હનુમાન - ઘમંડનો નાશ કરનાર - ૨ Chintan Madhu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હનુમાન - ઘમંડનો નાશ કરનાર - ૨

અધ્યાય – ૨

રામ અને દૂતની અવકાશમાં થયેલ મેળાપના ૪૨ વર્ષ પહેલાં, કિશકિંધા, નેપ્ચ્યુન

નેપ્ચ્યુનનો ઉત્તરીય ગોળાર્ધ સંપૂર્ણ રીતે પર્વતમાળાઓથી આવરીત હતો. એકબીજા સાથે શાશ્વત રૂપે જોડાયેલા ઘણા પર્વતોના સંગ્રહ સાથે શ્રેણી રચાયેલી હતી. નેપ્ચ્યુનનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલીયમથી બનેલું હતું. વળી, ગ્રહ - બરફના વિશાળ ગોળા તરીકે ઓળખાતો. ગ્રહનો દક્ષિણ ગોળાર્ધ અંધારમય રહેતો. ગ્રહનું ખગોળશાસ્ત્રીય પ્રતીક ત્રિશૂળ હતું. ત્રિશૂળે જીવનની ત્રણ લાક્ષણિકતાઓ સૂચવેલી છે: રાજસિક, તામસિક અને સાત્વિક. બ્રહ્માંડમાં હાજર નકારાત્મકતાની સામે લડવા અને તેને હરાવવા માટે વિનાશક તરીકે શિવ હાથમાં ત્રિશૂળ ધરાવે છે. તેમણે સૂચવ્યું છે કે બ્રહ્માંડમાં કોઈની પણ એકમાત્ર સંપત્તિ, તેની માલિકીની નથી અથવા તો સંપૂર્ણ રીતે તેની નથી. ગ્રહનું પ્રતીક સ્પષ્ટપણે સંકેત આપતું હતું કે ગ્રહના લોકો ભગવાન શિવનું પૂજન કરતા હતા.

બાવીસમી સદીમાં સૂર્યની સપાટી પર ઉદભવેલી ઊર્જાની ક્રાંતિ પછી, ઘણા જીવંત સજીવો તે ઊર્જાના વિસ્ફોટના કારણે નષ્ટ થયા, અને નવા ઉત્પન્ન થયા. સજીવોથી આવરીત તેમજ જીવતંત્ર ધરાવતા કોઇ ચોક્કસ ગ્રહો નહોતા રહ્યા. આ ઉત્ક્રાંતિને કારણે અન્ય ગ્રહોએ પણ જીવન સ્થાપિત કર્યું હતું. બધા ગ્રહોએ અસાધારણ ઉદાહરણો સાથે જીવન જોયું હતું. નેપ્ચ્યુન તે ગ્રહોમાંનો એક હતો. એક મોટી ઉલ્કા સાથેની ટક્કર પછી નેપ્ચ્યુન પર સજીવોનો શ્વાસ શરૂ થયો હતો. ઉલ્કા સૂર્યની સપાટી પરથી ઉત્સર્જિત થઇને આવેલી. તેમાં ગ્રહનો નાશ કરવા માટે પૂરતી ગરમી અને શક્તિનો જથ્થો હતો, પરંતુ સૂર્યથી ગ્રહનું અંતર ઘણું વધારે હોવાને લીધે, તે અંતરને કાપવા માટે ઉલ્કાએ વધુ સમય લીધો અને તેની ઊર્જામાં ઘટાડો નોંધાયો હતો. તેના નેપ્ચ્યુન સાથેના અકસ્માતે તાપમાન વધાર્યું, જે જૈવિક પ્રવૃત્તિઓની શરૂઆત માટે જવાબદાર હતું. સજીવોએ ગ્રહ પર ટકી રહેવાનું શરૂ કર્યું હતું. નવા પ્રકારના સજીવો પ્રાણવાયુ તરીકે હિલિયમનો ઉપયોગ કરતા હતા. પૃથ્વી પરના જીવંત પ્રાણીઓની જેમ આ જીવોને પણ હાથ-પગમાં આંગળીઓનો પોતાનો એક અનન્ય સમૂહ હતો. તેમનું મગજ પૃથ્વીવાસીઓ કરતા કદમાં થોડું મોટું હતું. રસપ્રદ વાત એ હતી કે તેઓ સસ્તન પ્રાણી અને માનવીઓ જેવા જ હતા. તેમની પાસે આંખો, નખ, આંગળીઓની છાપ, મુઠ્ઠીવાળી શકે તેવા હાથ અને વસ્તુ પર જકડાઇ રહેવા માટે પૂંછડીઓ હતી.

આ સસ્તન પ્રાણીઓએ એક જૂથ બનાવેલ, અને તેઓ એકબીજા સાથે ટોળામાં જ રહેતા હતા. ટોળામાં સૌથી શક્તિશાળી એવા કેસરીએ જૂથના નેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી. તે પત્ની અંજના સાથે, આંજનેય પર્વત પર રહેતો અને ત્યાં જ તેણે રાજ્યનો વિકાસ કરેલો. શહેરનું નામ હતું કિશકિંધા. આંજનેય પર્વત, પમ્પા તળાવ નજીક રિષ્યમુખ પર્વતમાળાની નજીક સ્થિત હતો, જેનું નામ કેસરીએ, તેની પત્ની અંજનાના નામ પરથી રાખેલું. તે ટેકરી પર ત્રણ માળનો વેપાર કરવા, તેમજ રહેવા માટે કેસરીએ મહેલ બંધાવ્યો હતો. જે મહેલનો પ્રથમ માળ વ્યવસાયિક મુલાકાત માટે; બીજો માળ અંજના અને તેને સંભાળનારાઓને સમર્પિત, અને ત્રીજા માળ પર અન્ય ગ્રહો સાથે સંદેશાવ્યવહાર માટે જરૂરી સાધનો ગોઠવાયેલા હતા, તેમજ ત્યાંથી સંપૂર્ણ કિશકિંધાનો નજારો જોવા મળતો હતો.

કેસરી અને તેના મદદનીશોએ વેપારને વિકસાવવા ખૂબ જ વિશાળ વિસ્તાર રોકેલો. ધાતુથી બનેલી ઇંટની દીવાલથી સરહદનો વિસ્તાર સુરક્ષિત હતો. દીવાલ અદ્રશ્ય લેસર કિરણોથી ઢંકાયેલી રહેતી. કિશકિંધામાં દાખલ થવા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પ્રવેશદ્વાર હતા. ઉત્તર દિશામાં, મહેલ સ્થિત હતો. કેસરીનું માનવું હતું કે, દરેક સજીવ જે મહેલમાંથી બહાર આવે તે દક્ષિણ દિશા તરફ જુએ. કિશકિંધાની રચના હવાના પ્રવાહને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી. પાણી માટે, તેઓએ ચલિત ઉપકરણો વિકસાવેલા, જે બરફ ઓગળવા માટે પૂરતી ગરમી ઉત્પન્ન કરતા હતા. શહેર બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું: એક વિભાગ સામાજિક મુદ્દાઓને આવરી લેતો જ્યારે બીજો વિભાગ વ્યવસાયિક, વૈજ્ઞાનિક અને સંરક્ષણ ક્ષેત્રનો હતો. તેઓ એવા અનાજનું ઉત્પાદન કરતા, કે જેનો એકવાર પાક થતો અને પાક થયાના ૧૨ વર્ષ સુધી લણણી કરી શકાતી. આ સસ્તન પ્રાણીઓએ ઉત્ક્રાંતિને કારણે ઉદભવેલી પરિસ્થિતિને સરસ રીતે સંભાળી હતી. વસ્તીમાં વધારો થતાંની સાથે, કિશકિંધાના વિકાસમાં વધારો થતો ગયો.

*****

કેસરી અને અંજનાને બાળક જોઈતું હતું. કિશકિંધાના શાહી ચિકિત્સકે પહેલાથી જ બાળકની શક્યતાઓને નકારી કાઢેલી. પરંતુ અંજનાએ તે ઇનકારને સ્વીકાર્યો નહોતો. અંજનાએ હજુ પણ બાળકની આશા રાખી હતી, અને એક દિવસે પરિચારિકાએ સારા સમાચારની પુષ્ટિ આપી. સારા સમાચારનું કારણ શિવ સાથે સુસંગત હતું, જેમને નેપ્ચ્યુનના લોકો પૂજતા હતા. અંજનાએ શિવની કઠોર ભક્તિ કરી, પૂજા કરી અને માંગ કરી. શિવના આશીર્વાદથી તેની ઇચ્છા પૂર્ણ થઈ. તે દરમ્યાન કિશકિંધાની રાજવી તિજોરીમાં આર્થિક વધારો કરવાની જરૂર હતી. જે અર્થે કેસરીએ અવકાશમાં મુસાફરી કરવા માટેનું પ્રથમ અવકાશયાન બનાવ્યું હતું. જેમાં અન્ય ગ્રહો કે જ્યાં સજીવો હોય, તેની સાથે સંબંધ પ્રસ્થાપિત કરી શકાય તેવા યંત્રોની ગોઠવણ કરેલી હતી. જીવન સાથે સંકળાયેલ તમામ ગ્રહોને તેમની જીવનશૈલીમાં સુધારો કરે તેવા યંત્રોની આવશ્યકતા હતી. કેસરીને સજીવના અસ્તિત્વ માટેની આવશ્યકતાની ખબર હતી. તેઓ અનાજ અને ધાતુના શસ્ત્રોનો વેપાર કરતા હતા. કેસરી પણ ધંધાને વધુ વિસ્તૃત કરવા માંગતો હતો, અને તેથી તેણે બજારમાં જુદા જુદા આકારના અવકાશયાન મૂક્યા હતા.

કેસરીના અથાગ પ્રયત્નોને કારણે કિશકિંધાનો આર્થિક રીતે વિકાસ થયો. તે શક્તિશાળી, બુદ્ધિશાળી અને મહાન વ્યવસાયિક રાજ્ય તરીકે સામે આવ્યું હતું. અવકાશયાન બનાવવાના કાર્યથી કેસરીના જ્ઞાનમાં વધારો થતો જતો અને તેણે આવનાર બાળક માટે વિશાળ અવકાશયાનની પ્રતિકૃતિ બનાવી હતી. તેણે પરિવહન, સંશોધન, સંદેશાવ્યવહાર, નિરીક્ષણ અને હવામાનશાસ્ત્ર માટે વિવિધ અવકાશયાન બનાવ્યા અને સાથે વિવિધ સોફ્ટવેર પણ જોડ્યા. અવકાશયાન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી, કેસરી ગ્રહના ભૂગર્ભમાંથી નીકાળતો. નેપ્ચ્યુનના ભૂગર્ભમાં લોહ ધાતુ મહત્તમ હતી. તેમજ કેસરીએ ગ્રહના વાતાવરણમાં હાજર મિથેન ગેસમાંથી ચમકતા હીરા બનાવવાની તકનીક શોધી કાઢેલી.

‘કેસરી! મારે તારી સાથે વાત કરવાની જરૂર છે.’ અવકાશયાન બનાવવાના એકમના પ્રવેશદ્વાર પરથી અવાજ આવ્યો.

લગભગ દિવસ દરમ્યાન, કેસરી આ એકમમાં જ રહેતો. તે અંજનાની તબીબી સ્થિતિ વિશે ભૂલી જતો. તેનો હેતુ ફક્ત ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં કિશકિંધાના ઉદય સાથે સંબંધિત હતો. એકમ વિશાળ ક્ષેત્ર આવરી લેતો અને બહારની તરફ અવકાશયાનના ઉતરાણ માટે માર્ગ બનાવેલ હતો. તેની અંદરનો વિસ્તાર લોખંડની ચાદરોથી સંપૂર્ણરીતે આવરીત હતો, જેથી સૂર્યની શક્તિશાળી કિરણો કાર્યકર સુધી પહોંચી શકે નહિ. રાજ્યના ઘણા લોકોએ તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ એકમમાં કામ કર્યું હતું. કેસરી તેમને અનાજ અને આભૂષણના રૂપમાં સારી પ્રશંસા આપતો. અવાજ કેસરીએ સાંભળ્યો. પિતા બૃહ્શપતિનો હતો.

‘હા! પિતાજી, બોલો…’, કેસરીએ સ્ક્રુ ડ્રાઈવર બાજુ પર મૂકી, તેલની ટાંકી પાસે ફેલાયેલ વધારાનું તેલ સાફ કરી દીધું.

‘તું તારા આવનાર બાળક માટે યાન તૈયાર કરવામાં વ્યસ્ત છે. પરંતુ નવજાત બાળક આ વિશાળ યાન ચલાવશે? ’, પિતાએ વિશાળકાય યાનનું અવલોકન કર્યું.

‘ના, તે અભ્યાસ કર્યા બાદ જ ચલાવશે.’

‘તો પછી, અંજના સાથે થોડો સમય પસાર કર. તેને તારી જરૂર છે. જો તું આ યાન છ મહિના પછી તૈયાર કરીશ તો કાંઇ વાંધો નહિ આવે.’

‘જેવી તમારી આજ્ઞા…’

*****

પિતાનું સૂચન કામ કરી ગયું. કેસરી અંજના સાથે સમય પસાર કરી રહ્યો હતો. તેણે અવકાશયાનના એકમનો હવાલો રિક્ષરાજાને આપ્યો: જે તેનો મિત્ર અને એકમનો સંચાલક હતો. રિક્ષરાજા, બાલી અને સુગ્રીવનો પિતા હતો. બાલી ચૌદ વર્ષનો, સાથે સાથે એકમમાં રિક્ષરાજાને મદદ કરતો હતો. આટલી નાની ઉંમરે, બાલીએ એકમ સંભાળવામાં મહાન પ્રદર્શન કર્યું હતું. તેણે નવી તકનીકોનો ઉપયોગ કરીને, અવકાશયાનની ક્ષમતામાં સુધારો કર્યો હતો. બાલી, આસમાની આંખો, લાંબા ભૂરા વાળ, પાતળા માળખાવાળા યુવાન તરીકે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતો. બાલીએ એકમનું નિરીક્ષણ કર્યું હતું. સો ચોરસવારમાં બાંધેલું એકમ, જેને સંપૂર્ણપણે લોખંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું. મુખ્ય કામદારો એકમ વિસ્તારમાં તેમને ફાળવવામાં આવેલા ઘરોમાં રહેતા હતા. અન્ય લોકો શહેરના વિસ્તારમાં સમાવિષ્ટ હતા. એકમ શહેરથી થોડે દૂર આવેલું હતું, તેથી યુનિટ દ્વારા ઉત્પન્ન થતાં પ્રદૂષણથી કિશકિંધાના નાગરિકોને નુકસાન થઈ શકે નહિ. તે વિવિધ પેટા એકમોમાં વિભાજીત થતું હતું. બાલીને તે પેટા એકમો વિશે પણ જાણકારી મળી, જે એકમો અવકાશયાન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નાના નાના સાધનો બનાવતા હતા. અવકાશયાન માટે ટ્રાન્ઝિસ્ટર, રીસીવર, એન્જિન, ગિયર બોક્ષ, નેવિગેટર આવશ્યક હતા. તેણે કેસરીની માલિકીના સંશોધન કેન્દ્રનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કેન્દ્ર ફક્ત કેસરી દ્વારા જાણીતા પાસવર્ડથી લોક થયેલું હતું. બાલી નિષ્ફળ ગયો અને એકમમાં જ તેનું સંશોધન ક્ષેત્ર બનાવવાનું નક્કી કર્યું.

બાલીએ તેના કેટલાક નવા મિત્રોને એકમમાં દાખલ કરી કાર્યકારી સુવિધાઓમાં બદલાવ કર્યો હતો. એકમ પર તેનું સંપૂર્ણ નિયંત્રણ હતું, અને રિક્ષરાજા તેના માટે કઠપૂતળી તરીકે કામ કરતા હતા. કેસરી એકમમાં ઉદભવેલી પરિસ્થિતિઓથી અજાણ હતો. તે જીવનની સૌથી સુંદર ક્ષણો અંજના સાથે પ્રેમ, કાળજી, ખુશીઓમાં ગાળવામાં વ્યસ્ત હતો.

*****

ચાર મહિના વીતી ગયા. બૃહ્શપતિએ કિશકિંધાની મુલાકાત લીધી. પ્રથમ મુલાકાત કરતા અંજનાની તબિયત સારી હતી. કેસરીએ પણ પિતા દ્વારા આપેલા આદેશનું પાલન કર્યું હતું. તે મહેલમાં વીતાવવામાં આવતી ક્ષણોની મજા લઇ રહ્યો હતો. અંજના માટે સ્ત્રી સેવકોની વ્યવસ્થા કરેલી, આસપાસ સુખદ વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું. નિયમિત અંતરાલમાં દૈવી મંત્રોચ્ચાર કરવામાં આવતા હતા. જેનો નાદ મહેલમાં ચોતરફ ફરી વળ્યો હતો.

‘મિત્ર! એકમ…’, રિક્ષરાજા ઝડપથી કેસરી તરફ આવ્યો.

કેસરી તેના મહેલના પ્રથમ માળ પર સ્થિત કાર્યાલયની મધ્યમાં, શાહી ખુરશી પર બેઠેલો હતો. કાર્યાલય પ્રથમ માળે પૂર્વ દિશામાં આવેલું હતું. બારીઓની ગોઠવણ એવી રીતે કરવામાં આવેલી કે જેથી ઉગતા સૂર્યના કિરણો સીધા કાર્યાલયમાં પ્રવેશી શકે. કાર્યાલયની બરોબર મધ્યમાં વિશાળ અર્ધવર્તુળાકાર ટેબલ હતું. જેની સપાટી કાચથી ઢંકાયેલી હતી, કાચ કેસરીની પહેલી વૈજ્ઞાનિક શોધ હતી. કાચની નીચે વિશાળ અવકાશયાનની પ્રતિકૃતિ, જે કેસરી આવનાર બાળક માટે બનાવી રહ્યો હતો, અને સાથે કિશકિંધા રાજ્યનો નક્શો રાખેલો હતો.

‘બેસ, મારા મિત્ર…’, કેસરીએ પાણીનો પ્યાલો આપ્યો.

‘તારું એકમ…’

‘આપણું, મારા મિત્ર.’

‘બાલીએ કબજો કરી લીધો છે.’

'શું? કેવી રીતે? તે તો, મેં તને સોંપ્યું હતું.’

‘બાલીના વિચારો ઉપર મારૂં કોઈ નિયંત્રણ નહોતું. તેણે મને, તેના પિતાને પણ છેતર્યો છે.’

‘પૂરી વાત કર.’

રિક્ષરાજાની આંખો છલકાઈ ગઈ, હૃદય ઝડપથી ધબકવા લાગ્યું, અને અવાજ કંપી ગયો, ‘તું જ્યારે અંજના માટે અહીં મહેલમાં આવ્યો, અને મને એકમનો હવાલો આપ્યો. મેં એક મહિના સુધી સંભાળ્યું, અને બાલીના ભાવિ વિશે વિચાર્યું. બાલી મારા આદેશને આધીન, મને મદદ કરવા આવ્યો હતો. એક મહિનો, તેણે મારી સાથે કામ કર્યું. તેણે મને ઉત્પાદન સુધારવા વધુ કામદારો માટે સૂચન કર્યું. હું સંમત થયો. તેણે તેના વીસ મિત્રોને આમંત્રણ આપ્યું. સમય ખૂબ જ શાંતિપૂર્ણ અને સરળતાથી પસાર થયો. ગઈકાલે એક દિવસ પહેલા, તેણે મને એકમમાંથી બહાર ફેંકી દીધો. બધા કામદારોએ તેની તરફેણ કરી. હું તે બધાને મનાવી શક્યો નહિ. ’

‘ચૌદ વર્ષના છોકરાએ કામદારોને તેની તરફેણમાં કેવી રીતે મનાવ્યા?’, કેસરી રિક્ષરાજાની નજીક આવ્યો.

‘માફ કરજે… મારા મિત્ર.’, રિક્ષરાજાના હાથ માફી માંગવા જોડાયા.

‘રિક્ષરાજા! તારા દીકરા બાલીએ તેના મૃત્યુને આમંત્રણ આપ્યું છે’, કેસરી ભભૂકી ઉઠ્યો.

‘નહિ, મિત્ર! નહિ…’

*****

ક્રમશ:.....