Featured Books
શ્રેણી
શેયર કરો

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-3

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-3

આગળનાં ભાગ ૧ અને ૨ માં આપણે જોયું કે છૂટાછેડા એટલે શું અને એ ન થાય તે માટે શું યાદ રાખવું. પણ હજુ એક પ્રશ્ન તો ઉભો જ છે કે...

છૂટાછેડા થવાનાં મુખ્ય કારણો કયા હોઇ શકે...?

મુખ્ય કારણોઃ-

(૧) સામાન્ય રીતે છૂટાછેડા થવાનું એક મુખ્ય કારણ સાસુ અને વહુ વચ્ચેનો મનમેળ અને મતભેદ. સાસુ એવું ઇચ્છતી હોય કે હું મારૂ ઘર મારી રીતે જ ચાલવા દઉં. આવનારી વહુએ મારી રીત અપનાવી અને સેટ થવાનું. અને વહુને હું મારા કંન્ટ્રોલમાં રાખુ. જે રીતે મારી સાસુ મને રાખતી એ રીતે... જ્યારે વહુ એવું વિચારતી હોય કે નવા ઘરમાં... મારા પતિના ઘરમાં હું બધુ વ્યવસ્થિત અને મારી પસંદ પ્રમાણે સજાવું. જે રીતે મેં મારૂ પિયરનું ઘર સજાવ્યું હોય તેમ. અને મારી સાસુ મને તેવું કરવામાં મદદ પણ કરે અને છૂટ પણ આપે.

પણ હકિકતમાં સાસુ વહુની આ ઇચ્છાઓ ક્યારેય પુરી ન થાય એટલે બંને વચ્ચે મતભેદ ઉભા થાય, ઝઘડા થાય, એકબીજાની ફરિયાદો દિકરો/પતિ ને થાય. પતિ મા નો પક્ષ રાખે તો પત્નિ દુઃખી થાય અને દિકરો પત્નિનો પક્ષ રાખે તો મા દુઃખી થાય અને પતિ/દિકરો કોઇનો પક્ષ ન રાખે એટલે ત્રણેય વચ્ચે મનમેળ થાય અને આ જ કારણસર અંતે છૂટાછેડાનો વિકલ્પ હાથમાં આવે.

(૨) વ્યભિચાર....! પતિ-પત્નિ એકબીજાને વફાદાર થઇને ન રહે અને લગ્ન પછી પણ બાહ્ય સંબંધો રાખે અને જેની એકબીજાને જાણ થતા અંત છૂટાછેડાથી આવે.

(૩) શક...! એવું કહેવાય છે કે જે ઘરમાં શકને સ્થાન છે તે ઘરમાં સુખ ક્યારેય રહેતું નથી. જો પતિ, પત્નિ કે ઘરનું કોઇપણ સભ્ય અંદરોઅંદર એકબીજાને શકની નજરથી જોતું હોય તો તકરારો ઉભી થવાની જ છે. અને અંતે છૂટાછેડા જ વિકલ્પ રહે છે.

(૪) અત્યાચાર...! ઘણા પરિવારોમાં એવું જોવા મળે છે કે વહુ/ પત્નિ પર સાસરીનાં સભ્યો અત્યાચાર ગુજારતા હોય છે. અને આ અત્યાચાર શારિરીક જ નહી પરંતું માનસિક અત્યાચાર પણ કરતાં હોય છે. જ્યારે આવા અત્યાચારોથી વ્યક્તિ કંટાળી, ત્રાસી અને થાકી જાય છે ત્યારે છૂટાછેડાનો વિકલ્પ પસંદ કરે છે.

(૫) દહેજ...! હાલનાં કાયદા મુજબ દહેજ લેવો, આપવો કે માંગવો ગેરકાનૂની છે. અને સામાન્ય રીતે લોકો તેનું પાલન કરતાં જોવા મળે છે. પણ ખરી વાસ્તવિકતા એ છે કે દહેજ પ્રથા માત્ર નામની જ બંધ થઇ હોય તેવું લાગે છે. કારણકે હજુ પણ સમાજમાં એવા ઘણાં પરિવારો છે જે સીધા રીતે દહેજ રૂપી નાણાંની માંગણી ન કરતાં આડકતરી રીતે નાણાંકિય મદદનાં ભાગ સ્વરૂપે પત્નિના પિયર તરફથી નાણાંની માંગણાએ અથવા મદદો માંગે છે. અને મદદ ન મળતા કે માંગણીઓ પૂરી ન થતાં પત્નિને શારિરીક, માનસિક, સામાજીક ત્રાસ પણ આપે છે. અને તેને ડાયવોર્સ આપવાની ધમકીઓ પણ આપે છે. જેથી પણ છૂટાછેડા થાય છે.

(૬) અંધવિશ્વાસ...! વિશ્વાસ હોવો જરૂરી છે પણ આંધળો વિશ્વાસ ન હોવો જોઇએ. આપણા સમાજમાં ઘણાં વ્યક્તિઓ એવા હોય છે જેઓને કોઇને કોઇ બાબત પર અંધવિશ્વાસ રહેલો હોય છે અને ક્યારેક આ જ અંધવિશ્વાસ છૂટાછેડાનું કારણ પણ બનતું હોય છે.

(૭) આર્થિક ભીંસ...! હા...! આર્થિક ભીંસ એટલે કે કરકસરવાળી ઝીંદગી પણ ક્યારેક છૂટાછેડાનું સ્વરૂપ ધારણ કરે છે. પતિ સંજોગોવશાત અથવા તેની કુટેવો ને કારણે ઘરનું ભરણપોષણ કરી શકે તેટલું કમાઇ શકતો ન હોય અને પત્નિ કરકસરથી ઘર ચલાવી શકતી ન હોય તો પણ પતિ-પત્નિ વચ્ચે મનભેદ,મતભેદ, ઝઘડા, એકબીજાનું અપમાન વિગેરે પરિબળો છૂટાછેડા માટે જવાબદારરૂપ બની શકે છે.

(૮) આવક....! ઘણાંને એવો વિચાર આવે કે શું આવક છૂટાછેડાનું કારણ બની શકે...! તો એનો જવાબ છે હા...! જો પતિ અને પત્નિ બંને નોકરી અથવા ધંધો-વ્યવસાય કરતાં હોય અને પત્નિની આવક જો પતિ કરતાં વધુ હોય તો પતિ નીચાપણું અનુભવ કરતો હોય અને પત્નિ પોતાની વધુ આવકની ડંફાશો મારતી ફરતી હોય તો પણ પતિ પત્નિ વચ્ચે છૂટાછેડા સુધી વાત પહોંચી શકે છે.

આવા તો કેટકેટલા પરિબળો અને કારણો હોય છે જે પતિ-પત્નિ વચ્ચે છૂટાછેડા થવા માટે કારણભીત હોય છે. પરંતું અહીં માત્ર મુખ્ય કારણો જ દર્શાવેલ છે. હા...! એક રીતે જોઇએ તો જે વ્યક્તિ તેનાં કારણો સાથે છૂટાછેડા લેવા જતો હોય તે કારણ તેને ખુબ મોટુ અને મુખ્ય કારણ જ લાગતું હોય છે. પરંતું ઘણા વખત એવું થતું હોય છે કે પતિ-પ્તનિને છૂટા પડતાં અટકાવવા માટે બંને વચ્ચે સમાધાન કરાવવા માટે તટસ્થ પણે કોઇ કોશિશો કરતું નથી હોતું અને ક્યારેક એ જ કારણનાં કારણે નજીવી ભેદરેખા ખુબ જ મોટી બની જાય છે અને પતિ-પત્નિ છૂટાછેડા લેતાં હોય છે.

આવતાં અંકેમાં ફરી મળીશું છૂટાછેડા અંગેની નવી વાતો લઇને...