જીવનસાથી.... - 7 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસાથી.... - 7

ભાગ 7

આગળ જોયું એ મુજબ ચારે સખીઓ હવે એકમેક સાથે સંબંધોના દોરે અને મિત્રતાના બંધને બંધાઈ ગઈ છે..આજ તો એ બધા પહેલી વાર બાજુના બગીચામાં નાની કિટ્ટી પાર્ટી ગોઠવે છે...હવે આગળ..


આજ સીમા અને પાયલ સરસ તૈયાર થઈને સુહાનીદીદીની રાહ જોવે છે. સુહાની પણ બ્લેક જીન્સ અને શર્ટમાં મોહક લાગે છે. એ પોતે કાર ડ્રાઈવ કરી શકે છે પણ એના પતિદેવની બહુ જ પચપચથી તે કારને હાથ સુધ્ધાં લગાવતી નથી. એ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ એક ઓટોમાં બગીચે પહોંચે છે. રહી રેખાની વાત તો એ આવી ગોષ્ઠિને બહુ મહત્વ નથી આપતી. બગીચો તો એના ઘરથી ચાલીને જઈ શકાય એટલી જ દૂરી પર છે. એ આજ ખૂબ જ થકાન મહેસૂસ કરે છે એટલે એ બગીચામાં જવાનું ટાળે છે.

ત્રણે સખીઓનો ચર્ચાનો દોર ચાલુ થાય છે કે પાયલની ફોનની રીંગ વાગે છે...' મેં રંગ શરબતો કા તું મીઠે ઘાટ કા પાની..'
સુહાની તો ગીતને ગણગણે છે સાથે અને સીમા ઈશારો કરે છે કે જો તારા પ્રિયતમનો કોલ આવ્યો..પાયલ શરમાઈ જાય છે !!

એ બેય સખીથી થોડી દૂર જઈ વાત કરે છે.

આ બાજુ સુહાની પોતાના ઘરે પાળેલા પોપટની વાત કરે છે સીમાને. સીમા તો સુહાનીના વાત કરવાના અંદાજ, હાથના
મૂવમેન્ટ, આંખોની અભિવ્યક્તિ સાથે થતી વાતચીતને જોઈ પોતાની જાતને મનોમન કોસે છે કે પોતાનામાં એક ગુણ સુહાની જેવો નથી. સુહાની હસતા હસતા વાત કરવાની ટેવ ધરાવે છે એ વાતચીતના અંદાજમાં પરખાઈ આવતું હતું.

ત્યાં જ પાયલની વાત યોગેશ સાથે પૂરી થાય છે અને એ દોડતી આવે છે સીમા પાસે. એ ખુશી સાથે જણાવે છે કે યોગેશ આઉટ ઓફ સ્ટેશન છે તો પોતાના માટે થોડી શોપિંગ કરવાનો હોય તો મારા માટે પણ કશુંક લાવશે એટલે મારી ચોઈસ પૂછતો હતો.

સીમા આ વાતથી હરખાય છે કે કેવી નસીબદાર છો પાયલ તું !! આટલી દરકાર લગ્ન પહેલા એ સારૂં જ કહેવાય ને !!
પરંતુ,,, સુહાનીએ કાંઈ જ વ્યક્ત ન કર્યું. એ પાયલે પણ જોયું. સુહાની વાત ફેરવતા કહે છે ચાલો,, ક્યાંક સારી જગ્યાએ બેસી તો ખરા !! પછી બાકી બધું વિચારીશું.
આમ, ત્રણે સખીઓ એક બાંકડા પર ગોઠવાય છે.

સીમાને યાદ આવે છે 'રેખાબહેન કેમ નહીં આવ્યા હોય??'

એ પાયલને યાદ કરાવી રેખાને ફોન કરવા કહે છે.

સુહાની કહે છે " રેખાને જોઈ એમ થાય કે ભગવાન શું કામ અબળા પર જ દુઃખ માંડતો હશે??"

સીમા : આપણે ક્યાંક એના દુઃખમાં સહભાગી બની તો થોડી હળવાશ રહે એના જીવનમાં..મને તો મિસિસ.મહેતા પોતે કહેતા હતા કે બિચારી જન્મની દુઃખિયારી છે. બાકી આપણે તો એના વિશે કશું જાણતા નથી.

સુહાની : હા, એ મિસિસ. મહેતા મને પણ કહેતા હતા કે કયારેક થોડા ટેકાની જરૂર હોય તો એ જરૂરિયાતમંદ છે ત્યાં મદદ માટે ન વિચારતા. મને પણ એના વિશે આટલી જાણકારી છે.એની સાદગી, મહેનત અને બોલચાલ પરથી એ સાવ ગરીબડી જ લાગે છે મને તો.

પાયલે ફોન કરી રેખાને અતિ આગ્રહ કરી બગીચે મળવા બોલાવી. રેખાની જીદ આજ ન ચાલી. એ તૈયાર થઈને નીકળી પણ ખરા, પણ એ ક્યારેય મોહનના ગયા પછી આવા કોઈ સાર્વજનિક સ્થળે જતા સંકોચ પામતી. આજ પણ દુનિયા કે અન્ય સગા-વહાલાં મને ત્યાં જોશે તો મારા વિશે શું વિચારશે ??? એ ડર સાથે જ બગીચે પહોંચે છે.

રેખાના પહોંચવાથી ત્રણે સખીઓ એને આવકારે છે જાણે એક નાની સગી બહેનને માન આપતી હોય એમ. સીમા રેખાની હથેળી સામે જોઈને વિચારે છે કે 'કિસ્મત ક્યારે ખુલશે આ બાઈનું ! '

સુહાની પણ એક સામાન્ય નારીની મહેનતભરી જીંદગીની મુર્તિ સમી રેખાને પહેલી વાર નિરખીને જોઈ. એ પણ એની સાદગીને દિલથી વખાણે છે.

પાયલ પણ રેખાને મોડાં આવવા બદલ મીઠો ઠપકો આપે છે.

રેખા હસતા હસતા પોતાના કામની જવાબદારીને સમયસર પહોંચી વળવા માટે ન આવવાનું વિચારી લીધું હતું એવું જણાવે છે.

ચારે સખી હવે હરિયાળા ઘાસ પર બેસી કુદરતની રંગીન લીલા નિહાળે છે. રેખા કહે છે કે "મેં આજ પહેલી વાર બગીચામાં પગ મૂકયો. મોહન વિનાની મારી જીંદગી સાવ નિર્માલ્ય બની છે."

સુહાની : કોઈ વ્યક્તિ જીંદગીમાં હોય તો પણ કંઈક કમી વર્તાય અને ન હોય તો પણ કમી વર્તાય.. શું કહેવું આ જીવનને !!!

પાયલ : તમે બધા અનુભવીઓ છો પહેલા મારી મુંઝવણ તો ઉકેલો !!

સીમા : તને તો પુછી પુછીને પાણી પીનારો યોગેશ મળી ગયો છે મેડમજી... હવે શેની મુંઝવણ ???

આ વાતથી બધા ખડખડાટ હસી પડે છે જાણે અલગ અલગ વૃક્ષની ચરકલડીઓ એક વૃક્ષને ઓથે મળી હોય.


આવી નિર્દોષ દોસ્તીની પહેલી મુલાકાત આમ જ સૂરજની સંધ્યા સાથે ખીલી ઊઠી... બાકીનું આવતા ભાગમાં..


---------- (ક્રમશઃ) --------------


લેખક :- Doli modi✍️✍️
Shital malani.