Dr. Zohra Dholia - 2 books and stories free download online pdf in Gujarati

ડૉ. ઝોહરા ઢોલિયા - ભાગ-૨ ગુજરાતના ગર્વીલા કચ્છી બાઈ: ડૉ. ઝોહરાબેન દાઉદ ઢોલિયા


જેમને કાર્ય કરવા દિવસો ટૂંકા અને રાતો લાંબી પડી છે એવા ડૉ. ઝોહરાબેનને આપણે ગત અઠવાડિયે શિક્ષક તરીકે માણ્યા.

ડૉ. ઝોહરાબેનની વ્યક્તિત્વ પ્રતિભાની આછી ઝલક દિમાગમાં સાથે લઈને મારી પ્રથમ મુલાકાત થયેલી એટલે વિચારેલું કે, કચ્છનાં રજવાડાઓ સાથે તેમના પિતાનું સંગાથીપણું હતું, વિજય નગરમાં 10થી વધુ સમાવેશી દુકાનો સાથેનો આલીશાન બંગલો હશે એટલે તેમની જાહોજલાલી જોવા પર બનશે. પરંતુ ડૉ. ઝોહરાબેનનું સરનામું બદલાયું છે- મળવું હોય તો જ્યેસ્ઠા નગર જાઓ; સાંભળીને નવાઈ લાગી પણ આખરે ઘરે પહોંચી શકાયું. અસ્તવ્યસ્ત સમાન ભરેલા બે રૂમ સાથે રસોડુ જોતાં નિરીક્ષણ શક્તિમાં ઔર વધારો થયો. તેમની અજમાયશી આગતા સ્વાગતા ઠાઠ સાથે નિહાળતા સમજી ગઈ કે જીવન જીવવાની ઉચ્ચત્તમ રીત સાથે આર્થિક સંદર્ભ; જીવનની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યાં છે. હા પણ, તેમનો આંતરમન અન્યનાં ચિત્તને પોતાની સીમામાં એવો જકડી લે કે બંધન બાદ અધકચરી મુક્તિ આપે તો જરાય ન ગમે.

“કથીરમાંથી કંચન” બનાવનારા ડૉ. ઝોહરાબેન હસ્તકળા ક્ષેત્રે નકામી વરતુઓનો ઉપયોગ કરી પૂરક રોજી કેમ કમાવવી તે અંગે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગદર્શન આપી લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓને પુષ્ટિ આપી છે. તેમને ભરતકામની કળા પણ માતા તરફથી વારસામાં મળી છે. સાડીઓ, પાકીટ, રૂમાલ તેમણે ખૂબ સરસ રીતે ભરતથી ભર્યા છે; જાતે ભરત ભરેલા પટ્ટાવાળા ચપ્પલ જ તેઓ પહેરે છે.

હસ્તકળા તથા કુટુંબ કલ્યાણના ક્ષેત્રે વિવિધ શિબિરોનું તેમણે કુશળતાથી સંકલન - સંચાલન કર્યું છે. 2001ના ધરતીકંપ વખતે તબીબી સારવાર અપાવવામાં ખૂબ મહેનત કરેલી અને ભૂકંપના એકાદ વર્ષમાં મહિલા- કારીગરોના પુનરુત્થાન માટે કારીગરો સાથે ભરૂચ રોકાઈને પંદર લાખથી વધુનું વેંચાણ કરાવેલું અને તે બદલ તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
તે પછી તેઓ વિવિધ સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાયા. તેમણે YMC સાથે રહીને ગરીબ માછીમારો તથા ઔદ્યોગીક એકમોમાં કામ કરતાં મજૂરોનાં બાળકોને તેમના ઝૂપડામાં જઈને ભણાવ્યું છે. ચાઇલ્ડ લાઇન તથા એજ્યુકેશન માટેના પ્રોજેકટમાં તેમણે કરેલી કામગીરી બદલ સંસ્થા હજુ પણ તેમને યાદ કરે છે. કચ્છ જ્યોતિ ટ્રસ્ટ સાથે રહીને પછાત વિસ્તારોમાં રહેતાં ગરીબ માતાઓ તથા 60 વર્ષની વૃદ્ધ મહિલાઓને પણ સાક્ષર કર્યા કે જેથી તેઓ સરકારી લાભો માટે કોઈ શિક્ષિતની મદદની આશ્રિત ન રહે. સેવાભાવી વ્યક્તિત્વ ધરાવનાર ડૉ. ઝોહરાબેને સમાજના દરેક પહેલુંને બારીકીથી પારખ્યા છે અને જ્યાં ઓછપ વર્તાઇ ત્યાં હંમેશા પોતાનું જીવન સંઘર્ષ તેમણે વધાર્યું છે.

કચ્છનાં એક ખૂણામાં બેઠેલા ડૉ. ઝોહરાબેને લોક સાહિત્યના ધુરંધર સ્વ. દુલેરાય કારાણીની કૃપા પાત્રતા પામીને, કચ્છ પ્રદેશ અને રાજસ્થાનના લોકગીતોને સરખાવતો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો અને જે લગનીથી તેમણે કચ્છી બોલીની સેવા કરી તે કાબિલ – એ – તારીફ છે. ડૉ. ઝોહરાબેને સંગીત અને કળામાં ઊંડો રસ લઇ ૪૫૦ જેટલા ગુજરાતી, હિન્દી તથા કરછી હાઇકુ; કચ્છના સાહિત્ય ખજાનાને અર્પણ કર્યા છે.
સફળ સંચાલક ડૉ. ઝોહરાબેનની સમાજ માટે વિવિધ યોગદાન બદલ તેમના ખલીફા સમાજ દ્વારા મળેલ સન્માન સાથે રાજીવ ગાંધી ફાઉન્ડેશન એવોર્ડ, કચ્છ શક્તિ દ્વારા ‘કારાણી ગૌરવ એવોર્ડ’ તથા IIM દ્વારા પણ તેમણે વિશેષ સન્માન મેળવ્યું છે આ સાથે “પથપ્રદર્શક પ્રતિભાઓ” નામક પુસ્તકમાં વિશ્વ પ્રાંગણમાં યશપતાકા ફરકાવનારા કુલ પંદર ગુજરાતીઓની પ્રતિભા સૂચિમાં ડૉ. ઝોહરાબેનનું નામ સસન્માન ઉમેરાયું છે.
ડૉ. ઝોહરાબેનના બાયોડેટા તો કોઈ પરીકથાની માફક છે; જેમાં ઉચ્ચ ડિગ્રીઓની સાથે સમાજ સેવાર્થે કરેલા કર્યોની કતાર ઘણી લાંબી છે. તેમણે પોતાના જીવનની ઉન્નત પળો સમાજની સેવા કરતાં કરતાં જ માણી છે અને એટલે જ પરિસ્થિતિઓને જોવાની અને તેને સમજવાની કોઠાસૂઝ તેમના વ્યક્તિત્વમાં સૌંદર્યતા પ્રદાન કરે છે.

બોત્તેરની ઉંમરે ડૉ. ઝોહરાબેનના ગોરાં ચહેરા પર કરચલીઓ ભલે પડી ગઈ છે પણ કામ કરવાની રીત કે બોલવાના ઢંગમાં રતીભરનો ફરક પડ્યો નથી. આજે પણ તેઓ એટલા જ સક્રિય છે અને શિક્ષણની ઉચ્ચતમ પદવી ડિ.લીટ ની તૈયારી કરી રહ્યા છે. ભુજમાં જન્મેલા ડૉ. ઝોહરાબેન માતા- પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે પરંતુ હાલમાં મોટા બહેન અને ભાઈ સાથે રહે છે. મોટા બહેનની સાંસારિક મુશ્કેલીઓને જોઈને તથા પોતાના સમાજમાં ભણેલા મૂરતિયા ન મળવાને લીધે ડૉ. ઝોહરાબેને લગ્ન ભલે ન કર્યા પણ તેમને ચાહનારા અને તેમનામાં વિશ્વાસ રાખનારા લોકો સાથેનો તેમનો પરિવાર ખૂબ મોટો છે.
જે સમાજમાં સ્ત્રી- પુરુષ ઝાઝું ભણતા નહીં અને જ્યારે મોબાઈલ, સોશ્યલ મીડિયા કે ટ્રાવેલિંગની પૂરતી સુવિધા ન હતી ત્યારે ડૉ. ઝોહરાબેન દાઉદ ઢોલિયાએ ચાલુ નોકરીએ મળતી રજાઓ અને વેકેશનનો લાભ લેતાં - લેતાં મુંબઈ સુધીનો પ્રવાસ ખેડયો, પોતાના ઘરેણાં વેંચીને પણ ધરખમ ખર્ચાઓના સંઘર્ષ સાથે તેમણે એમએ, એમ.એડ.અને ડોક્ટરેટની પદવી મેળવી. કચ્છના આ મેધાવી શિક્ષકની ઉચ્ચ ડિગ્રીઓ, શિક્ષણ, સાહિત્ય, કળા, સમાજ પ્રત્યેનું યોગદાન જાણીને તેમને ચરણસ્પર્શ કરવાનું મન થાય. તેમના જીવનની એક - એક સિદ્ધિઓ આપણાં માટે પ્રેરણાદાયી સાબિત થાય તેમ છે. તેમણે કરેલી ઉમદા કામગીરીની તો જેટલી વાતો થાય તેટલી ઓછી છે પણ લોકોના પ્રતિભાવોમાં એવું સાંભળવા મળ્યું કે, “કબાટમાં રાખી મૂકવા માટેના એવોર્ડસ સિવાય સાક્ષાત જગતમાં તેમની યોગ્ય કદર પાંખી રીતે થઈ હશે.”

અંતમાં ડૉ. ઝોહરાબેને ગાયેલું તેમનું પસંદગીનું ગીત તમારી સમક્ષ રજૂ કરું છું,

“ગુજરા હુઆ જમાના આતા નહીં દોબારા
હાફિઝ ખુદા તુમ્હારા
ખુશીયાં થી ચાર દિન કી, આંસુ હૈ ઉમ્રભર કે”

(ફિલ્મ “શિરીન ફરહાદ”-1956)


કૉલમ: “પાંજી બાઈયું”
લેખક: પૂર્વી ગોસ્વામી
Email: purvigswm@gmail.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED