સવારે ૬ વાગ્યાના સુમારે શિમલાની એક ફાઈવ સ્ટાર હોટેલના લાસ્ટ ફ્લોર પર આવેલ હનીમૂન સ્યુટ ની ગેલેરીમાં કોલ્ડ કોફીની ચુસ્કીઓ લેતો અર્જુન, પહેલા કિરણનું સ્વાગત કરવા માટે ઉભો હોય એમ કંઈક વિચારમાં મશગુલ હતો.થોડી જ વારમાં સૂર્યદેવતાના પ્રથમ કિરણે શૂન્યાવકાશમાંથી (હકીકતમાં તો ઇથર દ્રવ્યમાંથી... પણ જવા દો એ. ઇટ્સ ઓલ અબાઉટ સાયન્સ યુ નો...) વાયા બુધ, શુક્ર થઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યો.અર્જુનના હાથ અને શરીર વચ્ચે રહેલી જગ્યામાંથી પ્રકાશનું કિરણ રૂમમાં પ્રવેશ્યું, અને અંદર બેડ પર સુતેલી અનામિકાનાં મુલાયમ ગાલો પર સ્થાન ગ્રહણ કર્યું.
જાણે કે આટલા કરોડો કિલોમીટર દૂરથી આવેલા પ્રકાશના કિરણને તેની મંજિલ મળી ગઈ હોય ! થોડીવાર સુધી અનામિકાના ગાલ પર રમ્યા બાદ સૂર્યના કિરણોની હિંમત વધતા આંખો તરફ જવાનું શરૂ કર્યું અને ત્યાં જ અનામીકાની આંખો ખુલી ગઈ, અહાહા..... શુ માદક આંખો હતી 'અનુ'ની ! સાચો નશો તો આ આંખોમાં જ સમાયેલો હતો. અનામીકાની આંખના તેજ સામે તો પ્રકાશનું કિરણ પણ લઘુતા અનુભવવા લાગ્યું. આળસ મરડીને સાક્ષાત મેનકા બેડ પર બેઠી થઈ હોય તેવું નયનરમ્ય દ્રશ્ય હતું એ !!! સૂર્યના કિરણોને તો જાણે જોઈતું 'તું એવું મળી ગયું અને અનામીકાના કાળા કેશરૂપી બગીચામાં ભૂલભુલામણી રમવામાં મશગુલ થઈ ગયા. અનામિકાના વાળમાંથી એક બે લટ જાણે સમગ્ર કેશસમુહનું પ્રતિનિધિત્વ કરતી હોય તેમ પોતાના રાજક્ષેત્ર એવા ગાલો પરથી પ્રકાશના કિરણોને દૂર કરવાના વ્યર્થ પ્રયત્નો કરવા લાગી.જો કે સૂર્યના કિરણોને લીધે લટ સોનેરી રંગની બની જતી હતી, જે ખરેખર અનામિકાના સૌંદર્યમાં ઓર વધારો કરી રહી હતી.
બહાર ગેલેરીમાં ઉભેલો અર્જુન આ અનુપમ સૌંદર્યનું રસપાન કરી રહ્યો હતો.થોડી વાર પછી અનામિકાએ બેડ પરથી ઉતરીને રેડ કલરના વિન્ટર ફર સ્લીપર પહેર્યા અને બ્લ્યુ કલરની રીબીનથી વાળને રફ મેથડમાં બાંધ્યા અને અર્જુન પાસે આવીને તેને હગ કરી અને મધ જેવો મીઠો રણકાર કર્યો, "આઈ લવ યુ, પાગલ" અર્જુને તેના આઈ લવ યુ ના જવાબ સ્વરૂપે અનામીકાના પરવાળા સમા મુલાયમ હોઠ પર તસતસતું ચુંબન જડી દીધું. અર્જુનને તો અનામિકાના અધરરસ પીવાની જાણે લત લાગી ગઈ હતી. 'અનુ'ના હોઠ પર લાલ ટશરો દ્રશ્યમાન થવા લાગી.
'બસ હવે ધરાતો જ નથી તું તો....' અનામિકાએ છણકો કરતા પોતાની જાતને અર્જુનથી અલગ કરી.અને હુકમ કર્યો 'હું ફ્રેશ થઈને આવું છું ત્યાં સુધીમાં બ્રેકફાસ્ટ ઓર્ડર કરી રાખજે.'
અર્જુન પણ જાણે આજે મેડમની પૂરેપૂરી સેવા કરવા માટે તૈયાર હતો એટલે તરત જ હોટેલ સર્વિસમાં ફોન કરીને મેનુમાંથી 'અનામિકા' ની પસંદ પ્રમાણેનો ઓર્ડર લખાવવા લાગ્યો.
થોડી વારમાં અનામિકા ફ્રેશ થઈને બાથરૂમથી બહાર આવી, અર્જુન તો એકનજરે તેને જોઈ રહ્યો.તેના શરીર પર વીંટેલો સફેદ ટુવાલ તેના વાળમાંથી પડતા પાણીઓના ટીપાઓથી ભીનો થઈ રહ્યો હતો અને આ દ્રશ્ય જોઈને અર્જુન તરસ્યો થઈ રહ્યો હતો !!!! અનામીકાના કેશ માંથી નીતરતું પાણી તેના ખભા પરથી તેના ઉરપ્રદેશ તરફ જઈ રહ્યું હતું અને અર્જુનને સાચે જ પાગલ બનાવી રહ્યું હતું. અર્જુન ધીમે ધીમે અનામિકા તરફ આગળ વધ્યો...... ત્યાં જ રૂમની બેલ વાગી, બ્રેકફાસ્ટ આવી ચુક્યો હતો. અનામિકા લુચ્ચી સ્માઈલ આપીને તૈયાર થવા માટે ચાલી ગઈ અને અર્જુન મોં માં આવેલ કોળિયો કોઈકે ઝૂંટવી લીધો હોય તેવા ભાવ સાથે, રંગમાં ભંગ પાડનાર વેઈટરને મનમાં ને મનમાં ગાળો આપતો દરવાજો ખોલવા ગયો.
******** થોડા સમય પછી **********
અર્જુન અને અનામિકા બ્રેકફાસ્ટ કરતા કરતા આજે કઈ જગ્યાએ ફરવા જવું તેનો પ્લાન બનાવવા લાગ્યા. નાસ્તાને ન્યાય આપ્યા બાદ બંને એકબીજાના હાથમાં હાથ નાખીને બહાર ફરવા માટે નીકળી ગયા અને જ્યારે તેઓ હોટેલના કોરિડોરમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોતાને જેમ્સ બોન્ડ સમજનારા બે લોકો એમનો પીછો કરી રહ્યા હતા.
વધુ આવતા અંકે...