ભરોસો કમાવો પ્રેમમાં એજ તો પુંજી છે.
ને તેથી,
આપણી દુનિયાનાં સૌથી અમીર આપણે જ..
અમીરી તો એટલી કે માત્ર બે સ્નેહ-શબ્દો
ને ,
પાછળ મૌન પણ સાક્ષી આપે.
જોતું તું એ કમાઈ લીધું..
બીજું સંગાથે કંઈક હજી કમાઈ અને લેશુ,
અને એને જ અનમોલ કહીશું.
કમાણી કરવા નીકળ્યા તો પછી કમાઈને દેવું છે.
મારે પણ કોઈના સોનરી સપનામાં રહેવું છે.
બીજા શબ્દોમાં કહીએ તો મસ્તીમાં મસ્ત રહેવું છે.
અત્યારે શબ્દોની જરૂર છે.
આપની હાજરી જો નથી મનને માનવવા..
શબ્દોની ઉજાણી જ અત્યારે આધાર છે પ્રતિતીનો,
નહિ તો ,ચહેરો જ કહી દે છે બધું મૌનમહીં..
ચેહરા વાંચતા શીખી ગયા છીએ
પણ જેનાં હૃદયમાં લાગણી હોય તેનાં ..
જ્યારે આ કપટ કામણનું વણલખ્યું છે,
આ કપટ વાંચવાની કલા તો ક્યાંકથી શીખવી પડશે!
લાગણી જો હોય તો,
ઘણું આપો-આપ આવડી જાય,
એની ક્યાંય પાઠશાળા નથી હોતી..
પોતાનાને વાંચવા તો બસ એહસાસ જોઈએ,
પછી પાસે હોય કે ના હોય કંઈ ફર્ક ક્યાં પડે છે?
મારાથી કોઈના અહેસાસ પણ એટલાજ વંચાય,
જેટલી એની લાગણી પારદર્શી હોય.
એજ તો વાત છે સરવૈયાની પ્રેમનાં,
એહસાસ ને લાગણી બેય તોલા સરખા હોય તો..
જિંદગીનો કાંટો પણ સરખું માપ આપે.
પામવા મળે એટલે બસ છે..
બાકી કેટલું ?
એ માપ તો મારી મરજીનું કરી બતાવીશ.
કોઈ બંધન નથી એટલેજ કદાચ આજ,
આમ પામી શકાયું આ સગપણ.
પામવાની વાત તો ત્યાં હોય જ્યાં ભિન્નતા હોય,
પોતાના પડછાયા ને કોઈ પામે ખરા!
આ સગપણ દુનિયામાં મને સૌથી વ્હાલું છે.
બન્ધન નથી,
છતાં મૌન,સાથ ને સહમતી છે.
પડછાયો છું.જેવું ઈચ્છો એવુ રૂપ આપો,
નક્કી તોય આપેજ કરવાનું..
આ સંબંધને કોઈ નામે જીવી શકાય તો,
એ બહુમુખી જ રહેશે...
બાકી કોઈ સંબંધ આવો અનામી રાખીનેય જીવી શકાય એવો અહેસાસ થાય છે.
નામ આપીને એને ટુંકાવવો નથી.
અનામી રાખી જીવાડવાની આ મજા જ ઔર છે.
એતો નક્કી કરશે ..
આપના અજ્વાળાની ગતિ ને દિશા...
બાકી હું તો એને પંપાળીને જ ચાલીશ..
પછી શું ચિંતા એ પરછાઇ ને,
જો ચીતરનાર ચિંતા કરે.
ચિંતાનું નહિ સ્નેહનું પાત્ર છો.
એને પામવા કરતા ખોવાની ચિંતા થાય.
લાગણી નુ બંન્ધન આમ કાચું લાગે કાચનાં જેવું.
પણ, જો હોય ને તો છૂટતું નથી.
એના ભરોસા પર તો ઇમારત ચણી છે.
હવે એને ટકાવશું સાથે મળી.
ઇમારત તો એટલી મજબૂત થવાની,
વિશ્વાસ ચૂંટીને ભેળવ્યો છે પાયામાં.
તો પછી મંદિર બની જશે.. આપણા પ્રેમનું,
એમાં શ્રદ્ધા પ્રગટાવશુ..સ્નેહની.
શ્રદ્ધાનો દીપ તો પહેલા જ પ્રગટાવ્યો,
મળી મને હૂંફ ને જાણે આપે સબંધ જીવાડ્યો
કંઈક એવું નામ કરી બતાવશું કે
દુનિયાને પણ નવી પ્રેરણા મળી જાય.
અને,
લોકો આવા સંબંધ માટે તરસે નિરંતર.
ખાલી ઓથ આપી જલતી'તી એ જ્યોતિને...
બાકી તેલ ને પ્રકાશ તો એના સ્વયંના જ હતા.
સબન્ધ એવો બાંધવો છે જ્યાં સ્મિત જ બધું કહી દે,
ને આંખો બધું સમજી જાય.
ભાગ્ય બંનેના જોરમાં હતા.
દીપ પણ પ્રકાશિત રહ્યો ને,
ઓથ આપનાર પણ એ પ્રકાશને પામી ગયો.
વાંચતા શીખ્યાની કલા લાગણી પર આજમાવશું..
અક્ષર વિના સઘળું સમજાવશું.
લાગણીનો મોલ આપણે કરી જાણશું,
અનમોલ છે.
એમ કહી ફરી-ફરી હરખાશું.
હરખ તો કરીશું મળીને મિલનનો,
અત્યારે તો માત્ર,આશા થકી જ જીવનને વેગ આપ્યો છે.
મિલન કરતા વાટ જોવામાં મજા છે,
સાંભળ્યું ઘણું હતું આજ અહેસાસ થયો છે.
મળશું ત્યારે વાતો ઘણી અત્યારે તો રાતો ઘણી..
પણ,વીતી જશે વાટો ઘણી.
એ વાતમાં,એ રાતમાં ને એ વાટમાં,
હું છું ,તમે છો ને આ સંબંધ છે.
એની ખુશી અપાર છે.
એટલે તો આ ક્ષણ સરલ બની ગઈ છે,
બાકી આવી ફુરસદ જીરવવી અઘરી છે.
આ ફુરસદ બધાને કનડી ખાય છે.
પણ,
આપણાે સબંધ છે જે એને રોજ ઊર્મિ પાય છે.
એ જ તો પાસે હોવાનો સંતોષ છે,
બાકી તરસનું બહાનું કોને ગમે છે.
આપણને મોહ નહી પ્રેમ જોયે...
જે ક્યારેય ઓછો ન થાય.
આ શબ્દોને થોડો વિરામ આપું છું.
લાગણીના ભાવને ઉરમાં હું સ્થાન આપું છુ.
વિરામ નહિ પ્રશ્નાર્થની અભિલાષા સાથે જાવું છે.
અંતે તો આપના મિલન થકી જ કૃત-કૃત્ય થાવું છે.
-ડૉ.સરિતા (માનસ)