Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ડૉ. ઝોહરા ઢોલિયા - ભાગ-૧ આજીવન વિદ્યાર્થી રહેવાના સંકલ્પધારી મહિલા ડો. ઝોહરા ઢોલિયા

"" લઠ્ઠબત્તી બાર મુંજો એરિંગ વનાણું
ઢોલરાંધ રમધે મુંજો એરિંગ વનાણું
એરિંગ જે ભદલે તોકે ઠોરીયા ધડાપ ડિંયાં ""

આ કચ્છી લોકગીતમાં ઢોલ પર રાસ રમતા પત્નીની એરિંગ ખોવાઈ જાય છે. જૂના વખતમાં ગામડી લોકો ટ્યુબલાઇટને લઠ્ઠબત્તી કહેતાં, પત્ની -પતિને ટ્યૂબલાઇટમાં એરિંગ શોધવાનું કહે છે પણ પતિને એરિંગ ન મળતા બદલામાં ઠોડીયા, હાર, ટીલડી વગેરે આભૂષણો લઈ આપવા કહે છે.
આ કચ્છી લોકગીત જ્યારે ઝોહરાબેને ગાયું ત્યારે તેની મીઠાશ કઈક ઔર જ હતી. આવાં તો કેટલાય કચ્છી અને રાજસ્થાની લોકગીતોનો ખજાનો ઝોહરાબેન પાસે છે. આ લોકગીતોને પામવા તેમને 8 વર્ષ લાગ્યા અને આખરે આ ખજાનાની પ્રાપ્તિ બાદ ઝોહરાબેન ઓળખાયા ડોં. ઝોહરા તરીકે. આજથી અઢી દાયકા પહેલાં જ્યારે માસ્ટર ડિગ્રી લેનારા લોકોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી તે સમયે મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી હિન્દી ભાષામાં ‘રાજસ્થાની ઔર કચ્છી લોકગીતોં કા તુલનાત્મક અધ્યયન' વિષય પર પીએચ.ડી. થનાર ડૉ. ઝોહરાબેન, કચ્છ અને ગુજરાતનાં પ્રથમ મહિલા પ્રાથમિક શિક્ષક હતા.
ડૉ. ઝોહરાબેને પોતાના સંશોધનમાં રાજસ્થાન અને કચ્છની લોકસંસ્કૃતિની ઝલક મેળવવા બંને પ્રદેશોના લોકગીતો પર ગહન અધ્યયન કર્યું. વિષય પર વધુ પ્રકાશ પડતાં તેઓ કહે છે, “રાજસ્થાની ગીતોમાં ભાવવાહી વર્ણન ખૂબ સરસ રીતે થયેલું છે, પણ કચ્છના લોકગીતો વધુ મીઠાં લાગે તેનું કારણ છે આપણી કચ્છી લોકબોલી. માંડવી, અબડાસા, મુંદ્રા તાલુકાના છેવાડાના ગામોમાં જઈને; ત્યાનાં લોકોની રહેણીકરણીને સ્વસ્તરે સાક્ષાત કરી છે. જ્યારે હું સંકલન દરમિયાન રેકોર્ડિંગ કરતી તો ઘણા લોકો ડરતાં કે હું તેને વિદેશમાં જઈને વેંચી વ્યવસાય કરીશ એટલે તેનું સંગ્રહ લખાણ દ્વારા શક્ય બનાવી શકાયું. મજૂરવર્ગ સાંજ પછી નવરા પડે એટલે અમુકવાર તો આખી રાત મેહફિલ જામતી. રાજસ્થાનમાં પણ મારા ભુતપૂર્વ વિદ્યાર્થીઓની મદદને લીધે ત્યાં રહેવાનુ અને લોકબોલી સમજવામાં ખૂબ સરળતા રહી. ત્યાનાં અમુક લોકગીતો એવા છે જેમાં ગુજરાતી ભાષાની છાંટ વર્તાય છે.
ડૉ. ઝોહરાબેન દ્વારા સંકલિત કચ્છી લોકગીતોની મજા કચ્છી માડું કેટલાય વર્ષો સુધી આકાશવાણી ભુજ પર નિયમિત રીતે સાંભળતા રહેતાં. આકાશવાણી દિલ્હીના ‘સાંસ્ક્રુતિક ભવન’ ખાતે વિસરાતા લોકગીતોનું આજીવન સંગ્રહ કરવામાં આવ્યું છે. યુવા જગતને પ્રેરણા આપનારા ડૉ. ઝોહરાબેન આકાશવાણી -ભુજ કેન્દ્રના સલાહકાર સમિતિના માનદ્પદનું ગૌરવભર્યું સ્થાન શોભાવી ચૂક્યા છે.
કામ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. કેટલાંક પગાર કે વળતર માટે કામ કરે છે, કેટલાક માન મળે એ માટે, કેટલાક અધિકારો ભોગવવા માટે, તો કેટલાકની મજબૂરી હોય કે પોતાને કે કુટુંબને ખાવા ભેગું કરવા નાછૂટકે ઢસરડો કરતા હોય છે. પરિસ્થિતિ મુજબ કામની રીતમાં ફર્ક આવતો હોય પરંતુ ડૉ. ઝોહરાબેન કહે છે કે, ‘શિક્ષકે પણ પોતાની શીખવાની રીત બદલવા તૈયાર રહેવું જોઈએ, જો તે વિદ્યાર્થીને સમજીને નવી પદ્ધતિમાં ઢાળવા માટે તૈયાર રહે તો કોઈ શૈક્ષણિક સમસ્યા લાંબી ટકી શકે નહીં.’ વ્યવસાયને સમર્પિત હોવાના તેમના વલણને લીધે તેઓ બાળકોના અભ્યાસી વાતાવરણમાં ફરક લાવીને તેમની ભણતરની ગુણવત્તામાં સુધારો લાવવાનો નવીનતમ પ્રયાસ સફળતાપૂર્વક કરી શક્યા. બાળકોનું ગૃહસ્થ વાતાવરણ અનેક પરિસ્થિતિઓને પરિણામે બદલી ન શકાય તેથી તેમણે શાળાકીય પર્યાવરણને પ્રકૃતિના મેળાપ સાથે શક્ય બનાવ્યું; જેનાથી બાળકોના પરિણામોમાં 40 ટકા જેટલો ધરખમ સુધારો આવ્યો. પરિણામે બાળકોની અનિયમિતતામાં તેઓ ઘટાડો લાવી શક્યા. ડૉ. ઝોહરાબેનનું કાર્ય બધાથી અલગ રહ્યું અને એટલે જ તો તેમને ડોં. પ્રેમિલા ઠાકરશી એવોર્ડ, કારાણી ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
તેમના આવાં અનેક શૈક્ષણિક પ્રયોગોની ચર્ચા દેશભરમાં થઈ તેના પરિણામે યુનેસ્કો અને રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદના સંયુક્ત ઉપક્રમે ‘તીનમૂર્તિ ભવન' ખાતે નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય સેમિનાર માટે ગુજરાતભરના 450 શિક્ષકોમાંથી પસંદ કરાયેલા 5 શિક્ષકો પૈકી સ્ત્રી શિક્ષિકા તરીકે પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર શિક્ષિકા ડૉ. ઝોહરાબેન હતા. આ પ્રતિભાવંત શિક્ષકોના અધિવેશનમાં તેમણે કરેલા શૈક્ષણિક પ્રયોગોનું દાર્શનિક નિદર્શન હિન્દી ભાષામાં વક્તવ્ય આપીને રજૂ કર્યું હતું.
આટલું જ નહીં, ડૉ. ઝોહરાબેનને સાહિત્ય, કળા અને શિક્ષણમાં એ જમાનામાં મસમોટા પ્રદાન બદલ માન. રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માના વરદ હસ્તે 1992માં શ્રેષ્ઠ શિક્ષિકાનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થઇ ચૂક્યો છે.
ત્રણ દાયકાથી વધુ સમય સુધી ભુજમાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવ્યા બાદ સ્વૈચ્છીક નિવૃતિ લીધી. ‘યોગ્ય સમયે શાળાકીય વાતાવરણમાં બદલી ન કરી આપવું, એજયુકેશન ઈન્સ્પેકટરના પદ પર પ્રમોશન ન આપવું; જોકે ત્યારે ઈન્સ્પેકટર માત્ર બી.એડ કરેલા હતા છતાય આવા બધા કારણોને લીધે વ્યવસાયના તેમના અનુભવ અને ઉચ્ચ અભ્યાસને નજર અંદાજ કરવામાં આવ્યું અને તેથી જ તેમને સ્વૈચ્છીક નિવૃતિ તરફનું પગલું આગળ ધર્યું. ત્યારપછી તો તેઓ શિક્ષણજગતના પાયાના પત્થર વખતસિંહજીના કહેવા પર આશાપુરાના સ્કૂલના પ્રિન્સિપાલ અને બી. એડ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપીને ઘણાય નવા શિક્ષકો તૈયાર કર્યા છે.
હજુ સમાજસેવિકા તરીકે તેમની કામગીરીને આપણે આવતા અંકમાં જોઈશું કે, ત્યાં તેમણે કરેલા કામની કદર યોગ્ય રીતે આલેખાઈ છે કે કેમ?
આજના અંકમાં શિક્ષક દિવસની પૂર્વ ઉજવણી પર્વે કચ્છના શ્રેષ્ઠ શિક્ષિકા ડૉ. ઝોહરાબેનને સત સત નમન.!!


કૉલમ: “પાંજી બાઈયું”
લેખક: પૂર્વી ગોસ્વામી
Email: purvigswm@gmail.com