અવિનાશ રોજની જેમ મોર્નિંગવોક કરીને કરીને ઘરે આવ્યો; પણ, આજે એના ચેહરા પર રોજ જેવી મુસ્કુરાહટ નહોતી. આવીને તરત એ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રાખેલી ખુરશીમાં બેસી ગયો અને વિચારમાં સરી પડ્યો.
રસોડાની બારીમાંથી એની પત્ની અનુ એને જોઈ રહી હતી, અને મનોમન વિચારતી હતી કે ; " આ અવિને શું થયું હશે ? રોજ તો આવીને તરત જ ચા બનાવવાનું કહીં દે."
અનુ થોડીવાર સુધી એને જોયા કરી પછી એ રસોડામાંથી બહાર આવીને અવિનાશ જ્યાં બેઠો હતો ત્યાં એની સામેની ખુરશીમાં બેઠી.
અવિનાશની સામે જોતી એ બોલી; "અવી શું થયું? શું વિચારે છે?"
આ સંભાળીને અવિનાશની નજર અનુના ચેહરા પર સ્થિર થઈ અને અનુ સામે જોઇને; "અનુ કેટલીક વ્યક્તિઓનું જીવન કેટલાં સંઘર્ષથી ભરેલું હોય છે." આ સાંભળીને અનુ બોલી, " હા, એ તો છે જ, પણ, તને કેમ અચાનક આવો વિચાર આવ્યો?"
"અરે, અનુ હું જે ગાર્ડનમાં વૉક માટે જાવ છું ત્યાં રોજ એક અંકલ આવે છે એમની ઉંમર પાંસઠ વર્ષની છે. એ હમેંશા ખુશ જ હોય પણ આજે હું ગયો તો એ ચુપચાપ ક્યારના બાંકડા પર બેસી રહ્યાં હતાં.
હું રોજ એમને જોવ પણ મેં એમને આટલા ચિંતિત ક્યારેય નહોતા જોયા, હું ચાલી રહ્યો હતો પણ મારી નજર એમને શું થયું હશે? એ જાણવાના કુતુહલવશ વારંવાર એમની તરફ જતી, અને મારા મનમાં એમને લઈને કેટલાય પ્રશ્નો ધીરે- ધીરે ઉદ્દભવવા લાગ્યા. અને એ આટલા ચિંતિત કેમ છે એ જાણવા માટેનું મારું કુતુલહ વધ્યું.
મારાથી ન રહેવાયું એટલે હું એમની પાસે ગયો અને મેં એમને પૂછ્યું; શું થયું અંકલ? આજે કેમ બેસી રહ્યાં છો?"
એટલે એ મારી સામે જોઇને હસ્યાં અને પછી બોલ્યા;
"આજની ભાગદોડ ભરી જિંદગીમાં આવું પુછનારું પણ કોઈ ન હોય, સારું કેહવાય."
એટલે મેં કહ્યું, "અંકલ આ તો હું રોજ તમને જોવ છું પણ આ રીતે ચિન્તામાં કયારેય નથી જોયા, એટલે પૂછ્યું."
એટલે એ અંકલ કેહવા લાગ્યા; "બેટા ચિન્તા તો હોય જ પણ ચેહરા પર વર્તાઈ નહીં, આતો આજે મન થોડા વધું વિચારમાં પડી ગયું."
એટલે મેં એમને પૂછ્યું; "એવું તો શું થયું અંકલ?"
આ સાંભળીને એમની નજર સ્થિર થઈ ગઈ અને આગળ વાત કરવા લાગ્યા, "બેટા, આજે મારી પત્નીનો જન્મદિવસ છે." આ સંભાળીને મેં એમને કહ્યું, "તો, અંકલ આ તો ખુશીની વાત છે"
આ સાંભળીને એ મારી સામે જોઇને ઉદાસ ચેહરે બોલ્યા, " પણ એ નથી હવે મારી સાથે એ તો બે વર્ષ પહેલાં જ....." આટલું બોલી અટકી ગયા, અને થોડો વિરામ લઈને બોલ્યા,
આ સમય ક્યાં જાય છે ખબર જ નથી પડતી વર્ષો વહી ગયા. મારા બે દીકરા બંનેના લગ્ન પણ થઈ ગયા અને સારી જોબ કરે છે અને એમના પણ બાળકો છે, મારો અને મારી અને મારી પત્નીનો સમય તો એમની સાથે ખુશીથી જતો પણ હવે.......
આખી જિંદગી કપરો સંઘર્ષ કર્યો કે જેથી પોતાના બાળકોને અને પોતાની જિંદગીને સારી અને બેહતર બનાવી શકું, ઘણાખરા વર્ષો એમાં જ વહી ગયા હવે સમય મળ્યો તો સ્વાસ્થ્ય પેહલાં જેવું નથી રહેતું, આખી જિંદગી મારી પત્ની પણ ઘરના અને બાળકોના કામ કરતી રહી અને એમાંથી થોડો સમય મળે તો સિલાઈકામ કરતી અને મને ઘર ચલાવવામાં મદદ કરતી.
એના કેટલાય સપનાં હતા પણ મારી પરિસ્થિતિ જોઈને એ કઈ બોલતી નહીં, હું બધું જ સમજતો પણ મજબૂર હતો.
મારે કંઈ ખરીદવું હોય તો પણ વિચારવું પડતું. એણે પણ આખી જિંદગી ઘરના કામ અને જવાબદારીઓ સિવાય જીવનના કોઈ સુખ જોયાં નહીં.