રંગ સંગમ - 6 - છેલ્લો ભાગ Rupal Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગ સંગમ - 6 - છેલ્લો ભાગ

રંગ સંગમ (ભાગ-૬)

I thank all my readers for reading my story, liking it and encouraging me through their comments. Many many thanks :)

यूँ ना खिंच मुझे अपनी तरफ बेबस करके

ऐसा ना हो खुद से भी बिछड़ जाऊँ और तू भी ना मिले..


રોમાની આંખો સ્ક્રીન પર સ્થિર રહી ગઈ. રાગ સાથેનો એક સંવાદ યાદ આવી ગયો.

રાગને પ્રાણીઓ,કુદરત,જાણીતા-અજાણ્યા ચહેરોને કેમેરામાં કેદ કરવાની હંમેશા તાલાવેલી રહેતી. પોતાના પાડેલા ફોટો ફેસબુકમાં તો મુકતો જ પણ જાતજાતની સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો. રોમા એના આ શોખને હસી કાઢતી.

” સમય કોને છે આ બધું કરવા, તું નકામો નવરો બેઠો હોય તેમ આવું શું કરતો રહે છે?” રાગને આ રીતે ટોકાવવું પસંદ નહોતું. એને તો નોકરી છોડી દૂર ક્યાંક પોતાની ટ્રાવેલ એજન્સી ખોલવી હતી. પર્વતો અને નદીઓમાં જઈને વસવું હતું.

” રોમા, તને નહીં સમજાય. તું માણસ કરતા મેનેજર વધારે છે. જાત માટે સમય કાઢીને ગઈ છો ક્યાંય ? તો તને કોઈ જગ્યા ગમે, કુદરતની મજા કોને કહેવાય તે ખબર પડે.”

વિમાન લેન્ડ થતાં રોમાને વર્તમાનમાં આવવું પડ્યું. વિચારોમાં ઘૂમરી મારતી એ જેમતેમ કરીને ટેક્સીમાં બેઠી. રોમાને માટે એકાંત એકાએક મહત્વનું બની ગયું હતું. વળી, પિતા એના મનમાં ચાલતા વમળ વિશે જાણે નહીં તેની તકેદારી રાખવી જરૂરી હતી. તે એરપોર્ટથી ઘરે જવાને બદલે મોંઘીદાટ હોટેલ પર પહોંચી.. જલ્દીથી રાગની પ્રોફાઈલ ખોલી. રાગ નદી-પર્વતોમાં જઈને વસ્યો હતો. એને પોતાને ગમતું કામ મળી ગયું હતું. ફોટાઓ તપાસતાં એ પણ ખ્યાલ આવી ગયો કે તે ત્યાંની જ એક છોકરીને પરણી ગયો હતો, એટલું જ નહીં, એક બાળકનો પિતા પણ બન્યો હતો !

દિલ તૂટે તો અવાજ ન આવે તે કોઈકે સાચું જ કહ્યું છે. રોમા પાસે હવે કઈ બાકી બચ્યું નહોતું. એક અત્યંત સફળ લીડર આજે પોતાની જાતને એક લૂઝર તરીકે જોઈ રહી હતી. બધે જ ખાલીપો જણાતો હતો. ક્યાં જવું કોની પાસે જઈને દુઃખને રડવું એ પણ સમજાતું નહોતું.

રોમાએ હિમ્મત ભેગી કરી બે દિવસ બાદ ઘરે જવા ફેંસલો કર્યો. એ દિવસે વંદન પણ પરત ફરનાર હતો. આવીને તરત જ તેણે રોમાને મળવા કોશિશ કરી જે નાકામયાબ રહી. રોમા કઈ કહ્યા વગર રજા પર ઉતરી ગઈ હતી. તેના પિતા ફક્ત એટલું જ જાણતા હતા કે તે કોઈ જગ્યા પર લાંબી રજાઓ ગાળવા માંગતી હતી માટે સિમલા તરફ ગઈ છે.

વંદન હજુ પણ ચિંતિત હતો. પોતે કોઈ કાળે રોમાના પ્રેમને સ્વીકારી શકે તેમ નહોતો પણ પોતાને લીધે રોમા કોઈ ખોટો નિર્ણય ન લે એ ચિંતા પણ કોરી ખાતી હતી. અસંખ્ય વાર પ્રયત્ન કર્યા પછી રોમાએ વંદનનો ફોન રિસીવ કર્યો.

” રોમા, આર યુ ઓલરાઇટ ? પ્લીઝ તમે …”

” હા વંદન..હું બરાબર જ છું. ” તેના અવાજમાં ઉદાસી પડઘાતી હતી, થોડું અટકીને તે બોલી,” મારી ચિંતા ન કરશો. જરા રોજની દોડધામમાંથી ફુરસત કાઢી બહાર નીકળી જવા મન થયું છે. મેં જીવનમાં ક્યારેય પાછું વાળીને જોયું નથી; જાત સાથે સમય ગાળ્યો નથી. નથી તો કુદરતી સૌંદર્ય માણ્યું. બિઝનેસ, ટાર્ગેટ્સ, મીટિંગ્ઝ અને કેરીઅર પાછળ દોડતી રહી છું. મશીન બની ગઈ છું” માંદલું હાસ્ય આપી આગળ કહેવા લાગી,” વંદન મને રાગ મળી ગયો છે. પણ હવે એ ય તમારી માફક મારે હાથ લાગે તેમ નથી. રાગ એના ફેમિલી સાથે રહે છે. બસ, એકવાર એને મળવા ઈચ્છા છે, માફી માંગવા મન છે. એ પછી થોડો સમય ફરીશ અને પરત આવીશ.”

વંદન રોમાના ટોનમાં આવેલા ફેરફારથી અવાચક હતો. ક્યાં પ્રખર, પ્રચંડ વહેતા ધોધ જેવી મારકણી રોમા અને ક્યાં આ શીતળ લહેરખીની માફક વહી જતી રોમા. પ્રેમ ધારે તો શું ન કરાવી શકે ?

” ઓકે. તમારું ધ્યાન રાખજો અને રોમા પ્લીઝ મને માફ કરજો. હું તમારો મિત્ર બની શકીશ પણ…”

” ઇટ્સ ઓકે વંદન..હું કોઈ આશા રાખી શકું એમ જ નથી..તમારી પાસે કે રાગ પાસે. મેં પ્રેમ કરતા શીખ્યો જ નથી એટલે સજા પણ એના માટે જ મળી હશે એમ માનું છું. આમેય જીવનમાં કોઈ સંબંધો ક્યાં પૂર્ણ હોય છે. રંગોળીના રંગોની માફક એકમેકની આજુબાજુ ગોઠવાયેલા રંગોનું એકલું શું વજૂદ છે ? રંગ અને આકાર બંનેના બેસાડેલા બીબામાં ઢાળેલી આપણી જિંદગી છે. જરા વિચારો શું હેસિયત છે એક આકર્ષક રંગોળીની જો તેને એક ઠોકર વાગે ? બધું વેરવિખેર થઇ જાય. રંગો રેલાઈ જાય.”

રોમાએ ડૂસકું દબાવતાં કહ્યું, ” રાગ જેવા માણસને મેં ખોયો તેનો મને ભારે પસ્તાવો છે. અને તમારા જેવા સાથીને પામીને હું કૃતકૃતાર્થ થઇ હોત પણ એ ય મારા નસીબમાં નહોતું.”

” મારી દ્રષ્ટિએ એવું નથી રોમા.. એવું ન લગાડો..! અલગ અલગ આકારો અને રંગથી બનેલી રંગોળી તો જ સુંદર દેખાય જો એ બધા એકમેકની સાથે રહે. એકમેક વગર સાચે જ તેનું વજૂદ નથી એ વાત ચોક્કસ. નાના બાળકોને રંગોની ઓળખ અપાય ત્યારે એ કોઈ આકારમાં ઢાળીને અપાય છે. પણ એ જ એકલો રંગ બીજા રંગો જોડે ગોઠવાય તો કેટલો નયનરમ્ય લાગે છે. આ રંગો એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિના હોવા છતાં જોડે જ શોભે છે. લાલની બાજુમાં લીલો. એના પછી પીળો. પીળા પછી બ્લુ અને એ રીતે આખી રંગોળી સર્જાય છે. અને હા, તમે કહ્યું તેમ સંબંધોનું પણ રંગોળીના રંગો જેવું જ છે; એક ઠોકર વાગે ને હાલહવાલ થઇ જતા હોય છે.”

રોમા ધ્યાનથી વંદનની વાત સાંભળી રહી હતી.

” રોમા, રંગોળીની વાત છોડો..કોઈ દિવસ સાંજે બેસીને આકાશમાં પથરાતા રંગો જોજો. આ રંગોનો સંગમ અનોખી રીતનો હોય છે. ત્યાં કોઈ નિયમ નથી, કોઈ કાયદો નથી. વાદળી આકાશમાં ગુલાબી, લાલ, કેસરી, પીળો તમામ રંગો ગમે ત્યાં સ્થાન લે છે. છતાં તેમની સુંદરતા રંગોળીને ટક્કર મારે તેવી લાગે છે. આ રંગો ઢળતી સાંજની સાથે બદલાય છે, આકાર પણ બદલે છે છતાં આકાશમાં દરેકનું એક આગવું સ્થાન રહે જ છે. માણસના જીવનમાં કેટલાક સંબંધોનું આવું જ હોય છે. એનું કોઈ નક્કી કરેલું સ્થાન નથી હોતું..કોઈ નામ નથી હોતું..છતાં એ સંબંધ એની સુંદરતા શોધી જ લે છે…..

……….. મારું એટલું સદ્ભાગ્ય કે મેં અંતરાને ગુમાવી અને પાખીને મેળવી. અંતરા ફરી મને મળી છે પણ એ સંબંધનું હાલ તો કોઈ નામ નથી…. હું સદાય તમારો મિત્ર રહીશ, અને તમે મારા પરિવારની જેમ ગમે ત્યારે ઘરે પણ આવી શકો છો. ફરીથી એટલું કહીશ, સ્વસ્થ રહેજો અને જીવનને માણજો. અને હા…ફરી કોઈ રંગ તમારા જીવનમાં નહિ આવે તેવું માનીને ચાલશો નહિ. જીવન એક અગાધ આકાશ સમાન છે…કોઈને કોઈ રંગોળી ક્યારેક ચોક્કસ આકાર લે છે.ખુશી એ વાતની છે કે તમે એક ટીનેજરની જેમ પ્રેમમાં ભલે પડ્યાં પણ જાતને સંભાળી લીધી..પ્રેમ આપવાની વસ્તુ છે અને બદલામાં ન મળે તો વેર લેવાની વૃત્તિ જતી કરી પ્રિયપાત્ર માટે ખુશી ઇચ્છવી એ બહુ સારી બાબત છે. રાગને મળવાની તમારી તૈયારી એ દર્શાવે છે. મને ડર હતો એવું કઈ તમે કર્યું નથી એ માટે આભારી છું. હું થોડો ગભરાયો’તો કેમકે હું એક જુદી રોમાને ઓળખું છું.” વંદને હળવાશ લાવવા માટે એક નાનકડું હાસ્ય ઉમેર્યું.”

રોમા હસી પડી. ” તો પછી હું તમારા આ અબાધિત આકાશમાં ગમે ત્યારે આવી ચડીશ..અને બીજા રંગોની જેમ એક રંગ બની ભળી જઈશ.”

” ડન.” વંદને જવાબ આપ્યો. ફોન પરની વાતચીત પુરી થઇ.

એક વર્ષ બાદ…

રોમાની વાત કરીએ તો એ ફરી નોર્મલ થવા લાગી હતી. ડાયવોર્સ લઈને અંતરા ભારત પાછી આવી ગઈ હતી. ઇશાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તે ફરી પરણવા તૈયાર નહોતી. વંદન અને અંતરા નિયમિત મળતાં હતાં. પોતાને ત્યાં થતી પાર્ટીઝ વગેરેમાં રોમા અચૂક વંદન અને અંતરાને આમંત્રણ આપતી. વંદનના જીવનમાં તે એક રંગનું લેયર બનવા જેટલી પરિપક્વ બની હતી.

એક મુલાકાતની સાંજે દરિયાની રેતીને હાથમાં રમાડતી અંતરા, વંદનની બાજુમાં બેઠી હતી. ઈશા રંગબેરંગી ફુગ્ગાઓથી રમતી હતી. ક્ષિતિજ પર સૂરજ આથમવાની શરૂઆતમાં હતો. ઈશા અને વંદનનું એકમેક સાથેનું વર્તન એક પ્રેમાળ પિતા-પુત્રીની ઝાન્ખી કરાવતું હતું. આ તરફ વંદન પાસે હવે અંતરા માટેનો પ્રેમ છુપાવવા બહાનું પણ નહોતું. તે ઈશા અને અંતરા બંનેનો પોતાની જિંદગીમાં સમાવેશ કરવા આતુર હતો.

આખરે અંતરાએ ઢળતી સુંદર સાંજની સાક્ષીએ વંદનના પ્રેમને મહોર મારી હતી. બંનેએ ટૂંક સમયમાં સાદાઈથી લગ્ન કરવા નક્કી કર્યું હતું.

વાદળી આકાશ પરથી ઠેરઠેર સફેદ રૂના પૂણી જેવા વાદળ હટયાં હતાં અને ગુલાબી રંગ પથરાઈ રહ્યો હતો. ઇશાના હાથમાંથી ફુગ્ગાઓનો સમૂહ આકાશમાં ઊડ્યો. એકાધિક મિશ્રિત રંગોની સાંજમાં ફુગ્ગાઓના રંગો નાના ટપકાની જેમ જોડાઈ ગયા, રંગોનો આ મહા સંગમ વંદન અને અંતરા નિહાળી રહયાં.

Sunsets are proof that no matter what happens, every day can end beautifully.

સમાપ્ત
Rupal Vasavada