Aage bhi jane na tu - 3 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 3

પ્રકરણ- ૩/ત્રણ

ગતાંકમાં વાંચ્યું....

રોશનીના સાસુ સસરા રાજીવ માટે અનન્યાનું માંગુ લઈને આવે છે અને રાજીવ અનન્યાનો ફોટો રતનને વોટ્સએપ પર મોકલે છે. ત્યાં રતન એ ફોટો એના પરિવારને બતાવે છે તો જોરાવરસિંહ અનન્યાનો ફોટો જોઈ અકથ્ય આશ્ચર્યથી જમવાનું છોડી ઘરની બહાર નીકળી જાય છે...

હવે આગળ.....

પારેખવિલા એ અનંતરાય અને સુજાતાનું સાથે મળી સજાવેલું સપનું હતું. બે માળનો બંગલો બહારથી સાદગીપૂર્ણ પણ ભીતરથી ભવ્ય હતો. લોખંડનો કલાત્મક પણ સુરક્ષાની દ્રષ્ટિએ એકદમ મજબૂત ગેટ જ્યાં ચોવીસે કલાક બે સિક્યોરિટી ગાર્ડસ હાજર રહેતાં. ગેટ પાસે સિક્યોરીટી કેબીન જેમાં ચેકીંગ થયા બાદ, રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા પછી જ કોઈપણ વ્યક્તિને અંદર જવા મળતું. ડાબી તરફ આર્ટિફિશિયલ ઘાસની લૉન અને ગાર્ડન જેમાં એક તરફ ચાર ખુરશી ગોઠવેલું સેન્ટર ટેબલ અને બીજી તરફ કૃત્રિમ વોટર ફોલ. જમણી તરફ કાર અને બાઈક પાર્કિંગ. ચકચકતા મારબલનો ઓટલો અને નકશીકામ કરેલો બંને સાઈડ ખુલે એવો દરવાજો. અંદર એન્ટ્રી કરતાં જ મોટો હોલ, જેમાં કોફી કલરના થ્રી સીટર અને સિંગલ સીટરના બે સામસામે ગોઠવાયેલા સોફા, વચ્ચે કાચનું સેન્ટર ટેબલ. એક કોર્નરમાં મોટો ડિઝાઈનર ફ્લાવર વાઝ જેમાં વ્યવસ્થિત ગોઠવેલા આર્ટિફિશિયલ ફૂલ, બીજા કોર્નરમાં પિત્તળની બનેલી લાફિંગ બુદ્ધની મોટી પ્રતિમા. વાઈટ અને લાઈટ ગ્રીન રંગના કોમ્બિનેશનની દીવાલો જેને વધુ સુંદર બનાવતા બે પેઇન્ટિંગની વચ્ચે મોરબીની પ્રખ્યાત લોલકવાળી મોટી ઘડિયાળ. સોફાની બાજુની દીવાલ પર ફોટોફ્રેમ જેમાં પરિવારના દરેક સભ્યના ફોટાનું કોલાજ બનાવેલું હતું. ડાબી તરફ ડાઇનિંગ હોલ ને એની બાજુમાં કિચન. જમણી તરફ બે ગેસ્ટરૂમ અને ત્યાંથી ઉપર જવા માટે લાકડાની રેલિંગવાળી સીડી.

પહેલા મળે ડાબી બાજુ એક ગેસ્ટરૂમ હતો. એની બાજુમાં રાજીવનો બેડરૂમ હતો. વાઇટ અને બ્લુ રંગના કોમ્બિનેશનથી શોભતી દીવાલો. એક તરફ મરૂન રંગના વેલવેટી કવરવાળો ટુ સીટર સોફો સાથે નાનું સેન્ટર ટેબલ ની બાજુની દીવાલ પર રાજીવનું મોટું પોસ્ટર. બીજી તરફ કિંગ સાઈઝનો ગોળાકાર બેડ. બેડની સામેની દીવાલે ટીવી, બાજુમાં કાચનું નાનું કબાટ જેમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા પુસ્તકો. બેડની ડાબી બાજુમાં સ્ટડી ટેબલ. એની બાજુમાં રાજીવનો વોર્ડરોબ. બાલ્કની એટેચડ ફ્લોર લેન્થ વિન્ડો જેના પર નાના નાના બ્લુ રંગના ફૂલોની ડિઝાઇનવાળા પરદા. બાલ્કનીમાં એક તરફ બીન બેગ અને બીજી તરફ ચાર-પાંચ પ્લાન્ટ્સ લગાડેલા કુંડા.

રાજીવની બાજુમાં રોશનીનો બેડરૂમ હતો જે એના લગ્ન પછી મોટેભાગે બંધ રહેતો. ક્યારેક ક્યારેક જમનાબેન કામવાળી આશા સાથે આવીને સાફ સફાઈ કરાવી જતાં.
રોશનીના રૂમની બાજુમાં અનંતરાય અને સુજાતાનો બેડરૂમ હતો અને એની છેવાડે અનંતરાયનો સ્ટડીરૂમ જેમાં અનંતરાય સિવાય કોઈને પ્રવેશવાની છૂટ નહોતી. રાજીવને ક્યારેક અજુગતું લાગતું પણ એણે કદી અનંતરાયને કે સુજાતાને આ બાબતે પૂછ્યું પણ નહોતું.

અનંતરાય અને સુજાતાના બેડરૂમની ગોઠવણી ઉડીને આંખે વળગે એવી હતી. લેમન યેલો અને વાઈટ રંગનું કોમ્બિનેશન રૂમને ભવ્યતા આપતું હતું. પ્યોર સાગના લાકડામાંથી બનાવેલું સુંદર નકશીકામ કરેલું રજવાડા ટાઇપનો કિંગ સાઇઝ બેડ, બાજુમાં એવું જ નકશીકામ કરેલું ડ્રેસિંગ ટેબલ, સામેની દીવાલ પર ટીવી, એક તરફ મેંદી કલરનો થ્રી સીટર સોફો સાથે એવીજ બે ચેર અને સેન્ટર ટેબલ. ફ્લોર લેન્થ વિન્ડો પર લાઈટ ઓરેન્જ રંગના પરદા અને વિન્ડો સાથે એટેચડ બાલ્કનીમાં બે આર્મ ચેર ગોઠવેલી હતી જ્યાં અનંતરાય અને સુજાતાએ સાથે બેસીને ઘણી નાનીમોટી પારિવારિક ચર્ચાઓ કરી હતી.
રાજીવની અનન્યા સાથેની સગાઈનો નિર્ણય પણ અહીં જ લેવાયો હતો.

રાજીવ અને અનન્યાએ મહિના પહેલાં જ એકબીજાને જીવનસાથી બનાવવાનો નિર્ણય લીધો હતો. બંને એકબીજાને ત્રણેક વાર મળ્યા પછી લગ્ન માટે હા પાડી હતી. બંને પરિવારોએ ગોળધાણા ખાઈ સગાઈની તારીખ પણ નક્કી કરી હતી, ૧૨ એપ્રિલ.

"રાજીવ દીકરા, આજે તારે અનન્યા સાથે સગાઈની શોપિંગ અને લંચ માટે જવાનું છે, તમે બંનેએ એકબીજાને પસંદ કરી બંને પરિવારોને ખુશીઓની સાથે સ્નેહબંધનથી જોડી દીધા છે " સુજાતાએ રાજીવના રૂમમાં પ્રવેશતાં કહ્યું," એક સમજુ અને સંસ્કારી પુત્રવધુ આ ઘરમાં આવી જાય જે તને અને આ ઘરને સંભાળી લે." રાજીવના શર્ટનો કોલર સરખો કરતાં બોલી, " કેટલો હેન્ડસમ લાગે છે ઓફ વ્હાઇટ કોટન પેન્ટ અને સી ગ્રીન શર્ટમાં, કોઈની નજર ના લાગે મારા દીકરાને" આંખેથી કાજળ કાઢી રાજીવના કાન પાછળ લગાડવાનો અભિનય કરતાં હસતાં હસતાં બોલી.

"મમ્મી, આ ઘરમાં જ્યારે અનન્યા આવશે એને તું તારી રીતે શિક્ષા આપીને બરાબર ટ્રેઈન કરી લઈશ. જોજે પાછી અનન્યા શિક્ષાની શિક્ષામાં અટવાઈ ના જાય" રાજીવ સુજાતાના ગાલે કિસ કરતાં બોલ્યો.

"તને બોલવામાં કોઈ ના પહોંચે, ચાલ હવે જલ્દીથી નીચે આવી જા, જમનાબેને આજે નાસ્તામાં તારી પસંદના વાટી દાળના ખમણ બનાવ્યા છે," કહી સુજાતા બેડશીટ સરખી કરવા લાગી.

"વાહહહહ.... મમ્મી, આ જમનામાસી પણ ગજબ છે, કોને શું ભાવે છે શું નહીં એ બરાબર યાદ રાખે છે. હમણાં જ આવું છું," રાજીવ વોર્ડરોબમાંથી લેપટોપ બેગ અને એક ફાઇલ કાઢતાં બોલ્યો.

"ભલે દીકરા," સુજાતા જતાં જતાં બોલી

રાજીવે એને પ્રિય એવું મસ્કનું પરફ્યુમ લગાડ્યું અને લેપટોપ બેગમાં ફાઇલ મૂકી દરવાજો લોક કરી નીચે ઉતર્યો. બેગ ડાઇનિંગ ટેબલની બાજુમાં આવેલા કેબિનેટ પર મૂકી ચેરમાં ગોઠવાયો. જમનાબેને પ્લેટમાં ખમણ અને ચટણી આપી સાથે મોટો મગ ભરીને ચા આપી.

"માસી, તમારી રસોઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. ખમણ તો બસ તમારા હાથના. આ ઘરમાં જ્યારે અનન્યા પુત્રવધુ બનીને આવે ત્યારે એને તમારા જેવી રસોઈ બનાવતા જરૂર શીખવાડજો," ખમણ ચટણીનો સ્વાદ લેતાં લેતાં રાજીવ બોલ્યો,"તમે જ્યારે ગામ જાઓ છો ત્યારે મમ્મીના હાથની બેસ્વાદ ફીકી રસોઈ માંડ ગળા નીચે ઉતરે છે," સુજાતાને ચિડવતાં રાજીવ હસવા લાગ્યો.

"અચ્છા....... આવવા દે મારી વહુને પછી જોઉં છું એની રસોઈના કેવા ને કેટલા વખાણ થાય છે," સુજાતાએ રાજીવનો કાન આમળ્યો.

"આ.... ઓ... દુખે છે મમ્મી," રાજીવે કાન દુઃખવાનો ઢોંગ કર્યો,

"એ........મ, હું ઓળખું છું ને તને, હવે કોઈપણ નાટક કર્યા વગર નાસ્તો કરીને નીકળ. ઓફિસે જઈ ત્યાંથી બપોરે તારે અનન્યાને એના માસીના ઘરેથી પિક કરવાની છે," સુજાતા રસોડામાં જતાં બોલી.

"રાજીવ, બેટા જતાં પહેલાં માતાજીને પગે લાગી પ્રસાદ લઈને જજે, સહુ સારાવાનાં થશે" નાસ્તો કર્યા બાદ રાજીવની પ્લેટ અને મગ ઉપાડતાં જમનાબેન બોલ્યાં.

"માસી, કયા માતાજી?ઘરના મંદિરમાં સ્થાપિત છે એ કે આ ઘર મંદિરના હોમ મિનિસ્ટર છે એ" સુજાતાના રસોડામાંથી નીકળતાં જ રાજીવે ગુગલી ફેંકી.

"બંને માતાજીના આશીર્વાદ લેવાના છે દીકરા, એમના આશીર્વાદનું સુરક્ષા કવચ તારા માટે જરૂરી છે" જમનાબેન ડાઇનિંગ ટેબલ સાફ કરતાં ગળગળા સ્વરે બોલ્યાં.

"જી માસી, જેમ તમે કહો," કહી રાજીવ ડાઇનિંગ હોલની સામે બાજુ બનાવેલા નાનકડા ઘરમંદિરમાં જઇ કુળદેવી અને સુજાતાને પગે લાગી બહાર નીકળી બ્રાઉન લેધરના શૂઝ પહેરી પોતાની સિલ્વર ગ્રે કલરની સ્વીફ્ટ કાર,સેલ્ફ ડ્રાઈવ કરી ઓફિસ તરફ હંકારી મૂકી.


*** *** ***

જોરાવરસિંહ ઘરની બહાર નીકળી મોજડી પહેરી હાંફળા-ફાફળા થઈ શેરીમાંથી બહાર નીકળી જમણી શેરીમાં વળી ગયા. લગભગ આઠ-દસ મિનિટ ચાલ્યા બાદ એક ડેલી આગળ આવી એમણે દરવાજો ખખડાવ્યો. બે-ત્રણ મિનિટ પછી અંદરથી સાંકળ ખોલવાનો અવાજ આવ્યો. દરવાજો ખુલતાં જ ઝડપથી અંદર આવી આંગણું વટાવી ઘરની ઓસરીમાં આવ્યા. નોકર જેવો લાગતો માણસ દરવાજો બંધ કરી પોતાના કામે લાગી ગયો.

"પટેલ, ઓ ખીમજી પટેલ, ક્યાં છો," જોરાવરસિંહે બરાડો પાડ્યો.

સામેના રૂમમાંથી લગભગ એંસી વર્ષની આયુ ધરાવતા જમાનાના ખાધેલ અને ખંધા એવા ખીમજી પટેલ ધોતિયાના છેડે હાથ લૂછતાં અને મોઢામાં પાનનો ડૂચો ચાવતા બહાર આવ્યા.

"ઓ.....હ, જોરુભા તમે, અટાણે, અહીંયા?" પાનનો રસ ગળા નીચે ઉતારતાં એમણે પ્રશ્નોનો મારો ચલાવ્યો,"કપાળે ચંત્યાની રેખા અને પરસેવાનો ઉતારતો રેલો કાંઈક અણધારી ઘટના બની હોય એવુ સૂચવે છે."

"હા..., પટેલ, વાત જ કાંઈક એવી છે," કહી જોરાવરસિંહે જમતી વખતે રતનના મોબાઈલમાં આવેલા અનન્યાના ફોટાવાળી વાત સંભળાવી. જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ ખીમજી પટેલની આંખો પહોળી થતી ગઇ. ખીમજી પટેલ બહાર જઈ પાન થુંકી આવી ને જોરુભા કાંઈ બોલે એના પહેલાં જ ચુપચાપ પોતાના ઓરડામાં જતા રહ્યા.

થોડીવારમાં ખીમજી પટેલ હાથમાં એક ભૂંગળુ વાળેલ કાગળ લઈ ઓરડામાંથી બહાર આવીને જોરાવરસિંહના હાથમાં એ ભૂંગળુ પકડાવ્યું,"લે, ખોલ આ ભૂંગળુ" ઉપર વીંટળાયેલી દોરી છોડતા બોલ્યાં.

જોરાવરસિંહે એ કાગળ ખોલી જમીન પર પાથર્યો. એ જર્જરિત દેખાતા સફેદ કાગળમાં એક નૃત્યાંગનાનું આદમકદ ચિત્ર દોરેલું હતું. એ જ રંગ, એ જ રૂપ, એ જ આંખો, એ જ નાકનકશો, આમ કેમ બને? જોરાવરસિંહ વિમાસણમાં પડી ગયા " આ તસવીર રતનના દોસ્ત રાજીવની મંગેતર અનન્યાની છે કે પછી આઝમગઢની નૃત્યાંગના, ત...રા....ના...ની?" તસવીરની નીચે એક તારીખ પણ લખેલી હતી, ૧૨ એપ્રિલ, ૧૯૬૨.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.

બીજા રસપ્રદ વિકલ્પો