છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૪
આગળના અંકમાં આપણે છૂટાછેડાનાં મુખ્ય કારણો વિશે ચર્ચા કરી. હવે આગળ...
દર વખતે એવું જરૂરી નથી હોતું કે છૂટાછેડા માત્ર ઉપરોક્ત કારણોસર જ થતાં હોય, ક્યારેક પતિ-પત્નિ વચ્ચેનાં ઝઘડાનાં કારણો એવા જાણવા મળે કે સામાન્ય વ્યક્તિને પણ નવાઇ લાગે... કે “શું ખરેખર આવા કારણોનું પણ છૂટાછેડા પરિણામ આવી શકે..!” આ અંકમાં આપડે એવા જ કેટલાક કિસ્સાઓ વિશે જાણીશું. એક ધારાશાસ્ત્રી તરીકે મને પણ ઘણી નવાઇ લાગેલી, કે આવા પણ કારણો હોય છે છૂટાછેડા માટેના...!
(૧) વોશિંગ પાવડરનાં કારણે-
હા...! મેં સાંભળ્યું ત્યારે મને પણ નવાઇ લાગેલી પણ આ વાત ખરી છે. મારી પાસે એક પતિ-પત્નિની જોડી આ જ કારણ સાથે છૂટાછેડા પહેલાનું મિડીએશન કરાવવા આવેલ. તેમના ઝઘડાનું કારણ કંઇક એવું હતું કે સાસુ-વહુ વચ્ચે ઝઘડો થતો હતો. અને તેમાં દિકરો/પતિ કોઇની પણ તરફેણ કરતો ન હતો. એટલે સાસુ/મા ને એવું લાગતું કે દિકરો વહુઘેલો થઇ ગયો છે. અને પત્નિ/વહુ ને એવું લાગતુ કે પતિ મા/સાસુનું જ માને છે. એટલે બંને સમાધાન શોધવા મારી પાસે આવ્યા. મેં તેમને શરૂઆતથી જણાવવાનું કહ્યું અને મારી જાણમાં આવ્યું કે ઘરનાં કપડા વોશિંગ મશીનમાં વહુ નાંખતી અને તે વખતે તે “વોશિંગ પાવડર” મશીનમાં વધુ નાંખતી જેથી પાવડર જલદીથી ખાલી થઇ જતો. એટલે સાસુ વહુને ટોકતી/સંભળાવતી/મેણાં મારતી. વહુ સાસુ સામે તો શાંતિથી સાંભળી લેતી પર બધો ગુસ્સો પતિ પર ઉતારતી.
મેં સમાધાન આપ્યું. વોશિંગ પાવડર બદલી નાંખો અથવા સાસુ પાસેથી જાણી લો કેટલી માત્રામાં પાવડર નાંખવાનો. અને પતિ/દિકરાએ બંનેને સાંભળીને મિડીએટર તરીકે ન્યાય કરવાની કોશિશો કરવાની.
(૨) પ્રવચનનાં કારણે-
એક કિસ્સો તો બહુ જ અજીબ હતો. એમાં વાત એમ હતી કે, પતિ પત્નિમાં પત્નિને ધાર્મિક અને મોટીવેશનલ પ્રવચનો સાંભળવાની ટેવ હતી. એક રીતે જોઇએ તો આ એક સારી ટેવ કહેવાય. તેનાથી નેગેટીવીટી દૂર થાય. પણ આ કપલનાં કિસ્સામાં આવું એક પ્રવચન જ છૂટાછેડા સુધીનું કારણ બન્યું. એમાં વાત એમ બની કે પત્નિએ કોઇક મોટીવેશનલ પ્રવચન સાંભળેલું. જેમાં પ્રવચન કરનારે પરિવારનાં સભ્યોને સમય ફાળવવા વિશે વાત કરેલી. અને એ વાત સબબ એક ઉદાહરણ આપેલું કે “એક અબજોપતિ અને પોતાનાં ધંધામાં ખુબ જ સફળ થયેલો વ્યક્તિ માત્ર સવારે ૧૦ થી સાંજનાં ૮ વાગ્યા સુધી જ તેના બિઝનેસના કામમાં રોકાયેલ હોય. સાંજે આઠ વાગ્યે ઘરે આવે એટલે બિઝનેસનો ફોન બંધ કરીને મુકી દે. અને ઘરમાં ક્યારેય બિઝનેસની વાતો ન કરે. એટલે આટલી હદે સફળતા મેળવેલ અબજોપતિ માણસ કે જેની કંપનીમાં હજારો માણસો કામ કરે છે. તે પણ ઘરનાં સભ્યોને સમય આપવા ઘરે આવ્યા પછી ધંધાકિય ફોન ઉઠાવતો નથી કે ધંધાની વાતો પણ કરતો નથી. એટલે આપણે પણ પરિવારને સમય આપવો જોઇએ. પરિવારના સભ્યોને સમય આપવો જોઇએ.”
પ્રવચન કરનારની આ વાત ખોટી નથી, સાચી છે. પણ આ કપલનાં કિસ્સામાં આ વાત લાગુ પડતી નથી. કારણ કે પતિનો ધંધો નેશનલ & ઇન્ટરનેશનલ સર્વિસીસ એન્ડ કન્સલ્ટન્સીનો હતો. કોઇ વ્યક્તિ તેનાં ધંધાનો વિકાસ કરવા માંગતો હોય તેમને સારા સારા બિઝનેસ આઇડિયાઝ આપીને આઇડિયાઝની ફી લેવાનું કામ કરતો હતો. દા.ત. એક હોટેલ છે જેમણે ફોરેનમાં તેની અન્ય બ્રાન્ચ ખોલી છે. અને ત્યાં ધંધો બરાબર ચાલતો નથી. તો ફોરેનનાં સમય પ્રમાણે આ વ્યક્તિ/પતિએ કન્સલ્ટન્સી આપવી પડે. અને તે સલાહના ભાગ રૂપી તેનું સેટઅપ કરી આપવામાં મદદ કરવી પડે.
હવે જો તે સાંજનાં આઠ વાગ્યા પછી કોઇનો કોલ રીસીવ ન કરે તો તેને ધંધામાં ખોટ જાય, એક સારો ક્લાયન્ટ જતો રહે, ધંધાનો વિકાસ ન થાય, ધીરેધીરે આર્થિક સંકડામણ ઉભી થાય. આ બધી બાબતોથી એ વાકેફ હતો. પણ પત્નિ તો પ્રવચન સાંભળીને એની જ ધૂનમાં હતી કે “અબજોપતિ માણસ જો પરિવારને સમય આપી શકે તો તું કેમ નહી.” એમાં ને એમાં બંને વચ્ચે ઝઘડા શરૂ થાય, પછી મનભેદ, મતભેદ અને છેલ્લે.....!
આ કિસ્સામાં માત્ર પત્નિને એટલું જ સમજાવવાનું હતું કે એ અબજોપતિ માણસ જો આઠ વાગ્યા પછી કામ નહી કરે તો તેનો સ્ટાફ તો કરશે જ. પણ જો પતિ નહી કરે તો તેનાં ધંધામાં નુકશાન થઇ શકે છે. ઓપોર્ચુનીટી લોસ પણ થઇ શકે છે. જ્યારે પતિને એટલું જ સમજાવવાનું હતું કે અઠવાડિયામાં એકાદ ધંધાકિય કોલ જ ઘરે આવ્યા પછી રીસીવ કરવા, બને ત્યાં સુધી ઓફિસેથી જ ઓપરેટ કરવાની કોશિશો કરવાની. એકબીજાને સમય આપવો અને એકબીજાની પરિસ્થિતિઓને સમજવાની કોશિશો કરી બંનેનાં મંતવ્યોને સરખો દરજ્જો આપવો.
હંમેશા પતિની વાત ખોટી અથવા પત્નિની વાત ખોટી જ હોય એવું નહી ધારી લેવાનું. બંને પોતપોતાની જગ્યાએ સાચા હોય. બંનેની વાતમાં તાલમેલ ગોઠવવાના પ્રયત્નો કરવાનાં. કોઇ મોટીવેશનલ સ્ટોરી કહે તો એ સ્ટોરી જબરદસ્તી પોતાનાં સંસારમાં બેસાડવાની કોશિશો નહી કરવાની. કારણ કે દરેકની પરિસ્થિતિઓ અલગ-અલગ હોય છે.
આવા અન્ય કિસ્સાઓ સાથે ફરી મળીશું આવતા અંકે...