ગૃહિણી Bhavika Gor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગૃહિણી

ગૃહિણી


ગૃહિણી એટલે... મારી મમ્મી, કાકી, ભાભી, અને મોટી બહેન, પણ હું નથી! મને બનવું પણ નથી! સાચું તો એ છે કે હું બની જ નહીં શકું ક્યારેય!!

Lockdown ના એક અઠવાડિયા પહેલાં હું કોલેજ હોસ્ટેલ થી ઘરે આવી. આમ હોસ્ટેલ થી પાછું ઘરે આવીએ તાણે બહુ કામ ઉકલે હો! કેમ કે ત્યાં માત્ર ખાઓ-પીઓ અને પોતાની ચમચી ધોવો. એટલે મેં પણ હોંશ માં આવી મહારાજની જેમ મમ્મી પર અનહદ પ્રેમ વરસાવી કહી દીધું “જા, મમ્મી જા,... તું પણ તારા મમ્મીનાં ઘરે જઇ આવ... તું પણ શું યાદ કરીશ તારી દિકરીના રાજ ને".

અને સાચ્ચે! મમ્મી બીજા દિવસે સવારે જ મારા ઉઠવા થી પહેલાં જ નાનીના ઘરે ચાલી ગઈ. મારા માટે નાસ્તાના વાસણ મુકીને!!...પણ ત્યારે તો હું હોંશ માં હતી એટલે ગીત ગાતાં ગાતાં કામ કરવાનું ચાલુ કર્યું... પહેલાં નાસ્તાના વાસણ પછી રસોડાની સફાઇ, પછી બધાનાં કપડાં, પાણીની બોટલ ભરીને જાડું ફટ્ટા...હાશ... પછી ઘડિયાળ સામે જોયું તો પાછો બપોરનાં ભોજનનો સમય!!...

ફરી પાછી રસોઈ, વાસણ, સફાઇ, પછી વળી સુકેલા કપડાં લઈ વાળી ને રાખો, થોડી વાર બેસો ન બેસો ને પાછો રાતનો ભોજન અને પાછી એ જ મથામણ...એ બધું તો તોય ઠીક પણ આ લોકોનાં... કપડાં ક્યાં છે ? પર્સ ક્યાં છે ? કાગળીયા ક્યાં છે ? આ‌‌ ? ને ઓલું ? ને ખબર નહીં કેટલુંય ?? આ બધાં થી વધારે મારો મગજ ચડતો અને એના પરિણામે માત્ર બે જ દિવસમાં મેં મમ્મીને પાછો બોલાવી લીધી.

જેવી મમ્મી ઘરે આવી એટલે...“તે તારા છોકરાઓને કાંઈ નથી શિખવાડ્યું! પોતાના કપડાં શોધતા પણ નથી આવડતું, જમવાનું હાથેથી લઈને દો, જરાક પણ મદદ ના કરાવી કોઈએ! તે જ બગાડ્યું છે! હવે તું જ સંભાળ!!"એવું ગુસ્સામાં કહીને હું અંદર હાલી ગઈ. થોડી વારમાં શાંત થઈ ત્યારે દુઃખ થયું પણ હું સમજી ના શકી કે હું કેમ આટલી કંટાળી ?? થોડી વારનાં મંથન બાદ‌ યાદ આવ્યું કે આટલાં સમય સુધી હું માત્ર મમ્મીને મદદ કરતી કાંઈ ચિંતા નહોતી પણ અત્યારે જ્યારે મન મગજ બધાં માં આ જ હતું એટલે હું સાચવી ના શકી!! હજુ એ વાતનો સાક્ષાત્કાર થયું એટલામાં તો પ્રશ્ર્ન આવી ને ઉભો રહી ગયો, મમ્મી આ રોજ કેમ સહન કરતી હશે!?

છેવટે મેં મમ્મી માટે એક આંદોલન વિચાર્યું... શાંતિ થી બન્ને ભાઇઓને અંદર બોલાવ્યાં, અને સમજાવ્યું“જો તમને ખબર છે કે મમ્મીને ઘુંટણમાં દુખાવો રહે છે,જો તમે મદદ નહીં કરો જરાય, તો એ બિલકુલ બેસી જાસે... હમણાં બધાં ઘરે જ છીએ તો હું શિખવાડીશ તમે મારા હોસ્ટેલ ગયા પછી કામ કરાવજો!..." આટલું તો એ બન્ને એક આદર્શ વિદ્યાર્થી જેમ સાંભળે તેમ સાંભળ્યું, પણ જેવું હું ચુપ થઈ એટલે એવી રીતે હસ્યાં જાણે આદર્શતા નો ઢોંગ પતાવી પરવડયા હોય. કાંઈ પણ વધારે ન બોલ્યાં બસ તું રેવા દે કહીને ચાલ્યા ગયા. મારાં ગુસ્સાનો પારો ચડ્યો, હું સીધી પપ્પા પાસે ગઈ ને બળવો કર્યો. હું શાંત નહીં થાઉં એમ સમજી પપ્પા એ મારા પક્ષમાં ચુકાદો આપ્યો અને જ્યાં સુધી ઘરમાં જ રહેવાનું છે ત્યાં સુધી બધા કામમાં મદદ કરશે એવું નિયમ બનાવ્યો... હું પોતાની જીતની ખુશીમાં ભાઈઓને રુઆબ દેખાડતી વાસણ કરવા ચોકડી તરફ લઈ ગઈ. એ દિવસ તો સરસ પસાર થયો પણ બીજા દિવસે....

બીજા દિવસે હું કાંઈક ઘરનું લેવા ગઈ તી પાછી આવી તો પપ્પા છાપું વાંચતા હતા અને ભાઇઓ બેઠાં હતાં ફોનમાં!! ટેબલ પર નાસ્તાના વાસણ એમને એમ પડ્યા હતા. હું નિરાશા થી પપ્પાને જોઈ રહી પપ્પા પણ માફી માંગી કાંઈક કામ છે એમ કહીને ચાલ્યા ગયા ભાઈઓને કે જે ઈ મદદ કરાવશે, પણ પપ્પા ન હોય તો એ તો ક્યાં માનવાના??

મને કંટાળેલી જોઈ મમ્મી એ કહ્યું, “તુ જ કહે છે ને કે ઈશ્વરની રચના મહાન છે બસ સમજવામાં કઠિન છે, ભગવાને સ્ત્રીઓને જ આવી જિણવટ વાળી બુધ્ધી આપી છે ‌કે તેઓ ઘર સંભાળી શકે. આ એક મકાન નથી કે નથી એમાં પાંચ લોકો રહેતા, બેટા... આ ઘર છે જ્યાં પાંચ મન રહે છે, પાંચ મગજ રહે છે અને બધાં ને વિશ્ર્વાસ છે કે અહીં તેઓ મનગમતું જીવી શકશે...એ જળવાઈ રહે એટલે ભગવાને મને આવી ઝિણવટ, આવી કુદરતી સમજ આપી છે. તમારાં મન ને વાંચી શકે એવો મન અને તમને સમજાવી શકે એવો મગજ...આ માણસો પાસે દુનિયાની કઠોરતા ઝિલવાની શક્તિ હોય અને સ્ત્રી પાસે હદયની મર્મતા સમજવાની..."આવું કહેતા કહેતા મને મમ્મીનાં મુખ પર કાંઈ અલગ જ દેખાયું... કદાચ પોતાનાં વખાણ જાતે કરવાની નિરાશા!!

પણ મમ્મી સાચી હતી અને હું જ અંજાન, કારણ કે પપ્પા ને મેં જોયેલો છે ઘરનુ કામ નથી કરતા પણ... જ્યારે પણ મમ્મી અકળાય અને ન બોલવાનું પણ બોલે તો પપ્પા હંમેશ શાંતીથી સાંભળે અને છેલ્લે રમૂજ વર્તન કરી મમ્મીને હસાડે.ત્યારથી જ હું સમજી કે મમ્મીને કે કોઈ પણ ગૃહિણીને સહકાર કરતાં સહભાવ કે સહપ્રેમની જરૂર છે...


બસ ત્યારથી હું રોજ મમ્મીને મદદની સાથે એને એનાં જમાનાની વાતો પૂછતી, એના મારા બાળપણની વાતો, નવી નવી રસોઈઓ, એનાં ફોટા પાડી સ્ટેટ્સ પર મુકવા એના કેવાં રિપલાય આવ્યાં એ કહેવું...ઘર સિવાય દુનિયાની વિજ્ઞાનની વાતો કહેતી...એ બધું જાણી મમ્મીનાં ચહેરા પર જે સ્મિત આવતું એ મને અનહદ આનંદ અને સંતોષ આપતું.

મારી એક ગેરસમજ પણ હતી જેમાં હું ગૃહિણીઓને દયાપાત્ર સમજતી, પણ હવે સમજાયું છે જો મારી મમ્મી આ દુનિયાની વિશાળતા થી અંજાન હોય તો જિમ્મેદાર હું જ છું!! તેઓ પોતાનું જીવન સમર્પિત કરી ઉત્તમ બનાવે છે...આપણા જીવનને શૂન્યમાંથી શ્રેષ્ઠ બનાવે છે... તો એમનું જીવન ઉત્તમ માંથી શ્રેષ્ઠ બનાવવા ની ફરજ આપણી જ છે.