપિ વિરાજભાઈ શાહ'. આંખોમાં એક સપનું શ્રેષ્ઠ શિક્ષિકા બનવાનું અને સમાજનાં એ વર્ગને શિક્ષિત કરવાનું જ્યાં શિક્ષણનું કોઈ મહત્ત્વ નથી. બસ આ એક જ સપનું લિપિને આગળ વધવાની પ્રેરણા આપતું...માતાપિતાનો સાથ અને ભાઈઓ અને ભાભીઓનો સહકાર લિપિને એ સપનું, જે દેખીતી રીતે જ અઘરૂં હતું એ પૂરું કરવા માટે આત્મવિશ્વાસ પૂરું પડતા હતાં અને આગળ વધવાની હિમ્મત આપતા હતાં.

પણ આજે એ ધબકાર જાણે રૂંધાઇ ગયો છે...એ મીઠો ગુંજતો અવાજ જાણે મૌનની ચાદર ઓઢીને બેસી ગયો છે...લાગણીનો એ દરિયો સુકાઈ ગયો છે...શ્રેષ્ઠ શિક્ષિકા બનવાનું એ સપનું આજે લિપિ માટે ક્યારેય ના રૂઝાય એવો ઊંડો ઘા બની ગયો છે...હા...એ હસતી રમતી ઉર્જા થી ભરેલી લિપિ આજે અંધકારની ગર્તા માં એકલી અટૂલી રહી ગઈ છે... સ્મૃતિબહેન અને વિરાજભાઈ પણ હવે દિકરી ને આ હાલતમાં જોઈ જોઈને તૂટી ગયા છે.અંશુ અને સાર્થક પણ પોતાની લાડકી બહેન માટે કંઈ ના કરી શકવાના ભાર નીચે દબાઈ ને રહી ગયા છે. આજ થી વીસ દિવસ પહેલાં બનેલાં એ બનાવે હસતાં રમતાં શાહ પરિવારને એક એવી જગ્યાએ લાવીને રાખી દીધું છે કે જ્યાંથી કોઈ જ રસ્તો નથી દેખાતો...

તમને લોકો ને જાણવું છે કે એવું તો શું બની ગયું શાહ પરિવારમાં વીસ દિવસ પહેલાં? તો ચાલો મારી સાથે ભૂતકાળમાં...વીસ દિવસ પહેલાંના.

તા. 25/12/2019, નાતાલનો એ ગુલાબી ઠંડીથી ભરેલો પવિત્ર દિવસ. શાહ પરિવારની સવાર આજે પણ રોજની માફક લિપિની કૉલેજ જવા પહેલાંની એની મમ્મી સાથેની નાસ્તા ને લઈ ને રકઝક, પપ્પાની છાપું વાંચતા વાંચતા અંશુ સાથે ખબરોની ચર્ચા, સાર્થકનું સવારનું આદિનાથ ભગવાનનું વિધાન અને પૂજા, અને કૃતિ અને સ્વાતિનું બધાના સમય સાચવીને પોતાના કામ આટોપિં ને જોબ માટે તૈયાર થવું, એ જ રોજિંદા કામથી થઈ હતી.

સવારે 7.45 નો સમય થતાં જ લિપિ પોતાની બેગ લઈ ને નીકળી ગઈ પોતાની કૉલેજ જવા માટે. નાતાલની આમ તો રજા હતી કૉલેજમાં પણ બી.એડ ના છેલ્લા વર્ષમાં ભણતાં વિદ્યાર્થીઓ એ મળીને અમદાવાદના નરોડાવિસ્તારમાં રહેતાં પછાતવર્ગનાં નાનાં નાનાં બાળકોને ભણતર અંગે જાગૃત કરવા માટે અને તેમનાં માતાપિતાને સમજાવવા માટે એક દિવસની શિબિરનું આયોજન કરેલું. જેમાં દરેક વિદ્યાર્થીઓ એ પોતાની આગવી શૈલીમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી. લિપિએ પણ પોતાની વાત આગવી શૈલીમાં પોતાના વાકચતુર્ય અને બુદ્ધિકૌશલ્યથી એવી રીતે રજૂ કરી કે દરેક લોકો લિપિને મન્ત્ર મુગ્ધ બનીને સાંભળતા જ રહ્યા. પોતાનું સપનું પુરૂ કરવાની આ ઉત્તમ તકને લિપિએ બખૂબી પોતાની તરફેણમાં કરી લીધી. ઘણાં બધાં માતાપિતાને પોતાના બાળકને શિક્ષિત કરવાનાં સંકલ્પ કરાવ્યાં, તો ઘણા ને એ બાબતે વિચારતાં કરી દીધાં.

શિબિરનું આયોજન ધાર્યું હતું એના કરતાં પણ ઘણું સફળ રહ્યું. બધા વિદ્યાર્થીઓ ખુશ હતા, પોતાની મહેનતથી અને એ મહેનતની સફળતા થી. શિબિર પૂરી થતાં થતાં રાતનાં નવ વાગી ગયા હતાં. અમુક વહેલાં જ નીકળી ગયા હતાં તો અમુક શિબિરનું કામ પુરૂ કરીને નીકળ્યાં. છેલ્લે જવામાં લિપિ, શ્રધ્ધા, આદિ, સ્નેહ અને પ્રથમ આમ પાંચ જણા બાકી હતાં. બધાં પાસે પોત પોતાના વાહન હતાં એટલે બીજી કોઈ ચિંતા ના હતી, પણ નરોડાવિસ્તાર અમદાવાદના કુખ્યાત અને ખતરનાક વિસ્તારમાં મોખરે હતો એટલે બધાં ને બને તેટલું જલ્દીથી આ વિસ્તારમાંથી બહાર નીકળી જવું હતું. ફટાફટ કામ આટોપીને બધા પોતાના ઘરે જવા માટે નીકળ્યાં. નરોડા થી બહાર નીકળવાની ઉતાવળ હતી પણ નક્કી કર્યા મુજબ પાંચેય મિત્રો પોતપોતાના વાહન બને ત્યાં સુધી એકબીજાની સાથે જ ચલાવતા હતા. એટલે થોડો ડર ઓછો હતો. પણ બધા એક વાત થી અજાણ હતાં કે સવારે શિબિર ચાલુ થઈ ત્યારથી કોઈ હતું જે લિપિની દરેક હિલચાલ પર નજર રાખતું હતું. અને અત્યારે પણ કોઈ હતું જે લિપીની પાછળ પાછળ આવતું હતું.

કોણ હતું એ જે લિપિ પર નજર રાખી રહ્યું હતું? શું થયું હશે લિપિ સાથે? જાણવા માટે આગળ નો ભાગ ટૂંક સમય માં જ રજૂ કરીશ...

આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો.

©આ વાર્તા મારી પોતાની કલ્પનાશક્તિ દ્વારા રચાયેલી છે. આ વાર્તા ને લાગતા તમામ અધિકારો લેખકના છે. તેમજ નકલ કરનાર સજા ને પાત્ર રહેશે.